અંગદાન માટે વધુ જાગૃિતની જરૂરઃ ડો. પ્રાંજલ મોદી

અમદાવાદસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિર્સચ સેન્ટરના નિયામક અને Gujarat Sottoના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીને ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ (ક્લિનિકલ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય બદલ TTS રેકગ્નિશન એવોર્ડ 2024ની જાહેરાત કરવામાં આવી છે. TTS એટલે કે The Transplantaion Society જે 1966થી કાર્યરત નોન ગર્વમેન્ટલ ઓર્ગેનાઈઝેશન છે. દુનિયાભરમાં ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનારા ડોક્ટર્સને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે, જેમાં આ વર્ષે ભારતમાંથી ડૉ. પ્રાંજલ મોદીના યોગદાનની નોંધ લેવામાં આવી છે.

કોણ છે ડો. પ્રાંજલ મોદી?

15મી માર્ચ, 1968ના રોજ જન્મેલા ડો. મોદીએ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાંથી M.B.B.S. અને સ્પેશિલ સ્ટડી ઈન જનરલ સર્જરીનો અભ્યાસ કર્યો છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં જ યુરોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં ઉચ્ચ અભ્યાસ પછી તેઓ આ જ સંસ્થામાં ફેકલ્ટી તરીકે જોડાયા. ડૉ. પ્રાંજંલ મોદી રેટ્રોપેરીટોનિયોસ્કોપિક લિવિંગ ડોનર નેફ્રેક્ટોમી પદ્ધતિના પાયોનિયરમાંના એક છે. તેમણે ભારત, યુકે, જર્મની અને ઑસ્ટ્રેલિયાના વિવિધ કેન્દ્રો પર આ પ્રોગ્રામની સ્થાપના કરવામાં મદદ કરી.

આ અઠવાડિયાની મુલાકાતમાં કરીએ એમની સાથે વાત…

પ્રશ્ન:  આ એવોર્ડ વિશે શું કહેશો?

જવાબ: આ છેલ્લાં 20 વર્ષની મહેનત છે. વિશ્વને આપણે જુદી-જુદી જાતના ઓપરેશન્સ આપ્યાં. જેને શીખવા માટે દેશ-વિદેશના અનેક ડોક્ટર્સ અમદાવાદની કિડની હોસ્પિટલમાં આવ્યા. કિડની ટ્રાન્સપ્લાન્ટ અંગેનાં અનેક સંશોધન થયાં જેની માહિતી આપણે વિશ્વને આપી. આપણા અથાગ પ્રયત્નો અને મહેનતની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે અને તેનું જ પરિણામ છે કે આપણને આ એવોર્ડ મળી રહ્યો છે.

પ્રશ્ન: એ ક્યા પ્રકારની સર્જરીઓ છે, જેની શોધ અમદાવાદ કિડની હોસ્પિટલમાં કરવામાં આવી અને અહીંથી એ સમગ્ર વિશ્વમાં પહોંચી?

જવાબ: જ્યારે કિડની ટ્રાન્સ્પ્લાન્ટ કરવાની હોય ત્યારે તેને દાતામાંથી કાઢવી પડે અને ડોનરના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે. આ માટેની સર્જરી એટલે રેટ્રોપેરીટોનિયોસ્કોપિક સર્જરી એટલે કે દૂરબીનની મદદથી થતી સર્જરી. નાના-નાના ત્રણ હોલ કરી એમાંથી દૂરબીન શરીરમાં નાખીને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની પદ્ધતિની શોધ અહીં આપણે ભારતમાં કરી અને તેનો ખુબ જ ફેલાવો કર્યો. IKDRCમાં તેનાં અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણથી ચાર હજાર ઓપરેશન થયા છે. જેને શીખવા માટે ઈંગ્લેન્ડથી અને અમેરિકાથી ઘણાં બધાં વિદ્યાર્થીઓ અમદાવાદની હોસ્પિટલમાં આવ્યા. એ ઓપરેશન 2011થી ભારતે ઈંગ્લેન્ડની અંદર પ્રસ્થાપિત કર્યું. એ જ રીતે આપણે 2013થી રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ શરૂ કર્યું. જેને જોવા માટે જાપાન, ઓસ્ટ્રેલિયા, ચીન, જર્મની, ઈંગ્લેન્ડ, અમેરિકા વગેરે જેવાં દેશોમાંથી ઘણાં લોકો અમદાવાદમાં આવ્યા.

પ્રશ્ન: બહેનો માટેની વિશેષ સર્જરી વિશે તમે જે શોધ કરી એનાં વિશે થોડું જણાવશો.

જવાબ: બહેનોના કેસમાં ભારતે જે રસ્તે પ્રસ્તુતિ બાદ બાળક બહાર આવે તે જ રસ્તે રોબોટની મદદથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું એક અનોખું ઓપરેશન શોધી કાઢ્યું. એ ઓપરેશનને બહોળો પ્રતિસાદ મળ્યો. એ ઉપરાંત બાળકોમાં પણ રોબોટની મદદથી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું ઓપરેશન ભારતમાં શોધવામાં આવ્યું છે. આ બધાં ઓપરેશનમાં દર્દીએ ખાસ કરીને બહેનોએ ખુબ જ ઓછું દુઃખ વેઠવું પડે છે. કારણ કે, બહેનોએ તો ઓપરેશન થયાંના થોડાંક દિવસોમાં ઉભા થઈને કામ કરવું પડે છે. આથી બહેનો માટેના ઓપરેશનને સમગ્ર વિશ્વમાં ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આપણાં આ બધાં સંશોધનોની અસર એટલી મોટી પડી કે વિશ્વભરના દેશોએ તેની નોંધ તો લીધી જ સાથે-સાથે તેનો સ્વીકાર પણ કર્યો.

પ્રશ્ન: તમે અંગદાનના ક્ષેત્રમાં પણ ખુબ જ કાર્યરત છો, ત્યારે વેઈટિંગ લિસ્ટ ઓછું થાય અને અંગદાન વધે તે માટેના તમારા ક્યા પ્રકારના પ્રયત્નો છે?

જવાબ: અમે અંગદાન માટે પણ સરકાર સાથે મળીને ખાસ પોઈન્ટ સિસ્ટમની રચના કરી છે. કિડનીનું એલોકેશન જે રીતે થાય છે તેમાં સ્ત્રીની અંદર એ મોટાં પ્રમાણમાં થાય તે રીતની સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. પોઈન્ટ સિસ્ટમની ખાસ વ્યવસ્થા કરવામાં આવી. મોટાભાગના કેસમાં કિડની ડોનર તરીકે એક મા, બહેન કે પત્ની જ હોય છે. એટલે કે 65 થી 70% કેસની અંદર સ્ત્રીઓ જ દાતા હોય છે. જ્યારે પુરૂષો કિડની મેળવે છે. બ્રેઈન ડેડ વ્યક્તિમાંથી કાઢવામાં આવેલાં અંગોની વહેંચણી કોને, કેવી રીતે કરવી? તે માટે રાજ્ય સરકાર સાથે મળીને એક પોઈન્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જેમાં સ્ત્રીઓને પુરૂષોની તુલનામાં બે પોઈન્ટ વધારે આપવામાં આવ્યા છે અને જો તે બાળકી હોય તો તેને ચાર પોઈન્ટ વધારે આપવામાં આવે છે. જેની મોટી અસર એ થઈ કે હવે સ્ત્રીઓનાં કિડનીના ઓપરેશન વધુ પ્રમાણમાં થાય છે. આ બધાં જ કાર્યની ઈન્ટરનેશનલ લેવલ પર નોંધ લેવામાં આવી.પ્રશ્ન: અંગદાનમાં ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા નંબરે છે ત્યારે લોકોમાં જાગૃતિ માટે શું કરવું જોઈએ?

જવાબ: અંગદાનના ક્ષેત્રમાં આપણે ઈમોશનલ લેવલ પર કામ કરી રહ્યાં છે. આપણે કોઈને સિરિયસ હેડ ઈન્જરી થાય કે વેન્ટિલેટર પર હોય ત્યાર પછી જ જાગીએ છીએ. અંગદાન વિશેનું જ્ઞાન પહેલાંથી મેળવવાનો આપણે પ્રયત્ન કરતાં નથી. આથી જો સમાજને આ પ્રકારનું જ્ઞાન બાળપણથી જ આપવામાં આવે તો તેની અસર વધારે થાય. અંગદાનનું પ્રમાણ વધે તો વેઈટિંગ લિસ્ટ ઘટે. આથી લોકોને અંગદાન વિશે વધુમાં વધુ એજ્યુકેટ કરવામાં આવે તે માટે અમે સરકાર સાથે મળીને પ્રયત્નશીલ છીએ.

 (રાધિકા રાઓલ – અમદાવાદ)

(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)