મૂન ડેઃ આ છે ચંદ્ર સાથે જોડાયેલી રસપ્રદ વાતો…

20 જુલાઈ એટલે ચંદ્ર દિવસ(મૂન ડે). આ દિવસ અવકાશ સંશોધનની સૌથી ઐતિહાસિક અને પ્રેરણાદાયી સિદ્ધિ, ચંદ્ર પર પ્રથમ માનવ ઉતરાણની ઉજવણી કરે છે.

આ દિવસે વિજ્ઞાન અને માનવીય મહત્વાકાંક્ષાનો નવો અધ્યાય ખૂલ્યો. 1969માં એપોલો 11 મિશનની આ સફળતાએ ચંદ્રના રહસ્યોને ઉજાગર કર્યાની સાથે-સાથે, માનવજાતીની અનંત શક્યતાઓને પણ દર્શાવી.

 

તો, ચાલો આજે જાણીએ ચંદ્ર સાથે જોડાયેલી રસપ્રદ વાતો… 

ચંદ્ર, પૃથ્વીનો ઉપગ્રહ

ચંદ્ર એ ગ્રહ નથી, પરંતુ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. સૌરમંડળમાં પાંચમો સૌથી મોટો ઉપગ્રહનું સ્થાન ધરાવે છે. એની સપાટી ખડકાળ છે અને રેગોલિથ નામની ધૂળથી ઢંકાયેલી છે. (રેગોલિથ ચંદ્ર, મંગળ જેવા ગ્રહો અથવા ઉલ્કાઓની સપાટી પર જોવા મળતી એક ખાસ પ્રકારની ધૂળ છે)  આ ખડકાળ રચના એનું પૃથ્વી સાથેનું અનોખું બંધન ચંદ્રને વૈજ્ઞાનિકો માટે શોધનું મુખ્ય કેન્દ્ર બનાવે છે.

પૃથ્વીથી ચંદ્રનું અંતર

ચંદ્ર પૃથ્વીથી સરેરાશ 384,400 કિલોમીટર દૂર છે. એની ભ્રમણકક્ષા અંડાકાર હોવાથી, આ અંતર 356,500 કિમી (નજીકનું બિંદુ, પેરિજી)થી 406,700 કિમી (દૂરનું બિંદુ, એપોજી) સુધી બદલાય છે. આ નજીકનું અંતર ચંદ્રને પૃથ્વીનો સૌથી નજીકનો ખગોળીય પદાર્થ બનાવે છે, જે અવકાશ મિશનો માટે સુલભ છે.

ચંદ્રનું કદ

ચંદ્રનો વ્યાસ આશરે 3,474 કિલોમીટર (347,400,000 સેન્ટિમીટર) છે, જે પૃથ્વીના વ્યાસના લગભગ એક-ચતુર્થાંશ જેટલો છે. આ કદ ચંદ્રને સૌરમંડળના અન્ય ઉપગ્રહોની તુલનામાં નોંધપાત્ર બનાવે છે. એના આકર્ષક દેખાવને કારણે આકાશમાં એક અદભૂત દ્રશ્ય રજૂ કરે છે.

ચંદ્ર પર પાણીની હાજરી

નાસાનું લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) અને ભારતના ચંદ્રયાન-1 મિશનએ ચંદ્રના ધ્રુવીય પ્રદેશોમાં, ખાસ કરીને કાયમી શેડોવાળા ખાડાઓમાં, બરફના સ્વરૂપમાં પાણી શોધ્યું છે. એ ચંદ્ર અથવા અન્ય ગ્રહોની સપાટી પર આવેલા એવા ખાડાઓ છે જેમાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી. ત્યાં અત્યંત ઠંડું તાપમાન હોય છે, જે બરફના સ્વરૂપમાં પાણીને સ્થિર રાખવા માટે અનુકૂળ હોય છે. જોકે, ચંદ્રનું અત્યંત પાતળું વાતાવરણ પ્રવાહી પાણીને અસ્તિત્વમાં રહેવા દેતું નથી, પરંતુ આ બરફ ભવિષ્યના મિશનો માટે સંસાધન તરીકે ઉપયોગી થઈ શકે છે.

શું ચંદ્ર પર રહી શકાય?

ચંદ્રની સપાટી પર હવા, પાણી કે ખોરાક નથી. ચંદ્રનું તાપમાન -173 સેલ્સિયસથી 127 સેલ્સિયસ સુધી બદલાય છે. સૌર રેડિયેશનનું ઊંચું સ્તર પણ જોખમી છે. ભવિષ્યમાં, ચંદ્ર પર રહેલા બરફનો ઉપયોગ પાણી, ઓક્સિજન અને બળતણ ઉત્પન્ન કરવા માટે થઈ શકે, જે ચંદ્ર પર સ્થાયી વસવાટ કરવાનું કદાચ શક્ય બનાવશે.

ચંદ્ર પર જમીન ખરીદવાની શક્યતા

1967ની આઉટર સ્પેસ ટ્રીટ(Outer Space Treaty) અનુસાર, ચંદ્ર કે અન્ય અવકાશી પદાર્થો કોઈ દેશ કે વ્યક્તિની માલિકીના નથી. ચંદ્ર પર જમીન ખરીદવી કાયદેસર રીતે અશક્ય છે. કેટલીક ખાનગી કંપનીઓ ચંદ્રની જમીનના પ્રમાણપત્રો વેચે છે, પરંતુ આ પ્રમાણપત્રો ફક્ત પ્રતીકાત્મક છે. એ કોઈ કાનૂની માન્યતા ધરાવતા નથી.

ગુરુત્વાકર્ષણ

ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના 1/6 જેટલું છે, જેના કારણે ત્યાં ચાલવું કે ઊંચા કૂદકા મારવું સરળ છે. આ ઓછું ગુરુત્વાકર્ષણ અપોલો મિશનના અવકાશયાત્રીઓએ અનુભવ્યું હતું,  જેમણે ચંદ્રની સપાટી પર હળવાશથી ચાલવાના દ્રશ્યો રેકોર્ડ કર્યા. આ લક્ષણ ભવિષ્યના અવકાશ મિશનોની ડિઝાઇન માટે મહત્વનું છે.

સપાટી પર ખાડા

ચંદ્રની સપાટી ઉલ્કાઓની અથડામણથી બનેલા લાખો ખાડાઓથી ઢંકાયેલી છે, જેનું કદ થોડા મીટરથી લઈને 2,500 કિમી (જેમ કે સાઉથ પોલ-એટકેન બેસિન) સુધીનું હોય છે. ચંદ્રનું પાતળું વાતાવરણ આ ખાડાઓને નષ્ટ થતા અટકાવે છે, જેના કારણે એ લાખો વર્ષો સુધી જળવાઈ રહે છે, અને ચંદ્રના ભૂતકાળનો ઇતિહાસ દર્શાવે છે.

પૃથ્વી સાથેનો ટાઇડલ લોક

ચંદ્ર પૃથ્વી સાથે ટાઇડલી લોક્ડ (tidally locked) છે, એટલે કે આપણે હંમેશાં એની એક જ બાજુ જોઈ શકીએ છીએ. એની બીજી બાજુ, જેને ડાર્ક સાઇડ કહેવાય છે, એ 1959માં સોવિયેત યુનિયનના લૂના-3 મિશન દ્વારા પ્રથમ વખત જોવામાં આવી. આ લક્ષણ ચંદ્રની શોધખોળને વધુ રોમાંચક બનાવે છે.

ચંદ્રની ઉત્પત્તિ

જાયન્ટ ઇમ્પેક્ટ હાયપોથેસીસ (Giant Impact Hypothesis) જે એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. એના અનુસાર, ચંદ્રની રચના 4.5 અબજ વર્ષ પહેલાં પૃથવી અને મંગળ જેવા ગ્રહની અથડામણથી થઈ હતી. આ અથડામણથી ઉડેલો કાટમાળ ભેગો થઈને ચંદ્ર બન્યો. આ સિદ્ધાંત ચંદ્ર અને પૃથ્વીની રચનાત્મક સામ્યતાઓને સમજાવે છે.

ચંદ્ર વિશે આ પણ છે જાણાવા જેવુ…

 

-ચંદ્ર દર વર્ષે પૃથ્વીથી લગભગ 3.8 સેન્ટિમીટર દૂર જઈ રહ્યો છે, જે ભવિષ્યમાં પૃથ્વીની ભરતી અને દિવસની લંબાઈ પર અસર કરી શકે છે.

-અપોલો મિશન (1969-1972) દરમિયાન 12 અવકાશયાત્રીઓએ ચંદ્ર પર પગ મૂક્યો અને 382 કિલો ખડકો પૃથ્વી પર લાવ્યા.

-આ મિશનોના પગલાંના નિશાન અને સાધનો હજુ પણ ચંદ્રની સપાટી પર જળવાયેલા છે, જે ચંદ્ર દિવસની ઉજવણીને યાદગાર બનાવે છે.

-નીલ એલ્ડન આર્મસ્ટ્રોંગ એપોલો 11 મિશન હેઠળ 20 જુલાઈ 1969ના રોજ પ્રથમ વખત ચંદ્ર પર પગ મૂક્યો હતો.

-2008માં ચંદ્રયાન-1 ભારતનું પ્રથમ ચંદ્ર મિશન હતું, જે ભ્રમણકક્ષામાં અને પાણીના અણું શોધવામાં સફળ રહ્યું જ્યારે 2019માં ચંદ્રયાન -2 વિક્રમ સોફ્ટ લેન્ડિંગના પ્રયાસમાં અસફળ રહ્યું પણ ઓર્બિટર સફળ રહ્યુ.

ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરનાર દેશો

2025 સુધીમાં, ફક્ત પાંચ દેશોએ જ ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ (નિયંત્રિત અને સુરક્ષિત ઉતરાણ) કર્યું છે.

-યુનાઇટેડ સ્ટેટ્સ: સર્વેયર 1 (1966) , પ્રથમ સોફ્ટ લેન્ડિંગ અને અપોલો 11 (1969) – પ્રથમ માનવ મિશન.

-સોવિયેત યુનિયન (રશિયા): લૂના 9 (1966) – વિશ્વનું પ્રથમ સફળ સોફ્ટ લેન્ડિંગ.

-ચીન: ચાંગ’એ 3 (2013) – રોવર સાથે સફળ સોફ્ટ લેન્ડિંગ.

-ભારત: ચંદ્રયાન-3 (2023) – રોવર સાથે દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ.

-જાપાન: સ્લીમ (2024) – પરફેક્ટ ઉતરાણ સાથે સફળ લેન્ડિંગ.

હેતલ રાવ