નવી દિલ્હીઃ આગામી ચાર મહિનામાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છે. બેઠકોની વહેંચણીને લઈને કોંગ્રેસની નજર રાજ્યની 125 વિધાનસભા બેઠકો પર છે. અહેવાલો અનુસાર SP-કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીના ફોર્મ્યુલા અંગે અખિલેશ યાદવ સાથેની વાતચીતની જવાબદારી કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સંભાળશે.
SP-કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને પ્રિયંકા ગાંધીએ સોમવારે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ત્રણ કલાક લાંબી બેઠક કરી હતી. આ બેઠકમાં 175 બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર કોંગ્રેસે આશરે 100 ‘કેટેગરી એ’ બેઠકો, 40થી 50 ‘કેટેગરી બી’ બેઠકો અને 25થી 35 ‘કેટેગરી સી’ બેઠકોની યાદી તૈયાર કરી છે.
સપાને 125થી 150 બેઠકોની યાદી આપી શકે છે કોંગ્રેસ
અહેવાલો અનુસાર આ અઠવાડિયે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નેતાઓની વધુ એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં પ્રિયંકા ગાંધી પણ સામેલ થશે. ત્યાર બાદ કોંગ્રેસ સમાજવાદી પાર્ટીને આશરે 125થી 150 બેઠકોની યાદી સોંપી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસ નવેમ્બર સુધીમાં કોઈ પણ સંજોગોમાં SP સાથે બેઠકોની વહેંચણીનો ફોર્મ્યુલા નક્કી કરવા માગે છે.
કોંગ્રેસની વિસ્તરણની વ્યૂહરચના
કોંગ્રેસ ઉત્તર પ્રદેશની દરેક લોકસભા બેઠક હેઠળ આવતી ઓછામાં ઓછી એક વિધાનસભા બેઠક મેળવવા માગે છે, જેથી રાજ્યના તમામ લોકસભા વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત બનાવી શકાય. ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં સપા અને કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી. સપાએ કોંગ્રેસને 17 બેઠકો આપી હતી, જેમાંથી કોંગ્રેસે 6 બેઠકો જીતી હતી. 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ 38 વિધાનસભા બેઠકો પર આગળ રહી હતી, જ્યારે અન્ય 42 બેઠકો પર બીજા ક્રમે રહી હતી. આ તમામ 80 બેઠકો કોંગ્રેસની વિશેષ યાદીમાં સામેલ છે.
દિગ્ગજ નેતાઓ સાથે જોડાયેલી બેઠકો પર પણ નજર
કોંગ્રેસ પોતાની વિશેષ યાદીમાં સામેલ બેઠકો ઉપરાંત રાયબરેલી, અમેઠી અને સહારનપુર જેવી બેઠકો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ ઉપરાંત અજય રાય, અજય લલ્લુ, સુપ્રિયા શ્રીનેત અને નદીમ જાવેદ જેવા દિગ્ગજ નેતાઓ સાથે જોડાયેલી બેઠકો પણ કોંગ્રેસની પ્રાથમિકતામાં છે.
#NewsPunch | Congress-SP tensions escalate ahead of the 2027 Uttar Pradesh Assembly elections.
Seat-sharing has emerged as the biggest flashpoint. Congress is demanding a “respectable share” of at least 150 seats, while SP leaders have questioned the demand as excessive.
Akhilesh Yadav has sought to cool tempers, saying the focus should be on victory, not seats. Meanwhile, the BJP continues to attack the alliance over its growing internal differences.
#Congress #SP #UttarPradesh #UPElections2027
— DD News (@DDNewslive) October 4, 2026
સપા કોંગ્રેસને કેટલી બેઠકો આપી શકે છે?
હવે એ જોવું મહત્ત્વપૂર્ણ રહેશે કે કોંગ્રેસના દાવા બાદ સમાજવાદી પાર્ટી તેને કેટલી બેઠકો ફાળવે છે. અહેવાલો અનુસાર અખિલેશ યાદવની પાર્ટી કોંગ્રેસ માટે 60થી 65થી વધુ બેઠકો છોડવા તૈયાર નથી.






