ગુજરાતની આ દીકરીએ બેડમિન્ટનમાં ‘મીર’ માર્યો છે!

બેડમિન્ટનની વાત નીકળે અને ગુજરાતની આ દીકરીના નામનો ઉલ્લેખ ન થાય એવું બની જ ન શકે. આ રમત સાથે જોડાયેલા લોકો માટે તો એનું નામ જ કાફી છે. કોઈપણ બેડમિન્ટન ખેલાડી એને ન ઓળખતું હોય તેવું શક્ય જ નથી.

હા, એનું નામ છે તસ્નીમ. તસ્નીમ મીર. ફક્ત 16 વર્ષની વયે જૂનિયર બેડમિન્ટનમાં વિશ્વની નંબર 1 ખેલાડી બનીને આ અભૂતપૂર્વ સિધ્ધિ મેળવનારી તે એક માત્ર ભારતીય ખેલાડી છે. સાઈના નહેવાલ કે પી. વી. સિદ્ધુ પણ પોતાની જૂનિયર કરિયર દરમિયાન નંબર-1 ખેલાડી બની શક્યા ન હતા. આજે દીવાદાંડીમાં આ જ તસ્નીમની પ્રેરણાદાયક વાત કરીએ.

આંતરરાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટન રમતમાં મહેસાણા અને ગુજરાતનું નામ રોશન કરનારી તસ્નીમ મીરે હાલમાં જ ફ્રાન્સમાં આયોજિત ઈન્ટરનેશનલ ચેલેન્જ ટાઈટલ જીતી દેશને ગૌરવ અપાવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તસ્નીમનું આ 12મું ટાઈટલ છે. તસ્નીમે ફ્રાન્સ ખાતે સેન્ટ ડેનિસ રિયુનિયન ઓપન ઈન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન સિંગલ ટાઈટલ જીત્યું છે. ફ્રાન્સમાં રમાયેલી ટુ્ર્નામેન્ટ અગાઉ તસ્નીમ મીર વર્લ્ડ રેન્કિંગમાં 75મા સ્થાને હતી. પરંતુ ટાઇટલ જીતતાં 12 ક્રમાંકની છલાંગ લગાવીને 63મા સ્થાને પહોંચી ગઈ છે. આ ઉપરાંત, સુરતમાં જૂન મહિનામાં રમાયેલી રાજ્ય સિનિયર બેડમિન્ટન ચેમ્પિયનશીપ પણ તસ્નીમ જીતી હતી. હાલમાં તેનો ઈન્ડિયા રેન્કિંગ 13મો છે.

 

તસ્નીમની અત્યાર સુધીની સિદ્ધિઓ વિશે જો વાત કરીએ તો, જુનિયર અને સિનિયર ચેમ્પિયનશિપમાં ચોવીસ વખત ચેમ્પિયન બની છે. આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 12 વખત ગોલ્ડ મેડલ અને 4 વખત સિલ્વર મેડલ મેળવ્યા છે. એક માત્ર મહિલા પ્લેયર છે જેણે એશિયન જુનિયર ચેમ્પિયનશિપ બે વખત જીતી છે. 16 વર્ષની વયે ભારતીય મહિલા ટીમમાં થોમસ અને ઉબેર કપમાં સ્થાન મેળવ્યું છે. ઇન્ટરનેશનલ ચેલેન્જ ટૂર્નામેન્ટ સેન્ટ ડેનિસ રીયુનિયન ખાતે જીત મેળવી. તાજેતરમાં પૂણે ખાતે નેશનલ રેન્કિંગ બેડમિન્ટન ટૂર્નામેન્ટ પણ જીતી.

તસ્નીમનો જન્મ મહેસાણામાં થયો છે. શાળાકીય અભ્યાસ પણ અહીં જ કર્યો. માતા આસમા મીર ગૃહિણી છે. જ્યારે નાનો ભાઈ અલી પણ બેડમિન્ટનમાં પિતા અને બહેનના પગલે કારકિર્દી બનાવવા જઈ રહ્યો છે. તસ્નીમના પિતા ઈરફાન મીર મહેસાણા પોલીસ ડિપાર્ટમેન્ટમાં A.S.I. તરીકે ફરજ બજાવે છે. સાથે જ તેઓ બેડમિન્ટન કોચ પણ છે. નોકરી બાદ તેઓ બાળકોને બેડમિન્ટન શીખવે છે. 2013-14માં તસ્નીમ પિતા સાથે બેડમિન્ટન રમવા જતી હતી. એ સમયે બેડમિન્ટન શીખવતા ઈરફાનભાઈને ન હતી ખબર કે ફક્ત આનંદ માટે રમવા આવતી મારી દીકરી ભવિષ્યમાં બેડમિન્ટન ક્ષેત્રમાં આગળ વધીને દુનિયાભરમાં તેમના નામને રોશન કરશે. તસ્નીમે આજે વિશ્વભરમાં બેડમિન્ટન ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કર્યું છે. કહેવાય છે કે કુવામાં હોય તો હવાડામાં આવે. પિતાના રમતના ગુણ તસ્નીમમાં આવ્યા છે. નાનકડી તસ્નીમને અન્ય બાળકો સાથે બેડમિન્ટન રમતી જોઈને પિતાએ તેની પ્રતિભા પારખી. એક સારા કોચ હોવાના કારણે તેમણે દીકરીની રમત પર ગંભીરતાથી ધ્યાન આપ્યું.

 

તસ્નીમે પોતાની રમતની યાત્રા વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહ્યું, “લગભગ 8-9 વર્ષની હતી ત્યારથી પિતા સાથે કોચિંગ લેવા માટે જતી હતી. ત્યારબાદ બાર વર્ષની ઉંમરે આગળ હાયર લેવલના પ્લેયર સાથે રમવાનું હોવાથી અન્ય કોચ પાસેથી કોચિંગ લેવાનું નક્કી કર્યું. હૈદરાબાદમાં ગોપીચંદ એકેડેમી જોઈન કરી. ત્યારબાદ પ્રકાશ પાદૂકોણ એકેડેમી બેંગ્લોરમાં જઈને એક વર્ષ સુધી ત્યાં વધુ અભ્યાસ અને પ્રેક્ટિસ કર્યા. તસ્નીમના મિક્સ્ડ ડબલ્સ પાર્ટનર અયાન રશિદની તાલીમ ગુવાહાટીમાં અસમ બેડમિન્ટન એકેડમીમાં થતી હોવાને કારણે તસનીમે પણ 2020થી ત્યાં તાલીમ મેળવવાનો નિર્ણય લીધો હતો.”

વધુમાં તસ્નીમે જણાવ્યું, “અંડર 13થી ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં હારનો સામનો કરવો પડતો ત્યારે ઘણી નિરાશા થતી. પરંતુ હિંમત હાર્યા વગર વધુ મહેનત કરી અને પરિણામ મેળવવા માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા. અંડર-18 અને અંડર-19માં રમતા સમયે મારી ગેમ ખુબ જ સારી થઈ. પરિણામે જીત તરફ કદમો આગળ વધવા લાગ્યા. સફળતા મળવાના કારણે ઈરાદા વધુ મજબૂત બન્યા જુસ્સો પણ વધવા લાગ્યો. મારા પિતા એક સારા ખેલાડી છે, પરંતુ મને જેટલી સુવિધાઓ મળી છે તેટલી તેમને ન હતી મળી. આથી મારી સફળતામાં મને તેમની સફળતા અને તેમના સપના દેખાવા લાગ્યા.”

 

પોતાના સંઘર્ષ બાબત તેણીએ જણાવ્યું કે, “શરૂઆતમાં જ્યારે સારી રમત નહોતી ત્યારે સ્પોન્સર પણ મળવા મુશ્કેલ હતા. માતા સાથે બીજા રાજ્યમાં રમવા જવાનું થયું ત્યારે પણ જમવા, રહેવા જવી ઘણી બાબતોમાં તકલીફ પડી હતી. પરંતુ ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ઘણો સપોર્ટ કર્યો છે. સ્કોલરશિપ સાથે આર્થિક મદદ પણ કરી છે. જેથી હું બીજા સ્ટેટમાં જઈને પ્રેક્ટિસ પણ કરી શકી. પિતા કોચ છે આથી રમત બાબતે તેમની સાથે ચર્ચા કરી રમત સુધારવાનો પ્રયત્ન કરું છું.”

તસ્નીમના જણાવ્યા મુજબ, “છત્તીસગઢના રાયપુરમાં રમત દરમિયાન ખભામાં ઈજા થવાના કારણે એક વર્ષ બ્રેક લેવો પડ્યો. જુનિયરથી સિનિયરમાં ટ્રાન્સફર થવું ખુબ જ મુશ્કેલ હોય છે. ઉપરાંત એક વર્ષના બ્રેક પછી કમબેક કરવું તો એનાથી પણ વધારે અઘરું હતું. સખત મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા પૂણેમાં એક વર્ષ પછી કમબેક કરીને જે મેચ જીતી એ આજીવન યાદ રહેશે.”

 

દીકરીની સફળતા અને સંઘર્ષ વિશે વાત માંડતા પિતા ઈરફાન મીર કહે છે, “આ રમત ખુબ જ ખર્ચાળ છે. વર્ષમાં 8 થી 10 વખત વિદેશ પ્રવાસ કરવાનો હોય છે. ઉપરાંત પર્સનલ ટ્રેનર, ન્યૂટ્રિશનિસ્ટ, સાયકોલોજીસ્ટ અલગ-અલગ લોકો પાસેથી અલગ-અલગ ટ્રેનિંગ લેવાની હોય છે. આવા સંજોગોમાં સામાન્ય વ્યક્તિને આર્થિક મદદની જરૂર પડે છે. અમારા કિસ્સામાં અમે ખુબ જ નસીબદાર છીએ. કારણ કે, ગુજરાત સરકારનો તસ્નીમને પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે. આ ઉપરાંત મને પર્સનલી મારા ડિપાર્ટમેન્ટમાંથી I.P.S. ઓફિસરો પણ સપોર્ટ કરે છે.”

તસ્નીમ અત્યારે પશ્ચિમ બંગાળની ઓડમ્સ યુનિવર્સિટીમાંથી બી. એ. વીથ સાયક્લોજી ઓનર્સમાં અભ્યાસ કરી રહી છે. ઓગષ્ટ મહિનામાં તે ઈન્ડોનેશિયા ખાતે ઈન્ડોનેશિયા સુપર-100 ટુર્નામેન્ટ અને ઈન્ડોનેશિયા ચેલેન્જમાં ભાગ લેવાની છે. આ બધી જ ટુર્નામેન્ટ તેના માટે એટલે મહત્વની છે. કારણ કે તેમાં વર્લ્ડ ટોપ 10 ખેલાડીઓ ભાગ લેતા હોય છે. નાનપણથી જ સફળતા મેળવી રહેલ તસ્નીમનું સ્વપ્ન આ રમતમાં વર્લ્ડ નંબર વન બનવાનું છે. સાથે જ દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરવાની તમન્ના પણ ખરી.

(રાધિકા રાઓલ – અમદાવાદ)