બળબળતા ઉનાળામાં આહલાદક શીતળતા આપતાં આમ તો ઘણાં સ્થળ છે, પણ શિમલાની નજીક આવેલું કુફરી એક અનેરો અનુભવ આપી જાય છે
ગયા વર્ષની આઇપીએલ ક્રિકેટની સિઝનમાં અમે ચંડીગઢ પહોંચ્યાં ત્યારે અમારી જ હોટેલમાં કિંગ્ઝ ઈલેવન પંજાબની ટીમ ને ટીમની માલિકણ પ્રીંટી ઝિંટા ઊતરેલાં. એક સમયની ફાંકડી ને પ્રતિભાશાળી ઍક્ટ્રેસ સાથે હૉટેલનો સ્ટાફ ને બીજા મહેમાન સેલ્ફી લેવા પડાપડી કરી રહ્યા હતા.ખેર, એકદિવસ ચંડીગઢ-દર્શનને આપી બીજા દિવસે લંચ લઈ અમે મનાલી-શિમલા જવા નીકળ્યાં ખરેખર તો અમે મુંબઈથી નીકળ્યાં ત્યારે એક મિત્રએ તાકિદ કરેલી કે ગમ્મે તે થાય, કુફરી મિસ નહીં કરતો એટલે એની શિખામણ અનુસરી અમે કુફરી પહોંચ્યા. શિમલાથી કુફી જવું હોય તો નારકન્ડા રામપુર જતી બસ મળે છે, જો કે અમે પ્રાઈવેટ ટેક્સી લેવાનું નક્કી કર્યું. બોલકા ટેક્સીવાળાએ 1000 રૂપિયા કહ્યા, પણ પછી 800માં આવવા તૈયાર થયો.
કુફરી પહોંચતાવેંત પહેલી નજરે જ એવી પ્રતીતિ થઈ કે અહીં નિરાંતે થોડા દિવસ ગાળવા જોઈએ. સમુદ્ર સપાટીથી આશરે અઢી હજાર મીટરની ઊંચાઈએ આવેલું કુફરી શિમલાથી માત્ર 16 કિલોમીટર જ દૂર છે. આ સ્થળની ખાસિયત એ કે એની આસપાસનો વિસ્તાર સાહસસફરીઓને જલસો કરાવી દે એવો છે, જેમ કે ટ્રેકિંગ-હાઈકિંગ, વગેરે ઔલી આજે સ્કીઈંગ માટે બેસ્ટ ગણાય છે, પણ આપણે ત્યાં બરફીલા પર્વતોના ઢોળાવ પર સ્કીઈંગની મજા માણવાની શરૂઆત કુફરીથી થયેલી. વાત છે લગભગ 1953-1954ની. આ માટે ખાસ એક વિન્ટર સ્પોર્ટ્સ કલબની સ્થાપના કરવામાં આવેલી ને 1955માં એક સ્કીઈંગ કાર્નિંવલનું આયોજન પણ કરવામાં આવેલું. જો કે ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં જબરદસ્ત ફેરફાર થવાથી આજકાલ પહેલાં જેવી હિમવર્ષા થતી નથી. હવે તો સ્કીઈંગ કાર્નિવલ પણ ભૂતકાળની વાત બની ગયો છે. છેલ્લે 1968-1969માં કાર્નિવલ યોજાયો હતો. જો કે કુફરીમાં અમે જ્યાં ત્યાં ગયાં ત્યાં ત્યાં સ્થાનિક રહેવાસીઓ આ કાર્નિવલને સાંભરતા હતા. એમ તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી અને માર્ચના પહેલા સપ્તાહ સુધી અહીં સ્કીંઈંગની મજા માણી શકાય છે.
કુફરીની એક ખાસિયત એ કે તમે પગગાળા એને માણી શકો. એક સાંજે અમે અમસ્તાં ટહેલી રહ્યાં હતાં ને અચાનક જ મહાસુ શિખર સુધી પહોંચી ગયાં. ત્યાંથી આસપાસનો નજારો સૌને મંત્રમુગ્ધ કરી ગયો.
કુફરીનું અન્ય એક આકર્ષણ એટલે અહીંનો હિમાલયન નૅચર પાર્ક. આ ઉદ્યાનમાં આ પ્રદેશનાં પશુ-પક્ષીને નિહાળી શકાય છે. પાર્ક એટલો વિશાળ છે કે જો તમે તમારું વાહન લઈને ન જાવ તો ટાંટિયાની કઢી થઈ જવાનો સંભવ છે. હિમાલયન નૅચર પાર્ક ઉપરાંત કુફરીનો ઈન્દિરા ટુરિસ્ટ પાર્ક પણ મજાનો છે. અહીં અમે બ્યુટિફૂલ વ્યૂ તો માણ્યો જ સાથે સાથે ઘોડેસવારીની મજા પણ માણી. આ વિસ્તારમાં જ જોવા મળતા પાક પ્રાણી સામે ફોટા પડાવ્યા. અમારા ગ્રુપની બે કન્યાઓ યાક સાથે સેલ્ફી લેવાની ટ્રાય કરી. પણ એનો ઘુરકાટ સાંભળી એ એવી ગભરાઈ કે દોડીને વાહનમાં એવી ગભરાઈ કે દોડીને વાહનમાં ભરાઈ ગઈ.
ઢળતી સાંજે અમે એક કાફેમાં બેસીને ગરમાગરમ કૉફીની મજા માણી રહ્યાં હતાં ત્યાં એક ટુરિસ્ટે સવાલ કર્યોઃ તમે પોટેટો રિસર્ચ સેન્ટર જોયું ?
બટાકાં પર સંશોધન ? એ પણ હિમાલય પ્રદેશના આવા સરસમજાના હિલ સ્ટેશનમાં ?
અમે નકારમાં મૂંડી ધુણાવી તો એ કહે કે જી હાલ, કુફરીમાં પોટેટો રિસર્ચ સેન્ટર છે, કેમ કે આ પ્રદેશમાં બેસ્ટ કહેવાય એવાં બટાકાં થાય છે. તમે ગુજરાતી છો તો જાણી લો કે તમારા ગુજરાતમાં બટાકાંના ખેડૂતો એ માટેનું બિયારણ અહીંથી એટલે કે હિમાચલ પ્રદેશથી જ મગાવે છે.
અમે એ અતિ ઉત્સાહી ટુરિસ્ટ મિત્રને બીજા દિવસે પોટેટો રિસર્ચ સેન્ટરની મુલાકાત લેવાનું પ્રોમિસ આપ્યું. સાહેબજી કહી ત્યાંથી અમારી હોટેલ ભણી ચાલવા માંડ્યું.
અહેવાલ- સૂચિતા પી.