સતત વધતી જતી ગરમીના કારણે આજે એક સામાન્ય વ્યક્તિ પણ ગ્લોબલ વોર્મિંગ નામના શબ્દથી પરિચિત થઈ ગયો છે. જાગૃત વાચકોને તો ખબર જ હશે કે આ ગ્લોબલ વોર્મિંગ પાછળનું એક મુખ્ય કારણ છે વૃક્ષોની અછત. સાથે જ પ્લાસ્ટિકના કારણે પૃથ્વીને થતું નુક્સાન પ્લાસ્ટિકની બનાવટનો બેફામ ઉપયોગ પણ આ સમસ્યાને વકરાવવામાં એટલો જ જવાબદાર છે.
એવામાં જો તમને ખબર પડે કે ભારતમાં દરરોજની પાંચ કરોડ બોલપેન અને ત્રણ કરોડ પેન્સિલનું ઉત્પાદન થાય છે અને આ માટે રોજના લાખ્ખો વૃક્ષો કાપવામાં આવે છે. એની સાથે લાખ્ખો ટન પ્લાસ્ટિક કચરો પણ ઉત્પન્ન થાય છે તો?
વાત સાચે જ ગંભીર અને વિચાર માગી લે એવી છે, પણ એમાં આપણે શું કરી શકીએ?
વેલ, આપણે કાંઇ કરીએ કે ન કરીએ, પણ દિલ્હીમાં વસતા એક ગુજરાતીને આવો વિચાર આવ્યો અને એમણે એ વિચાર અમલમાં ય મૂક્યો. આ વિચાર એટલે પ્લાસ્ટિકમુક્ત ઇકો-ફ્રેન્ડલી પેન. હા, પ્લાસ્ટિકમુક્ત સોસાયટીની દિશામાં આગળ વધવા માટે સૌરભ મહેતાએ ઇકો-ફ્રેન્ડલી પેન બનાવી છે અને એમની આ પહેલને સારો આવકાર મળી રહ્યો છે.
સૌરભ મહેતાએ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું કે નારિયેળ અને વાંસનો ઉપયોગ કરીને તેમણે વિશ્વની સૌપ્રથમ 100 ટકા પ્લાસ્ટિક ફ્રી પેન બનાવી છે. પેનની બોડી નાળિયેર અને વાંસમાંથી બનાવ્યા પછી અંદરની રિફિલ તેમણે રિસાઈકલ પેપરમાંથી બનાવી છે. આ માટે એ 2018થી મહેનત કરતા હતા અને છેવટે 2024માં એમને પેન બનાવવામાં સફળતા મળી છે.
સૌરભ કહે છે, “એક પ્લાસ્ટિકની પેન બનાવવામાં અલગ-અલગ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય છે. જેને રિસાયકલ કરવું મુશ્કેલ છે. એમાં પણ કેટલાંક પ્રકારના પ્લાસ્ટિક તો એવાં હોય છે જેને રિસાઈકલ પણ કરી શકતા નથી. પેનને રિસાઈકલ કરવા માટે તેને સળગાવવામાં આવે ત્યારે તેમાંથી એવાં ગ્રીનહાઉસ ગેસ ઉતપન્ન થાય છે જે પર્યાવરણને નુક્સાન કરે છે.”
સૌરભ મહેતા મૂળ ગુજરાતના ધ્રોલના રહેવાસી, પરંતુ વર્ષોથી દિલ્હીમાં સ્થાયી થયા છે. તેમણે દિલ્હીની ભારતી વિદ્યાપીઠમાંથી વર્ષ 2010માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ દરેક પ્રકારની ઈન્ડસ્ટ્રિઝને કોસ્ટ સેવિંગમાં મદદ કરવી એ સૌરભનો મેઈન રોલ બન્યો.
જો કે આ દરમિયાન તેમને વિચાર આવ્યો કે એનર્જી કોસ્ટ ઘટાડવામાં મદદ કરવાના બદલે ભારતના એવાં અનેક વિસ્તારો છે, જ્યાં આજ સુધી એનર્જી એટલે કે વીજળી પહોંચી નથી. તો તે એરિયામાં કામ કરવું જોઈએ. આથી જ તેઓ 13 મહિનાની ‘ઈન્ડિયા ફેલો’ નામની ફેલોશીપમાં જોડાયા. જેમાં તેમણે અનેક ગામડાંઓ સુધી વીજળી પહોંચાડવાનું કામ કર્યું. ત્યાર બાદ તેમણે પાંચ વર્ષ સુધી નોન પ્રોફિટ સંસ્થાઓ, NGO અને કેટલીક પ્રાઈવેટ કંપનીમાં કામ કર્યું. જેના થકી સૌરભે રૂરલ ભારતના લગભગ 50,000 ઘરો સુધી વીજળી પહોંચાડી.
વર્ષ 2016માં સંજોગો એવાં બન્યાં કે તેમણે દિલ્હી પાછા ફરવું પડ્યું અને પરિવારના બિઝનેસમાં જોડાવવું પડ્યું. સૌરભના દાદાએ દિલ્હીમાં 60 વર્ષ પહેલાં ફાઉન્ટેન પેનની ટીપ બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી. ત્યારબાદ તેમના પિતાએ બોલપેન અને રીફિલ બનાવવાની શરૂઆત કરી. પેનના આ બિઝનેસમાં જોડાયા પછી સૌરભને જે પહેલો વિચાર આવ્યો તે એ કે આ પ્રકારની પ્લાસ્ટિક પેનથી તો પર્યાવરણને ખુબ જ નુક્સાન થાય. સૌરભના મનમાં હંમેશા એક વિચાર હોય કે, કઈ રીતે આપણે પર્યાવરણનું રક્ષણ કરી શકીએ? એવામાં આ તો પર્યાવરણને નુક્સાન કરતા બિઝનેસમાં જોડાવવું પડ્યું. કારણ કે બોલપેન ઈન્ડસ્ટ્રિઝ એવી છે જેમાં દર વર્ષે પાંચ હજાર કરોડ બોલપેન આપણે લેન્ડફિલમાં ફેંકીએ છીએ, કારણ કે તેને રિસાઈકલ કરી શકાતી નથી.
એ પછીથી સૌરભનું મનોમંથન શરૂ થઈ ગયું કે કઈ રીતે પેનમાંથી પ્લાસ્ટિકને દૂર કરી શકાય?
2018માં સૌરભે તેમના પત્ની શિવાની સાથે મળીને NOTE (No Offense to Earth) નામની કંપની શરૂ કરી. જેમાં તેમનું ફોક્સ ઈકો ફ્રેન્ડલી સ્ટેશનરી બનાવવા પર છે. પ્લાસ્ટિક ફ્રી પેન બનાવવા માટે તેમણે સૌપ્રથમ પેનની બોડીને વેસ્ટ પેપરમાંથી બનાવી. ત્યારબાદ કેપને પણ વેસ્ટ પેપરમાંથી બનાવી. પરંતુ પેનની રીફિલ કે જેમાં ઈન્ક ભરેલી હોય છે તેને સૌરભ અને તેમની ટીમ 2024માં પ્લાસ્ટિકમુક્ત કરી શકી. શરૂઆતમાં તેમણે 50 ટકા પ્લાસ્ટિક ફ્રી પેન બનાવી. વર્ષ 2021માં 25 ટકાથી લઈને 10 ટકા સુધી પ્લાસ્ટિક ફ્રી પેન બનાવી. વર્ષ 2024માં અનેક પરિક્ષણો બાદ ફાયનલી ભારતમાં બની સૌ ટકા પ્લાસ્ટિક મુક્ત પેન.
સૌરભની ટીમમાં હાલ 42 લોકો જોડાયેલાં છે. આ પેનની ઓછામાં ઓછી કિંમત અત્યારે 15 રૂપિયા છે. જ્યારે તમને પેન 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની રેન્જ મળી જશે. જો કે પેનનું પ્રોડક્શન હાલ લિમિટેડ છે. પરંતુ આગામી બે વર્ષમાં તેઓ પ્રોડક્શન વધારીને રીફિલ કોસ્ટ 2થી 3 રૂપિયા પર લાવવાનો ટાર્ગેટ ધરાવે છે. જેથી કરીને ઈકો ફ્રેન્ડલી પેન બીજી પ્લાસ્ટિક પેનની જેમ ઓછાં ભાવમાં સરળતાથી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે. સૌરભ અત્યારે મહિને પાંચથી દસ લાખ પેનનો ટાર્ગેટ ધરાવે છે. આ બધી જ પેનનો પ્રિ-ઓર્ડર તેમને મળ્યો છે. સૌરભને યુરોપ, કતાર, અમેરિકા જેવાં અનેક દેશોમાંથી પેનના ઓર્ડર મળ્યાં છે. પરંતુ તેઓ ધીમે-ધીમે ઈકો ફ્રેન્ડલી પેનનું ઉત્પાદન વધારીને બોલપેનના બજારને સંપૂર્ણપણે પ્લાસ્ટિકમુક્ત કરવાનો વિચાર ધરાવે છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)