સંતાનોના ઉછેરની જવાબદારી માત્ર માતાની જ છે?

સાક્ષી આજે ઉતાવળમાં હતી. ઓફિસમાં મહત્વનું પ્રેઝન્ટેશન હોવાથી એને વહેલા જવાનું હતું. દીકરી માયરાને સ્કૂલે મૂકવાની જવાબદારી પતિ દેવાંગે સંભાળી. જ્યારે એ માયરાને સ્કૂલે મુકવા નીકળ્યો, ત્યારે જ ઘરમાં તોફાન ઊભું થયું. સાસુ સુશીલાબહેન ગુસ્સાથી બોલી ઉઠ્યાં, માયરાને રોજ તું સ્કૂલે મુકવા જાય છે, તો આજે દેવાંગને કેમ વહેલો ઊઠાડ્યો? એ મોડી રાત સુધી કામ કરે અને સવારે તારા માટે ફરી વહેલો ઊઠે! મા બની છે તો જવાબદારી પણ તારી જ છે. આમ મારા દીકરાને હેરાન ન કરીશ!”

સાક્ષી હચમચી ગઈ. પણ એ કંઈ બોલે એ પહેલાં જ દેવાંગે માતાને સમજાવવાનો પ્રયાસ કર્યો, “મમ્મી, એમાં શું છે? સાક્ષીને આજે ઓફિસે વહેલા જવાનું છે. રોજ તો માયરાને સ્કૂલે મૂકવી, ક્લાસિસ, હોમવર્ક આ બધું એ જ કરે છે. આજે એક દિવસ માટે મેં જવાબદારી લીધી તો શું થયું?”

સુશીલાબહેનને આ જવાબ ગળે નહોતો ઊતરતો. “બૈરીને માથે ન ચડાવ! અમે તો પાંચ-પાંચ બાળકો મોટાં કર્યા. કોઈ’દી તારા બાપે અમને મદદ કરી નથી. બાળકો ઉછેરવા તો માતાની જ ફરજ હોય! પિતાનું વળી એમાં શું કામ?” દેવાંગ એક ક્ષણ માટે શાંત રહ્યો, પછી સ્થિર અવાજે બોલ્યો, “પણ મમ્મી, તું તો ઘરે જ રહેતી. તારે ઓફિસની જવાબદારી નહોતી. સાક્ષી ઘર અને નોકરી બંને સંભાળે છે. આજે એક દિવસ હું મદદ કરી તો એમાં ખોટું શું?” સુશીલાબહેન મનમાં જ બબડતા રહ્યા, “મારો દીકરો બૈરી ઘેલો થઈ ગયો છે! આજની વહુઓને તો કશું કહેવા જેવું જ નથી.”

વિચારવા જેવી વાત છે, શું ખરેખર બાળકના ઉછેરની જવાબદારી માત્ર માતાની જ છે? કે પિતાની પણ એમાં સમાન ભૂમિકા હોવી જોઈએ?

સંસ્કારનું બીજ માતા રોપે, શિસ્તનું વૃક્ષ પિતા ઉભું કરે!

આજની સ્ત્રીઓ માત્ર માતાની ભૂમિકા ભજવી રહી નથી. એ ઘરના કામકાજ ઉપરાંત પોતાની કારકિર્દી બનાવી રહી છે, ઓફિસ જાય છે અને બહારની દૂનિયામાં પણ સરખી જવાબદારી સંભાળે છે. આવા સંજોગોમાં બાળકની સંભાળની જવાબદારી માત્ર માતાની જ નથી હોતી, પિતાની પણ સમાન હિસ્સદારી હોવી જોઈએ. હાલની પ્રજ્ઞાસંપન્ન દંપતીઓ વચ્ચે સમજૂતીનો અભાવ નહીં હોય, પરંતુ અમુક પરિવારો હજુ પણ પિતાને માત્ર આવક કરનાર અને માતાને સંતાનો ઉછેરનારી તરીકે જ જુએ છે. આવા વિચારો પેઢીઓથી ચાલે છે.

એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કોર્ડિનેટર તરીકે કામ કરતા પિંકલબહેન દેસાઈ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “બાળક માટે પિતા ડાળખી, માતા છાંયો – બંનેના સહકારથી જીવન વિકાસ પામે! બાળકનો ઉછેર માત્ર માતાની કે પિતાની એકલી જવાબદારી નથી, પરંતુ એ બંનેની સમાન ભાગીદારી છે. માતા સંસ્કાર અને લાગણીઓનું બીજ રોપે છે, તો પિતા શિસ્ત અને જીવનનાં મૂલ્યો સમજાવે છે. માતા પ્રેમથી બાળકની સંવેદનાઓને ઉછેરે છે, જ્યારે પિતા એ ભાવનાઓને શક્તિશાળી બનાવે છે.”

વધુમાં એ કહે છે “સમયની સાથે પરિવારના પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન આવ્યો છે. માતા હવે માત્ર ગૃહિણી નહીં, પણ વ્યવસાયિક સ્તરે પણ યોગદાન આપે છે. એ રીતે પિતાએ પણ ઉછેરમાં સક્રિય ભાગ ભજવવો જરૂરી બન્યો છે. માતા અને પિતા બંનેનું સમતોલ સ્નેહ અને સંસ્કાર બાળકને ભવિષ્યમાં એક જવાબદાર નાગરિક બનાવી શકે. સાંપ્રત યુગમાં, માતા-પિતા સમાન રીતે બાળકો સાથે સમય વિતાવે, તેમને સમજવા પ્રયત્ન કરે અને તેમની સાથે જીવનની દરેક પડકારમાં સાથી બની રહે છે. આમ, સંતાન ઉછેર માત્ર એક વ્યક્તિની નહીં, પણ એક સંયુક્ત જવાબદારી છે. સંસ્કારનું બીજ માતા રોપે, શિસ્તનું વૃક્ષ પિતા ઉભું કરે!”

સંતાન ઉછેરવાની ફરજને સમાન રીતે વહેંચવી જરૂરી

જો સમાજમાં પરિવર્તન લાવવું હોય, તો માતાપિતાને બાળક ઉછેરવાની જવાબદારી સમાન રીતે વહેંચવાની જરૂર છે. માતા અને પિતા બંને સાથે મળીને કામ કરશે, ત્યારે જ સંતાનનો સર્વાંગી વિકાસ થઈ શકે. બાળક માટે માતા જેટલાં જ પિતા પણ મહત્વના છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજીક કાર્યકર ચંદનબહેન પરમાર કહે છે કે, સત્ય એ છે કે બાળકને માતા સાથે વધુ લાગણીશીલ જોડાણ હોય છે, પરંતુ એનો અર્થ એ નથી કે એને પિતાના પ્રેમ અને સુરક્ષાની જરૂર નથી. આજના સમયમાં મોટાભાગના લોકો માનવા લાગ્યા છે કે બાળક ઉછેરવાની જવાબદારી માતા અને પિતા બંનેની સમાન હોવી જોઈએ. એક સમય હતો જ્યારે માન્યતા એ હતી કે માતા ઘરમાં રહીને સંતાનનું લાલન-પાલન કરે અને પિતા ફક્ત નાણાકીય જવાબદારી સંભાળે. પણ હવે સમય બદલાયો છે. વધતી મોંઘવારી અને આર્થિક સ્વતંત્રતાના યુગમાં મહિલાઓ પણ પોતાની કારકિર્દી બનાવી રહી છે. આ બદલાતા દૃશ્યપટને જોતા, માતા અને પિતા બંનેએ સંતાન ઉછેરવાની ફરજને સમાન રીતે વહેંચવી જરૂરી બની ગયું છે. કારણ કે માતાની મમતા અને પિતાનું પ્રોટેક્શન, બંને મળીને જ બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે!

માનસિક-શારીરિક મજબૂતી

એક સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે એનું જીવન બદલાઈ જાય છે. બાળક એની પ્રાથમિક જરૂરિયાત બની જાય છે, એનું ધ્યાન હંમેશાં સંતાનની આસપાસ રહે છે. ઘણીવાર બાળકને ઊંઘાડતાં ઊંઘાડતાં માતા પોતે જ ઊંઘી જાય છે. નાનું બાળક રાત્રે ઘણીવાર ઊઠે છે, ત્યારે માતાને પણ ઉજાગરા થાય છે. આવા સમયે પતિએ પણ પત્ની સાથે ઊંઘની કુરબાની આપવી પડે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિક્ષિકા જીનલબહેન પંચાલ કહે છે, “આજના પેરેન્ટ્સ પોતાના બાળકના ઉછેરમાં વધુ ધ્યાન આપે છે, જે એક સારી વાત છે. પરંતુ સાથે સાથે એ જરૂરી છે કે તેઓ બાળકનું બાળપણ ભરપૂર આનંદ સાથે માણે, કારણ કે નાની ઉંમરમાં બાળકની દરેક પળ રોમાંચક અને યાદગાર હોય છે. હાલના સમયમાં પતિ-પત્ની બંને કામકાજી હોય છે, સામાન્ય રીતે એક કે બે જ સંતાન હોય છે. આવા સંજોગોમાં પિતાએ પણ માતા સાથે સંતાનના ઉછેર, ઘરના કામકાજ અને રોજિંદી જવાબદારીઓમાં સહયોગ આપવો જોઈએ. આથી, પત્ની પરનો તણાવ ઓછો થશે, સંતાનને સ્વસ્થ અને આનંદમય વાતાવરણ મળશે. અને મહિલાને માનસિક-શારીરિક મજબૂતી મળશે.

બોલીવુડ સ્ટારની વાત કરીએ તો..

માતા બન્યા પછી દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે એને પતિનો પુરતો સહયોગ મળે. જો સાથે સાથે પરિવારનો પણ સહકાર મળે તો એ પોતાની જવાબદારી બખૂબી નીભાવી શકે છે. બોલીવુડ સ્ટારની વાત કરીએ તો એક ઇન્ટરવ્યુમાં જેનેલિયા ડિસૂઝા દેશમુખે કહ્યું હતું કે એ પોતાના સંતાનનું જેટલું ધ્યાન રાખે છે એટલી જ કેર રિતેશ દેશમુખ પણ કરે છે. બાળકનું ડાયપર બદલવું, બોટલથી દૂધ પિવડાવવું, કપડા બદલવાં, બહાર ફરવા લઈ જવાથી લઈને નવડાવવા જેવી જવાબદારી પણ ઉઠાવે છે. એ જ રીતે સૈફ અલીખાને પણ વાત કરી હતી કે કરિના કપૂર અને એ બંને સાથે મળીને બાળકની જવાબદારી નિભાવે છે, વિરાટ કોહલી જ્યારે પણ ઘરે હોય અનુષ્કા શર્માને હંમેશા બાળકોના કામમાં મદદ કરે છે, એવી જ રીતે આલિયા-રણબીર, દિપીકા-રણવીર જેવા અનેક સુપર સ્ટાર છે જે પોતાના બાળકોની જવાબદારી સાથે મળીને નીભાવે છે.

એક સર્વે પ્રમાણે, અમેરિકામાં એક તૃતિયાંશ પુરુષો પોતાના સંતાન સાથે એટલો જ સમય વિતાવે છે, જેટલો સમય માતા પસાર કરે છે. ત્યાંની  સરકાર  સંતાન ઉછેરમાં પિતાની ભૂમિકા મહત્વપૂર્ણ માને છે અને એમને  સંતાન સંભાળવાની તાલીમ પણ આપે છે. એજ રીતે લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોમાં માતા-પિતાની જવાબદારી સંતાન ઉછેરમાં સમાન છે. પરંતુ  આપણા ત્યાં હજુ પણ  સંતાન ઉછેરની મુખ્ય જવાબદારી મહિલાઓ પર હોય છે. પરંપરાગત વિચારસરણી મુજબ, મહિલાઓ ઘર અને બાળક સંભાળે છે અને પુરુષો મોટાભાગે કામકાજમાં વ્યસ્ત રહે છે. માટે પિતાની  સંતાન ઉછેરમાં ભાગીદારી ઓછી જોવા મળે છે.

જો આપણે સંતાન ઉછેરને માતા અને પિતા બંનેની સંયુક્ત જવાબદારી માનીએ, તો સંતાનને વધુ સંસ્કારી, આત્મવિશ્વાસી અને સંતુલિત ઉછેર મળી શકે. સમય બદલાઈ રહ્યો છે, અને સાથે સાથે સંતાન ઉછેરની પરિભાષા પણ બદલાવી જોઈએ, જ્યાં માતા અને પિતા બંને સંતાનની ઉન્નતિ માટે સમાન જવાબદારી વહેંચી લે.

હેતલ રાવ