
અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારમાં રામ રહીમના ટેકરાથી નજીક સિરાઝથી આવેલા મીર અબૂ તુરબની યાદગીરી આવેલી છે. મીર અબૂ તુરબ સિરાઝના સલામી સૈયદ કુટુંબનો નબીરો હતો. ચાંપાનેરમાં વસેલા અબૂ તુરાબ વલી ગુજરાતના સરદાર એતિમાદખાનની નોકરીમાં 1571માં હતા. અકબરે ગુજરાત જીત્યું એ વખતે તેની સાથે વાટાઘાટો કરવામાં અબૂ તુરાબ વલીએ મહત્વનો ભાગ ભજવેલો. 1577માં અકબરે તેને ‘મીરે હજ’ બનાવીને મક્કા મોકલેલો. હજથી પાછા ફરતાં તે ‘કદમે રસૂલ’ સાથે લાવ્યો હતો. એનું સ્વાગત અકબરે કરેલું અને એ પવિત્ર પથ્થર અબૂ તુરાબ ગુજરાતમાં લાવ્યો હતો.
અમદાવાદ નજીક અસાવલમાં તેની સ્થાપના કરીને તેના પર ઘૂમટ સહિત સૂફી ઉપાશ્રય બાંધેલો. એનો પુત્ર મીર ગદાઈ અકબરનો મન્સબદાર હતો. ‘મિરાતે અહમદી’ પ્રમાણે અબૂ તુરાબ વલી 1594માં અવસાન પામ્યો હતો. પ્રસિદ્ધ ઇતિહાસગ્રંથ ‘તવારીખે ગુજરાત’ એમણે લખ્યો હતો.
એનો મકબરો અમદાવાદમાં જમાલપુર દરવાજા બહાર બહેરામપુરામાં આવેલો છે. 12.5 મીટર ચોરસ પીઠ પર પ્રત્યેક બાજુ છ-છ સ્તંભો દ્વારા ત્રણ પહોળી અને બે સાંકડી એમ પાંચ કમાનોની સુસંવાદી રચના કરવામાં આવી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)


