રાહી ગરબામાં જવા તૈયાર થઈ રહી હતી. મમ્મી હેતાક્ષી એને એકીટસે જોઈ રહ્યા હતા એટલે
રાહીએ પૂછ્યું, “મમ્મી, તમે આમ કેમ જોઈ રહ્યાં છો?” હેતાક્ષીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, “બેટા, મને પણ ગરબા રમવાનો શોખ હતો.”
“નવરાત્રિ એ મારો પણ મનગમતો તહેવાર! પણ તું જાણે છે, હું અને માસી ફક્ત દાદી કે ભાઈ સાથે જ ગરબે જઈ શકતાં. ભાઈને રસ ન હોય અને દાદી થાકેલાં હોય તો ગમે એટલી ઈચ્છા હોય, અમે ગરબા રમવા માટેના જઈ શકીએ. પપ્પાનો નિયમ હતો કે એકલા નહીં જવાનું. આજે તને તારા મિત્રો સાથે એકલા ગરબા રમવા માટે જતી જોઈને મને આનંદ થાય છે. તારામાં હું મારી જાતને શોધું છું…”
હેતાક્ષીની ભાવુક વાતોથી રાહીની આંખો ભીની થઈ. એટલામાં એની સખીઓ આવી એટલે બધાં ગરબે રમવા રવાના થયાં. હેતાક્ષી બારીમાંથી એને જતી જોઈ રહી.
આજની યુવતીઓ માટે નવરાત્રિ માત્ર તહેવાર નહીં, પરંતુ સ્વતંત્રતા અને આત્મવિશ્વાસનું પ્રતીક બની ગઈ છે. એક સમય હતો, જ્યારે ગરબા રમવા જવા માટે માતા-પિતા કે પરિવારના વડીલ સભ્ય સાથે જ બહાર જવાની પરંપરા હતી, પરંતુ હવે યુવતીઓ પોતાના મિત્રોના ગ્રુપમાં નિડરતાથી ગરબા રમવા જાય છે. રાતભર ગરબે ઘૂમતા પણ એ પોતાની સુરક્ષા અંગે સજાગ રહે છે. મોબાઈલમાં ટ્રેકિંગ, કેબ શેરિંગ કે મિત્રોની વચ્ચે રહેવા જેવા નાના પગલાં લઈ એ પોતાને સંભાળે છે.
શું ખરેખર આજની પેઢીની યુવતીઓએ સાબિત કરી દીધું છે કે તહેવાર માણવા માટે હવે કોઈ સહારો નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને સતર્કતા જ સાચો સાથસંગાથ છે!
પરિસ્થિતિ બદલાઈ ગઈ છે..
પહેલાના સમયમાં નવરાત્રિ માહોલ આજથી એકદમ જુદો હતો. પોળના આંગણે કે નજીકના ચોકમાં ગરબા યોજાતા, જ્યાં
છોકરીઓ છોકરાઓથી અલગ જ ગરબા રમતા. કોમર્શિયલ ગરબા ઘણા ઓછા થતા. દીકરીઓ માતા-પિતા કે ભાઈ સાથે જ ગરબા માણવા જઈ શકતી, કેમ કે એ સમયના વિચારો મુજબ છોકરીઓએ છોકરાઓ સાથે ગરબા રમવા જવું યોગ્ય ગણાતું ન હતું. સામાજિક માન્યતાઓ વધારે કડક હોવાથી છોકરીઓ પર નિયંત્રણ વધુ હતું.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અભિનેત્રી અને દિગ્દર્શક ઇવેન્ટ કોચર જાનકી પટેલ કહે છે કે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજની ઝેન્જી જનરેશન માટે ગરબા એક કોમર્શિયલ અને ગ્રુપ એક્ટિવિટી બની ગયા. નવરાત્રિના ગરબા વિશાળ કોમર્શિયલ મેદાનોમાં યોજાય છે, જ્યાં છોકરાઓ-છોકરીઓ એકસાથે ગ્રુપમાં રમે છે. જે આજની જનરેશન માટે આ સંપૂર્ણ સ્વાભાવિક બાબત છે. પરંપરાગત બે-તાળી કે ત્રણ-તાળી ગરબાની જગ્યાએ હવે નવા નવા સ્ટેપ્સ, ફ્યુઝન અને સ્ટાઈલિશ મૂવ્સ જોવા મળે છે. સાથે સાથે સેફ્ટીનું મહત્વ હવે નવા રીતે સમજાયું છે. આજની યુવતીઓ પોતાની સુરક્ષા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
પરંપરા અને આધુનિકતા સાથે રહી શકે છે
નવરાત્રિ એ આપણા સંસ્કૃતિનો જીવંત ઉત્સવ છે. પરંતુ આજની પેઢી માટે આ તહેવારનો અર્થ માત્ર ભક્તિ કે મોજશોખ
નથી. આજની યુવતીઓ નવરાત્રિને પોતાના સ્વતંત્રતા અને આત્મવિશ્વાસનો મહોત્સવ બનાવે છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિક્ષિકા નિશા સુતારિયા કહે છે કે, “પહેલાં યુવતીઓને ગરબા રમવા જવા માટે ઘરની પરવાનગી અને પરિવારના સાથની જરૂર પડતી. પરંતુ આજે યુવતીઓ મિત્રો સાથે નિડરતાથી જાય છે. આનંદ માણે છે, ગરબા રમે છે, પણ સાથે જ પોતાની સુરક્ષાને ભૂલતી નથી. મોબાઇલમાં સેફ્ટી એપ, ગ્રુપમાં રહેવું, કે સમયસર ઘરે પરત આવવું આવી બાબતો દર્શાવે છે કે આજની યુવતીઓ સ્વતંત્ર છે, પણ બેદરકાર નથી. આજની જનરેશન નવરાત્રિનો આનંદ માણતી વખતે જ સમાજને સમજાવે છે કે પરંપરા અને આધુનિકતા સાથે રહી શકે છે. ગરબા રમતા રમતા યુવતીઓ સાબિત કરે છે કે જીવનનો સાચો ઉત્સવ ત્યારે જ છે જ્યારે વ્યક્તિ સ્વતંત્રતા સાથે સંસ્કૃતિને જીવવે છે. આ બદલાતી માનસિકતા માત્ર આજની પેઢીને નહીં, પરંતુ આવનારી પેઢીને પણ પ્રેરણાદાયી સાબિત થશે.”
પોતાની અંદરની શક્તિ ઉજાગર કરે છે
આજની પેઢીની યુવતીઓ માટે નવરાત્રિનો અર્થ માત્ર પરંપરા કે મોજશોખમાં સીમિત રહેવાનો નથી. આ તહેવાર હવે એમના માટે આત્મવિશ્વાસ અને સ્વતંત્રતાનો જીવંત પ્રતીક બની ગયો છે.
આ બદલાવ માત્ર સામાજિક નથી, પણ માનસિક દૃષ્ટિએ પણ મહત્ત્વનો છે. યુવતીઓ હવે પોતાની સુરક્ષા અંગે સજાગ છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા રેડિયોલોજિસ્ટ, પ્રોફેસર, ડો. નેહલ દિવાનજી કહે છે કે, સ્ત્રીનો સાચો શણગાર એના વસ્ત્રો કે આભૂષણમાં નથી, પરંતુ એના આત્મવિશ્વાસમાં છે. એક રેડિયોલોજિસ્ટ તરીકે હું વારંવાર જોઉં છું કે યુવતીઓ આરોગ્ય અંગે વધારે જાગૃત બની રહી છે. તેઓ પોતાની કાળજી રાખે છે, નિયમિત ચેકઅપ કરે છે અને પોતાના આરોગ્યને પ્રાથમિકતા તરીકે સ્વીકારે છે. આ જાગૃતિ એમને માત્ર શારીરિક રીતે જ નહીં, પરંતુ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે. નવરાત્રિના આ તહેવારમાં તેઓ પોતાની અંદરની શક્તિ ઉજાગર કરે છે. નવરાત્રિ હવે માત્ર નૃત્ય કે ભક્તિનો ઉત્સવ નથી. એ આજની યુવા પેઢીની શક્તિ, હિંમત અને આત્મવિશ્વાસનો પણ ઉત્સવ છે.”
હેતલ રાવ


