ગુજરાતની ધરતી પર ઉજવાતો નવરાત્રિ ઉત્સવ વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ માનવામાં આવે છે. નવ દિવસ અને નવ રાત સુધી ચાલતા આ ઉત્સવમાં ખેલૈયાઓ રમૂજી તાલે ગરબા રમે છે. સાથે ભક્તિભાવે માતાજીની આરાધના કરે છે. અહીં નૃત્ય માત્ર મોજ-મસ્તી નથી, પરંતુ ભક્તિ, પરંપરા અને સાંસ્કૃતિક એકતાનું પ્રતિક છે.
નવરાત્રિની આ અનોખી ઉજવણી ગુજરાતની ઓળખ બની ગઈ છે. જે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. નવરાત્રિની જેમ જ વિશ્વના અનેક દેશોમાં પણ એવા નૃત્ય ફેસ્ટિવલ ઉજવાય છે, જે એમની સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસને જીવંત રાખે છે. કેટલાક મહોત્સવો થોડા દિવસો સુધી ચાલે છે, તો કેટલાક દસથી લઈને ત્રીસ દિવસ સુધી આનંદ, સંગીત અને નૃત્યનો રંગ ભરી દે છે. ત્યારે જાણીએ વિશ્વના જુદા-જુદા દેશમાં ઉજવાતા ડાન્સ ફેસ્ટિવલ વિશે.
નવરાત્રિ , ભારત (ગુજરાત)
ગુજરાતનો નવરાત્રિ ઉત્સવ વિશ્વના સૌથી લાંબો નૃત્ય મહોત્સવ માનવામાં આવે છે. આ ઉત્સવ 9 દિવસ અને 9 રાતો સુધી ચાલે છે. માતા દુર્ગાની આરાધના માટે આ ઉત્સવ મનાવવામાં આવે છે. લોકો ગરબા અને ડાંડીયા રમીને ઉત્સવ ઉજવે છે. નવરાત્રિનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે અને દેવી શક્તિની વિજયગાથા સાથે જોડાયેલો છે. આજે એ ગુજરાતની ઓળખ બની ગયો છે અને વિશ્વભરમાં લાખો લોકો આ નૃત્યમાં ભાગ લે છે. ગુજરાતના આ સૌથી લોકપ્રિય તહેવારને યુનેસ્કોએ માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં પણ સમાવેશ કર્યો છે.
રિયો કાર્નિવલ, બ્રાઝિલ
રિયો ડી જેનેરો, બ્રાઝિલમાં યોજાતો રિયો કાર્નિવલ વિશ્વવિખ્યાત છે. આ ઉત્સવ 5 દિવસ સુધી ચાલે છે, પણ એની તૈયારીઓ અને ઉજવણીનો માહોલ લગભગ એક મહિના પહેલાથી જ શરૂ થઈ જાય છે. અહીંનું મુખ્ય નૃત્ય સામ્બા ડાન્સ છે. કાર્નિવલનો ઇતિહાસ 18મી સદીથી શરૂ થયો, જ્યારે પોર્ટુગીઝ પરંપરાઓ અને આફ્રિકન નૃત્ય-સંગીત એકઠા થઈને આ મહોત્સવનું રૂપાંતર થયું. આજે આ ડાન્સ ફેસ્ટિવલ બ્રાઝિલની સાંસ્કૃતિક ઓળખ છે.
કાર્નિવલ ઓફ ઓરુરો, બોલિવિયા
બોલિવિયામાં દર વર્ષે ફેબ્રુઆરીમાં યોજાતો ઓરુરો કાર્નિવલ લગભગ 10 દિવસ સુધી ચાલે છે. એમાં સૌથી લોકપ્રિય નૃત્ય ડિયાબ્લાડા છે, જેમાં પરંપરાગત વેશભૂષા પહેરીને કલાકારો નાચે છે. આ ઉત્સવનો ઇતિહાસ 200 વર્ષથી પણ વધારે જુનો છે, જે મૂળમાં આદિવાસી પરંપરા અને ખ્રિસ્તી તહેવારના મિશ્રણ રૂપે ઉજવાયો હતો. આજે એનું નામ યુનેસ્કો હેરિટેજ લિસ્ટમાં સામેલ છે.
માર્ડી ગ્રાસ ન્યૂ ઓર્લિયન્સ, અમેરિકા
માર્ડી ગ્રાસ ફેસ્ટિવલ અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં દર વર્ષે ફેબ્રુઆરીમાં ઉજવાય છે. આ ઉત્સવ લગભગ 14 દિવસ સુધી ચાલે છે. સ્ટ્રીટ ડાન્સ, સંગીતમય પરેડ અને રંગીન માસ્ક માર્ડી ગ્રાસનું મુખ્ય આકર્ષણ છે. આ પરંપરા 17મી સદીમાં ફ્રાંસમાંથી અમેરિકામાં આવી અને આજે ન્યૂ ઓર્લિયન્સની સંસ્કૃતિનું પ્રતિક બની ગઈ છે.
વેનીસ કાર્નિવલ, ઇટાલી
ઇટાલીના વેનીસ શહેરમાં યોજાતો વેનીસ કાર્નિવલ દર વર્ષે ફેબ્રુઆરીમાં ઉજવાય છે. આ ડાન્સ ફેસ્ટિવલ 10 દિવસથી વધુ ચાલે છે. ઐતિહાસિક રીતે, 11મી સદીમાં આ કાર્નિવલ શરૂ થયો હતો, જ્યારે લોકો રંગબેરંગી માસ્ક પહેરીને નૃત્ય અને સંગીત સાથે ઉત્સવ માણતા હતા. આજે પણ વેનીસના મહેલો અને ચોકમાં માસ્ક્ડ ડાન્સ બૉલ્સ અને પરંપરાગત નૃત્યો યોજાય છે.
કાલી સાલ્સા ફેસ્ટિવલ – કોલંબિયા
કોલંબિયાના કાલી શહેરમાં ડિસેમ્બરમાં યોજાતો સાલ્સા ડાન્સ ફેસ્ટિવલ વિશ્વપ્રસિદ્ધ છે. આ ઉત્સવ એક અઠવાડિયા એટલે કે 7 દિવસ સુધી ચાલે છે. સાલ્સાને “કિંગ ઓફ ડાન્સ” કહેવામાં આવે છે, અને કાલીને સાલ્સાની રાજધાની કહેવાય છે. 20મી સદીમાં આ નૃત્ય કેરેબિયન અને આફ્રિકન સંસ્કૃતિના સંગમથી વિકસ્યું હતું. આજે કાલીનો આ ડાન્સ ફેસ્ટિવલ લાખો પ્રવાસીઓને આકર્ષે છે.
નિશગાંધી ડાન્સ ફેસ્ટિવલ. ભારત (કેરળ)
ભારતના તિરુવનંતપુરમમાં દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતો નિશગાંધી ડાન્સ ફેસ્ટિવલ લગભગ 7 દિવસ ચાલે છે. એમાં ભારતની વિવિધ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ જેમ કે ભરતનાટ્યમ, કથક, ઓડિસી અને કથકલી રજૂ થાય છે. આ મહોત્સવનો ઈતિહાસ 20મી સદીના મધ્યથી શરૂ થયો છે જે કેરળની સાંસ્કૃતિક વારસાની ઝલક આપે છે.
હેતલ રાવ
