હિંદુ ધર્મમાં શ્રાધ્ધ પિતૃ તર્પણનું ખુબજ મહત્ત્વ છે. સમગ્ર ભારતમાં પિતૃઓના મોક્ષ માટે અનેક સ્થળ છે. આ સાથે શાસ્ત્રોમાં અને ઋષિ મુનિઓના કહેવા પ્રમાણે સિધ્ધપુરમાં આવેલું બિંદુ સરોવરમાં માતાનું શ્રાધ્ધ કરવાથી માતા બ્રહ્મલોકને પામે છે.
ભારતના પાંચ પ્રાચીન તળાવ છે જેમાં આ બિંદુ સરોવરનો પણ સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેરમાં આવેલા આ પવિત્ર બિંદુ સરોવરના આખા ક્ષેત્રનું વર્ણન વેદોમાં શ્રીસ્થળ તરીકે કરેલું છે. આ પ્રાચીન અને પવિત્ર તળાવ સિધ્ધપુર શહેર તરફ જતાં મુખ્ય માર્ગથી એકદમ નજીક આવેલું છે.
હિંદુ સંસ્કૃતિ અનુસાર પૈતૃક અંત્યેષ્ઠિ માટે ઘણાં પરિવાર ‘ગયા’ જતા હોય છે. જ્યારે માતૃપક્ષની અંત્યેષ્ઠિ માટેનું સ્થાન સિધ્ધપુરના બિંદુ સરોવરને માનવામાં આવે છે. પવિત્ર સરસ્વતી નદી સિધ્ધપુરમાં છે. સરસ્વતીનું મંદિર અને પ્રાચીન શિવાલયની આ નગરીમાં દેશ વિદેશથી લોકો પિતૃઓને યાદ કરી શ્રાધ્ધ માટે આવે છે. બિંદુ સરોવર, ગૌશાળા, ઋષિઓના મંદિર, પીપળો અને બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં પૂજા કરી પૂણ્યનું ભાથું બાંધવા પ્રયાસ કરે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)