સરકાર અને સમાચાર એજન્સીઓ દ્વારા વારંવાર જાહેરાતો કરવા છતાં, અતિશય પ્રચાર કરવા છતાં આજકાલ ડિજિટલ અરેસ્ટ સ્કેમ હજુ પણ ચાલી જ રહ્યા છે. એક સમય એવો હતો કે જ્યારે વ્યક્તિ ઘરની બહાર નીકળે અથવા તો ક્યાંક બહારગામ જાય તો તેને ઘરમાં ચોરી થવાનો ભય રહેતો હતો. જો કે હવે ચોરો હાઈટેક થઈ ગયા છે. તેમણે વધારે શારીરિક મહેનત કરવાની જરૂરિયાત પડતી નથી. તેઓ ઘરે બેઠાં-બેઠાં ડિજિટલ કરન્સી અને ડિજિટલ એરેસ્ટ દ્વારા આપણા ફોનમાંથી નાણા ઉપાડી લે છે. ચાલુ વર્ષે જ ભારતમાં ડિજિટલ એરેસ્ટના ગુનાઓ દ્વારા છેતરપિંડીની 6,000થી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સામાજિક ભયના કારણે ફરિયાદ ન નોંધાવાઈ હોય તેવા કિસ્સા ગણીએ તો દર મહિને સરેરાશ 1000 લોકો ડિજિટલ સ્કેમનો ભોગ બને છે.
આ પ્રકારના સાયબર સ્કેમથી કેવી રીતે બચી શકાય તે વિશે જાણવા માટે ચિત્રલેખા.કોમએ ‘છોટી સી મુલાકાત’ માં સાયબર એક્સપર્ટ, એથિકલ હેકર્સ અને Cyber Octet નામની સાયબર સિક્યોરિટી કંપનીના ફાઉન્ડર ફાલ્ગુનભાઈ રાઠોડ સાથે વાત કરી.
ચિત્રલેખા: ડિજિટલ એરેસ્ટ સ્કેમમાં શું હોય છે?
ફાલ્ગુન રાઠોડ: આ જે સાયબર ગઠિયાઓ હોય છે તે પોતાની મોડસ ઓપરેન્ડી ચેન્જ કરતા રહેતા હોય છે. શરૂઆતમાં કોઈના પણ સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવીને એ વ્યક્તિના જેટલાં પણ કોન્ટેક્ટ પર્સન હોય તેમની પાસે ઈમરજન્સી આવી ગઈ છે તેમ કહીને નાણા માગતા હતા. આ સિવાય આજના સમયમાં ભારતમાંથી મોટા પ્રમાણમાં યુવાનો વિદેશ અભ્યાસ માટે જતાં હોય છે. તો આવા યુવાઓના એકલા રહેતા માતા-પિતાને ટાર્ગેટ કરવામાં આવે છે. તેમને ફોન કરીને કહેવામાં આવે છે કે તમારા છોકરાને કે છોકરીને વિદેશમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે.
જો તમે તાત્કાલિક પેનલ્ટી નહીં ચૂકવો તો તેમને જેલમાં મોકલવામાં આવશે. સ્કેમર્સ એવો સમય પસંદ કરે છે જ્યારે વિદેશમાં રહેતા લોકો ફોન ઉઠાવી શકે નહીં. આ પ્રકારના કોલમાં દરેક વ્યક્તિ સાથે ફ્રોડ થતું નથી. જે લોકો જાગૃત હોય છે તે બચી જાય છે. પણ મોટાભાગે લોકો સ્કેમનો શિકાર બની જતા હોય છે. લોકોને ફોન કરીને કહેવામાં આવે છે કે તમારા નામના પાર્સલમાં ડ્રગ્સ નીકળ્યું છે, અથવા તો તમારા ફોન નંબરનો કે આધાર કાર્ડનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં કરવામાં આવ્યો છે. અથવા તો તમારી સિસ્ટમને સ્કેન કરવામાં આવી હતી અને તમે પોર્ન જુઓ છો તેવી જાણ થતાં તમારા નામનું વોરંટ કાઢવામાં આવ્યું છે. કસ્ટમ વિભાગમાંથી અધિકારી બોલું છું તમારું પાર્સલ આવ્યું છે તેમાં અનવોન્ટેડ વસ્તુઓ નીકળી છે વગેરે-વગેરે. આ પ્રકારે પહેલાં ફોન કરવામાં આવે છે અને જો વ્યક્તિ તેમની વાતોમાં ફસાય જાય પછી તેને વિડીયો કોલ કરીને કલાકો અથવા તો દિવસો સુધી કોલ ચાલુ રાખીને એક જગ્યાથી ખસવા દેવામાં આવતો નથી. આ દરમિયાન ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને ફોન પણ કરી શક્તી નથી. વિડીયો કોલમાં જ આ ધૂતારાઓ આખો સરકારી ઓફિસનો માહોલ ઉભો કરે છે. પોતે પણ પોલીસનો યુનિફોર્મ પહેરીને બેસે છે. જેથી ભોગ બનનાર વ્યક્તિને સામેવાળી વ્યક્તિ પર વિશ્વાસ બેસી જાય છે. ડિઝિટલી અરેસ્ટ વ્યક્તિના ખાતામાંથી ધીમે-ધીમે કરીને રૂપિયા પણ કાઢી લેવામાં આવે છે.
આ લોકો ટાર્ગેટ કઈ રીતે પસંદ કરતા હોય છે?
ટાર્ગેટ રેન્ડમ હોય છે. રેન્ડમલી ફોન કરવામાં આવે છે. તાત્કાલિક આખી ઘટના એ લોકો ઉભી કરતા હોય છે. જો કોઈ રિસ્પોન્સ મળે તો પછી આ ફ્રોડ કરનારા લોકો પ્રોસેસમાં આગળ વધે છે. અમારી ભાષામાં તેને સોશિયલ એન્જિનિયરિંગ કહે છે, એટલે કે મેનીપ્યુલેટ હ્યુમન માઈન્ડ. અત્યારે લોકો વધારે સ્ટ્રેસમાં જીવતા હોય છે. ભણેલા-ગણેલા લોકોને પણ આ સ્કેમર્સ એવી રીતે પોતાની વાતમાં લાવી દે છે કે ફ્રોડનો ભોગ બનનાર વ્યક્તિને એવું જ લાગે છે કે ખરેખર તેણે કોઈ ગુનો કર્યો છે. જેમ-જેમ ડિઝિટલ પેમેન્ટ સિસ્ટમમાં વધારો થયો છે તેમ-તેમ આ પ્રકારના સ્કેમ પણ વધી રહ્યા છે.
જો કોઈ વ્યક્તિ ડિઝિટલ અરેસ્ટનું ભોગ બને છે તો તેણે તાત્કાલિક શું કરવું જોઈએ?
તાત્કાલિક 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર પર કોલ કરવો જોઈએ. જે નંબર પરથી ફોન આવ્યો હોય તેની વિગતો આપો, તમારા બેંક ખાતાની વિગતો આપો. જેથી કરીને સાયબર સિક્યોરિટી સેલ તાત્કાલિક તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરે છે. જો તમે તાત્કાલિક એક્શન લેશો તો તમારા નાણાં બચવાની શક્યતાઓ રહેલી છે. જો એક વખત તમારા ખાતામાંથી નાણા ઉપાડી લેવામાં આવે છે, તો પછી તેને પાછા લાવવાનું કામ અઘરું હોય છે.
સરકાર દ્વારા સતત અવેરનેસ ફેલાવવામાં આવે છે, રોજબરોજ સમાચારો પણ સામે આવતા હોય છે. તો પછી લોકોમાં જાગૃતિ કેમ આવતી નથી?
અત્યારે લોકો લિટરેટ છે પણ ડિજિટલી લિટરેટ નથી. ખરેખર લોકોમાં જોઈએ તેટલી જાગૃતિ હજુ પણ આવી નથી. જો કે સરકાર લોકોને જાગૃત કરવા માટે સતત પગલાં લઈ રહી છે. જેમ કે 1930 નંબર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર કહેવામાં આવે છે. જો તમારી સાથે કોઈપણ પ્રકારનું સાયબર ક્રાઈમ થાય છે તો તમે આ નંબર પર ફોન કરીને તાત્કાલિક જાણ કરીને પગલા લેવા માટે કહી શકો છો. તમારા પૈસા જો સામેવાળી વ્યક્તિના બેંકના એકાઉન્ટની અંદર જ હશે તો સાયબર સિક્યોરિટી ટીમ સામેવાળાના ખાતાને ફ્રીઝ કરીને તમારા રૂપિયા પાછા અપાવશે. મોટાભાગે ક્રાઈમ બન્યાના એક કલાકની અંદર જો ફરિયાદ કરવામાં આવે તો રૂપિયા પાછા આવવાના ચાન્સિસ રહેતા હોય છે. આથી જો તમે 1930 પર ફરિયાદ કરશો તો જ તમારા બેંક ખાતા ફ્રિઝ કરવામાં આવે છે. જો બેંક દ્વારા તાત્કાલિક પગલાં લઈને બેંક એકાઉન્ટ ફ્રીઝ ન કરવામાં આવે તો પછી બેંક સામે પોલીસ કાર્યવાહી થઈ શકે છે.
ડિઝિટલ ફ્રોડથી બચવા માટે આપણા ફોન કે ગેઝેટને કેવી રીતે સેફ રાખી શકાય?
આજના સમયમાં એવું થઈ ગયું છે કે લોકો ખૂબ જ સરળતાથી પોતાનો ફોન નંબર કે પછી ઈ-મેલ આઈડી કોઈપણ વ્યક્તિને આપી દેતા હોય છે. મોલમાં કોઈ ખરીદી કરવા જાય તો પણ જો ડિસ્કાઉન્ટ વાઉચર કે પછી લકી ડ્રો માટે પણ લોકો પોતાની વિગતો આપીને આવતા રહેતા હોય છે. સોશિયલ મીડિયામાં આવતી જાહેરાતો માટે પણ પોતાની અંગત વિગતો તરત જ આપી દેતા હોય છે. આજના સમયમાં આપણે જાણીએ જ છીએ કે દરેક પ્રકારની કંપની ઈન્ટરનેટ પર ડેટાનું વેચાણ કરતી જ હોય છે. જો તમારી પાસે સ્માર્ટ ફોન છે અને તમે અનેક પ્રકારની એપ્સ વાપરી રહ્યા છો, તો તમારો અંગત ડેટા સુરક્ષિત રહેતો નથી. આથી તમારો અંગત ડેટા કોઈને પણ આપતા પહેલાં વિચાર ચોક્કસથી કરો.
બીજું કે આપણે આજે ફોનમાં અઢળક કામની અને વગર કામની એપ્સ ડાઉનલોડ કરતા હોઈએ છીએ. સોશિયલ મીડિયામાં કોઈ નવી ગેમની જાહેરાત આવી કે તરત જ આપણે તે નવી ગેમને ડાઉનલોડ કરી લઈએ છીએ. અથવા તો કોઈ કંપની દ્વારા તેની પ્રોડક્ટ પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તેવી જાહેરાત જોઈ કે તરત જ આપણે તે કંપનીની એપ ડાઉનલોડ કરી લઈએ છીએ. આ પ્રકારની એપ ડાઉનલોડ કરતા સમયે આપણી ગેલેરી, કોન્ટેક્ટ ડેટા, આપણા લોકેશન વગેરેની એક્સેસ એપ માગતી હોય છે. તો એક્સેસ આપતા પહેલાં વિચારો કે આ એપને આપણી ફોટો ગેલેરીનું કે આપણા લોકેશનથી શું લેવા-દેવા? કોઈપણ એપ ડાઉલોડ કરતા પહેલાં તેનો રિવ્યૂ વાંચો, કંપની વિશે જાણો અને જરૂર હોય તો જ ડાઉનલોડ કરો. સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો કરતી લિંક મોકલવામાં આવે છે. સાથે એમાં એવું પણ કહેવામાં આવે છે કે તમારા 5 કે 10 મિત્રોને ફોરવર્ડ કરો તો તમને વધારે ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રકારની લિંક ખોલતાની સાથે જ ઘણી વખત તમારો બધો જ બેંક ડેટા ફ્રોડ લોકો પાસે પહોંચી જાય છે. તો સૌથી પહેલાં તો ડિજિટલી જાગૃત બનવાની જરૂરિયાત છે. લોકો આજકાલ દેખાડો કરવામાં વધારે માને છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘરની વિગતો, પરિવારની વિગતો, ક્યાં ફરવા ગયા એની વિગતો, પાસપોર્ટની વિગતો સુધી મૂકી દેતા હોય છે. જે રીતે આપણે આપણા રોકડાં નાણા, જ્વેલરી, કામના ડોક્યુમેન્ટ્સની ફિઝિકલ કોપી બધું જ સાચવીને રાખીએ છીએ. તેવી જ રીતે આપણા ડિઝિટલ ડેટાને પણ એટલું જ સાચવીને રાખવાની જરૂરિયાત છે.
આજના સમયમાં ડિજિટલ લિટરસી પણ એટલી જ જરૂરી છે. સ્માર્ટ ફોનના કારણે હવે બધું જ આંગળીના ટેરવે ઉપલ્બધ બન્યું છે. લોકો હવે તો દૂધ અને ગ્રોસરી પણ ઓનલાઈન મંગાવતા થઈ ગયા છે. ત્યારે તેમણે ડિજિટલી જાગૃત રહેવાની ખાસ જરૂરિયાત છે. જેમ કે પાસવર્ડ તમારા હંમેશા સ્ટ્રોંગ હોવા જોઈએ. જેટલી કામની હોય તેટલી જ એપ્લિકેશન તમારા ફોનમાં રાખો. કોઈપણ એપને જરૂરિયાત પૂરતી જ એક્સેસ આપો. જો આ પ્રકારની નાની-નાની સાવધાની રાખવામાં આવશે તો માટાં નુક્સાનથી બચી શકાશે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
