વિષમ સંજોગો, અસાધારણ મુસીબતો સામે ઝઝૂમો અને જીત મેળવો આવા સુવાક્યો સાંભળવામાં જેટલાં રુચે છે તેટલાં સાચેસાચ જીવવામાં નેવાંના પાણી મોભે ચડે છે.આવો સાક્ષાત્કાર જેણે મેળવ્યો હોય તે સ્વાભાવિક જ એક સુંદર આદર્શરુપ- ઉદાહરણરુપ બની જાય છે. વાત કરીએ છીએ કર્ણાટકના એક એવા યુવાન ગિરીશ ગોવડાની, જેણે ગરીબી સામે ઝઝૂમી બોક્સિંગ જેવા સ્પોર્ટમાં કાઠું કાઢ્યું ત્યાં તો કેન્સર જેવા મહારોગનો સામનો કરવાનો થયો. અને એક સાચા સ્પોર્ટ્સમેનનો સ્પિરિટ તેની ટેલેન્ટને આખરે ચમકાવી ગયો….
ગિરીશ ગોવડાએ 18 વર્ષની વયે કમાવાનું શરુ કરવું પડ્યું, કામ હતું ડિલિવરી બોયનું. તેના પર માતા અને ચાર બહેનના ભરણપોષણની જવાબદારી આવી પડી હતી. કારણ કે પિતાનું તો તે બાર વર્ષનો હતો ત્યારે જ નિધન થઇ ગયું હતું. ગિરીશ કદાચ લાઇફટાઇમ એવાં નાનાંનાનાં કામમાં જીવન પસાર કરી પણ નાખત, પણ એક દિવસે તેના જીવનમાં એવી ઘટના બની કે જેથી તેનું અંતરમન ખળભળી ઉઠ્યું હતું અને તેણે નવો રસ્તો પક્ડયો.ગિરીશ કામ પરથી પાછાં ફરતાં ચાલતોચાલતો રસ્તા પરથી જઇ રહ્યો હતો. તેવામાં તેનો પગ એક પોલિટિકલ બેનર પર પડી ગયો. થોડીવારમાં જ તેને સમજાઇ ગયું કે આ એક ‘ગંભીર’ ભૂલ થઇ ગઇ હતી. તે સમયે પોલિટિકલ પાર્ટીનો એક માણસ ત્યાં હાજર હતો તેણે તરત ગિરીશને ઝાલ્યો અને ધમકાવવા લાગ્યો અને એક સણસણતો તમાચો ગિરીશના ગાલ પર ઝીંકાઇ ગયો. ગિરીશ સ્તબ્ધ થઇ ગયો અને પોતાને અપમાનિત અનુભવી રહ્યો. એવી મનોસ્થિતિમાં જ તે ઘેર પહોંચ્યો જ્યાં ખૂબ ખૂબ રડી પડ્યો. ગિરીશ બદલાની લાગણીથી ભડભડી રહ્યો હતો, અને બીજી બાજુ તેને ભાન પણ હતું કે તેના પર પરિવારની સુખાકારીની જવાબદારી છે. ગિરીશે હવે નક્કી કરી લીધું કે તેના ગુસ્સાને રચનાત્મક રુપ આપશે. માતાથી છાનેછપને તેણે બોક્સિંગ ક્લાસીસમાં જવાનું શરુ કરી દીધું.
એકપણ ક્લાસ પાડ્યા વિના ગિરીશે બોક્સિગ પ્રેક્ટિસ શરુ કરી. નોકરી તો ચાલુ જ હતી. તે વહેલા સવારે જતો અથવા કામથી છૂટીને સાંજે ક્લાસમાં જતો. જતેદહાડે માતાને તેના બોક્સિંગ કલાસીસમાં જવાની વાતની જાણ થઇ અને નારાજ થયાં. માતાનું માનવું હતું કે ગિરીશે અભ્યાસ પૂરો કરવો જોઇએ કે કામ કરવામાં સમય આપવો જોઇએ. આવીતેવી વાતોમાં નહીં. ગિરીશ તેમની વાતો સાથે સહમત હતો જ, સાથે તે મક્કમ પણ હતો કે પોતાનું સ્વપ્ન પણ અધૂરું નહીં છોડે. બોક્સિંગમાંથી નીકળી જવાનું માતાને વચન તો આપ્યું પણ એ પછી બોક્સિંગની જગ્યાએ કરાટેના ક્લાસીસ જોઇન કરી લીધાં.તેને પરિશ્રમના વૃક્ષ પર ફળ ત્યારે લાગ્યાં, જ્યારે બે વર્ષ બાદ બ્લેકબેલ્ટ મેળવી લીધી. ગિરીશ આજેપણ યાદ કરે છે કે રાજકારણી સામેની વેરની લાગણી ગાયબ થઇ ગઇ અને કેવી રીતે બદલાની લાગણીની જગ્યાએ તેનામાં એક લડવૈયાની સ્વયંશિસ્ત આવી ગઇ. બ્લેક બેલ્ટ મળ્યાં બાદ ગિરીશ થોડાસમયમાં જ પ્રોફેશનલ ફાઇટિંગમાં કામ કરતો થઇ ગયો હતો. જિલ્લા-રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં રમતો રહ્યો. લગભગ 20 જેટલી રાજ્યકક્ષાની ચેમ્પિયનશિપમાં તેણે ભાગ લીધો.
2009માં ગિરીશને કિકબોક્સ રિંગમાં ઊતરવાનો મોકો મળ્યો. હમણાં સુધી તે કરાટે સ્ટાઇલ કિકબોક્સિંગ કરતો હતો. સ્વાભાવિક જ આ ફાઇટર માટે સફળતા રાહ જોઇને ઊભી હતી. કિકબોક્સિંગની તેની ઇવેન્ટ્સ સફળ જવા લાગી અને ઘણી ટુર્નામેન્ટ્સ જીતી. જાણે બધું જ એકદમ સરળતાથી થઇ રહ્યું હતું. જોકે જીવનના પાછલાં બારણે કશુંક અનપેક્ષિત બનવાનું નક્કી થઇ ગયું હતું.
ગિરીશને પોતાની ટ્રેનિંગ સેશન્સમાં અસ્વસ્થતા અનુભવવાનું શરુ થયું. ડોક્ટર્સની મુલાકાત લીધી તો કહ્યું કે ફ્લુની અસર છે. ત્યાં ટૂંકસમયમાં ગિરીશે જોયું કે દાંતના પેઢાંમાંથી લોહી રીસતું હતું. ડેન્ટિસ્ટની મુલાકાત લીધી તે તેમણે કહ્યું કે ઇન્ફેક્શનના કારણે એમ થયું છે. પહેલાંના ડૉક્ટરની જેમ તેમણે પણ કેટલીક જેનેરિક મેડિસિન લખી આપી. આ ઘટનાઓની વચ્ચે એક દિવસ ગિરીશ ટ્રેનિંગ સેશનમાં જ ભોંય પર ફસડાઇ પડ્યો. તેને લાગ્યું કે તેના શરીરમાં કંઇ ગંભીર સ્થિતિ સર્જાઇ છે. કેમેય કરીને તે હોસ્પિટલ પહોચ્યો અને તેને અનુભવાતાં લક્ષણોની વિગતે વાત કરી.
તેના બ્લડ ટેસ્ટ થતાં જાણવા મળ્યું કે તેના પ્લેટલેટ્સ ખતરાજનક સપાટીએ નીચે ઊતરી ગયાં હતાં. નોર્મલ પ્લેટલેટ્સ કાઉન્ટ પ્રતિમાઇક્રોલિટર લોહીમાં દોઢ લાખથી સાડા ચાર લાખ જેટલા હોય છે જ્યારે ગિરીશના લોહીમાં પ્લેટલેટ્સ કાઉન્ટ મહજ 4,000 રહી ગયાં હતાં.ગિરીશને જાણીતી ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા સત્વરે સઘન સારવાર માટે ખસેડાયો જ્યાં ઘણા રીપોર્ટસ કરાવ્યાં બાદ ફાઇનલી જાહેર થયું કે ગિરીશને એક્યૂટ બ્લડ કેન્સર થઇ ચૂક્યું છે. ગિરીશને તરત આઈસીયુમાં દાખલ થઇ જવાનું કહેવાયું ત્યાં એ સમયે જ તેની બહેને ડૉક્ટર હરિ મેનનનો સંપર્ક કર્યો. તેઓ ખૂબ જાણીતાં હેમેટો-ઓન્કોલોજિસ્ટ છે. તેમની પાસેથી સારવાર લેવાનું શરુ કરાયું. ડૉક્ટર મેનન અને તેમની ટીમ દ્વારા ગિરીશને ટ્રેક પર લાવવા હાર્ડવર્ક શરુ થયું. તેને બહાર ચાલવા જવા પ્રોત્સાહિત કરતાં, રુમમાં બંધ પડ્યાં રહેવા કરતાં બહારના ખુલ્લાં કુદરતી વાતાવરણમાં રહેવા ધકેલતાં. કીમોથેરેપીનો કઠિન તબક્કો આવ્યો. તેને પણ ગિરીશે કોઇ ફરિયાદ વગર પસાર કર્યો. ડૉક્ટરોની ટીમે નોંધ્યું કે ગિરીશ પહેલેથી જ સ્પોર્ટસમેન હતો એટલે પ્રમાણમાં તેની શરીરની ચુસ્તી સારી હતી જેના કારણે કેન્સરની સારવારના ઘણાં મુશ્કેલ સેશનમાં ટકવામાં મદદ મળી.સઘન સારવારના લાંબા દિવસો બાદ ગિરીશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો. ઘરમાં તેની જિંદગી તકલીફદાયક વીતી રહી હતી. બ્લડ કેન્સરના સમાચારે તેની કારકિર્દી પર નકારાત્મક અસર છોડી હતી અને બીજીતરફ મહારોગની સારવારનો પહાડ જેવડો ખર્ચો આવી પડતાં તેને મોટો આથિક ફટકો પડ્યો હતો. પોતાને દેવાંમાં ડૂબેલો જોઇ રહેલાં ગિરીશે દેવું ચૂકવવાનો નિશ્ચય કર્યો. ઝડપથી તેણે કશું નક્કર કામ કરવાનું હતું. તેણે નક્કી કર્યું કે લોકોને ફિટનેસ ટ્રેનિંગ આપીને ખર્ચો કાઢવો.
ક્રમશઃ ગિરીશ રુટિન લાઇફમાં આવવા લાગ્યો.તેના કોચ-ગુરુ તેને હિંમત બંધાવતાં અને તેના સ્વપ્નભણી તેને દોરતાં રહેતાં હતાં.કીમોથેરેપીની સોય તેના હાથમાં ખૂંપેલી રહેતી હતી, ત્યાં સુધી ગિરીશ વેઇટ ટ્રેઇનિંગમાં ન જોડાઇ શખ્યો. આ સોય હટી તે પછી ગિરીશને રોકનાર પરિબળ જાણે કશું ન હતું. નિર્ધારિત લક્ષ્ય સાથે કામે લાગી ગયેલો ગિરીશ દેવું ચૂકવી દેતાં જ ફરીથી પોતાની સ્પોર્ટસ કેરિઅરની પ્રેક્ટિસ તરફ બમણાં વેગથી મંડી પડ્યો. કેન્સર જેવા મહારોગને માત આપીને રિંગમાં ઉતરીને વિજય મેળવવાનો હતો.અને તેણે તે કરી બતાવ્યું. તાજેતરમાં ગિરીશ નવી દિલ્હીમાં રમાયેલી નેશનલ ફેડરેશન કપ 2017-18માં લાઇટ હેવીવેઇટ-81 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો. નેશનલ ચેમ્પિયનશિપમાં આ તેનો નવમો ગોલ્ડમેડલ હતો. આ જીતે તેને પ્રસિદ્ધિના મંચ પર પણ મૂક્યો છે.
ગિરીશે દર્શાવેલું મક્કમ મનોબળ સામર્થ્ય તમામ અવરોધોને એવી રીતે પાર કરી ગયું હતું કે કદાચ તેમાંથી કોઇ સામાન્ય માણસ બહાર જ ન આવી શકત.. ગિરીશે વર્લ્ડ કપ ડાયમન્ડમાં સિલ્વર મેડલ પણ જીત્યો છે.
રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગિરીશને તેના પંચીસ માટે મળી રહેલ અભિનંદનોનો તે યોગ્ય હકદાર છે. તેણે મોતને પંચ મારી દીધો હતો. મહાન બોક્સર મુહમ્મદ અલીના શબ્દો ગિરીશ ગોવડાના જીવનમાં ચરિતાર્થ થયાં હતાઃ ડોન્ટ કાઉન્ટ ધ ડે, મેક ધ ડેઝ કાઉન્ટ