‘રાત થોડી ને વેશ ઝાઝા’ એ કહેવત આજના સમય માટે જ બનાવવામાં આવી હોય તેવું લાગે છે. આ કરવાનું, તે કરવાનું, તે પણ કરવાનું,અરે આ તો રહી જ ગયું, એવી અનેક બાબતોથી માથું પહેલાં જ ચકરાવે ચઢ્યું છે. તેમાં સોશિયલ મીડિયાએ ફોમો અને જોમો એટલે કે, ફિયર ઓફ મિસિંગ આઉટ અને જોય ઓફ મિસિંગ આઉટનો ઉમેરો કર્યો. સોશિયલ મીડિયાની દુનિયા, તેની પરની મસ્ત-મસ્ત પોસ્ટ જોઈને તો આ શું મસ્ત આયુષ્ય છે અને આપણે શું જીવનભર રઝળપટ્ટી કરી રહ્યાં છીએ, આ વિચાર નિરાશા તરફ આપણને અનેકોને ધકેલે છે અને આ ફક્ત સમાજના અમુક એક આર્થિક સ્તરની બાબતમાં જ બની રહ્યું છે એવું નથી, પરંતુ બધાની જ બાબતમાં આ પરિસ્થિતિ છે.
કોવિડમાં પર્યટન વિશ્વ બે અઢી વર્ષ માટે એકદમ ઠપ થઈ ગયું હતું. અમે દુકાન બંધ કરીને આવતીકાલની ચિંતામાં હતાં. અડધા દિવસના ઝૂમ કોલ, ઓફિસ પૂરી થયા પછી ઘણી બધી ઈન્સ્પાયરિંગ ડોક્યુમેન્ટરીઝ, યુ ટ્યુબ ક્નવર્સેશન્સ અથવા ઓ.ટી.ટી. પરની સિરિયલ્સ જોવાની એ જ નિત્યક્રમ રહેતો હતો. એક દિવસ એક મોટી કંપનીની એન્યુઅલ જનરલ મિટિંગ જોવા બેઠી, કોઈની પણ પ્રગતિનો ચઢતો આલેખ જોતી વખતે અધરવાઈઝ ઈન્સ્પાયર થનારી હું એકદમ ડઘાઈ ગઈ. `ક્યા કરને ચલે થે ઔર કહાં પહુંચે’વો કહાં હમ કહાં? ના વિચાર મન સૂન્ન કરવા લાગ્યા. જો કે સમયસર ભાનમાં આવી, `અપના ભી ટાઈમ આયેગા’ એમ મનને સમજાવ્યું અને કોવિડ ખતમ થવાની વાટ જોતી રહી. તે માટેની પૂર્વતૈયારી કરવામાં પોતાને પરોવી અને ટીમને પણ. કોવિડ પછી ફરી એકવાર અમારા પર્યટન વિશ્વની ગાડી પાટા પર આવવા લાગી છે.
અર્થાત કોવિડ પછી વિશ્વ બદલાયું છે. હવે બધી બાબતો જોઈએ તેટલી સહેલી રહી નથી. મોંઘવારી કહે મારું કામ પણ અમારી સંલગ્ન ઈન્ડસ્ટ્રીને પ્રચંડ મેનપાવર શોર્ટેજનો સામનો કરવો પડી રહ્યો છે. અમે તેમાંથી બચ્યા, કારણ કે અમે સર્વ ટીમ `એક મજબૂત જોડ’ની જેમ એકત્ર રીતે ભવિષ્ય તરફ મોટી આશા સાથે મીટ માંડીને બેઠાં હતાં. તેનું ચીજ થયું કહેવામાં વાંધો નથી. આમ જોવા જઈએ તો હવે કામ વધી ગયું છે, પરંતુ કોવિડ પછી દુનિયા એટલી તંદુરસ્ત રહી નથી. પ્રદૂષણ વધ્યું છે, આપણે પી રહ્યાં છીએ તે પાણી સ્વચ્છ છે કે નહીં તેની ખાતરી રહી નથી.ખાંસી, શરદી, વચ્ચે-વચ્ચે આવતો તાવ ચિંતા કરાવે છે. આપણે મુંબઈમાં રહીએ છીએ,જ્યાંની રિયલ એસ્ટેટ દુનિયામાં સૌથી મોંઘી પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી ખરાબ છે. ખરેખર તો આપણે નાગરિક તરીકે વધુ અપેક્ષા રાખતાં નથી, પરંતુ ચાલવા માટે ખાડામુક્ત રસ્તા, પીવા માટે સ્વચ્છ પાણી અને શ્વાસ, એટલે કે, જીવિત રહેવા માટે અપ્રદૂષિત હવા તો આપો. આ બાબતો આપણા હાથોમાં નથી. તેની પર માથાકૂટ કરવામાં આપણો સમય બગાડવાનો કોઈ અર્થ નથી. તો પછી આ બધાનો સામનો કઈ રીતે કરવો જોઈએ? ઉપાય એક જ છે, આપણે પોતાને શરીરથી અને મનથી સખત બનાવવાનાં છે.
બે વર્ષથી અમને જણાવા લાગ્યું છે કે,`સર સલામત તો પગડી પચાસ’… આ દરેકના ગળે ઊતરવું જોઈએ. આપણી અને આપણા કુટુંબની તબિયતની કાળજી લેવી તે સૌપ્રથમ અને સૌથી મહત્ત્વની બાબત છે. એક સંસ્થા તરીકે વીણા વર્લ્ડ શું કરી શકે?આથી જાહેર કર્યું કે અમારી ઓફિસીસ વહેલી બંધ થશે. સેલ્સ ઓફિસીસ જો સાત વાગ્યે બંધ થાય તો પણ છેલ્લે આવેલા ગેસ્ટને ટીમ અંદર એટેન્ડ કરતી હોય છે. જો કે હવે પછી સેલ્સ અને કોર્પોરેટ ઓફિસ સાડા આઠ વાગ્યે બંધ થશે. નિશાચર બનવાનું નહીં. `વહેલા સૂએ, વહેલા ઊઠે તેને જ્ઞાન આરોગ્ય સંપત્તિ મળે’ એ નાનપણમાં શાળાની દીવાલ પરનું સુવાક્ય આપણે ફરીથી અંગીકાર કરવાનો સમય આવી ગયો છે. અગિયાર વર્ષ પૂર્વે વીણા વર્લ્ડ શરૂ થતાં જ અમે `ટાઈમ થિયરી’ બનાવી હતી. સમયના વહાણા વીતવા સાથે, કામના ધમધમાટમાં તે પાછળ રહી ગયું અને કોવિડમાં તો અમે રીતસર ભૂલી ગયાં અમારી ટાઈમ થિયરીને. આ પછી ગયા વર્ષે 2024ની ડાયરીમાં અમે તેનો સમાવેશ કર્યો. આપણી નજર સામે બાબતો હોય અને તે ક્યારેક વાંચવામાં આવે ત્યારે ધીમે-ધીમે પરિવર્તન આવવા લાગે છે એ અનુભવ પરથી કહી શકું છું. સો, આ ટાઈમ થિયરી છે. `સમયસર આવો, સમયસર કામ શરૂ કરો, સમય વેડફો નહીં, સમય પૂર્વે કામ પૂરું કરો, સમયસર ઘેર જાઓ, કુટુંબીઓને સમય આપો, સમયસર ખાઓ, સમય કાઢીને વાંચન કરો, સમયસર સૂઈ જાઓ, સમયસર ઊઠીને કસરત કરો, સર્વ સમયે પ્રફુલ્લિત રહો.’ હવે જેટલી સરળ રીતે આ લખ્યું છે તેટલું તે આચરણમાં લાવવાનું આસાન નથી એ ખબર છે પણ શરૂઆત તો કરવી જોઈએ. જો આપણને આપણી પોતાની અને આપણા કુટુંબની કાળજી હોય તો. અમારા ટ્રેનિંગ સેશનમાં અમે કાયમ કહીએ છીએ, ભગવાને આપણને આ દુનિયામાં મોકલ્યાં છે તો ચાલો આ જીવનને સુંદર હકારાત્મક રીતે ઘડીએ. આપણાં માતા-પિતાને ગર્વ મહેસૂસ કરાવીએ અને તે માટે અખંડ પ્રયાસ કરીએ.’ અમને અમારી ટીમનો બહુ ગર્વ છે, કારણ કે અમે અમારી અંદર દરરોજ કાંઈક સુધારણા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને તેનો જ પરિપાક અમારા પર્યટકોની ખુશીમાં દેખાય છે. એટલે કે, મને કલ્પના છે કે હજુ પણ અમે કરી રહ્યાં છીએ તે કામમાં ઈમ્પ્રુવમેન્ટ લાવવા માટે અવકાશ છે. જો કે તે સમજવાની અને તેમાં દુરસ્તી કરવાની લવચીકતા અમારી સર્વ ટીમમાં છે તે સારી વાત છે.
ઓક્ટોબર 2024થી અમે અમારી ટાઈમ થિયરીમાં વધુ થોડાં સુધારા કર્યાં છે. એટલે કે, દિવસનું ચક્ર તે જ છે, પરંતુ અઠવાડિયાના ચક્રમાં થોડો ફેરફાર કર્યો છે. અમારા જેવી સંસ્થા એટલે સોમવારથી શનિવાર ફુલ ટાઈમ કામ કરનારી અને તે ઓછું હોય તેમ ફાવે તો રવિવારે પણ કામ કરનારાં અમે, રવિવારે રજા લેવામાં સફળ થયાં. ઓફિસમાં મહિલાઓનું પ્રમાણ વધુ છે. એક દિવસ અમારી એચ.આર. સિનિયર મેનેજર એની અલ્મેડા બધાનું પ્રતિનિધિત્વ કરતી હોય તેમ બોલી, `એક સન્ડે મેં નહીં જમતા હૈ ઘર કે સારે કામ નિપટના.’ થઈ ગયું, અમે અમારા વિચારોમાં ફેરફાર કર્યો. દર પંદર દિવસે `એક સેટરડે ઓફ’ શરૂ થયો અને તે ટકી ગયો. આથી બિઝનેસ ઓછો થયો એવું કશું નથી. એનીને પગલે પગલું મૂકીને એચ.આર. મેનેજર રજિથા મેનને થોડાં મહિનાથી જોર લગાવ્યું,વી મસ્ટ હેવ `ફાઈવ ડેઝ વર્ક’ પોલિસી. હવે શનિવાર રવિવાર ઓફિસ બંધ રાખવાનું શક્ય નહોતું, કારણ કે અમારા પર્યટકોને શનિવારે રજા હોય છે અને અમારી સેલ્સ ઓફિસીસ શનિવારે પર્યટકોથી ભરેલી હોય છે. જો કે સમજણ ધીમે-ધીમે આવે તેમ જણાયું કે દુનિયા સેટરડે સન્ડે ઓફથી ચાલે છે, બલકે જોરમાં દોડી રહી છે, પ્રગતિ કરી રહી છે તો પછી દિવસ-રાત કામ કરીને હજુ કેમ દોડધામ કરવી જોઈએ? કોવિડ પછી આપણા બધાંના જીવનમાં અગ્રસ્થાને કુટુંબ આવ્યું છે અને તે કુટુંબને સમય આપવાની જરૂર છે. ફેમિલી ફર્સ્ટ! રજિથાના મનની સુપ્ત ઈચ્છા પૂરી થઈ. અમે ઓક્ટોબર મહિનાથી `ફાઈવ ડેઝ વર્ક વીક’ આત્મસાત કર્યું. સેલ્સ ઓફિસીસ શનિવારે પણ ચાલુ હોય છે અને તે સંબંધિતો અઠવાડિયામાં ક્યારેક રજા લે છે, બાકીના સેટરડે સન્ડે ઓફફ લે છે. છેલ્લા ચાર મહિના અમે હવે આ અઠવાડિયાના બે દિવસની ઓફફની મજા અનુભવી રહ્યાં છીએ અને અગાઉ કરતાં વધુ જોશમાં અને નવા ઉત્સાહથી વધુ કામ કરી રહ્યાં છીએ.
સો ટાઈમ થિયરી તો કહી, પરંતુ `વહેલા સૂઈ જવા…’ વહેલી ઊંઘ તો આવવી જોઈએ ને અને તે નહીં આવે તો સવારે વહેલા કઈ રીતે ઊઠી શકાય? સમયસર કામ પૂરું કરવાનું હોય તો તેમાં એકાગ્રતા કઈ રીતે લાવવાની? એકાગ્રતા ત્યારે જ આવી શકે જ્યારે માથામાં દુઃખાવો, શરીરમાં દુઃખાવો, પીઠદર્દ, આ બધાથી આપણે મુક્ત રહીએ. તો પછી અમે પોતાને પેકેજ્ડ, પ્રોસેસ્ડ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સના મોહથી મુક્ત કર્યા. નોન-વેજ ખાવાનું ઓછું કર્યું. હા, જો આપણને ફાવે તો અન્યોને પણ ફાવી શકે, નહીં? મહાત્મા ગાંધીજીએ કહ્યું છે ને, `બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઈન ધ વર્લ્ડ!’ આજકાલ અમે શક્ય ત્યારે, શક્ય ત્યાં બધાને `તબિયતની કાળજી લો, ચટરપટર ખાશો નહીં, ઘરેથી ડબ્બો લાવો, બહારનું નહીં ખાઓ’નું રટણ લગાવ્યું છે. કોઈ પણ દુઃખાવાનું મૂળ પેટમાં છે અને પેટ સાફ તો શરીર તંદુરસ્ત અને મન પ્રફુલ્લિત! આ બાબતમાં બહુ સારા વિડિયોઝ યુટ્યુબ પર છે. તેમાંથી આર. માધવન અને અક્ષય કુમારનો વિડીયો મને ગમે છે. અક્ષય કુમારને કોઈકે પૂછ્યું, `આપ સુબહ ચાર બજે ઉઠતે હો, ઈતની જલદી ઉઠકર ક્યું સબકો છે બજે કી શિફ્ટ લગાકે કામ પે બુલાતે હો?’ તેનો ઉત્તર હતો, `સુબહ ઉઠને કે લિયે હોતી હૈ. મૈ જલદી ઉઠતા હૂં ઉસમેં બૂરા ક્યાં હૈ?’ બીજા વિડીયોમાં તે રીતસર દમ આપે છે, સતત જે પણ મળે તે પેટમાં નાખતા રહેનારને તે કહે છે, `ક્યૂં ઠુસતે રહતે હો દિનભર? શામકો છે બજે કે બાદ કુછ ભી ખાને કી જરૂરત નહીં હૈ. સુબહ એક ઘંટા શરીર કો દો, વ્યાયામ કરો, અગર યે નહીં કર સકતે હો તો મરો?’ આર. માધવને પોતાને કઈ રીતે તંદુરસ્ત બનાવ્યો તે પ્રામાણિક રીતે કહ્યું છે. હવે જનરલી આપણે આ ફિલ્મ કલાકારો વિશે ઘણી બધી અન્ય બાબતો પણ સાંભળીએ છીએ પણ તેને આપણે બાજુમાં રાખીએ. પોતાની મહેનતથી તેમણે ભવિષ્ય ઘડ્યું છે એ જ ધ્યાનમાં લઈએ અને પોતાને પણ તંદુરસ્ત બનાવીએ. હોલીવૂડનો કલાકાર હ્યુ ગ્રાન્ટ કહે છે, `જિમના બધા પ્રકાર કર્યા પછી મને સમજાવ્યું કે દોડવા જેવી કસરત નથી.’ આથી વ્યાયામ માટે જિમમાં ડોનેશન્સ આપવાની પણ આવશ્યકતા નથી. ફક્ત મનથી નક્કી કરવું જોઈએ, ઈટ્સ હાય ટાઈમ નાઉ… જીવનમાં શિસ્ત કેળવવાની અને પોતાની જીવનશૈલી સુધારવાની જરૂર છે અને હા તે માટે ટાઈમટેબલ અથવા એલાર્મ લગાવવાની આવશ્યકતા નથી. આ બધું એલાર્મ અને રિમાઈન્ડર વિના ફાવે તો જ જીવનભર ટકી શકશે.
સવારે ઊઠવાથી એક પછી એક, એટલે કે,આ થઈ ગયું એટલે તે… આવી બાબતો કરતા રહેવાનું. ઊઠવાનું, ભગવાનને થેન્ક યુ કહેવાનું, નવો ફ્રેશ દિવસ આપણને આપ્યો તે માટે અને પછી વાંચન, યોગા, જિમ, સ્વિમિંગ, બ્રેકફાસ્ટ, કુટુંબીઓને બાય બાય… સાંજે સમયસર ઘરે આવવાનું, જમવાનું, ચર્ચા, વાંચન-મનન અને થેન્ક યુ ગોડ ફોર એવરીથિંગ કહીને શાંતિથી સૂઈ જવાનું… જ્યારે શાંત ઊંઘ આવે ત્યારે પાંચ- છ કલાકની ઊંઘ પણ પૂરતી હોય છે. એકદમ નવા ક્રેઝ પ્રમાણે આઠ કલાક ઊંઘ મળવી જ જોઈએ એવું કાંઈ નથી. આ મુદ્દો બહુ મોટો છે. જોકે વીણા વર્લ્ડમાં અમે ટાઈમ થિયરી અને શારીરિક-માનસિક તંદુરસ્તી પર કામ કરી રહ્યાં છીએ. દરેક ઓર્ગેનાઈઝેશને તે કરવું જોઈએ. બળવાન સંસ્થા ત્યારે જ બનશે જ્યારે સંસ્થામાં દરેક ટીમ મેમ્બર શારીરિક-માનસિક અને આધ્યાત્મિક રીતે સુદ્રઢ રહેશે. યોગાચાર્ય બી.કે.એસ. અય્યંગારે કહ્યું છે, `હેલ્થ ઈઝ અ કમ્પ્લીટ હાર્મની ઓફ ધ બોડી, માઈન્ડ એન્ડ સ્પિરિટ.’
અરાઉન્ડ દ વર્લ્ડ
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
