Opinion: ગુંડા તત્વો સામે કેવી કાર્યવાહી જરૂરી?

ગુજરાતમાં ઠેર ઠેર ગુનાખોરીની પ્રવૃત્તિઓ દિવસે-દિવસે વધી રહી છે. શાંતિમય સમાજમાં આતંક અને ડર ફેલાવવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે. અત્યારના સમયમાં દેખાવ કરવો, લોકોને ડરાવી-ધમકાવી પોતાનું કામ કઢાવવું જાણે સામાન્ય બની ગયું છે. ઘણા એવા લોકો છે, જે પોતાનું વર્ચસ્વ બનાવવા માટે નાના માણસને કચળી નાખે છે. એવી જ એક ઘટના અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં બની, જ્યાં અમુક લુખ્ખા તત્વોએ રાહદારીઓ પર તલવાર અને છરીથી હુમલો કર્યો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો.

આવી ઘટનાઓથી સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે, પણ સાથે સુરક્ષા અને કાયદા-વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. અસામાજિક તત્વોમાં કાયદાનો ડર ઊભો કરવો અનિવાર્ય છે, જેથી ગુનાખોરી પર અંકુશ આવે. પરંતુ આવી ઘટનાઓને રોકવા માટે સમાજ, સરકાર અને કાયદાના રક્ષકોએ સંયુક્ત રીતે કેવાં પગલાં લેવાં જોઈએ, તેની ચર્ચા જરૂરી બની છે. આ વખતના ઓપિનિયન વિભાગમાં જાણો અલગ-અલગ વર્ગના લોકો આ મામલે શું કહે છે…

પ્રમીલા રામજીભાઈ, ASI, અમદાવાદ
અસામાજિક તત્વો સામે કાયદા તો બનાવવામાં આવ્યા છે, અને આ કિસ્સાથી પોલીસ તંત્રને પણ સમજાયું છે કે કડક કાર્યવાહી વિના આ લોકો સુધરશે નહીં. આપણા ગુજરાતને જે સુરક્ષિત રાજ્યની ગરિમા મળી છે, તે યથાવત્ રાખવાની છે. એટલા માટે જ સરકાર સાથે મળીને પોલીસ પૂરા એક્શન મોડમાં આવી છે. જેમ કે, આવા અસામાજિક તત્વોની જાણ થતાં જ તેમને તાત્કાલિક પાસા કરી દેવા, દરેક પોલીસ સ્ટેશનમાં તેમની જાણ કરી દેવી. આવાં પગલાંથી અસામાજિક તત્વોમાં ભય પેદા થયો છે. આવા લોકોને પોલીસ દ્વારા છોડવામાં આવતા નથી, અને જેમ બને તેમ વધુ કડક કાર્યવાહી કરવામાં આવે છે.

પાર્થ રાવલ, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ, સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ
અસામાજિક પ્રવૃત્તિઓમાં દારૂ, ડ્રગ્સ, જુગાર, સ્મગલિંગ, હપ્તા ઉઘરાવવા, વ્યાજખોરી વગેરેનો સમાવેશ થાય છે. જે લોકો રસ્તા પર ઉતરીને આતંક મચાવતા હોય છે, તે મુખ્ય સૂત્રધાર કે માસ્ટર માઇન્ડ વ્યક્તિ હોતા નથી. કોઈ પણ ઘટનાના માસ્ટર માઇન્ડ પોલીસ ખાતાના જ અમુક ઉચ્ચ અધિકારીઓની રહેમરાહે આવી પ્રવૃત્તિ કરતા હોય છે. મુખ્ય વ્યક્તિ અને તેના માણસોનું મુખ્ય આર્થિક પીઠબળ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી થતી આવક છે. આતંક મચાવાની ઘટનાઓ પર નિયંત્રણ લાવવું હોય તો ગેરકાયદેસર ધંધા સદંતર બંધ કરવા ખૂબ આવશ્યક છે. હાલમાં અસામાજિક તત્વો પર કાયદેસર કાર્યવાહી તેમજ તેમની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. પરંતુ આવા લોકોના માસ્ટર માઇન્ડને પકડી પાડવા અને જે અધિકારીઓની રહેમરાહે તેઓ આગળ વધતા હોય, તે અધિકારીઓ સુધી પહોંચીને તેમના પર કાર્યવાહી કરવાની જરૂર છે. અત્યારે માત્ર સરકારના દબાણ હેઠળ ઉપરછલ્લી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાના મુખ્ય સૂત્રધાર કે માસ્ટર માઇન્ડની જેની સાથે સાંઠગાંઠ છે, તેમના પર તો કાર્યવાહી થતી હોય એવું લાગતું નથી, જે થવું ખૂબ જરૂરી છે. તથા મારામારી અને શરીરને લગતા ગુનાઓ કરતા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટી (પાસા), તડીપાર તથા એકસરખા વધુ ગુનાઓ ધરાવતા ગુનેગારોની જામીન રદ કરવાની કાર્યવાહી કરીને અસામાજિક તત્વો પર અંકુશ લાવી શકાય છે.

ડિમ્પલ વરિંદાની, પ્રેસિડેન્ટ, હેલ્પીંગ હેન્ડ્સ ટ્રસ્ટ
આવા કિસ્સાઓમાં પોલીસે થોડું કડક બનવું પડશે, જેથી એક ઉદાહરણ ઊભું કરી શકાય કે આવી ગુનાખોરીની પ્રવૃત્તિનો ભાગ બનશો તો પોલીસ અને કાયદો છોડશે નહીં. પોલીસે પેટ્રોલિંગમાં પણ વધારો કરવો જોઈએ. પોલીસ પોતાની રીતે પોતાનું કામ તો કરશે જ, પરંતુ આપણે પણ આપણાં બાળકોને આવી પ્રવૃત્તિઓનો ભાગ ન બને તે માટે સમજાવવાં જોઈએ. આપણે દરેક વસ્તુ સરકાર અને અધિકારીઓ પર ઢોળી દઈએ એ કેમ ચાલે? ક્યાંક આપણી પણ જવાબદારી છે. સમાજ સુધારણાની શરૂઆત ઘરથી જ થાય છે. જો આપણા ઘરમાં એવી માનસિકતા ધરાવતા લોકો હશે, તો સમાજ કેમ સુરક્ષિત રહેશે? એટલે આવા કિસ્સાઓથી થોડું સમજીને આપણે એવું કરવું જોઈએ કે આપણાં બાળકો આવી પ્રવૃત્તિઓમાં ન જોડાય.

પ્રિયા દવે, ડિરેક્ટર ઓફ હોમ અફેર્સ, અમદાવાદ
કોઈપણ જગ્યાએ બે વસ્તુઓ સામાન્ય રીતે જોવા મળે છે, એક સારી અને એક ખરાબ. ખરાબ વસ્તુ જેને આપણે અસામાજિક તત્વો કહીએ છીએ તે છે. આ પ્રકારના લોકો માટે પોલીસ અને સરકાર કાર્યરત હોય જ છે. એવું નથી કે કાયદા બન્યા નથી, કાયદા તો છે, પણ ઘણી વખત એવું બને છે કે કોઈ ને કોઈ કારણસર આ લોકો હાથમાંથી છૂટી જાય છે. જ્યારે પણ મારા પરિવારનો સદસ્ય ઘરની બહાર હોય ત્યારે આવા લોકોને કારણે હું ચિંતામાં રહું છું. સરકારે અને પોલીસે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે ઓછા લોકોમાં પણ આખા શહેર પર ચાંપતી નજર રહે. ટેકનોલોજીના ઉપયોગથી આ શક્ય બનાવી શકાય છે. આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી આવું કરનારાઓમાં ભયનો માહોલ ફેલાય. આ ઉપરાંત જ્યાં સુધી પોલીસ પહોંચે ત્યાં સુધી આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. આખરે આવા લોકોની સંખ્યા કેટલી હોય છે? એક, બે, ત્રણ કે દસ… તેની સામે સારા લોકોની સંખ્યા હંમેશા વધુ જ હોય છે. બીજી બાજુ, આપણે બાળકોને નૈતિક મૂલ્યો શીખવવાં જોઈએ, જેથી આપણું બાળક આવી પ્રવૃત્તિનો ભાગ ન બને.

યોગેશ ચરડવા, ખાનગી કંપનીના સેલ્સ એક્ઝિક્યુટિવ, અમદાવાદ
જો “જ્યાં ગામ હોય, ત્યાં અવેડી અવશ્ય હોય જ” અને એવું નથી કે આવા લોકો સામે કાયદા-કાનૂન નથી. કાયદા અને કાનૂન છે જ, પરંતુ આ કાયદામાંથી આવા લોકો છટકબારી શોધતા હોય છે, જે તેમને મળી જાય છે. સરકારે આ કાયદાને એવા ફૂલપ્રૂફ બનાવવા જોઈએ કે આવા લોકો હાથમાંથી નીકળી જ ન શકે. આવા લોકોને એક વખત જેલમાં નાખ્યા પછી જામીન મળવા જ ન જોઈએ. આવા લોકો એવું વિચારતા હોય છે કે કંઈ પણ કરીશું તો જામીન મળી જશે. જ્યારે ગુનો સાબિત થાય ત્યારે આર્થિક દંડ પણ વસૂલવો જોઈએ. જે વોટ્સએપ દ્વારા ફરિયાદ કરવાની નવી સુવિધા મળી છે, તેમાં તથ્યોના આધારે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી સુવિધા પણ ઉમેરવી જોઈએ.

(તેજસ રાજપરા, અમદાવાદ)