કોમેડી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાઃ શું જરૂરી?

કોમેડિયનની અભિવ્યક્તિની સ્વતંત્રતા એ એક એવો મુદ્દો છે, જે લોકશાહી સમાજમાં હાસ્ય, સર્જનાત્મકતા અને સામાજિક સંવેદનશીલતા વચ્ચેના સંતુલનને પડકારે છે. એક તરફ, કોમેડી એ સમાજનો અરીસો છે, જે રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક મુદ્દાઓને રમૂજ સાથે ઉજાગર કરીને લોકોને વિચારવા મજબૂર કરે છે. બીજી તરફ, જ્યારે આ હાસ્ય વ્યક્તિગત માનહાનિ પણ કરી શકે છે. જ્યારે આ હાસ્ય કોઈ સમૂહ, દેશ અને ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડે છે, ત્યારે તેની સીમાઓ પર સવાલ ઉઠે છે. થોડા સમય પહેલાં કોમેડિયન સમય રૈના સાથે થયેલો વિવાદ એનું ઉદાહરણ છે.

એ પછી હમણાં કોમેડિયન કૃણાલ કામરાના વિવાદથી એક પ્રશ્ન ઉભો થાય છે કે શું કોમેડિયનની અભિવ્યક્તિ પર તરાપ મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે? જ્યારે હાસ્યની આડમાં કરાતી ટિપ્પણીઓ રાજકીય અને સામાજિક વિવાદોનું કારણ બની રહી છે, ત્યારે આ વખતના ઓપિનિયન વિભાગમાં જાણો કે આ મામલે અલગ-અલગ વર્ગના લોકો શું કહે છે…

સી. પી. રાઠોડ, એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ

ભારતીય બંધારણમાં આર્ટિકલ 19 દેશના દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે. આ કેસમાં કામરાએ કોઈનું નામ લીધું નથી, ફક્ત કટાક્ષ કર્યો છે, જે તેમની વ્યક્તિગત પસંદગી છે. હાલનો માહોલ ડિક્ટેટરશિપ તરફ જઈ રહ્યો હોય એવું લાગે છે, જ્યાં તમે તમારા વિચારો મુક્તપણે વ્યક્ત કરી શકતા નથી. લોકશાહી દેશમાં આવું વર્તન દેશના વિકાસ માટે સારું નથી. પહેલાંના સમયમાં નામ સાથે કે વગર કટાક્ષ થતા હતા, પણ ત્યારે એફઆઈઆર નહોતી થતી. હવે આડકતરી ટિપ્પણી પર સ્ટુડિયો પર હુમલા થાય છે, જે સરકાર વિરુદ્ધ બોલવા પર કાયદાનો ડર દેખાડે છે.

ઋષિ ઠેકડી, વિદ્યાર્થી (સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવાર), અમદાવાદ

કાયદો દરેક નાગરિકને બોલવાની છૂટ આપે છે, પણ આપણે દેશ કે ધર્મ વિશે ખરાબ ન બોલવું જોઈએ. અભિવ્યક્તિની છૂટ હોવા છતાં, રાજનીતિ ક્યારેક તેને ખરાબ બનાવે છે. અગાઉ કંગના રનૌત સાથે પણ આવું થયું હતું. મારા મતે, બળજબરીથી અભિવ્યક્તિ છીનવી લેવી યોગ્ય નથી. આપણી પાસે કોર્ટ છે. જો કોઈ ખોટું બોલે તો કાયદાનો સહારો લઈ શકાય. આ કેસમાં કામરાએ નામ લીધા વગર કટાક્ષ કર્યો, જે મને વિવાદનો મુદ્દો નથી લાગતો.

ભૌતિક ચાવડા, પીએચડી સંશોધન વિદ્યાર્થી (બાયોટેકનોલોજી), રાજકોટ

ટૂંકા સમયમાં બે કોમેડિયન સાથે વિવાદ નાની વાત નથી. સમય રૈના ખોટા હતા, પણ કૃણાલ કામરાએ નામ વગર કટાક્ષ કર્યો, જે કાયદાકીય રીતે ખોટું નથી. કોમેડી એક શક્તિશાળી માધ્યમ છે, જે સમાજના પ્રશ્નો ઉજાગર કરે છે. પણ આ વિવાદથી લાગે છે કે કલાકારોની સ્વતંત્રતા પર દબાણ આવી શકે છે. બળજબરીથી બોલવા પર રોક લગાવવી યોગ્ય નથી. આ ઘટનાએ મારા મનમાં સવાલ ઉભો કર્યો કે કલા અને લાગણીઓ વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું? હું માનું છું કે સ્વતંત્રતા મહત્વની છે, પણ તેની સીમાઓ સમજવી જરૂરી છે.

રોહિત પટેલ, સામાજિક કાર્યકર, અમદાવાદ

આ કેસમાં પહેલો પ્રશ્ન એ છે કે નામ લીધા વગર કરેલી ટિપ્પણી પર આરોપ કેવી રીતે લગાડી શકાય? નામ વગરની ટિપ્પણી પર લેવાયેલી કાર્યવાહી ખોટી છે. આવા વિવાદનો નિર્ણય કોર્ટ પર છોડવો જોઈએ અને કાયદાનો જે નિર્ણય આવે તે માન્ય રાખવો જોઈએ. કોમેડી કોઈ પણ વિષય પર થઈ શકે છે, જ્યાં હાસ્યની સંભાવના હોય. હા, આ સ્વતંત્રતા સાથે જવાબદારી પણ જોડાયેલી હોવી છે. એટલે કે, હાસ્ય એવું ન હોવું જોઈએ જે વ્યક્તિગત માનહાનિ કરે કે સમૂહની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચાડે. આવા મુદ્દાઓનું સમાધાન હિંસા કે કાયદાકીય દબાણથી નહીં, પણ સંવાદ અને સહિષ્ણુતા દ્વારા થવું જોઈએ.

(તેજસ રાજપરા, અમદાવાદ)