‘બ્રેસ્ટ કેન્સર’ ડરવાની નહીં સમયસર પારખવાની જરૂર

તાજેતરમાં જ ટેલીવિઝનની જાણીતી અભિનેત્રી હિના ખાનને બ્રેસ્ટ કેન્સર થયું હોવાની માહિતી સામે આવી ત્યારે એના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. માત્ર 36 વર્ષની ઉંમરે હિના સ્ટેજ થ્રીના કેન્સરથી ડાઈગ્નોસ થઈ. જો કે હવે એની તબીયત સારી છે અને એ સકારાત્મક વલણ સાથે આગળ વધી રહી છે. ત્યારે સવાલ એ થાય કે બ્રેસ્ટ કેન્સર સ્ટેજ થ્રી સુધી પહોંચ્યું ત્યાં સુધી એની જાણ કેમ ન થઈ? ગુજરાતમાં પણ બ્રેસ્ટ કેન્સરના કેસો વધી રહ્યા છે. અન્ય કેન્સરના પ્રમાણમાં બ્રેસ્ટ કેન્સરના કેસોમાં મૃત્યુદર પણ વધારે છે. એ વાત સમજવી જરૂરી છે કે દર્દીઓ બ્રેસ્ટ કેન્સરના ઈલાજમાં શું થાપ ખાય છે? બ્રેસ્ટ કેન્સરનાં લક્ષણો પારખવામાં શું ભૂલ થાય છે?

ગુજરાતનો સમાવેશ બ્રેસ્ટ કેન્સર કેસોની સંખ્યામાં ટોપ-10 રાજ્યોમાં થાય છે. બ્રેસ્ટ કેન્સરના દર્દીઓમાં મૃત્યુદર પણ 33%  જેટલો છે. 2013માં ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરનાં 11,506 કેસ સામે આવ્યા હતા. એમાંથી 4,280નાં મૃત્યુ થયાં, જે કુલ દર્દીઓના 33% થી પણ વધુ છે. જો સાદી ભાષામાં કહીએ તો ગુજરાતમાં રોજ 11 લોકો બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થાય છે.

આ લક્ષણોને અવગણશો નહીં

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદ એપોલો કેન્સર સેન્ટરના કન્સલ્ટન્ટ બ્રેસ્ટ એન્ડ ઓન્કોપ્લાસ્ટિક સર્જન ડૉ.શુભા સિંહા કહે છે કે બ્રેસ્ટ કેન્સરના મુખ્ય લક્ષણો જાણવા જરૂરી છે. બ્રેસ્ટમાં ગાંઠ થવી, બ્રેસ્ટનું સ્ટ્રક્ચર બદલાઈ જવું, નિપ્પલ પર ચાંદાં પડે, નિપ્પલમાંથી બ્લિડિંગ થવું, બ્રેસ્ટ પર સોજો આવવો આ બધાં લક્ષણો હોય તો મહિલાઓએ ચેતવું જોઈએ, આ લક્ષણો છે કે નહીં એનું નિરીક્ષણ મહિલાઓએ સમયાંતરે પોતાની રીતે કરતા રહેવું જોઈએ. બ્રેસ્ટ કેન્સર થવા પાછળના કારણોની વાત કરીએ તો કેટલાક કિસ્સાઓમાં મહિલાઓમાં મોનોપોઝ લેટ થવું, ઓબેસિટી હોય, હોર્મોનલ ટ્રીટમેન્ટ વધારે લીધી હોય, આલ્કોહોલનું પ્રમાણ લેતા હોય, વજન વધારે હોય એ કારણો પણ બ્રેસ્ટ કેન્સર માટે જવાબદાર છે.

આ ઉંમર પછી મહિલાઓએ મેમોગ્રાફી કરાવવી જોઈએ

45 વર્ષ પછી મહિલાઓએ સમયાંતરે મેમોગ્રાફી કરાવી જોઈએ. જો મેમોગ્રાફીનો રિપોર્ટ નોર્મલ આવે તો ત્રણ વર્ષ પછી ફરીથી મેમોગ્રાફી ફરી કરાવવી જોઈએ. જયારે કોઈ ગાંઠ ફિલ થાય ત્યારે એ કેન્સર મોટેભાગે ત્રીજા સ્ટેજ સુધી પહોંચી ગયું હોય છે. પરંતુ મેમોગ્રાફી દ્વારા જો ગાંઠ માત્ર 1 કે 1.5 સેન્ટિમીટરની હોય તો પણ પકડી શકાય છે. માટે બ્રેસ્ટ કેન્સરની જાણ વહેલી થાય છે. જેના કારણે કિમો થેરાપીથી પણ બચી શકાય છે, સાથે જ ઓછા ખર્ચમાં સારવાર થઈ જાય છે.

કેન્સર માટે જવાબદાર પરિબળ કયા ?

જો પરિવારમાં કોઈને બ્રેસ્ટ કેન્સર હોય તો એ વ્યક્તિને નાની ઉંમરમાં કેન્સર થઈ શકે છે. આ સિવાય લાઈફ સ્ટાઈલ પણ નાની ઉંમરે કેન્સર થવા પાછળ જવાબદાર છે. યોગ્ય ઉંમરે લગ્ન ન થવા, મોટી ઉંમરે લગ્ન કરવા, યોગ્ય ઉંમરે બાળકને ફીડિંગ ન કરાવવું, વધારે પડતું જંકફૂડ અને સ્ટ્રેસ લેવો પણ નાની ઉંમરે કેન્સર માટે કારણભૂત બની શકે છે. જે મહિલાઓ બાળકને સારી રીતે ફીડિંગ કરાવે છે એ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ નહિવત જોવા મળે છે.

કેટલાક કેસોમાં જિનેટિકકારણો પણ જવાબદાર

નડિયાદના જાણીતા મહિલા તજજ્ઞ નફિસા ગુગરમાન ચિત્રલેખા.કોમને કહે છે, બ્રેસ્ટ કેન્સરના કેસો વધવા પાછળ લોકોની ઓછી અવેરનેસ જવાબદાર છે. લોકો નાનાં લક્ષણોને અવગણીને બીકના કારણે હોસ્પિટલ સુધી નથી પહોંચતા, જેને કારણે 50%થી વધુ કેસો ત્રીજા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે. કેટલાક કેસોમાં જિનેટિકકારણો પણ જવાબદાર હોય છે. જો આ અંગે પહેલેથી ચેતી જવામાં આવે તો કેન્સર થતું રોકી શકાય છે. ડો.ગુગરમાન વધુમાં કહે છે, બ્રેસ્ટ કેન્સરની ગાંઠમાં શરૂઆતમાં દુખાવો થતો નથી. એ ગાંઠ મોટી થઈને ચામડી સુધી પહોંચે પછી જ દુખાવો થતો હોય છે. એટલે મહિલાને કોઈ ગાંઠ થઈ છે અને તેમાં દુખાવો ન થતો હોય તો તે કેન્સરની ગાંઠ હોઈ શકે છે. શરૂઆતથી દુખાવો થતો હોય તે ગાંઠ કેન્સરની હોય તેવા ઓછા ચાન્સ છે. કોઈપણ ગાંઠને સામાન્ય ગાંઠ ન સમજવી જોઈએ અચૂક પણે ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ. કોઈ પણ ગાંઠ કે લક્ષણો દેખાય તો પહેલાં ફેમિલી ડૉક્ટરને બતાવવું જોઈએ. આ પછી જરૂર જણાય તો કેન્સર એક્સપર્ટને બતાવવું જોઈએ. ગાંઠને લગતી બાબતમાં જો સામાન્ય ગાંઠ લાગતી હોય તો પણ તેના ઈલાજ પહેલાં બાયોપ્સી કરાવવી અનિવાર્ય છે.

પુરુષોને બ્રેસ્ટ કેન્સર થઈ શકે?

પુરુષોની વાત કરીએ તો મહિલાના પ્રમાણમાં પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ઘણું ઓછું છે. ઉદાહરણ તરીકે 100 મહિલાઓની સામે માત્ર 1 પુરુષમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે. પરંતુ પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર સમયે ગાંઠ દેખાતી હોય છે. ત્યાં ચાંદી પડી હોય તેવું લાગતું હોય છે. જો આ લક્ષણો દેખાય તો પુરુષોએ અચૂકપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આ રીતે જાણી શકાય કયા સ્ટેજ પર છે કેન્સર

બ્રેસ્ટ કેન્સર માત્ર બ્રેસ્ટ સુધી જ ફેલાયેલું હોય તો એને પહેલાં સ્ટેજનું કેન્સર કહેવામાં આવે છે. જો આ કેન્સર બ્રેસ્ટથી લઈ બગલ સુધી પહોંચી જાય તો તો એ બીજા અથવા ત્રીજા સ્ટેજનું કેન્સર હોય છે.  કેન્સર આખા શરીર સુધી પહોંચવાનું શરૂ થઈ ગયું હોય તો એ ચોથા સ્ટેજનું કેન્સર હોય છે. જો કે, સૌથી વધુ રિસર્ચ બ્રેસ્ટ કેન્સરને લઈને થાય છે માટે હવે એવી ટ્રીટમેન્ટ પણ થાય છે કે ચોથા સ્ટેજના કેન્સરનો દર્દી પણ સ્વસ્થ થઈ શકે.

હેતલ રાવ