ઈશ્વર દેવસ્થાનમાં જ હોય છે એવો કોઈ નિયમ છે ખરો? તો પછી આપણે લાંબી
યાત્રાઓ કરીને એમને પામવા કેમ જઈએ છીએ? અને શું ત્યાં જઈને એમનો સાક્ષાત્કાર થાય છે ખરો?
હજુ તો દર્શન પણ ન થયાં હોય ત્યાં કોઈ ખેંચી લે અથવા ધક્કો મારી દે. આ કયા પ્રકારની વિચારધારાનો ભાગ છે? ભીડ અને સુખને કોઈ સીધો સંબંધ છે ખરો?
કેટલાક લોકો આ બહાને ફરવા પણ જતા હોય એવું બની શકે. વળી, દેવને મળવા જાય અને રસ્તામાં મૃત્યુ થાય તો એ તો પ્રાપ્તિ ગણાય. જે ઇચ્છા હતી એ પૂર્ણ થઈ. જો એનો અસ્વીકાર હોય તો વિચારવું પડે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. જો આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઇલ પર પૂછી શકો છો.
સવાલ: જો કર્મ છે તો પછી વાસ્તુની ઊર્જાની ક્યાં જરૂર છે? માત્ર સત્કર્મ કરવાથી ચેતના જાગૃત થાય તો પછી નવી ઊર્જાની જરૂરિયાત શું છે?
જવાબ: ખૂબ સુંદર સવાલ છે. મોટાભાગે કૂતરાને બિસ્કિટ નાખવા કે કબૂતરને ચણ નાખવું એવી બાબતોને આપણે સત્કર્મ માનીએ છીએ. શું કૂતરાને બિસ્કિટ આપવા જરૂરી છે? શું વધતાં કબૂતરો માનવજીવન માટે કે પર્યાવરણ માટે જરૂરી છે? ક્યાંક આપણે વધારે પડતું ચણ નાખીને એમને નુકસાન તો નથી કરતા ને?
સત્કર્મ એ સમગ્ર શરીર અને મનને જોડીને લેવાયેલા નિર્ણય સાથે જોડાયેલી પ્રક્રિયા છે અને એ કોઈ એક ઇવેન્ટ નથી. જ્યારે વ્યક્તિ ઊર્જાવાન હોય ત્યારે એને સ્વ માટેની સાચી સમજણ ઊભી થાય છે અને એ સત્કર્મ કરવા પ્રેરાય છે. એ કોઈ રીલ્સ બનાવવા કે દેખાડો કરવા માટે કાર્ય નથી કરતો. એનો જીવ સત્કર્મ સાથે જોડાય છે. જો ઘરનું વાસ્તુ સકારાત્મક હોય તો એને નિઃસ્વાર્થ કર્મ કરવાની ઇચ્છા થાય અને એ સાચા અર્થમાં સત્કર્મ કરે. જો સત્કર્મ કર્યા પછી સર્ટિફિકેટની ઇચ્છા જાગે તો સમજવું કે કંઈક ખૂટે છે.

જેમ એક્સપ્રેસ હાઇવે પર ભંગાર ગાડી જોઈએ એવું પરફોર્મન્સ નથી આપતી કે પછી તૂટેલા રસ્તા પર શ્રેષ્ઠ ગાડી સારું પરફોર્મન્સ નથી આપી શકતી, એ જ રીતે જો કર્મ સારાં ન હોય તો સાચા વાસ્તુને સમજવામાં થાપ ખાઈ જવાય અને જો વાસ્તુની ઊર્જા સારી ન હોય તો સત્કર્મની સાચી સમજણ ન આવે.
આ બંને એકબીજાનાં પૂરક છે. જો બંને શ્રેષ્ઠ હોય તો જીવન આનંદમય બને છે અને શ્રેષ્ઠ વિચારો આવે છે. વ્યક્તિ ઊર્જાવાન બને છે. સ્વાર્થ સાથે કરાયેલું કર્મ વિચાર્યા વિનાનું હોય છે. એમાં અન્ય કરતાં પોતાનો વિચાર વધારે હોય છે. એને સત્કર્મ ન કહેવાય.
સવાલ: અમારી બાજુમાં એક ગરીબ પરિવાર રહે છે. એ ક્યારેક કોઈનું આપેલું પણ ખાઈ લે છે. ઘણી વાર એમને કોઈએ આપ્યું હોય એમાંથી એ આસપાસના ગરીબોને આપે છે. એ બિચારાને ભલે ભૂખ લાગી હોય, પણ આવું ખાવાનું થોડું અપાય? એમાં પાપ ન લાગે?

જવાબ: તમે કોઈને મદદ કરતા નથી, પણ તોય તમને અન્યનાં પાપ-પુણ્યની ચિંતા છે. જેમની પાસે જે છે એમાંથી કોઈને આપવું એ સારી જ બાબત છે. જેમની પાસે કશું જ નથી, એમને તો જે મળે છે એમાં આનંદ મળે છે. તમે માત્ર પોતાનો વિચાર કરો. એ લોકો જે કરે છે એ યોગ્ય છે. પોતાની અછતમાં પણ કોઈને મદદ કરવાની ભાવના સરાહનીય ગણાય.
સૂચન: ઈશાન અને અગ્નિની નકારાત્મકતા માણસને અંધશ્રદ્ધા અને કારણ વિનાની પંચાત કરવાનો સ્વભાવ આપી શકે છે.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )




