આ અમારા સેવાયજ્ઞ, અમારા કુષ્ઠયજ્ઞનું સન્માન છે: સુરેશ સોની

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ મૂળ વડોદરાના અને સાબરકાંઠાના ગૌરવ તરીકે જાણીતા થયેલા સુરેશ સોનીની પસંદગી પદ્મશ્રી એવોર્ડ માટે કરવામાં આવી. એવોર્ડની જાહેરાત થતાં જ સાબરકાંઠા અને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાંથી સુરેશભાઈ પર અભિનંદનની વર્ષા થવા લાગી. સુરેશભાઈ સોની 80 વર્ષની વયે, લગભગ પાંચ દાયકાથી વધુ કૃષ્ઠ રોગીઓની સેવાનો મહાયજ્ઞ કરી રહ્યા છે. સહયોગ કુષ્ઠ ટ્રસ્ટની સ્થાપના 1978માં કરવામાં આવી હતી. તેમણે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર હિંમતનગરથી શામળાજી હાઇવે પર, હિંમતનગરથી 30 કિલોમીટરના અંતરે આવેલ રાજેન્દ્રનગર પાસે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. ૩૭ એકરમાં ફેલાયેલી આ સંસ્થા નિરંતર રક્તપિત્ત, દિવ્યાંગ તેમજ જેનું કોઈ આધાર ન હોય તેવા અને સમાજથી તરછોડાયેલા લોકોનું આધાર સ્તંભ બની છે. ત્યારે ચિત્રલેખા.કોમના ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં આજે આપણે વાત કરવાના છીએ, સાબરકાંઠામાં ‘મુછાળી મા’ તરીકે જાણીતા બનેલા સુરેશભાઈ સોની સાથે.

ચિત્રલેખા: સુરેશભાઈ તમે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સેવાનો આ યજ્ઞ શરૂ કર્યો હતો, પરંતુ આજે દેશના સર્વોચ્ચ સન્માનમાંથી એક આપને મળવા જઈ રહ્યું છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે?
સુરેશભાઈ સોની: આ એવોર્ડ અમને મળવા જઈ રહ્યો છે તેનો ખૂબ આનંદ છે મને, ખૂબ ખુશી છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર મેં તો આ સેવા શરૂ કરી હતી. પાંચ દાયકાના આ સેવા યજ્ઞમાં વચ્ચે-વચ્ચે અનેક લોકો દ્વારા, સંસ્થાઓ દ્વારા, રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે, એવોર્ડ આપવામાં આવ્યા જ છે. પરંતુ દેશના સર્વોચ્ચ સન્માનમાંથી એક એવા પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થતાંની સાથે જ દેશ-વિદેશમાંથી અનેક લોકોના અભિનંદન માટે અને ખાસ કરીને મદદ માટે ફોન આવી રહ્યા છે, એ વાતની ખૂબ જ ખુશી છે.

આ સેવાયજ્ઞના બીજ તમારામાં કેવી રીતે રોપાયા?
મારો જન્મ 23/11/44માં વડોદરા જિલ્લાના સિનોરમાં થયો હતો. મારા પિતાજી હરિલાલ અમારા સમાજમાં ખૂબ જ આગળ પડતા હતા. તેઓ સમાજનો કોઈ પણ પ્રસંગ હોય ત્યારે હરિશચંદ્રની અને સત્યવાનની વાર્તાઓ કહેતા, નાટકો કરાવતા. નાનપણથી જ ખૂબ સારા સંસ્કાર તેમણે અને માતા રાધાબાએ અમને આપ્યા હતા. પિતાજીએ સોનીનો ધંધો શરૂ કર્યો હતો. તો એમણે જોયું કે સોનાના ધંધામાં જ્યારે પણ દાગીના બનાવવાના હોય ત્યારે તેમાં થોડુંક તાંબુ તો ઉમેરવું જ પડ઼ે. પિતાજીએ એક દિવસે હિસાબ કર્યો કે આટલા વર્ષોમાં હું કેટલું કમાયો છું, કમાણીનો હિસાબ કર્યા પછી પિતાજી એટલી રકમના સોના દાગીના બનાવીને મંદિરમાં મૂકી આવ્યા હતા. તો આખી જીંદગી તેઓ સાદાઈથી જ જીવ્યા, પ્રમાણિક્તાથી જીવ્યા. એટલે એમને જોઈને જીવનમાં હું ઘણું શીખ્યો.

હું જ્યારે 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારા ક્લાસ શિક્ષક જોશી સાહેબ હતા. તેમણે કહ્યું હતું કે, આપણને ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે, તો આપણે બીજા માણસો પ્રત્યે બીજા જીવો પ્રત્યે સહાનુભૂતિ રાખીને બધાને મદદ કરવી જોઈએ. ત્યારથી જ મારા મનમાં એક વાતના બીજ ચોક્કસથી રોપાય ગયા હતા કે, હું ભણી-ગણીને નોકરી કરીશ, પરંતુ જો તક મળશે તો ચોક્કસથી સેવા કાર્યમાં જ જોડાઈશ. પછી તો અભ્યાસની ગાડી પૂરપાટ દોડી. બી.એસ.સી., એમ.એસ.સી. ગણિતના વિષય સાથે એમ. એસ. યુનિવર્સિટીમાંથી કર્યું. ગોલ્ડ મેડલિસ્ટ હતો તે સમયે એટલે તરત જ મને પ્રોફેસરની નોકરી મળી ગઈ હતી.

નોકરીની સાથે-સાથે નાના-મોટાં સેવાના કાર્યો પણ કરતો હતો. જેમ કે, જેલમાં જઈને કેદી ભાઈઓમાં સુધારણા આવે તે માટેના કાર્યો, કેદી ભાઈઓને રાખડી બાંધવાનું કાર્ય, ગરીબ બાળકોને શિક્ષણ આપવાનું કામ, રિમાન્ડ રૂમમાં રહેલાં ઓછી વયના કેદી બાળકોને સારી-સારી વાર્તાઓ કહેતો, જેથી તેમના જીવનમાં પરિવર્તન આવે. ધીમે-ધીમે આ પ્રકારના નાના-મોટાં કાર્યો કરતો હતો. જુદી-જુદી હોસ્પિટલ્સમાં જઈને ત્યાં પણ યથાશક્તિ સેવા કરવાનો પ્રયત્ન કરતો હતો. અનસૂયા લેપ્રસી હોસ્પિટલના કમ્પાઉન્ડર સાથે દોસ્તી થતાં, એક દિવસ કુષ્ઠ રોગીઓની એ હોસ્પિટલની મુલાકાત લીધી. ત્યાં કણસતા દર્દીઓને દ્રશ્ય જોઈને હ્રદય દ્રવી ઉઠ્યું. તે સમયે સમાજમાં કુષ્ઠરોગીઓને સૂગની નજરથી જોવામાં આવતા હતા. જો કે મેં ત્યાં સેવા આપી. વધુ સેવા આપવા માટે જ્યારે પ્રયત્નો કરી રહ્યો હતો, ત્યારે હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું કે, અહીં આવતા આ પ્રકારના દર્દીઓની તો ઉત્તમ સારવાર કરવામાં આવે છે. પણ અહીંથી નીકળ્યા બાદ આ લોકોનું શું થાય છે? તેઓ શું કરે છે? જો તમારે ખરેખર આ પ્રકારના દર્દીઓની સેવા કરવી હોય તો, તમે વડોદરામાં બે ઝુંપડપટ્ટી આવેલી છે જ્યાં આ પ્રકારા દર્દીઓ રહે છે, ત્યાં જઈને તેમને કોઈ મદદરૂપ થઈ શકો તો જુઓ! આમ આ સેવાયજ્ઞ શરૂ થયો.

શરૂઆત કેવી રીતે થઈ?
કુષ્ઠ રોગથી પીડિત લોકોને જોઈને લાગ્યું કે આ લોકોની સેવા કરવા માટે જલ્દી કોઈ આગળ આવતું નથી. આથી વડોદરામાં જે ઝુંપડપટ્ટીઓમાં આ લોકો રહેતા હતા, ત્યાં જઈને સર્વે કર્યો. આ લોકો અલગ-અલગ જગ્યાએ ભીખ માગતા હતા, ત્યાં જઈને તેમને મળ્યો. એ લોકોને પૂછ્યું કે આ રીતે ભીખ માગવી ગમે છે, તો એ લોકોનું કહેવું હતું કે, ના સાહેબ આ તો અમારી મજબૂરી છે. અમને કોઈ કામ આપે જ નહીં તો, અમારે શું કરવું?

1970ની આસપાસ હું અને મારા પત્ની ઝુંપડપટ્ટીમાં જતા હતા, ત્યાં કુષ્ઠ રોગીઓને નવડાવતા, સાફ કરતા. તેમના જે ઘા પડ્યા હોય તેને સાફ કરીને પાટા બાંધતા હતા. જો તેઓની તબિયત વધુ ખરાબ થાય તો તેમને મોટી હોસ્પિટલ્સમાં લઈ જતા હતા. આમ ધીમે-ધીમે આ કામ ક્યારે મોટું થઈ ગયું તેની ખબર ન પડી. કારણ કે મારી ઈચ્છા તો બસ માત્ર સેવા કરવાની જ હતી, યથાશક્તિ સેવા. 1978માં નોકરી છોડીને સંપૂર્ણ સમાજસેવાનું કાર્ય શરૂ કરી દીધું હતું. જ્યારે કામ વધ્યું, દર્દીઓ વધ્યા ત્યારે અમે સરકાર પાસે વડોદરાની આસપાસ જમીન માગી, જેથી કરીને કુષ્ઠ રોગીઓને એક જગ્યા પર રાખીને તેમની યોગ્ય સારવાર કરી શકાય. ત્યારે સરકારે અમને મહિસાગરમાં શ્રમ મંદિરના કોતરો આપ્યા. ત્યાં શ્રમ મંદિર નામની સંસ્થા ઉભી કરી અને 10 વર્ષ ત્યાં સેવા કરી. ત્યાં ટ્રસ્ટીઓ સાથે કામને લઈને અણબનાવ થતાં અમારે શ્રમ મંદિર છોડવાનું થયું. આગળ શું કરવું તેની ખબર ન હતી. મારી પાસે પૈસા, જમીન કે ઘર કંઈ જ હતું નહીં.

સહયોગ કુષ્ઠ ટ્રસ્ટની સાબરકાંઠમાં કેવી રીતે શરૂઆત થઈ?
હું જે કામ કરી રહ્યો હતો, તેના વિશે અનેક ખબર હતી. શ્રમ મંદિર છોડ્યા બાદ અમે વડોદરા આસપાસ જ મોટી જમીન શોધી રહ્યા હતા. જ્યાં હું મારા દર્દીઓ માટે સેવાનું કાર્ય આગળ વધારું. કારણ કે મેં જ્યારે શ્રમ મંદિર છોડ્યું ત્યારે ત્યાંથી 20 દર્દીઓ એવા હતા કે જેમણે કહ્યું કે, હું જ્યાં જઈશ ત્યાં જ એ લોકો મારી સાથે આવશે. આ દર્દીઓ માટે હોસ્પિટલની સાથે-સાથે રહેવાની સગવડ થાય તેવી જગ્યા હુંય શોધી રહ્યો હતો. ત્યારે રામુભાઈ પટેલ કરીને એક મહાન દાતાએ અમને કહ્યું કે, સાબરકાંઠામાં આવી જાવ, તમારા માટે જમીન તૈયાર છે. એ વખતે જમીન ખરીદવાના મારી પાસે પૈસા હતા નહીં. રામુભાઈ હાઈવે ટચ 37 એકર જમીન મને આપી રહ્યા હતા એટલે 14 સપ્ટેમ્બર, 1988માં સાબરકાંઠામાં આવ્યા.

એ સમયે અહીં 20 દર્દીઓ અને 6 બાળકો સાથે આ સંસ્થાની શરૂઆત કરી હતી. અત્યારે આ સંસ્થામાં 1050 માણસો રહે છે. જેમાં કુષ્ઠ રોગના દર્દીઓ ઉપરાંત મંદબુદ્ધિવાળા લોકો, એચ.આઈ.વી.ના દર્દીઓ, જેને ઘરમાં કોઈ રાખતું ન હોય એવાં લોકો પણ રહે છે. આમ જુદી-જુદી સમસ્યાવાળા લોકો અત્યારે તો અમારા પરિવારના સભ્યો છે. આ ઉપરાંત આસપાસના ગામોના ગરીબ બાળકોને ભણાવવા માટે અહીં શાળા પણ ચલાવીએ છીએ. અત્યારે અમારો 60થી 70 લોકોનો સ્ટાફ મળીને આ સંસ્થા ચલાવે છે. જે લોકોને લેપ્રસી મટી જાય છે તે લોકોને પણ અમે અહીં કામ આપીએ છીએ.

તમારા આ કાર્યમાં પરિવારે પણ ખૂબ સાથ આપ્યો, એ વિશે શું કહેવું છે?
મારા પત્ની ઈન્દિરા સોનીએ તો આ આખી સફરમાં ખભેથી ખભે મેળવીને મારો સાથ આપ્યો છે. મારા બાળકો દીપક સોની અને દીકરી ડૉ. પારૂલ સોની અને પુત્રવધુ તથા જમાઈ પણ આ કાર્યમાં મારી સાથે જોડાયા છે. જ્યારે અમારા લગ્ન નક્કી થયા ત્યારે મેં ઈન્દિરાને 17 પાનાનો પત્ર લખ્યો હતો. જેમાં મેં લખ્યું હતું કે હું મારા માતા-પિતાને મારી સાથે રાખીશ, કમાણીમાંથી તને વધુ પૈસા આપી શકીશ નહીં, કારણ કે મારે સેવા કાર્યો કરવાના છે. હું ગામડાઓમાં જઈને સેવા કરીશ તો તને વધુ સમય પણ આપી શકીશ નહીં. મારી શરતો મે એને લખીને મોકલી હતી, કારણ કે તેઓ અમદાવાદના રહેવાસી હતા. શરૂઆતમાં તો તેમને એમ હતું કે આ તો ખાલી આવી વાતો કરતા હશે, પછી બધું ભૂલી જશે. ત્રણ વર્ષ અમારી સગાઈ રહી હતી. આ દરમિયાન હું તેમને ખૂબ પત્રો લખતો. પત્રોમાં એમને કહેતો કે રમણલાલ દેસાઈના પુસ્તકો વાંચો, ફિલ્મો પણ એવી જ જોવાની કહેતો જેમાંથી કંઈક શીખવા મળે. ધીમે-ધીમે એમના વિચારો પણ બદલાતા ગયા અને એ ક્યારે મારી સાથે ભળી ગયા એની ખબર જ ન પડી. એ સારા ઘરમાંથી આવ્યા હતા તો પણ મારી સાથે કુષ્છ રોગીઓના ઘા સાફ કરવા બેસી જતા હતા. આ જોઈને જ મને ખાત્રી થઈ ગઈ હતી કે, મારા દરેક કદમ પર સાથ આપે તેવી જ જીવન સંગિની મળી છે. હવે તો બાળકોએ આ આખું કામ સંભાળી લીધું છે.

અત્યારે તમારા આ સેવાયજ્ઞમાં કઈ-કઈ પ્રવૃતિ ચાલે છે?
અત્યારે તો અમારો પરિવાર ખૂબ જ મોટો થઈ ગયો છે. સંસ્થાની અંદર જ ગરીબ બાળકો માટે શાળા ચાલે છે. નાનકડી હોસ્પિટલ પણ ચાલે છે. સંસ્થાના પટાંગણમાં જ વિશાળ મંદિર આવેલું છે. આ સિવાય એક મોટો હોલ છે, જે અમે કોઈ પણ વળતર લીધા વિના લોકોને સેવા કાર્ય માટે આપીએ છીએ. આ સિવાય જે ગાયો દૂધ આપતી નથી, જેને કોઈ રાખવા તૈયાર નથી એવી ગાયોને અમે અમારી સંસ્થામાં સાચવીએ છીએ. ખેતી કામ પણ કરીએ છીએ. કુષ્ઠ રોગમાંથી મુક્ત થયેલા દર્દીઓને રોજગાર આપીએ છીએ. મંદબુદ્ધિના જે દર્દીઓ અમારી પાસે છીએ તેમના માટે પણ નાની-નાની અનેક પ્રવૃતિઓ કરીએ છીએ.

 

(રાધિકા રાઓલ – અમદાવાદ)