ઑપરેશન થિયેટરમાં ઍનેસ્થેટિસ્ટનું શું મૂલ્ય છે એની બહુ બધા લોકોને જાણ હોતી નથી. નાનપણમાં આપણને એમની ઓળખ માત્ર ‘શીશી સૂંઘાડવાવાળા ડૉક્ટર’ તરીકે આપવામાં આવતી. ડૉક્ટર શીશી સૂંઘાડે અને થોડી વારમાં દરદી બેહોશ થઈ જાય.
દરદીને બેભાન કરવા માટેની એ ‘શીશી’ હકીકતમાં તો ઑપરેશન વખતની પીડા ઓછી કરનારી દવા અને ઘણા કેસમાં એને નવજીવન આપનારી સંજીવની છે. ઑપરેશન પછી દરદી સાજોસારો થઈ જાય ત્યારે એને સંજીવનીનું મહત્ત્વ સમજાય છે. જો કે એ સંજીવની આપનારા ઍનેસ્થેટિસ્ટ એની સામે આવતા નથી. તબીબી ભાષામાં આ જ કારણે ‘શીશી સૂંઘાડવાવાળા’ ડૉક્ટરને પડદા પાછળના કલાકાર તરીકે ઓળખવામાં આવે છે.
મધુરીબહેન કોટક ‘ચિત્રલેખા’ માટે પડદા પાછળનાં કલાકાર હતાં. ગયા ગુરુવાર, ૫ જાન્યુઆરીની રાત્રે એ દુન્યવી તખ્તો છોડી ગયાં. એમની પાછળ હવે છે ‘ચિત્રલેખા’ નામની બોતેર વર્ષની વિરાસત. ગુજરાતી પત્રકારત્વની એક મશાલ.
નાની વયે પતિ ગુમાવી દેનારી સ્ત્રી તરીકે કોઈની સહાનુભૂતિ મેળવવાની હદે જવાને બદલે મધુબહેને ગજબ ખુમારી દાખવી અને જીવનના છેલ્લા શ્વાસ સુધી એ જાળવી રાખી. વજુભાઈ કોટકના અકાળ અવસાન પછી મધુબહેને ‘ચિત્રલેખા’નું સંવર્ધન કર્યું, જેમાં પાછળથી એમને હરકિસન મહેતા અને અન્ય વરિષ્ઠ પત્રકારોનો સાથ પણ મળ્યો. અત્યારે અડીખમ ઊભેલી ‘ચિત્રલેખા’ની ઈમારતના પાયામાં વજુભાઈનું સ્વપ્ન છે, હરકિસનભાઈની દૂરંદેશી છે તો મધુબહેનની ખુદ્દારી પણ છે.
સંયમ એ મધુબહેનનું ઘરેણું હતું. એમની વાતચીતમાં ક્યાંય ઉછાંછળાપણું નહીં, માતબર પ્રકાશન સંસ્થાનાં સહસંસ્થાપક હોવાનો અહં નહીં. અદના માણસ સાથેય શાંતિથી વાત કરે. બોલે ઓછું અને સામેવાળાનું માન ઘવાય નહીં એનું પૂરેપૂરું ધ્યાન રાખે.
મધુબહેને નવી પેઢીને સુકાન સોંપ્યા પછી એમના નિર્ણયોમાં ક્યારેય માથું માર્યું નહીં. સ્થિતપ્રજ્ઞ થઈને ‘ચિત્રલેખા’ ગ્રુપના પ્રવાસનાં સાક્ષી થઈને રહ્યાં. ચડતીનો ઝાઝો હર્ષ નહીં ને પડતીમાં શોક નહીં.
ખરો સુકાની એ જ કહેવાય જે બીજાને એની મરજી પ્રમાણે રમવા દે અને જરૂર પડે ત્યારે એને સાચવી લે. ‘ચિત્રલેખા’ પરિવારનાં મોભી તરીકે મધુબહેને બધાને સાચવ્યા અને જશ લેવાની વાત આવે ત્યારે હંમેશાં બીજાને આગળ કર્યા. એ રીતે પણ મધુબહેન પડદા પાછળનાં કલાકાર જ રહ્યાં!
‘ચિત્રલેખા’ સાપ્તાહિકે એનો આ મોભી, આ સુકાની ગુમાવ્યો છે.
અલવિદા, મધુબહેન.
(હીરેન મહેતા)
(તંત્રી, ચિત્રલેખા)