‘ગ્રે ડિવોર્સ’ પશ્ચિમી સંસ્કૃતિનું ભારતીય અનુકરણ

લોપાએ માતા સુરેખાબહેનને કોલ કર્યો. આજે દીકરીનો અવાજ જરા વધુ ભારે સાંભળી માતાએ પૂછ્યું બેટા આજે પણ માથાકૂટ થઈ. લોપાએ રડમસ અવાજે કહ્યું જવા દે મમ્મી આ તો રોજનું થઈ ગયું છે. મન તો થાય છે આ બધુ છોડીને ક્યાંક દૂર ચાલી જાઉં પણ શું કરુ હેતનો ચહેરો જોવું છું એટલે ન મને જીવું છું. માતાએ કાયમની જેમ જ દીકરીને સાંત્વના આપી. થોડા વર્ષો પછી લોપા કાયમ માતાને ત્યાં આવી ગઈ. હા 52 વર્ષની લોપાએ પતિ સંકેત સાથે છૂટાછેડા લઈ લીધા. માતા સુરેખાબહેને એને સહકાર આપ્યો કારણ કે એ જાણતા હતા કે જો લોપા વધારે ત્યાં રહેશે તો કદાચ એ જીવી નહીં શકે. આખરે એવું તો શુ થયું કે દિકરો 18 વર્ષનો થયો પછી લોપાએ પતિને છૂટાછેડા આપવા પડ્યા. શું સમાજ આવા ડિવોર્સને સ્વીકારે છે ? એવા કયા કારણો છે જેના કારણે વર્ષો સાથે રહ્યા પછી પતિ-પત્ની એકબીજાથી અલગ થઈ જાય છે? આખરે આ ગ્રે ડિવોર્સ કેમ વધી રહ્યા છે ?

કોને કહેવાય ગ્રે ડિવોર્સ ?

એક બાજુ મોટી ઉંમરે બીજી વખત થતા લગ્નનું પ્રમાણ વધ્યું છે જેને સમાજ ધીમે ધીમે આવકારી રહ્યો છે. ત્યારે બીજી બાજુ મોટી ઉંમરે ડિવોર્સનું પ્રમાણ પણ વધ્યું છે. જેને હવે ગ્રે ડિવોર્સ તરીકે ઓળખવામાં આવે છે. 50 વર્ષથી વધુ ઉંમરના પરિણીત યુગલો જ્યારે ડિવોર્સ લેવાનો નિર્ણય કરે છે ત્યારે આ ડિવોર્સ ‘ગ્રે ડિવોર્સ’ કહેવાય છે. જો કે અન્ય આધુનિક ટ્રેન્ડની જેમ આ ટ્રેન્ડ પણ પશ્ચિમના દેશોમાં જ જોવા મળતો હતો, જ્યાં વૃદ્ધ લોકો તેમના જીવનના અંતિમ તબક્કે છૂટાછેડા લેવાનું નક્કી કરે છે. પરંતુ હવે ભારતમાં પણ આનું પ્રમાણ ક્રમશ: વધી રહ્યું છે.

પતિ-પત્ની એકબીજાનો સહારો

અંકલેશ્વરના સોશિયલ એક્ટિવિસ્ટ દિપ્તી જોશી ચિત્રલેખા.કોમને કહે છે કે,  હકીકતમાં મોટી ઉંમરે તો પતિ-પત્નીને એકબીજાનો સહારો હોય છે. આખું જીવન કદાચ લડતા-ઝઘડતા જતું રહે પરંતુ ઘડપણ તો એકબીજાના સાથ અને સહકારથી જ પસાર થાય. આ ડિવોર્સમાં વાત માત્ર મહિલા કે પુરુષની નથી પરંતુ એની સાથે બાળકોની પણ છે. આપણે ત્યાં હજુ પણ સમાજ અને પરિવારને બધાથી પર રાખવામાં આવે છે. ગ્રે ડિવોર્સ પરિવારો અને સમાજને અસર કરે છે. વૃદ્ધાવસ્થામાં છૂટાછેડા ભાવનાત્મક રીતે પણ મુશ્કેલી ભર્યા છે. આ એવો સમય છે જ્યાં યોગ્ય સમર્થન અને માર્ગદર્શન સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી શકાય છે.

 

 મહિલાની સહન શક્તિ ઘટે છે

અમદાવાદ ફેમિલી કોર્ટના વકીલ દામિની ઠાકર ચિત્રલેખા.કોમને કહે છે, એક ઉંમર પછી માણસની સહન કરવાની શક્તિ ઓછી થઈ જાય છે. ખાસ કરીને જે મહિલાઓ પરિવાર, પતિ બધાની સાચી-ખોટી વાતો સહન કરતી હોય એ મહિલાને અમુક ઉંમર પછી સહન કરવું શક્ય નથી રહેતું. બીજી તરફ પરુષોનો સ્વભાવ ગમે એ ઉંમરે સરખો જ રહે છે, જલ્દી બદલાતો નથી. અન્ય એક વાત ગ્રે ડિવોર્સ માટે એ પણ છે કે મહિલાઓ માત્ર પત્નીની ભૂમિકામાં નથી રહી શકતી. એને સારી રીતે માતાની ફરજ પણ નિભાવવાની હોય છે. આવા સમયે ઉંમરના એક પડાવ પછી પુરુષ પત્નીને માત્ર સંતાનોની માતા તરીકે જોવે છે. એમને પત્નીમાં રસ ઓછો થતો જાય છે. ઘણી વખત આ તણાવ એટલો વધે છે કે એ વાત ડિવોર્સ સુધી પહોંચી જાય છે.

 

સંબંધ જુનો થાય એમ વધુ મજબૂત બને

મે તો હંમેશા મારા વડીલો પાસેથી એજ સાંભળ્યું છે કે સબંધ જેમ જુનો થાય એમ પાક્કો થાય. આ શબ્દો છે ગૃહિણી અર્ચના ચંદ્રેશભાઈ બારોટના.  ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એ કહે છે, ઉંમરના એક પડાવ પછી જરૂરી છે એકબીજાની લાગણી, ઈચ્છાઓ અને જરૂરિયાતોને માન આપવાની. સંબંધમાં આદર અને પરસ્પર આદરપૂર્ણ વર્તન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા પાર્ટનરને નાની-નાની રીતે આદરની અનુભૂતિ કરાવી, એમના અભિપ્રાયનું મૂલ્યાંકન કરવું વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ પાર્ટનર માટે સમય નીકાળવો જરૂરી છે.  સાથે સમય પસાર કરવાથી સંબંધો મજબૂત થાય છે. સાથે ટ્રીપ પર જવું, સાથે મળીને કોઈ શોખ કરવો અથવા માત્ર સાથે બેસીને વાતો કરવી, આ બધું સંબંધોને તાજા રાખે છે. આપણી સંસ્કૃતિ ગ્રે ડિવોર્સને પ્રોત્સાહન નથી આપતી. આપણા સમાજમાં સાથે જીવતા અને છેક સુધી સાથ નિભાવતા કપલ વધુ જોવા મળે છે.

ગ્રે ડિવોર્સ પાછળ જવાબદાર કારણો

-ગ્રે ડિવોર્સ લેવાના નિર્ણય પાછળ આર્થિક સ્વતંત્રતા એક મહત્વપૂર્ણ પરિબળ છે. એક સમયે સ્ત્રી, આર્થિક રીતે પતિ પર નિર્ભર હતી એ હવે આર્થિક રીતે સ્વતંત્ર બની ગઈ છે અને પોતાના જીવનના નિર્ણય જાતે લેવા સક્ષમ છે

– નિવૃત્તિ પછી તણાવમાં વધારો, જાતીય ઇચ્છામાં ઘટાડો વગેરે જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. કેટલીક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ આર્થિક સંકટને જન્મ આપે છે પરિણામ ગ્રે ડિવોર્સ તરફ દોરી જાય છે

-લગ્નજીવનમાં કોમ્યુનિકેશન સૌથી મહત્ત્વનું છે. ઘણી વખત એકબીજા સાથે વાતચીતના અભાવને કારણે સંબંધોમાં અંતર વધી જાય છે. લાગણીઓ અને વિચારો જીવનસાથી સાથે નિયમિતપણે શેર ન થતા બંને એકબીજાથી દૂર થાય છે

-નાણાકીય સમસ્યા પણ ક્યારેક ગ્રે ડિવોર્સનું કારણ બની જાય છે. એકબીજાનો નાણાકીય દ્રષ્ટિકોણ ન સમજવો અને અનાદર કરવાથી મોટા પ્રોબ્લેમ ઉભા થાય છે.

એન્ટરટેનમેન્ટની દુનિયામાં ગ્રે ડિવોર્સ એ નવી વાત નથી આમિર ખાનથી લઈને મલાઈકા અરોરા હોય કે પછી હોલીવૂડ સ્ટાર હોય. લગ્નના 20-25 વર્ષ પછી ડિવોર્સ લઈને બીજા લગ્ન પણ કરી લે છે. પરંતુ આપણા સમાજના વાડા હજુ પણ આ બધામાં માનતા નથી. હા ફાવે નહીં તો છુટા થઈ જવું આ વાત ઘણી વાર બોલાય છે પરંતુ જ્યારે ખરેખર છૂટા થવાનું થાય તો સો વખત વિચાર આવે. છતાં ગ્રે ડિવોર્સ હવે ધીમે ધીમે સમાજમાં પ્રવેશી રહ્યો છે. એ વાત નકારી પણ ન શકાય.

હેતલ રાવ