તમે કોઈ પણ સોશ્યિલ કે ફેમિલી ફંક્શનમાં જાઓ ત્યાં જો આપણને કોઈ આપણા જેવું
ના મળે તો ખાસ મજા આવતી નથી. પણ જો આપણા વિચારો જેની સાથે મળી જાય પછી તો કલાકો ક્યાં જતા રહે એ ખબર પડતી નથી. અમુક લોકો કોઈ સાથે મિક્સ થતાં નથી. એમના વિચારો પર લોકો હસી પડે છે, અથવા તો એ લોકો સહેલાઈથી આઉટ ઓફ બોક્સ થઇ જાય છે. બૌદ્ધિક લોકો સાથે આ પ્રોબ્લેમ સર્વ સામાન્ય છે જ્યાં તેમના વિચારોને સમજવા માટે લોકો ઓછા હોય છે.
પણ મુંબઈ તો મુંબઈ છે, એક એવો સમુદ્ર જે બધાને સમાવી લે છે. અને જરૂરી લાગે ત્યારે ફરી ફેંકી પણ દે છે.
મુંબઈ હંમેશા મનમાનીનું શહેર રહ્યું છે, જ્યાં એવા લોકો રહે છે જે લોકો પોતાની મરજી મુજબ જિંદગી જીવવાનું પસંદ કરે છે. નાઈટ ક્લ્ચર હોય કે સ્પિરિ્ચ્યુઅલ ક્લ્ચર, અહીં દરેક માટે સમય અને સ્થાન અલગ છે, જ્યાં નવા વિચારોને લોકો પુરેપુરા મનથી અપનાવી લે છે.
એવુ જ એક અજીબોગરીબ ક્લબ ક્લ્ચર મુંબઈમાં ઘણુંજ ફેમસ થઇ રહ્યું છે, એ છે, સોસાયટી ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, એટલેકે બૌદ્ધિક સમાજ….

સોસાયટી ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ
આ એક એવુ ક્લબ છે જ્યાં લોકો રાતના કલાકો સુધી જાગે છે, ખુરશીઓ ગોઠવાય છે, અવનવા વ્યંજનો અને પીણાઓ પીરસાય છે, અને અનોખા જ વિષયો પર ચર્ચાઓ ચાલે છે, ડિબેટ થાય છે, પ્રશ્નો પુછાય છે. અને સૌથી મહત્વનું કે આ બધું જ એક્સપર્ટસ દ્વારા થાય છે.
ડીટેલમાં જોઈએ તો આ એક એવુ ક્લબ છે જ્યાં તમને તમારા જેવા લોકો સાથે સમય પસાર કરવાનો તેમજ તમારા મનગમતા વિષયો પર ઊંડાણમાં જાણવાનો મોકો મળે છે, એ પણ લાઈવ. અહીં પહેલેથી જ વિષયો તેમજ સ્પેશલ સ્પીકર્સ નક્કી કરેલા હોય છે. જેના વિષયો એકદમ ટ્રેન્ડિંગ તેમજ ખુબજ રસપ્રદ હોય છે, જેમકે અહીં કોઈ પ્રવચન માત્ર સાંભળવામાં પૂરતું નથી.

ન્યુરોસાયન્ટિસ્ટ આદતોની ચર્ચા કરે છે, ફિલ્મમેકર વાર્તાની માનસિકતા સમજાવે છે, શહેરી આયોજનકાર ભવિષ્યના શહેરની વાત કરે છે. ઉપરાંત, અહીં નક્કી કરેલા મેનુ પ્રમાણે અહીં ભોજન સાથે ખૂબ જ હેલ્થી ડિસ્ક્શન દ્વારા વિચારોની આપ-લે થાય છે. નવા લોકો સાથે રિયલમાં કનેકશન તેમજ નેટવર્કિંગની ખૂબ જ મોટી તક ઉભી થાય છે.
હકીકતમાં આ ટ્રેન્ડ કોઈ નવો નથી અગાઉ પણ 17-18મી સદીમાં ઇટલીમાં આવો ‘સલોન ક્લ્ચર’ ટ્રેન્ડ પ્રખ્યાત હતો. જ્યાં વિચારકો, લેખકો, કલાકારો મળીને પોતાના વિચારો રજૂ કરતાં. એ દિવસો પણ હતા જ્યારે મુંબઈના જુવાનિયાઓ રાતને મોડે સુધી જાગીને બેહોશીમાં માપતા. પણ હવે એજ શહેર, દુનિયાને અનોખા વિચારોથી માપશે.
Society of Intellectuals એ સોશિયલ મીડિયા જેવા ફેક કોન્સેપ્ટ થી દૂર, દંભી અને દેકારા ભર્યા ફેમિલી ફંક્શનથી અલગ, ક્લાસ રૂમ અને સેમિનારના બોરિંગ લેક્ચર કરતા વધારે, એક મીનિંગ ફુલ સમાજની સંરચના કરી રહ્યું છે. જે માત્ર વિચારોનું કનેકશન જ નથી બનાવતું પરંતુ તેમને હકીકત બનાવવા અને લોકો સુધી પહોંચાડવાનું કામ પણ કરે છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)


