નવરાત્રિ એટલે હર્ષોલ્લાસનો પ્રસંગ, ભેરુ જોડે મ્હાલવાનો લહાવો અને દેવીની
આરાધનાનો અવસર… આપણી જુવાની જ્યાં કપડાંના મેચિંગ અને પાસના સેટિંગ શોધવામાં જ અડધી થઈ જાય છે, ત્યાં સાચા પરમ યોગીઓ આ રાત્રિઓ દરમિયાન જીવન-મરણના હિસાબો કરી લેતા હોય છે. સાધના, તપ, યોગ એ સંયમ અને સિદ્ધિની પરિકલ્પના છે, જ્યારે ગતિ અને લય એ મનનાં વમળોની અલગોરિધમ…

જ્યાં નવદુર્ગાનાં નવ સ્વરૂપ એ નારીના જીવનના અનેક તબક્કા છે, ત્યાં ગર્ભદીપ એ અનંત આશાનું એક પ્રતીક છે. એમ તો નવરાત્રિ એ ઋતુઓનો સંધિકાળ છે, પરંતુ આધ્યાત્મિક, તાંત્રિક અને લૌકિક દૃષ્ટિએ આ અવસર ખૂબ જ ખાસ છે. કેમ કે અખંડ બ્રહ્માંડની સમગ્ર શક્તિઓ આ જ દિવસો દરમિયાન સૌથી વધારે પ્રદીપ્ત હોય છે. આવો, જાણીએ નવરાત્રિની એવી જ અનોખી વાતો, જેનો ગૂઢ ભાવાર્થ આપણી સમજથી પણ ઘણો વિશાળ છે.
ગર્ભદીપ
ગરબાની અંદર રાખેલો દીપક, જેને ગર્ભદીપ કહેવાય છે, તે માતાના ગર્ભમાં રહેલા બાળકની નિશાની છે. ગર્ભ એ જીવનના અસ્તિત્વનો આધાર છે અને એટલે જ કદાચ મંદિરમાં રહેલા ભગવાનના આવાસને આપણે ગર્ભગૃહ કહીએ છીએ.
જીવનું જીવનમાં પરિવર્તન થવું એ કોઈ સામાન્ય ઘટના નથી. ઘણી વાર અથાગ પ્રયત્નો છતાં પણ જીવન પ્રાપ્ય નથી થતું. સમાધિરૂપે રહેલા જીવમાં ત્યારે જ ચેતના પ્રવેશે છે, જ્યારે માતા એને તપ દ્વારા ધારણ કરવા સક્ષમ બને છે. અનેક વર્ષો અને કાળની યોગનિદ્રા તૂટે છે અને તે સચેતન અવસ્થામાં પોતાનું અસ્તિત્વ પ્રાપ્ત કરે છે.

સૃષ્ટિનાં પાંચ તત્ત્વો—આકાશ, ધરા, હવા, પાણી અને અગ્નિ દ્વારા આ જ ગર્ભ એક આકાર ધારણ કરે છે. ઋગ્વેદ મુજબ તેને ‘ગોલ્ડન વૂમ્બ’ (Golden Womb) કે ‘હિરણ્યગર્ભ’ પણ કહે છે.
માતાના ઉદરમાં નવ માસ દરમિયાન જીવ પણ જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરે છે, જ્યાં માતા એને અનોખી શક્તિ દ્વારા પોતાના ગર્ભમાં ધારણ કરે છે. માતાનું એ જ તપ એને નવજીવન આપે છે.
કુંડલિની શક્તિ
કુંડલિની શક્તિ એ હિન્દુ તંત્રશાસ્ત્ર, યોગ અને આધ્યાત્મિક દૃષ્ટિએ એક દૈવી, સુષુપ્ત અને અત્યંત શક્તિશાળી ઊર્જા છે, જે દરેક મનુષ્યના શરીરમાં હાજર હોવાનું માનવામાં આવે છે. તે આધ્યાત્મિક જાગૃતિ અને પરમ આનંદનું પ્રતીક છે.
એવું કહેવાય છે કે આપણા શરીરમાં કરોડરજ્જુના નીચેના ભાગમાં આવેલા મૂલાધાર ચક્રમાં તે સુષુપ્ત અવસ્થામાં હાજર રહે છે. જ્યારે યોગીઓ તપ દ્વારા તેને જાગૃત કરે છે, ત્યારે તે આપણા શરીરમાં ઊર્ધ્વ દિશા તરફ ગતિ કરે છે અને શરીરનાં બધાં જ ચક્રોમાંથી પસાર થઈને મગજમાં આવેલા સહસ્રાર ચક્ર સુધી પહોંચે છે.
ત્યારે સાધકને મોક્ષપ્રાપ્તિનો અનુભવ થાય છે. કેમ કે તે પરમ આનંદની એવી અવસ્થા છે, જેને પ્રાપ્ત કર્યા પછી જીવને પ્રાપ્ત કરવા માટે કંઈ જ બાકી રહેતું નથી.

શિવ અને શક્તિનું મિલન
કુંડલિની એ આદિશક્તિનું સ્વરૂપ છે. જ્યારે આ શક્તિ જાગ્રત થઈને ઉપર તરફ ગતિ કરે છે અને મગજમાં સ્થિત સહસ્રાર ચક્ર, જ્યાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે, ત્યાં સુધી પહોંચે છે, ત્યારે સાધકને આત્મસાક્ષાત્કાર અથવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આને જ ખરા અર્થમાં પરમ શિવ-શક્તિ મિલન કહેવાય છે.
શિવ એ ચેતના છે, જ્યારે આદિશક્તિ એ સર્જનશીલ ઊર્જા છે. શિવ વિના શક્તિનું કોઈ મહત્ત્વ નથી, એમ જ પરમ ઊર્જા વિના શિવત્વની કલ્પના મુશ્કેલ છે. બંનેના મિલનથી જ સમગ્ર સૃષ્ટિનું અસ્તિત્વ છે, જે સ્થિતિ, ગતિ અને પરિવર્તનની ક્રિયાઓને અર્થ આપે છે.
જીવનમાં આપણે સતત દ્વંદ્વ વચ્ચે જીવીએ છીએ. સુખ અને દુઃખ, પ્રેમ અને દ્વેષ, ઇચ્છા અને આધ્યાત્મિકતા. મન ક્યારેક એક તરફ ખેંચાય છે, તો ક્યારેક બીજી તરફ. આ આંતરિક સંઘર્ષ વચ્ચે સંતુલન પ્રાપ્ત કરવું એ પણ એક પ્રકારની સાધના છે.
આપણે પોતાની અંદરના વિરોધાભાસોને સમજવા લાગીએ છીએ. અંધકારરૂપી મોહને જ્યારે જ્ઞાનના દીવાઓ દ્વારા દૂર કરીએ છીએ, ત્યારે જીવનનો સાક્ષાત્કાર થાય છે.
અંતરના કેન્દ્ર સુધી પહોંચવાની સફર જ કદાચ આપણને સતત ગોળ ફરતા રાખે છે અને જ્યારે એ યાત્રા અને યાતના પરિપૂર્ણ થાય છે, ત્યારે જ શિવ-શક્તિના સાચા મિલનનો સાક્ષાત્કાર થાય છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)




