સતત પ્રવાસ અને કામના પ્રેશરને લીધે એક્ચ્યુઅલ પુસ્તકો વાંચવાનું થોડું ઓછું થઈ ગયું હતું. તેમાં વચ્ચે ઈ-બુક્સ, આઈ-બુક્સ, પોડકાસ્ટ, વ્હોટકાસ્ટની ભરમાર થઈ. આપણે કામ કરતા હોઈએ ત્યારે એકાદ પુસ્તક કોઈક વાંચી સંભળાવતું હોય તો સો કોલ્ડ મલ્ટિટાસ્કિંગ હોવાના અભિમાનને પુષ્ટિ મળી અને ખાસ સમય કાઢીને એક જગ્યાએ બેસીને હાથમાં પુસ્તક લઈને વાંચવું સમયનો વેડફાટ લાગવા માંડ્યાની માનસિકતા તૈયાર થઈ. જો કે પેન્ડેમિકે ઘરે બેસાડ્યા ત્યારે વર્ચ્યુઅલ માધ્યમની અતિશયોક્તિ થઈ, ટીવી સ્ક્રીનનો કંટાળો આવવા લાગ્યો અને બુક શેલ્ફમાંનાં પુસ્તકો `ડોન્ટ વરી, વી આર વિથ યુ’ કહીને ખુશીથી સંગાથે આવ્યાં.
સવારે વાંચવાનું એક પુસ્તક અને રાત્રે વાંચવાનું એક પુસ્તક એમ અલગ-અલગ વિષયોનાં બે પુસ્તકો આસપાસ રહેતાં અને તેમાંથી કમ સે કમ એક ચેપ્ટર રોજ વાંચવાની જૂની આદત ફરી એક વાર નિત્યક્રમમાં આવવા લાગી. કષ્ટ પડતો હતો છતાં તેમાં પોતાને ઢાળી દીધી. થોડા દિવસોની મહેનત પછી જૂની આદત નવેસરથી અંગીકાર કરી. તે સમયે ઈન્દ્રા નૂઈનું `માય લાઈફ ઈન ફુલ’ આત્મચરિત્ર બેસ્ટ સેલર્સ લિસ્ટમાં સર્વત્ર દેખાતું હતું. દુનિયા પૂર્વવત થઈ રહી હતી,પુસ્તકોની દુકાનો ઈશારો કરતી હતી. ઓનલાઈન ઓર્ડર કરવા કરતાં મને કિતાબખાનું અથવા ક્રોસવર્ડમાં જઈને પુસ્તકો લેવાનું બહુ ગમતું. એટલે કે, એક પુસ્તક માટે જવાનું અને પુસ્તકની મોટી થપ્પી લઈને બહાર નીકળવાનું. સુધીરના ચહેરા પર `તું આટલું ક્યારે વાંચશે?’ એવો ભાવ દુર્લક્ષિત કરવું તે હવે મારું રુટીન થઈ ગયું હતું અને તે પણ કેળવાઈ ગયું છું. એટલે કે, એવું હોવું જોઈએ.
થોડા સમય પૂર્વે એક વખત હું ઈન્દ્રા નૂઈનું પુસ્તક લાવી અને વાંચવાનું શરૂ કર્યું. એક અસામાન્ય કર્તૃત્વવાન મહિલાએ સરળ ભાષામાં લખેલા આ પ્રેરણાદાયી પુસ્તકનો હું ફાવે તે રીતે ઉપયોગ કરતી હતી. દરમિયાન એક દિવસ બિલ્ડિંગમાં અમે ભેગાં થયાં હતાં. ગપ્પામાં વાંચનનો અને પુસ્તકનો વિષય નીકળ્યો. કોણ શું વાંચે છે તેની ચર્ચા શરૂ થઈ. `અરે મેં ઈન્દ્રા નૂઈ કા `માય લાઈફ ઈન ફુલ’ પઢ રહી હૂં, ટૂ ગૂડ યાર, કભી ખત્મ કરુ ઐસા હુઆ હૈ।’ આવું કહેતાં જ `અરે યાર, ઈટ્સ અ બિગ માર્કેટિંગ’ એવો અવાજ આવ્યો. `વ્હોટએવર શી સેજ, આફટરઓલ વ્હોટ શી સોલ્ડ વોઝ ઓલ નોટ એટ ઓલ હાઈજીનિક’ એમ બીજો અવાજ આવ્યો. `અરે વો પ્રોડક્ટ્સને લોગોં કી જિંદગીયાં બરબાદ કી’ એવું ત્રીજાનું સમર્થન મળ્યું. ગપ્પાં પૂરા કરીને હું ઘરે આવી. કેમ કોણ જાણે અથવા મારા મગજમાં પછીની ચર્ચાના મુદ્દા એટલી અસર કરી ગયા કે મેં તે પુસ્તક હાથમાં લીધું નહીં. કોઈક કારણ આપીને હું તે દિવસે પુસ્તકથી દૂર ગઈ અને પછી રોજ તેજ બનવા લાગ્યું. આટલા ઝડપથી વંચાય રહેલું તે અત્યંત સારું પુસ્તક અધૂરું જ રહી ગયું.
જનરલી લોકોનું સાંભળવું પરંતુ મનનું કરવું એ મારી માનસિકતા છે. એક વખત એક ચર્ચા સત્રમાં ગઈ હતી. મુલાકાત લેનારના પ્રશ્નો અને અમારા મોકળા મનથી ઉત્તરો આપવાનો કાર્યક્રમ ખાસ્સો રંગત લાવ્યો હતો. કાર્યક્રમ પૂરો થવા પર એક શ્રોતાએ આવીને કહ્યું, `તમે આપેલા સર્વ દાખલા સારા હતા, પરંતુ અમુક એક જોડીનો દાખલો ખટક્યો, તેમને હું નજીકથી ઓળખું છું. ચમકે તે બધું સોનું હોતું નથી. અડધી બાબતો માર્કેટિંગ માટે કરેલી હોય છે.’ હવે આ ખરેખર એક શ્રોતાની પ્રતિક્રિયા હતી, તેનો મત હતો. તેની આપણી પર અસર શા માટે થવી જોઈએ? જો કે તે પછી ભાષણમાં અથવા ચર્ચા સત્રમાં આ નામ લેવાનો સમય આવતાં હું પીછેહઠ કરતી. એક સાદી કમેન્ટ આવી અસર કરી ગઈ.
શાળામાં હતી ત્યારથી અનેક ભારતીયોની જેમ હું પણ અમિતાભ બચ્ચનની ફેન હતી. રદ્દીની દુકાનમાં જઈને ફિલ્મી મેગેઝિન્સ લાવતી, તેમાંથી ફોટો કાપીને તેનું આલ્બમ બનાવતી. દોસ્તાના ફિલ્મના શૂટિંગના સમયે અમિતાભ બચ્ચનને મળવાની તક મળી. તેમને તે આલબમ બતાવ્યો, તેમણે પણ તે અત્યંત મનઃપૂર્વક પંદર મિનિટ સુધી જોયો અને તેમની રુઆબદાર સહી તેના પર કરી. આ પછી અનેક વર્ષો સુધી તે આલ્બમ મેં સાચવી રાખ્યો હતો. પરંતુ હવે તે ક્યાં ગુમ થયો છે ખબર નથી. કદાચ જીવનમાં જોડીદાર તરીકે સુધીરની એન્ટ્રી થયા પછી આ ફેન પ્રકરણ પાછળ રહી ગયું હોવું જોઈએ. કહેવાનો મુદ્દો એ છે કે અમિતાભ બચ્ચન સ્ટ્રગલરથી લઈને સાઈઠ વર્ષ ફિલ્મ સૃષ્ટિના મહાનાયક બની રહ્યાનો દાખલો અમે અમારી કોર્પોરેટ ટ્રેનિંગમાં અનેક વાર ઉપયોગ કરીએ છીએ. બોલીવૂડ, ટોલીવૂડ, હોલીવૂડ કે ક્રિકેટ વિશ્વના દાખલા એટલા માટે જ વાપરીએ, કારણ કે તે તુરંત સામેવાળાના ગળે ઊતરે છે. એકાદ મુદ્દો ગળે ઉતારવા માટે આ દાખલા સારા પડે છે અને તે માટે પછી રણવીર સિંહ, અક્ષય કુમાર, કંગના રનૌત જેવા પોતાના કર્તૃત્વ પર પોતાનું સ્થાન ઉચ્ચ સ્તરે લઈ ગયેલા અનેકોની લાઈફ સ્ટોરી બહુ કામ આવે છે.જોકે તે પછી ક્યારેક એકાદ સૂર સાંભળવા મળે જ છે, `અરે, તમે અમિતાભના આટલા બધા દાખલા આપો છો તો તમને ખબર છે કે કેમેરા સામેના અમિતાભ અને કેમેરાની બહારના અમિતાભમાં જમીન આસમાનનો ફરક છે. અનેક ફિલ્મ કલાકારોની બાબતમાં તો તને ખબર છે, તેનું કેટલી છોકરીઓ સાથે લફરું છે તે,એવા લોકોના દાખલા શું લેવાના?’
એક વાર અમે યુ.એસ.એ. ગયાં હતાં ત્યારે સુનિલાને જૂનો પાડોશી રોમી વિશ્વનાથન મળ્યો, આ જ ચર્ચા અમે કરતાં હતાં. કોને આદર્શ માનવા જોઈએ તે આજકાલ સમજાતું નથી. એવરી વન હેઝ સ્કેલેટન્સ ઈન ધ બેકયાર્ડ. મેં કહ્યું ક્યાંક એક વખત વાંચ્યું હતું `જે જીવિત છે તેમને આદર્શ નહીં માનો, જે આ દુનિયામાં સારું કામ કરી ગયા તેમને આદર્શ માનો. કમ સે કમ તેમની તો આવી વિચિત્ર વાતો સામે નહીં આવશે.’ તેની પર રોમીએ કહ્યું, `અરે આજકાલ ગુજરે હુયે લોગોં કી ભી બહૌત સારી કોન્ટ્રોવર્સિયલ બાતે સામને આતી હૈ. સિર્ફ ભગવાન કો યા માયથોલોજિકલ કેરેક્ટર્સ કો આદર્શ માનો।આદર્શ કોણ હોવું જોઈએ, વિચાર કોના સાંભળવા જોઈએ તે દરેકનો વ્યક્તિગત પ્રશ્ન છે. તેના પર અનેક ચર્ચાસત્ર અથવા વાદવિવાદ હોઈ શકે છે, પરંતુ હવે એક વાત શીખી ગઈ છું, `અરે તુઝે પતા હૈ ક્યા…’ `તૂ ઉસકી અસલિયત નહીં જાનતી?’ `અરે આ બધા બતાવવાના દાંત છે, હકીકત કાંઈક અલગ જ છે…’ આવા અથવા તેના જેવા `ગોસિપી’ મુદ્દા આવે એટલે તેનાથી થોડું દૂર જ રહેવું જોઈએ.
મહત્ત્વનું એ છે કે ક્યારેક-ક્યારેક દૂર નહીં રહી શકાય તો પણ આ આવી કમેન્ટ્સની અસર આપણા પર પડવા નહીં દેવી જોઈએ. આપણી સારા-સાર બુદ્ધિ સતત જાગૃત રાખવાની અને આગળ જવાનું, કારણ કે આવી થોડી જેલસીને લીધે કોઈકે કરેલી કમેન્ટ્સની અસર આપણા પર જાણ્યે અજાણ્યે થતી હોય છે. બેક ઓફ ધ માઈન્ડ ક્યાંક તે કમેન્ટ ચોંટી રહે છે. જુઓને ઈન્દ્રા નૂઈનું સારું પુસ્તક તે સમયે મેં અડધું છોડી દીધું તે એક ચર્ચાની આવી બે-ત્રણ કમેન્ટ્સને લીધે. ખરેખર તો મારી વિવેકબુદ્ધિ મેં જાગૃત રાખવી જોઈતી હતી કે તામિલનાડુમાં એક સાદા સાધારણ ઘરની છોકરીએ આ અસામાન્ય સફળતા પ્રાપ્ત કરી હતી. અનેક એસ્પાયરિંગ છોકરા-છોકરીઓએ ભવિષ્ય તરફ આશાથી જોવા માટે અને `એવરીથિંગ ઈઝ પોસિબલ ઈફ યુ વર્ક ટુવર્ડસ ઈટ હોલ હાર્ટેડ્લી-ઓનેસ્ટ્લી’ આ એક અત્યંત સારો સંદેશ આપનારું તેનું જીવન તેણે બધાની સામે ખુલ્લું કર્યું. ખરેખર આવાં પુસ્તકો વાંચવાં અને તેના પર ચર્ચા કરવી તે શાળા-કોલેજીસમાં નિત્યક્રમ બનવો જોઈએ. નાની ઉંમરે મનનું ઘડતર થતું હોય ત્યારે જ આ ચરિત્રો સારી અસર કરી શકે છે. અમેરિકામાં એક મજબૂત કંપનીમાં એક મહિલાએ ગ્લાસ સીલિંગ તોડીને, જીદથી અને ધીરજથી કોર્પોરેટ લેડર ચઢીને ઉચ્ચ પદે પહોંચવું તે અતુલનીય કર્તૃત્વ તરફ આપણે જોવું જોઈએ. હવે આ મજબૂત કંપની જે કાંઈ બનાવે છે તે અનહેલ્ધી છે તે અમેરિકા જ નહીં દુનિયા પણ ક્યાં માનવા માટે તૈયાર છે. આથી ત્યાં આપણે ધ્યાન આપવું નહીં જોઈએ, કારણ કે તે જોવા જઈશું તો દુનિયાની અડધો-અડધ કંપનીઓ રદબાતલ થશે. આ જ બાબત અનેક પ્રસિદ્ધ હસ્તીઓની અથવા ફિલ્મ કલાકારો, ક્રિકેટર્સની છે. ઉંમરનાં એંસી વર્ષ પાર કર્યા પછી પણ યુવાનોને શરમાવે એવી કારકિર્દી ગજવનારા અમિતાભ પાસેથી આપણે જીદ ઉત્સાહ આત્મવિશ્વાસ લેવો જોઈએ. બહુ ઊંડાણમાં નહીં જવું જોઈએ. તમે, હું અને તે કોઈ પણ પરફેક્ટ નથી અને નહીં રહીશું, કારણ કે `પરફેક્ટ’ એવું કશું જ નથી હોતું. પરિપૂર્ણતાના માર્ગ પર આપણે બધા પ્રવાસી છીએ એવું કહી શકાય.
એકાદે કરેલા રિમાર્ક કેવી અસર કરે છે તે માટે માર્કેટિંગ મેનેજમેન્ટમાં સારો દાખલો આપવામાં આવે છે. માણસો અથવા ગ્રાહક વસ્તુ કઈ રીતે ખરીદી કરે છે અને આસપાસના લોકલ ઈન્ફ્લુએન્સર્સ, એટલે કે પાડોશી, મિત્રો અથવા ડોક્ટર્સ-ટીચર્સ કઈ રીતે ઈન્ફ્લુએન્સ કરે છે તે જોઈએ. એકાદ ફોન લેવાનો હોય, આપણે નેટ પર જઈને તેની આખી કુંડલી કઢાવીએ છીએ, રિવ્યુઝ જોઈએ છીએ, પ્રાઈસ કેમ્પેર કરીએ છીએ અને મોટી મૂંઝવણમાં મૂકનારા તે અનેક ફોન્સના ઓપ્શન્સમાં સેમસંગ અથવા વિવો એમ બે મોડેલ્સ અઠવાડિયાની અથાક મહેનત પછી ઝીરો ડાઉન કરીએ છીએ. હવે કામ આસાન હોય છે. બીજા દિવસે શોરૂમમાં જઈને બેમાંથી એકની પસંદગી કરવાની અને આપણે ફોન હાથમાં લેવાનું સપનું રંગવા લાગીએ છીએ. ખરીદીના આગલા દિવસે આપણો એક મિત્ર ઘણા બધા દિવસે મળવા માટે આવે છે. હવા-પાણીના ગપ્પા થયા પછી સહજ રીતે ફોનનો મુદ્દો નીકળે છે. આપણે આવતીકાલે સેમસંગ અથવા વિવોમાંથી એક ફોન ખરીદી કરવાના છીએ એવું કહેતાં તે કહે છે,`અરે ગાંડો થઈ ગયો છે, આજના જમાનામાં સૌથી ઉત્કૃષ્ટ ફોન છે તે ફલાણો છે એવું કહીને તે એકાદ ફોનનું નામ કહે છે. આવી બન્યું! આટલા દિવસોની મહેનત વેડફાઈ ગઈ. બીજા દિવસે આપણે સેમસંગ અથવા વિવો બાજુમાં રાખીએ છીએ. મિત્રએ સૂચવેલો ફોન ઘરે લઈ આવીએ છીએ.
અન્યોના કહેવા પરથી આપણે અનેક વાર આપણા જીવનના મહત્ત્વના નિર્ણય લઈએ છીએ. કોઈકના કહેવા પરથી જ સીતાને અગ્નિપરીક્ષા આપવી પડી હતી. સો, હાલના ક્રિયેટર ઈકોનોમીવાળા, પિયર પ્રેશર્સ, ફ્રેન્ડ્સ, ફિલ્મ, પોડકાસ્ટ્સ આ બધાની ભરમાર થઈ છે. તેનો ગમે તેટલો ઈન્ફ્લુએન્સ થાય તો પણ અંતે યોગ્ય નિર્ણય લેવાનું આપણા હાથોમાં હોય છે. શું સારું શું ખરાબ તે નિર્ણય આપણે જ લેવાનો હોય છે. વી મસ્ટ હેવ અ સ્ટ્રોંગ કંટ્રોલ ઓવ્હર અવર માઈન્ડ!
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
