દુર્ગાષ્ટમીની મહાઆરતીમાં સાકાર થયું મા સરસ્વતીનું દિવ્ય સ્વરૂપ

ગાંધીનગરઃ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં દુર્ગાષ્ટમીના પાવન અવસરે ત્રણ દાયકાની પરંપરા અનુસાર ભવ્ય સમૂહ મહાઆરતી યોજવામાં આવી હતી. હજારો ખેલૈયાઓ અને ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ હાથમાં પ્રજ્વલિત દીવડાઓ ધારણ કરીને એકસાથે મા જગદંબાની આરતી ઉતારી હતી. કલ્ચરલના ગરબાની વિશેષતા સમાન આ મહાઆરતીમાં મેદનીના સુનિયોજિત ફોર્મેશન દ્વારા હજારો દીવડાઓના પ્રકાશથી વીણાવાદિની મા સરસ્વતીનું અલૌકિક સ્વરૂપ સાકાર થયું હતું. વિદ્યા, જ્ઞાન, કળા, સાહિત્ય અને સંગીતની અધિષ્ઠાત્રી દેવી મા સરસ્વતીના દિવ્ય સ્વરૂપમાં જ્ઞાનનો પ્રકાશ, સર્જનાત્મકતાની ચેતના અને સૂર-તાલનો સમન્વય પ્રતિબિંબિત થાય છે. હાથમાં વીણા ધારણ કરનાર મા સરસ્વતી જીવનમાં જ્ઞાન, વિવેક, સંવાદિતા અને સંસ્કારનો પ્રકાશ પાથરે છે. હજારો દીવડાઓના સુમેળભર્યા પ્રકાશથી જ્યારે વીણાવાદિની મા સરસ્વતીનું સ્વરૂપ પ્રગટ થયું, ત્યારે સમગ્ર ગરબા મેદાન ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચેતનાથી ઝંકૃત થઈ ઊઠ્યું હતું.

આ અદભુત અને અલૌકિક દૃશ્ય નિહાળીને કલ્ચરલના ગરબામાં ઉપસ્થિત હજારો લોકોએ સામૂહિક રીતે ‘અહો!’ના ઉદગાર સાથે આ દિવ્ય અનુભૂતિને વધાવી લીધી હતી. જાણે સાક્ષાત્ વીણાવાદિની મા સરસ્વતીનું ગરબા આંગણે પ્રાગટ્ય થયું હોય તેવી ભાવવિભોર અનુભૂતિએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ત્રણ દાયકાથી જળવાતી આ પરંપરાગત મહાઆરતીએ ફરી એક વાર ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં ભક્તિ, લોકસંસ્કૃતિ અને સામૂહિક શ્રદ્ધાના અદ્વિતીય સંગમને ઉજાગર કર્યો હતો.