સામાજિક સમરસતાનું જીવંત દૃષ્ટાંત: 14 વર્ષીય મુસ્લિમ દીકરીએ સ્પાઈન સર્જનને રાખડી બાંધી

અમદાવાદ: ગવર્મેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઈદે મિલાદ અને રક્ષાબંધનના પર્વ નિમિત્તે માનવતા અને સામાજિક સમરસતાની એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે.

મૂળ બિહારની 14 વર્ષીય મુસ્લિમ દીકરી ઈકરા શેખે પોતાના સ્પાઈન સર્જન ડો. પીયૂષ મિત્તલના કાંડા પર પ્રેમ અને આભારના ભાવ સાથે રાખડી બાંધીને ધર્મ અને કોમના ભેદભાવથી પર એક અદ્ભુત સંદેશ આપ્યો છે.અંદાજે થોડા સમય પહેલાં કમરના અસહ્ય દુખાવાથી પીડાતી ઈકરાને અન્યત્ર તપાસ કરાવતા MRI રિપોર્ટના આધારે ટીબી (TB) હોવાનું અને સર્જરી કરાવવી પડશે તેવી સલાહ આપવામાં આવી હતી. પરિવાર ગભરાઈને સચોટ માર્ગદર્શન માટે ગવર્મેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યો. અહીં સિનિયર સ્પાઈન સર્જન ડો. પીયૂષ મિત્તલે સચોટ નિદાન માટે બાયોપ્સી કરાવવાનો આગ્રહ રાખ્યો. શરૂઆતમાં પરિવાર બાયોપ્સીથી ડરી રહ્યો હતો, પરંતુ ડો. મિત્તલના વૈજ્ઞાનિક સમજાવટથી તેઓ તૈયાર થયા.

બાયોપ્સી રિપોર્ટમાં આશ્ચર્યજનક રીતે ટીબી નહીં, પરંતુ ‘સ્યુડોમોનાસ’ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું. પરિણામે, કોઈ પણ ખોટી સર્જરી કે ટીબીની ખોટી દવાઓ વિના માત્ર યોગ્ય એન્ટિબાયોટિક સારવારથી ઈકરા સંપૂર્ણ સાજી થઈ ગઈ.સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ ખાતે લાયન્સ ક્લબ દ્વારા યોજાયેલા રક્ષાબંધન કાર્યક્રમમાં ઈકરાએ ડો. મિત્તલને રાખડી બાંધીને પોતાનો આભાર વ્યક્ત કર્યો હતો. ઈકરાએ જણાવ્યું કે, “ડૉ. સાહેબે મને ખોટા રસ્તે જતાં અને મોટી સર્જરીથી બચાવી લીધી. તેઓ મારા માટે એક ભાઈ અને રક્ષક સમાન છે.”આ પ્રસંગે ભાવુક થયેલા ડો. પીયૂષ મિત્તલે જણાવ્યું કે આ ઘટના દર્શાવે છે કે ડોક્ટર અને દર્દીનો સંબંધ માત્ર દવા પૂરતો નથી, પણ વિશ્વાસ અને માનવતાનો છે. સાથે જ તેમણે કોઈપણ બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં યોગ્ય લેબ તપાસ કરાવવા અંગે લોકોને જાગૃત કર્યા હતા.