શું ઘરની મુશ્કેલીઓ માટે સ્ત્રી જ જવાબદાર?

રોજની જેમ આજે પણ અંકિતા સાથે ઝઘડો કરતા એના સાસુ નિર્મલાબહેન બોલ્યા, જ્યારથી તારા પગલાં આ ઘરમાં પડ્યા છે, ત્યારથી અમારી અધોગતી શરૂ થઈ. તારા આવ્યા પછી તો મારો દીકરો બરબાદ થઈ ગયો. પહેલા એને કેટલી સારી નોકરી હતી, બે મકાન હતા, તારા કારણે મારા મકાન પણ વેચાઈ ગયા. તે જે દિવસે આ ઘરમાં પગ મૂક્યો ત્યારથી જ બધા કહેતા કે વહુના પગલાં સારા નથી. પણ અમે ન માન્યા. નિર્મલાબહેન બોલતા હતા અને અંકિતા રોજની જેમ મુંગા મોઢે સાંભળ્યા કરતી.

જોકે, એના મનમાં વિચાર તો આવતો કે લગ્નના 15 વર્ષ પછી પણ મારા સાસુ મને મહેણાં મારવાનું બંધ નથી કરતા, ઘરમાં જરા અમથું કંઈક થાય તો એમાં મારો જ વાંક કાઢે છે. ગામમાં મકાન તો એમની દીકરીના લગ્ન માટે વેચ્યું, એમાં મારો શું વાંક? ઉપરથી હું તો મારો આખો પગાર ઘરમાં વાપરું છું. અને સંજય જે નોકરી કરતા હતા એ એને અનુકૂળ ન આવી માટે બદલી નાખી, હવે બીજી નોકરીમાં પણ એમને નથી ફાવતું તો એમાં હું શુ કરી શકું?  લગ્નની શરૂઆતમાં તો એ બોલતા તો એમ લાગતું કે સાચે જ મારા પગલા સારા નહીં હોય? પણ પછી વિચારું છું તો સમજમાં આવે છે કે આ બધુ તો એમના ઘરમાં વર્ષોથી થતું આવે છે. છતાં ઘરમાં કશુ પણ થાય તો મારો જ વાંક દેખાય છે. થોડી ક્ષણો વિચારો કરી અંકિતા સાસુના શબ્દો અવગણી જોબ પર જવા નીકળી ગઈ.

..પણ ખરેખર આ સામાન્ય લાગતી વાત ઘણી મોટી છે, આજે પણ પરિવાર અઘટિત બનાવ માટે ઘરની પુત્રવધુને જ જવાબદાર માને છે. દીકરો સારુ નથી કમાતો તો એમાં પત્ની જવાબદાર, સંતાન નથી તો એના માટે પણ સ્ત્રી જ જવાબદાર, પ્રોપર્ટી નથી ખરીદી શકતા તો વહુના પગલાં સારા નથી, ઘરમાં દીયર કે નણંદના લગ્ન નથી થતા તો આવનારી પુત્રવધુનો વાંક. નણંદના છુટાછેડા થાય તો પણ એમાં આવનારી વધુ જવાબદાર, આ ઉપરાંત પણ ઘરમાં કશું પણ થાય તો પારકી જણીના કારણે થાય છે એવા આરોપ મહિલા પર લગાવવામાં આવે છે. વારંવાર એને કહેવામાં આવે છે કે તુ તો અમારા માટે અપશુકનિયાળ છું. શું ખરેખર ઘરની દરેક પરિસ્થિતિ માટે મહિલા જ જવાબદાર હોય છે?

સ્ત્રીના પગલે ક્યારેય ખરાબ થતું નથી

સુરતના વિવાહ મેરેજ બ્યુરોના ઓનર ચાંદની દલાલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, “એક બાજુ આપણે માતા લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, કાલીની પૂજા કરીએ છીએ, જ્યારે બીજી બાજુ જે સ્ત્રીમાં આ માતાનો અંશ છે એને જ અપશુકનિયાળ ગણાવીએ એ યોગ્ય નથી. હું એવું માનું છું કે કોઈના સર્જનનું કારણ બનનાર સ્ત્રીના પગલે ક્યારેય ખરાબ થતું નથી. જયારે જે થવાનું હોય એ થાય છે જ એની માટે ક્યારેય આવનારી સ્ત્રીને ખરાબ ન કહી શકાય.  સ્ત્રી જ કોઈ પણ સર્જનની સાથે બધુ સારુ થવાનું નિમિત બને એવુ કુદરતે કર્યુ છે. સ્ત્રીનો સ્વભાવ આપવા માટે બનાવ્યો છે. એ ક્યારેય કાઇ લેતી નથી. તો પછી એ અપશુકનિયાળ કેવી રીતે હોઈ શકે?”

સમાજ બંને બાજુ બોલે છે

એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કલ્ચર કોર્ડિનેટર તરીકે કામ કરતા પિંકલબહેન દેસાઈ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, “મારી વાત કરુ તો આ બાબતે હું ખુબ જ ખુશનસીબ છું, કારણ કે મારા પતિએ મને ખુબ જ સપોર્ટ કર્યો છે. પરંતુ સમાજમાં હજુ એવો વર્ગ છે જે પુત્રવધુને પ્રોત્સાહિત કરવામાં નથી માનતો. જો સારું થાય તો એમાં ક્યારેય ઘરની વહુને યશ આપવામાં નથી આવતો, પરંતુ ખરાબ થાય તો પુત્રવધુને કારણે થયું એમ માનવામાં આવે છે. બીજી એક બાજુ એ પણ છે કે સમાજ બંને બાજુ બોલે છે. પરંતુ મહિલાએ પોતાની જાત પર વિશ્વાસ રાખીને આગળ વધવું જોઈએ. જે વાત પોતે સાંભળી હોય એ આવનારી દીકરીને પેઢીને સાંભળવા ન મળે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બદલાવ સ્ત્રી જાતે જ લાવી શકે. ખોટી વાતની અવગણના કરતા મહિલાએ શીખવું જરૂરી છે.”

જે થવાનું હોય એ થઈને જ રહે છે

અમદાવાદના ક્રિષ્ના ચરડવા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “શુકન અપશુકન, એ લોકોની શ્રદ્ધા અંધશ્રદ્ધા પર આધાર રાખે છે. મારા લગ્ન બે વર્ષ પહેલા જ થયા છે. મને ક્યારેય મારી સાસરીમાં આવી વાતોનો સામનો નથી કરવો પડ્યો. ક્યારેય કોઈ અણ બનાવ માટે મને જવાબદાર ઠેરવવામાં નથી આવી. પુત્રવધુ જ્યારે લગ્ન કરી સાસરીમાં આવે તો ઘણા સારા અને ખોટા પ્રસંગો બને છે. પરંતુ એમાં કોઈ દીકરીનો વાંક હોય એવું મને નથી લાગતુ. જે થવાનું હોય એ થઈને જ રહે છે.. ના તો કોઈના આવાથી ફરક પડે છે ના તો કોઈના જવાથી ફરક પડે છે. માટે ઘરની પુત્રવધુને અપશુકનિયાળ માનવી એ સાવ પાયા વિહોણી વાત છે.”

સામાન્ય મહિલાની વાત તો ઘણી દૂર રહી પરંતુ બોલિવુડની સુપરસ્ટાર અનુષ્કા શર્માને પણ આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. લગ્ન પછી વિરાટ કોહલીનું પર્ફોર્મન્સ ક્રિકેટમાં થોડું અપડાઉન થયું તો આખું સોશિયલ મીડિયા અનુષ્કાને અપશુકનિયાળ માનવા લાગ્યું. જ્યારે થોડા સમય પછી વિરાટે ફરી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું ત્યારે બધાનું મો બંધ થઈ ગયું.  પરંતુ એક સમય તો એવો હતો જ જ્યારે અનુષ્કા શર્મા પર અપશુકનિયાળનો ટેગ લાગ્યો હતો. એ વાત જુદી છે કે આ ટેગ એને પરિવારે નહીં પરંતુ વિરાટના ચાહકોએ આપ્યો હતો.

હેતલ રાવ