કાવ્યા અમદાવાદની એક ઉચ્ચ કંપનીમાં સારા હોદ્દા પર કામ કરતી હતી. એનું જીવન એના બે બાળકોની આસપાસ ફરતું રહેતું. સુખ-વૈભવ, હંમેશા અતિ નિખિલ અને બાળકો સાથે લોંગ ડ્રાઈવ પર જવું, વીકએન્ડમાં રીસોર્ટમાં એન્જોય કરવું અને વેકેશનમાં એકાદ વિદેશ ટૂર. એને જોઈને લોકોને એમ લાગતું કે કાવ્યા અને નિખિલનું દાંપત્ય જીવન ખૂબ સારું છે. બંને વચ્ચે ગાઢ પ્રેમ છે. કારણ કે સમાજને એ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે એનો અણસાર ક્યારેય આવ્યો નથી.
પણ હકીકતમાં એ છેલ્લા ત્રણ વર્ષથી પતિ સાથે એક જ છત હેઠળ તો રહે છે. પરંતુ અજાણ્યા બનીને! ન વાતચીત, ન લાગણી, ન પ્રેમ કે ન પોતીકાપણું. છતાં એમની વચ્ચે બે બાળકોનું બંધન છે. જેમના ભવિષ્ય માટે કાવ્યા દરેક દિવસ એક લડાઈ સમાન જીવે છે. સંબંધ તૂટી ગયો છે, પણ લગ્ન હજુ એક ‘ફોર્મલ સંબંધ’ તરીકે જીવિત છે. કારણ કે, કાવ્યા માને છે, બાળકોના બાળપણમાં પિતાનું હાજર રહેવું એટલું જ અગત્યનું છે, જેટલું માતાનું. સમાજમાં કાવ્યા જેવી ઘણી મહિલાઓ છે, જે લગ્નને પ્રેમ નહીં પણ જવાબદારી સમજીને જીવી રહી છે.
સવાલ એ થાય કે શું ખરેખર સ્ત્રીઓ માટે લગ્ન એક સામાજિક બંધનથી વધુ, એક માતૃત્વની પ્રતિજ્ઞા છે? પતિ સાથે મનમેળ ન હોવા છતાં આ બંધન માત્ર બાળકો માટે કેમ બંધાઈને રહી જાય છે?
સ્ત્રી સંબંધમાં રહે છે, પણ એ સંબંધને જીવતી નથી
જ્યારે સ્ત્રી મા બને છે ત્યારે ભગવાન એને એક ખાસ હૃદય આપે છે. એવું હૃદય જે એક સાથે મજબૂત પણ હોય અને મજબૂર પણ. એ જીવનની કઠિન પરિસ્થિતિમાં પણ બીજો વિકલ્પ શોધતી નથી, ત્યાં સુધી કે જ્યાં સુધી પોતાના બાળકને પાંખ ન આપી દે. એ તકલીફો અને તણાવ વચ્ચે પણ પોતાની ગમતી પ્રવૃત્તિઓમાં મનને પરોવવું શીખી લે છે. પગભર થવાનું શીખી જાય છે. કેમ કે એ દુનિયા સામે લાચાર થવાનું નથી ઇચ્છતી.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મહુવાના શિક્ષીકા પાવાગઢી દીપ્તિ ઠાકોરભાઈ કહે છે કે, “કેટલીકવાર જીવનમાં સંબંધ તૂટી જાય છે, પ્રેમ સાથ છોડે છે, એવી સ્થિતિમાં પણ એક સ્ત્રી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આ સમાધાન કદાચ સમાજના દબાણથી હોઈ શકે છે, અથવા તો માતૃત્વની મજબૂરીથી. સ્ત્રી સંબંધમાં રહે છે, પણ એ સંબંધને જીવતી નથી. એ તો એનાં બાળકોના ભવિષ્ય માટે પોતાના સપનાઓ અને ભાવનાઓને સંતાડી દે છે. પ્રેમ વગરના સંબંધમાં જીવવું એ કોઈ કમજોરી નથી, પણ બલિદાન છે. જે એ દરેક ક્ષણે આપે છે. તેમ છતાં, દરેક સ્ત્રીને પોતાનું જીવન ફરીથી જીવી લેવાની, નવી શરૂઆત કરવાનો અધિકાર છે. એથી એ હારી ગઈ એમ ન માની શકાય. કદાચ એને પોતાની અંદરના અંધકારને પાર કરી પ્રકાશ તરફ પગલાં મૂક્યાં છે. કેમ કે એક મા હોય તો કોઈ પણ તૂટેલું સપનું ફરીથી બાંધીને બાળકોના ભવિષ્યને ઉજાસ આપી શકે છે.”
માતા એ પોતાની વ્યથાને મૌન બનાવી દે છે
એક માતા જ્યારે પણ સંતાન માટે સહન કરે છે એ ફરજિયાત શાંતિ ઘણીવાર મજબૂતી તરીકે જોવામાં આવે છે. પણ ઘણીવાર એ શાંતિ એનો આંતરિક તૂટવાનો અવાજ છુપાવતી હોય છે. એને લાગતું હોય કે સહન કરવું એ એનું કર્તવ્ય છે. પણ હકીકતમાં એ દરેક ક્ષણે પોતાને ગુમાવતી હોય છે. સંબંધમાં જો પ્રેમની જગ્યાએ સંકોચ આવે અને વિશ્વાસની જગ્યાએ શંકા વસે, તો એ સંબંધ ખુદ જીવન પર ભાર બની જાય છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સાહિત્યકાર હિમાલી મજમુદાર કહે છે કે, “સ્ત્રીના મનમાં ભીરુતા બાળપણથી જ સ્થાપી દેવામાં આવી છે. ભલે આપણે કહીએ કે આજના યુગમાં સમાજ આગળ વધી ગયો છે, મહિલાઓ સ્વતંત્ર થઈ રહી છે. પણ સત્ય એ છે કે આજે પણ મોટાભાગની મહિલાઓના મનમાં એક સવાલ સતત ઘૂમતો રહે છે કે હું આ સંબંધ છોડીને ચાલી જઈશ તો મારા બાળકનું શું થશે? ઘર સાચવવાની જવાબદારી હોય, બાળકો ઉછેરવાની જવાબદારી હોય કે પછી સંબંધો જાળવવાની જવાબદારી હોય, એ દરેક જવાબદારી મહિલાએ જાણે ખુદ જ ચુપચાપ સ્વીકારી લીધી છે. પિતાને પણ બાળકના ભવિષ્યની ચિંતા હોય છે, પણ માતા એ તો સમગ્ર દૃશ્યને વિચારે છે. એ વિચારતી હોય છે કે જો સંબંધ તૂટી જશે તો માત્ર મને નહીં, પરંતુ મારા બાળકને પણ વેઠવાનો વારો આવશે. સમાજ શું કહેશે? કોર્ટના કાગળો, કચેરીના ચક્કર, લોકોને સમજાવાની ઝંઝટ. અંતે આ બધી પળોજણ કરતા સમાધાન કરી લેવું વધુ સારું.”
વધુમાં ઉમેરે છે કે, “સ્ત્રી એક માતા તરીકે સમાજના સો માણસો સાથે લડવાની જગ્યાએ બાળકોના ભવિષ્ય માટે ઘરના ચાર માણસો સાથે એડજસ્ટ કરવાનું વધુ યોગ્ય માને છે. આજે પણ અનેક ઘરોમાં સ્ત્રીઓ સહન કરે છે, કે એને કરાવવામાં આવે છે. એ એક અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ એ સ્ત્રીઓની અંદર સહન કરવું એ મજબૂતી છે એવું સ્થાપી દેવામાં આવ્યું છે અપવાદ સ્વરૂપે કેટલીક મહિલાઓ આજે પણ હિંમતથી પોતાનું મન મજબૂત કરીને સ્વતંત્રપણે જીવવાનું પસંદ કરે છે. પણ એવું પ્રમાણ ઓછું છે. મોટા ભાગે તો માતા એ પોતાની વ્યથાને મૌન બનાવી દે છે, અને બાળકના ભવિષ્ય માટે પોતાનું જીવન પણ સમજદારીના નામે બલિદાન આપી દે છે.”
માતા માટે સંતાન માત્ર એક સંબંધ નથી
એક સ્ત્રી માટે જીવનમાં એના દરેક સંબંધ સામે ઝઝૂમવું શક્ય હોય છે. પણ જ્યારે વાત પોતાના સંતાનની આવે, ત્યારે એ નીડર સ્ત્રી પણ વારંવાર દરેક સંબંધ સામે નમે છે. શૂન્ય થતા સંબંધો સામે એ લડી શકે છે, પણ પોતાના બાળકના ભવિષ્ય માટે એ જગતના તમામ દુઃખો ભોગવે છે. માતા માટે સંતાન માત્ર એક સંબંધ નથી, એ તો એની આખી દુનિયા છે. એ જાણે છે કે એ પ્રેમ આપશે, સંસ્કાર આપશે, સંભાળશે પણ પિતાની જગ્યા ક્યારેય ભરી શકતી નથી. ભલે પતિના પ્રેમમાં કમી રહી હોય, પરંતુ પોતાના સંતાનને પિતાના પ્રેમ માટે તરસતું નથી જોઈ શકતી.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર બિના પટેલ કહે છે કે, “વિદેશોમાં છૂટાછેડા સહેલા હોઈ શકે, કદાચ એ લોકો બાળકોના ભાવનાત્મક પરિપ્રેક્ષ્યને એક પ્રશ્ન તરીકે જ ન જુએ. પણ ભારતમાં, ખાસ કરીને માતાઓ માટે, છૂટાછેડા માત્ર બે લોકો વચ્ચેનો અંત નથી. એ સંબંધ તૂટે તો બાળકનું બાળપણ તૂટી જાય, એ સમજણ સાથે મોટી ભાગીદારીથી માતા ઘણીવાર પોતાનું આખું જીવન પણ બલિદાન આપી દે છે. એ જ મહત્તનું કારણ છે કે ઘણી બધી મહિલાઓ દુઃખ સહન કરીને પણ પતિ સાથે રહેવાનું પસંદ કરે છે. કારણ કે એ સવાલ પોતાનો નહીં હોય, એ સવાલ એના બાળકના ભવિષ્યનો હોય છે. જો થોડું જતું કરી, સમાધાન કરીને પરિવાર અને બાળકોનું બાળપણ સચવાય તો આ યોગ્ય સમાધાન છે.”
પતિ-પત્નીના સંબંધ જીવનની સૌથી નાજુક લાગણીઓમાં એક છે. જ્યારે બંને વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને માન હોય તો એ જીવનમાં સકારાત્મકતા લાવે છે. પણ ક્યારેક એવું પણ બનતું હોય છે કે આ સંબંધ માત્ર નામ પૂરતા રહે છે. એમાં ન તો લાગણી રહે છે, ન સમજણ, અને ન જ સ્નેહ. એ સમયે જો સંબંધ જીવતા રાખવાનો પ્રયાસ કર્યા પછી પણ એ સ્ત્રીને સશક્તની જગ્યાએ અશક્ત બનાવે તો જો શક્ય હોય તો પોતાને બચાવવા માટે એમાંથી દૂર થવું વધારે સાચું હોય છે. પરંતુ માતા આ વાતને સ્વીકારી નથી શકતી. માટે જ આજે અનેક મહિલાઓ પોતાના સંતાનના સારા ઉછેર માતે પતિની સાથે મન ન હોવા છતાં પણ રહેવું પસંદ કરે છે.
હેતલ રાવ
