એક 11 વર્ષીય છોકરો કે જેણે માત્ર ત્રણ વર્ષ પહેલાં જ પોતાનું ડ્રીમ જીવવાનું શરૂ કર્યું હોય અને ત્રણ વર્ષની કઠોર મહેનત પછી તેને જો દેશ તરફથી રમવા મળે તો તેનાથી વધારે યાદગાર અને સુખદ ક્ષણ એક ખેલાડી માટે જીવનમાં બીજી કઈ હોઇ શકે?
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા માનવ પટેલ માટે આવી જ ક્ષણ હમણાં આવી. માત્ર 11 વર્ષની ઉંમરે એનેે ઑસ્ટ્રિયામાં Under-14 ફૂટબોલ ટુર્નામેન્ટમાં રમવાની તક મળી છે.
ખૂબ જ મુશ્કેલ કહી શકાય તેવાં ટ્રાયલ પાસ કર્યા પછી કેટલાંક સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓને આ તક મળતી હોય છે, તેમાંથી માનવ કિરણ પટેલ એક છે. તેણે 8 વર્ષની ઉંમરે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. ટૂંક જ સમયમાં તેના રમત પ્રત્યેના પ્રેમ અને સમર્પણને કારણે તે માત્ર 11 વર્ષનો હોવા છતાં આજે ભારતીય ટીમમાં સામેલ થયો છે. તે પોતાની પ્રતિભા અને કૌશલ્યથી ઘણા લોકોને પ્રભાવિત કરી ચૂક્યો છે અને સ્થાનિક સ્તરે ઘણી ટુર્નામેન્ટમાં મેડલ મેળવી ચૂક્યો છે.
11 વર્ષીય માનવે બેંગાલુરુ, મુંબઈ, ગોવા અને જયપુર જેવા શહેરોમાં ફૂટસલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને મુંબઈમાં નેશનલ ગેમ્સમાં પણ ભાગ લીધો છે. તેણે ઓક્ટોબર ૨૦૨૪માં થાઈલેન્ડના ફુકેટમાં એશિયન ફૂટબોલ 7 લીગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. એક યુવા આશાસ્પદ ફૂટબોલર તરીકે એ સતત પોતાનું નામ બનાવી રહ્યો છે.
આ અઠવાડિયે ચિત્રલેખા.કોમના ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં અમે માનવ સાથે તેના સખત પરિશ્રમ અને સફળતા વિશે વાત કરી.
ચિત્રલેખા.કોમ: પહેલા તો અભિનંદન માનવ! તારી પસંદગી અંડર-14 ટીમમાં થઈ છે એ સમાચાર કેવી રીતે મળ્યા અને તારી પહેલી પ્રતિક્રિયા શું હતી?
માનવ પટેલ: અંડર-14 ટીમના સિલેક્શન માટે 6 મહિના પહેલાંથી જ સમગ્ર દેશમાં ટ્રાયલ કેમ્પ થઈ રહ્યા હતા. અલગ-અલગ રાજ્યોમાં પ્લેયર હંટ ચાલી રહ્યા હતા. મેં પણ ગુજરાત કેમ્પમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ ફાઈનલ સિલેક્શન માટે 7, 8 અને 9 માર્ચ દરમિયાન દિલ્હીમાં નેશનલ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાંથી પાછા આવ્યા બાદ 12 માર્ચે રાત્રે મારા પપ્પા પર મેઈલ આવ્યો. પપ્પાએ એ વાંચીને અમને કહ્યું ત્યારે બધાં જ ખૂબ ખુશ થઈ ગયા હતા. મારા કોચ અર્જુનસિંહ ભદોરિયા સહિત એકેડેમીના બધાં જ લોકો આ જાણીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા.
ફૂટબોલ રમવાનું ક્યારે શરૂ કર્યું? તારો શોખ ક્યારથી શરૂ થયો?
મેં ટીવી અને ફોનમાં ફૂટબોલની રમત જોઈ હતી. લગભગ 6-7 વર્ષની ઉંમરે મને ફૂટબોલ પ્રત્યે ખૂબ જ આકર્ષણ થઈ ગયું હતું. એ સમયે મેં પપ્પાને કહ્યું પણ ખરું કે મારે ફૂટબોલ શીખવા માટે કોચિંગ લેવું છે, પણ અમે ત્યારે ઈન્ડિયા કોલોની વિસ્તારમાં રહેતા હતા જ્યાં નજીકમાં ક્યાંય ફૂટબોલનું કોચિંગ ન હતું. હું જ્યારે 8 વર્ષનો હતો ત્યારે મારી સ્કૂલ આર. પી. વસાણીમાંથી સમર કેમ્પ માટેના ફોર્મ ભરાતા હતા. ગુજરાત સ્પોર્ટસ એકેડમી દ્વારા આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 દિવસ માટે તાલીમ આપવામાં આવી. મારો એક મિત્ર આ કેમ્પ માટેનું ફોર્મ લઈ આવ્યો હતો. મેં આ કેમ્પમાં ભાગ લીધા હતો. જેમાં મારી રમત જોઈને સમર કેમ્પના કોચ અર્જુનસિંહ ભદોરિયાએ મારા પપ્પાને કહ્યું કે મને તેમની એકેડમીમાં વધુ શીખવા માટ મૂકે. સરને મારી ગ્રીપ સારી લાગી. એમણે પપ્પાને કહ્યું કે હું ગોડ ગિફ્ટેડ ખેલાડી છું, તો જો મને પ્રોફેશનલ તાલીમ આપવામાં આવે તો હું વધુ સારી રીતે રમી શકું છું. આ વાતથી મારા માતા-પિતા સહમત થયા. મમ્મી-પપ્પાને એવું લાગ્યું કે મને શોખ છે તો મારો શોખ પૂરો થશે અને જોડે-જોડે મારી ફિઝિકલ એક્સરસાઈઝ પણ થઈ જશે. આમ, મારી ફૂટબોલની સફર શરૂ થઈ. છેલ્લાં લગભગ 3 વર્ષથી હું અર્જુનસર પાસેથી જ તેમની એકેડેમીમાંથી કોચિંગ લઈ રહ્યો છું.
તારું ફૂટબોલ પ્રેક્ટિસનું શિડ્યૂલ શું હોય છે?
સાંજે ચારથી લઈને રાતના 8 વાગ્યા સુધી હું એકેડમી પર પ્રેક્ટિસ કરું છું. વીકેન્ડમાં અલગ-અલગ ટુર્નામેન્ટ રમવા માટે જતો હોઉં છું. ઘણીવાર એકસાથે ત્રણ-ત્રણ મેચ હોય તો સવારે સાડા પાંચ વાગ્યે ઘરેથી નીકળું તો ઘણીવાર રાત્રે 12 વાગ્યે ઘરે આવું. આ સાથે જ મારું ભણવાનું પણ હું સમય મળે પૂરું કરી લઉં છું. મારી અલગ-અલગ ટુર્નામેન્ટ હોય ત્યારે શાળા તરફથી પણ ખૂબ સારો સપોર્ટ મળતો હોય છે.
માનવ, તને સારી રમત માટેની પ્રેરણા કોણ આપે છે?
મને મારા કોચ અર્જુનસર ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. એકેડમીમાં સિલેક્શનથી લઈને લોકલ, રિજનલ, નેશનલ કે ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમવા માટેની તૈયારી કરાવવાથી લઈને પ્રોત્સાહિત કરવામાં અર્જુનસરનો ખૂબ જ મોટો ફાળો છે. હું સ્ટ્રાઈકર પોઝિશન પર રમું છું, જેમાં મારી સારી રમત માટે હંમેશા મને સર પ્રેરણા આપે છે.
તારા કોચ વિશે થોડું જણાવીશ?
મારા કોચ અર્જુન સર Under-16 ઈન્ડિયા ટીમમાંથી રમેલા છે. ગુજરાત ફૂટબોલ ટીમમાંથી 4 સંતોષ ટ્રોફી રમેલા છે. ગુજરાત તરફથી ટોટલ નેશનલ 34 ગેમ રમેલા છે. આ સિવાય એમણે બેંગ્લોરમાં ત્રણ મહિના માટે ઈન્ડિયા કેમ્પ પણ કરેલો છે. છેલ્લાં ચાર વર્ષથી તેઓ એકેડમીમાં કોચિંગ આપી રહ્યા છે. સર હંમેશા અમને ખૂબ જ પ્રોત્સાહન આપે છે. અમારી એકેડમીમાંથી કોઈ પણ ખેલાડી ટુર્નામેન્ટ લેવલે રમવા માટે જતો હોય તો સર તેને પૂરો સપોર્ટ કરે છે. અમારા બન્નેમાં જે કોમન છે તે ફૂટબોલ માટેનું પેશન છે.
તારા ફૂટબોલ સંબંધિત સપનાં શું છે?
મારું પહેલું સપનું તો એ છે, જે દરેક ખેલાડીનું હોય કે ઈન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કરવું છે. આ સિવાય અનેક ગોલ ફટકારવા છે. નવા-નવા રેકોર્ડ બનાવવા છે. અત્યારે તો હું મારા સપનાઓની એક કદમ નજીક જઈ રહ્યો છું. જર્મનીના VFB Stuttgart Football Clubમાં મારું સિલેક્શન થઈ ગયું છે. ટૂંક સમયમાં હું જર્મની જઈશ અને ક્લબમાં જોડાઈશ. ત્યાં જ મારું આગળનું કોચિંગ પણ થવાનું છે. જો મારું પર્ફોર્મન્સ સારું રહેશે તો ક્લબ તરફથી મને સ્કોલરશીપ પણ મળી શકે છે.
તારા માતા-પિતા, પરિવારજનો અને મિત્રોનું તારી આ સફળતામાં શું યોગદાન રહ્યું છે?
આમ તો હું ત્રણ વર્ષથી જ ફૂટબોલની ટ્રેનિંગ લઈ રહ્યો છું. આજે જ્યારે મને અંડર-14 ઈન્ડિયા ટીમમાં સ્થાન મળ્યું છે ત્યારે તેનો શ્રેય હું ચોક્કસથી મારા સર, મારા માતા-પિતા અને પરિવારને આપીશ. કારણ કે ફૂટબોલ અને મારી શાળાનું ટાઈટ શિડ્યૂલ સાચવવાનું હોય, મારા ડાયેટનું ધ્યાન રાખવાનું, મને સમયસર એકેડમી પર લેવા-મૂકવાનું કામ મારા માતા-પિતા કરે છે. આ સિવાય હું ફિલ્ડ પર સારું પર્ફોમ કરું, સારી રમત રમું, મને લોકલ કે નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં લઈ જવાનું કામ મારા કોચ સર કરે છે. એટલે આ બધાંનો ખૂબ મોટો ફાળો મારી સફળતામાં છે.
તારો પ્રિય ખેલાડી કોણ છે?
મારો ફેવરિટ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. મને રોનાલ્ડોની ગેમ ખૂબ જ ગમે છે. એની જે સ્પીડ છે, આક્રમક શૈલી છે, હેડ ગોલ કરવાની ક્ષમતા છે, જે ફાઈન ફિનિશિંગ ક્ષમતા છે એ બધું જ હું મારી રમતમાં સામેલ કરવા માટે પ્રયત્નો કરતો રહું છું.
બેસ્ટ ઓફ લક, માનવ!
(રાધિકા રાઓલ-અમદાવાદ)
