મકરસંક્રાંતિથી આપણે શું શીખવું જોઈએ?

આપણા દેશમાં દરેક પ્રાંત અને તહેવારને કોઈને કોઈ પુરાણ અથવા ઈતિહાસ સાથે જોડવામાં આવ્યો છે. આ બધાનો ઉદ્દેશ એ જ છે કે જીવનને ઉત્સવ બનાવીએ અને પ્રકૃતિનું રક્ષણ કરીએ. આખી પ્રકૃતિ તમારા માટે એક આશીર્વાદ રુપ છે.બધા વૃક્ષ-વેલા, ફળ-ફૂલ, પાન બધું આપણે માટે વરદાનરુપ છે. માની લો કે તમે એક રણમાં છો અને ત્યાં કંઈ પણ નથી, તો જીવન કેવું બની રહેશે? પરંતુ પ્રકૃતિએ કંઈક એવું કર્યું છે કે રણમાં પણ ક્યાંક પાણીના સ્રોત હોય છે, ત્યાં જીવન ટકાવવા માટે પાણી છે, વૃક્ષ-વેલા છે. બધા તહેવારો પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો અવસર છે.

મકરસંક્રાંતિના દિવસે આપણે સૂર્ય દેવનું સ્મરણ કરીએ છીએ,તેમની આરાધના કરીએ છીએ અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આ અરસામાં ઠંડી ઓછી થવા માંડે છે. મકરસંક્રાંતિ ખાસ કરીને વસંત ઋતુના આગમનના એંધાણ આપે છે.
એક વર્ષમાં બાર સંક્રાન્તિ હોય છે. વર્ષમાં આ બાર દિવસોએ સૂર્યદેવ એક રાશિમાંથી બીજીમાં પ્રવેશ કરે છે. જ્યારે સૂર્યદેવ મકરવૃત્તને ઓળંગીને ઉત્તર તરફ જાય છે, તેને ઉત્તરાયણ કહેવાય છે. ઉત્તરાયણને દેવત્વનો સમય માનવામાં આવે છે. આમ તો આખું વર્ષ શુભ મનાય છે,પણ આ સમયગાળો થોડો વધારે શુભ મનાય છે.

એક કહેવત છે-‘ગોળ અને તલ ખાવ, મીઠા બોલ બોલો’.મકરસંક્રાંતિ પર આપણે તલ અને ગોળનું આદાનપ્રદાન કરીએ છીએ.એકબીજા સાથે આદાનપ્રદાન કરવું એ ઉત્સવોનું અભિન્ન અંગ્રેજી છે.અને આ કેવળ ભૌતિક આદાનપ્રદાન નહીં રહેતા જ્ઞાનનું આદાનપ્રદાન પણ હોય છે.

નાના નાના તલ આપણને આ વિશાળ સૃષ્ટિમાં આપણી તુચ્છતાની યાદ અપાવે છે.’હું કંઈ જ નથી’ એ ભાવ અહંકારને સમાપ્ત કરે છે અને વિનમ્રતા લાવે છે.ગોળ મિઠાશ ફેલાવવાનું પ્રતિક છે. તલ બહારથી કાળા અને અંદરથી સફેદ હોય છે. જો તે બહાર સફેદ અને અંદરથી કાળા હોત તો વાત જુદી હતી. તલ અને ગોળનું સંયોજન આપણને એ સંદેશો આપે છે કે અંદરથી સફેદ(શુધ્ધ) રહીએ. એ દિવસે તલ, શેરડી, મગફળી, ધાન્ય વિગેરે જે કંઈ નવા પાક ઉતર્યા હોય તે બધાની સાથે વહેંચવામાં આવે છે. મકરસંક્રાંતિને દિવસે ખીચડી અને ગળ્યા ભાત બનાવીને બધાને વહેંચવામાં આવે છે. મકરસંક્રાંતિના આગળના દિવસે ગાયને પણ સન્માન વ્યક્ત કરવા પૂજવામાં આવે છે.

સ્નાન વગર કોઈ ઉત્સવ ઉજવવામાં આવતો નથી. આથી, જે લોકો ગંગાજીની નજીક રહે છે,તે તેમાં સ્નાન કરે છે. અને જ્યાં ગંગાજી નથી ત્યાં લોકો પોતાના ઘરમાં જ ગંગાજી છે તેવું સમજી લે છે. જ્ઞાનની ગંગામાં સ્નાન કરો. તો માત્ર તમે જ તરી નહીં જાવ,પરંતુ તમારા પૂર્વજો પણ તેનાથી તરી જશે. જ્ઞાનથી બધા તરી જાય છે. જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે તેને લીધે લોકોને પેઢી દર પેઢી સુધી શાંતિ પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે જ્ઞાનમાં હોઈએ છીએ ત્યારે તેનો પ્રભાવ માત્ર આપણા સુધી જ સીમિત નથી રહેતો, આપણી આગળની પેઢીઓ પર તો પડે જ છે,પરંતુ આપણા પૂર્વજો પર પણ પડે છે. આ મકરસંક્રાંતિએ આપણી અંદરની મીઠાશ બધા સાથે વહેંચીએ.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)