ફાગણના રંગ, રણછોડરાયની સંગ…

ફાગણ મહિનાની પૂનમ આવે એટલે ડાકોરના ઠાકોર યાદ આવે. આ દિવસોમાં ડાકોર યાત્રાધામ તરફ જતા માર્ગો પર રણછોડરાય મંદિરને ધજા ચઢાવવા જતા યાત્રાળુઓ જોવા મળે. રણછોડરાયનું આ સુપ્રસિધ્ધ ડાકોર તીર્થ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં શેઢી નદીના કિનારે આવેલું છે. એક માન્યતા મુજબ અહીં ડંક ઋષિનો આશ્રમ હતો, જેના નામ ઉપરથી આ નગર ડંકપુર કહેવાયું.

જૂની વાયકા અનુસાર ઈ. સ. 1156માં ભક્ત બોડાણા દ્વારકાથી રણછોડરાયની મૂર્તિ ડાકોરમાં લાવ્યા હતા. દ્વારકાના ગૂગળી બ્રાહ્મણો આ મૂર્તિ પાછી લેવા આવ્યા હતા, પણ એના બદલામાં ભારોભાર સોનું આપવાનું કહેવામાં આવ્યું. મૂર્તિનું વજન કરતાં ફક્ત એક વાળી જેટલું જ થયું. નવું મંદિર ઇ.સ. 1772માં ગાયકવાડના શરાફ ગોપાળરાવ તાંબેકરે બંધાવ્યું હતું. આ મંદિર મહારાષ્ટ્રમાં પ્રચલિત હેમાદ્રિ શૈલીનું છે.

ડાકોર તીર્થમાં ગોમતી નામનું પવિત્ર તળાવ છે. ઉપરાંત, લક્ષ્મીજી, ડંકનાથ મહાદેવ, વિશ્વકર્મા-મંદિર, શેષષાયી વિષ્ણુનું મંદિર, કબીર-મંદિર, મહાપ્રભુજીની બેઠક, શ્રીયંત્ર સ્વરૂપનું સરસ્વતી મંદિર વગેરે અનેક મંદિરો છે. અહીં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કૉલેજો, સંસ્કૃત પાઠશાળા, પુસ્તકાલયો અને ધર્મશાળાઓ છે. કાર્તિકી અને અશ્વિન માસની પૂનમના દિવસે તથા હોળીના દિવસે મોટો મેળો ભરાય છે‌. ઠાકોરજીના સાનિધ્યમાં ફાગણના રંગોત્સવનું વિશેષ માહત્મ્ય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)