દિવાળીના કામને વર્કિંગ વુમન અને ગૃહિણી કેવી રીતે કરે છે મેનેજ?

મમ્મી, તને ખબર છે કાલે તો રિયાની મમ્મીએ ઘરે જ ઘુઘરા બનાવ્યા? નોકરી પરથી થાકીને આવેલી ગાર્ગીને દીકરી નિષ્ઠાએ માતાના ખોળામાં માથું નાખતા કહ્યું. ગાર્ગીએ પણ દીકરીને વ્હાલથી કહ્યું, ‘એમ? સરસ કહેવાય!’ નિષ્ઠા ફરી બોલી, મમ્મી, આ વખતે આપણે પણ ઘરે જ બધી મીઠાઈ બનાવીશું. ખાસ કરીને ઘુઘરા. દર વખતે તો બા બનાવીને મોકલે છે. મારે જોવા છે કેવી રીતે ઘુઘરા બને છે. થાકેલી ગાર્ગીએ લાંબો નિસાસો નાખતા માત્ર દીકરીને હા કહ્યું અને ફ્રેશ થવા પોતાના રૂમમાં જતી રહી.

રાતની રસોઈ બનાવતા ગાર્ગીને પોતાનું બાળપણ યાદ આવી ગયું કે પોતે પણ નિષ્ઠાની જેમ જ મમ્મીની પાસે બેસીને બધું બનાવવાનો પ્રયત્ન કરતી. કામ કરતા ન આવડે તો પણ હાથમાં ઝાડુ લઈ આખા ઘરની સાફ સફાઈ પોતે જ કરી હોય એમ કપડા બગાડતી. અને મીઠાઈનું તો પૂછવું જ શું? મમ્મીની સાથે રસોડા પર બેસીને આડા અવળા મઠિયા વાળીને કેટલી ખુશ થતી! મારી નિષ્ઠા આ બધુ મિસ કરે છે એવો અહેસાસ એના મનમાં થવા લાગ્યો.  પણ શું કરે?  નોકરીમાંથી માંડ ઘરકામનો સમય નીકળે છે એમાં વળી દિવાળીની મીઠાઈઓ બનાવી કે પછી સાફસફાઈ જાતે કરવાનું તો વિચારવું જ કેવી રીતે?

વાત દિવાળીની છે, જેમાં ઘરની સાફ સફાઈથી લઈને, મીઠાઈ બનાવી, બધા માટે શોપિંગ કરવી, ઘરને ડેકોરેટ કરવુંં જેવી નાની-નાની તમામ ખુશીઓ આવી જાય, પણ અહીં વર્કિંગ વુમન અને હાઉસ વાઈફ બંનેની ભૂમિકા જુદી હોય છે. વર્કિંગ મહિલાઓ અને ગૃહિણીઓ બંને માટે દિવાળી ખાસ હોય છે, પરંતુ એમની તહેવાર ઉજવવાની રીત અને કામ કરવામાં તફાવત છે. આખરે કેવી રીતે મેનેજ કરે છે મહિલાઓ દીવાળીના કામને?

કામનું શિડ્યુલ મારી રીતે નક્કી કરી શકું છું

મને તો દિવાળી ખુબ જ ગમે એમ કહેતા અમદાવાદના વૈશાલી રાઠોડ ચિત્રલેખા.કોમને કહે છે કે, “દિવાળી પ્રકાશ અને ખુશીનો તહેવાર છે. તો સાથે જ ઘરની સાફ સફાઈ, મિષ્ટાન બનાવવાનો અનેરો લ્હાવો પણ છે. ખાસ કરીને મને ખરીદી કરવાની અને ઘરને સજાવવાનો ખુબ શોખ છે. હું ગૃહિણી છું માટે મારી બંને દીકરીઓ અને પરિવાર સાથે આ તહેવારની ઉજવણી સારી રીતે કરી શકું છું. મારા સમય પ્રમાણે કામનું, ખરીદીનું અને નાસ્તા બનાવવાનું શીડ્યુલ નક્કી કરું છું. એમાં પણ જો અચાનક બીજું કામ આવી જાય તો શિડ્યુલમાં ફેરફાર થાય તો પણ જાજો ફરક નથી પડતો.”

 

ટાઈમ મેનેજ ખુબ જરૂરી

અમદાવાદની ઉચ્ચ કંપનીમાં એડમિનિસ્ટ્રેશન મેનેજર તરીકે કામ કરતા દિશા બ્રહ્મભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે, “દિવીળીમાં ઘરની સાફ સફાઈથી લઈને જુદા-જુદા વ્યંજન અને ખરીદી પણ જોડાયેલી હોય છે. દિવાળી સમયમાં ઓફિસમાં પણ છેક છેલ્લા દિવસ સુધી રજા નથી મળતી. માટે મેનેજ કરવું અઘરું તો પડે. પરંતુ હું માનું છું કે, સંયુક્ત પરિવારમાં રહેતી મહિલાઓ માટે કામકાજ કરવું થોડું સરળ રહે છે. જો કે મારી વાત કરું તો દિવાળીમાં સર્વિસ એજન્સી દ્વારા ઘરની સાફ સફાઈ કરાવું છું, જેથી સમયનો સદુપયોગ થઈ શકે અને અન્ય બીજા કામ જે મારે જાતે જ કરવા પડે એમ હોય એ કરી શકાય. મારી દ્રષ્ટિએ કામકાજી મહિલા માટે દિવાળીમાં ટાઈમ મેનેજમેન્ટ ખુબ જરૂરી બની જાય છે.”

 

રોજ થોડું થોડું કામ કરી શકાય

હું તો નવરાત્રી પહેલા જ ઘરની સાફ સફાઈ કરવાનું શરૂ કરું છું એમ કહેતા ગૃહિણી સીમાબહેન પ્રજાપતિ ચિત્રલેખા.કોમને કહે છે, “માતાજીના વધામણાં કરવાના હોય માટે નવરાત્રિમાં જ ઘરની સફાઈ કરીએ છીએ. બાકી રહેલા નાના મોટા ઘરકામ બાકી કામ શરદપુર્ણિમા પૂર્ણ થયા પછી સમય પ્રમાણે કરતા રહીએ. ખાસ કરીને ગૃહિણી માટે 12થી 4નો સમય એવો હોય છે. જેમાં દિવાળીના મોટાભાગના કામ થઈ જાય. મારી દૃષ્ટિએ જે ગૃહિણી હોય એના માટે દિવાળીના કામ કરવા થોડા વધારે સરળ છે. મારી જ વાત કરું તો હું રોજ એક રૂમ સાફ કરુ છું. સાફ સફાઈ પૂર્ણ થયા પછી મીઠાઈ, નાસ્તા બનાવવાનું કામ હાથ પર લઉં અને છેલ્લે શોપિંગ.”

 પહેલા જેટલી હાડમારી નથી

જ્વેલરી બુટીકના ઓનર અલ્પા અગ્રવાલ ચિત્રલેખા.કોમને કહે છે, “સામાન્ય રીતે ઘરના દરેક ખૂણાની સફાઈ માટે તહેવાર પહેલા વિકેન્ડનો ઉપયોગ કરું છું. મારે નવરાત્રિથી લઈને છેક દિવાળી સુધી ઘરાકી રહેતી હોય એવા સમયે ઘરકામ, દિવાળી શોપિંગ અને વ્યંજન બનાવવા ખુબ અઘરા થઈ પડે છે. માટે સફાઈ એપનો ઉપયોગ કરી ઘર સફાઈનું કામ થઈ જાય છે. સાચું કહું તો નાસ્તા પણ તૈયાર જ લાવીએ છીએ. હવે પહેલાની જેમ વધારે નાસ્તા બનાવવાનો ટ્રેન્ડ નથી મોટાભાગે લોકો હેલ્થ કોન્સિયસ છે. બીજું કે હવે દિવાળીની રજાઓમાં ફરવા જવાનો ટ્રેન્ડ પણ વધારે છે. માટે હવે પહેલા જેટલી હાડમારી નથી પડતી.”

વર્કિંગ વુમન અને ગૃહિણી એમ બંને માટે તહેવારની ઉજવણીની મજા અને રંગત સરખી જ હોય છે. વર્કિંગ મહિલાઓ માટે સમયની મર્યાદા હોય છે, જ્યારે ગૃહિણી એમના સમયને સરળતાથી વહેંચી શકે છે. ગૃહિણીઓ ઘરના બનાવેલા વ્યંજનને મહત્વ આપે છે, જ્યારે વર્કિંગ મહિલા તૈયાર ખરીદી કરીને સમય બચાવે છે. બંને પોત પોતાની રીતે પરિવારને તહેવારની ઉજવણીમાં જોડે છે, પરંતુ મેનેજ જુદી-જુદી રીતે કરવું પડે છે.