હેરિટેજ સિટી અમદાવાદના હાટકેશ્વર મહાદેવ

ઉત્તર ગુજરાતના વડનગરમાં હાટકેશ્વર મહાદવેનું એકદમ પ્રાચીન મંદિર આવેલું છે. વડનગરના મંદિર જેવું જ નાના સ્વરૂપે અદભુત શિલ્પ સ્થાપત્ય સાથેનું હાટકેશ્વર મહાદેવનું મંદિર અમદાવાદના ખાડિયામાં પણ આવેલું છે. હાટકેશ્વર મહાદેવ નાગર જ્ઞાતિના આરાધ્ય દેવ છે. મૂળ વડનગર અને આસપાસના પંથકમાંથી નાગર બ્રાહ્યણોએ અનેક સ્થળોએ જઇને વસવાટ કર્યો. નાગર બ્રાહ્યણ જ્ઞાતિના લોકો જ્યાં મોટી સંખ્યામાં વસ્યા ત્યાં હાટકેશ્વર મહાદેવના મંદિરો બનાવવામાં આવ્યા હતા. હાલ અમદાવાદ શહેરમાંથી પણ લોકોએ અન્ય સ્થળોએ સ્થળાંતર કર્યું. પરંતુ એક વર્ગ એવો પણ છે જે હાલ પણ હાટકેશ્વર મહાદેવના નિયમિત દર્શને આવે છે. અહીં ઉજવાતા ઉત્સવો અને તહેવારોમાં ઉપસ્થિત રહે છે. દર વર્ષે હાટકેશ્વર જયંતીના દિવસે પાલખી સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

ખાડિયાની જેઠાભાઇની પોળની સામે જ આવેલું હાટકેશ્વર મહાદેવ મંદિર પેશ્વા વખતનું સાડા ચારસો વર્ષ જૂનું હોય એવું માનવામાં આવે છે. વિશિષ્ટ પત્થરો પર કોતરણી કામ કરી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદનું આ હેરિટેજ સમાવેશ થયેલું મહાદેવ મંદિર લાકડા પરના બારીક કોતરણી કામથી બન્યું છે. જેના કારણે એની ભવ્યતા અલગ તરી આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)