યુરોપીય સંઘ તેની પાંખો પ્રસરાવી રહ્યો છે. બ્રૅક્ઝિટના નામે તેણે નક્કી કર્યું છે કે લોકોના ખરા દુશ્મન તો સૉશિઅલ મીડિયા અને ગૂગલ છે. યુરોપીય સંઘ કરતાં પણ વધુ આક્રમક ફ્રાન્સ છે. તેણે સૂચન કર્યું છે કે સંઘનો ભૂલી જવાના (એટલે કે ગૂગલ પરથી પોતાના વિશે રહેલી ચીજો દૂર કરવાનો) અધિકારનો કાયદો વિશ્વભરમાં લાગુ કરવો જોઈએ.
અમેરિકામાં પણ આ કંપનીઓ સાથે બથંબથી કરવાનો નિર્ણય લઈ લેવાયો છે, જેમાં ખાસ તો ગૂગલ નિશાન પર છે. ચીને તો પહેલાં જ ગૂગલને સરકાર માટે જોખમ માનીને તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ કંપનીઓ આ બધા હુમલા સામે ટકી શકે છે પણ શરત એ છે કે અમેરિકા તેમની પડખે હોય તો. પરંતુ હવે અમેરિકાએ પણ આ કંપનીઓ સામે બાંયો ચડાવી છે. આ કંપનીઓ ગૉકરના માર્ગે છે. ગૉકર એ નિક ડેન્ટન અને એલિઝાબેથ સ્પીયર્સ દ્વારા સ્થાપિત અમેરિકી બ્લૉગ હતો. તે સેલિબ્રિટી અને મિડિયા ઇન્ડસ્ટ્રીને લગતો બ્લૉગ હતો.
આ બધું દર્શાવે છે કે નજીકના સમયમાં ગૂગલનું પતન અવશ્યંભાવિ છે. તેના સીઇઓ વચ્ચે છૂપાઈ ગયા હતા. તેના સીઇઓ એરિક શ્મિડટને તેમના પદ પરથી ઉતરી જવા કહેવાયું હતું કારણ તેમના અનેક લફરાં બહાર આવ્યા હોવાનું કહેવાય છે. હૉલિવૂડમાં અભિનેત્રીઓ સહિત સ્ત્રીઓનું શોષણ બહાર આવ્યું અને #MeTooનો ટ્રેન્ડ ચાલ્યો તે પછી એરિકને પદ પરથી ઉતરી જવા ન કહેવાયું હોત તો જ નવાઈ લાગત.
ગૂગલની સમસ્યાઓ તે સન અને ઑરેકલ સાથે યુરોપીય પંચમાં ગયું ત્યારથી શરૂ થઈ. તેણે માઇક્રૉસૉફ્ટને તેની ઑપરેટિંગ સિસ્ટમ હરીફ બ્રાઉઝર માટે ખોલવા માટે ફરજ પાડી અને મોટો દંડ પણ ફટકારાવ્યો.
પરંતુ ગૂગલ પોતે પણ આ પ્રકારના દંડનો ભોગ બન્યો અને તેને તો માઇક્રૉસૉફ્ટ કરતાં ઘણો વધુ દંડ લાગ્યો. ૬૦ મિનિટની અંદર દરેક ત્રાસવાદી સંદેશને જો તે ડિલિટ કરવામાં નિષ્ફળ જાય તો તેને તેની કુલ વિશ્વ વ્યાપી આવકના પાંચ ટકા સુધીનો દંડ લાગશે તેવી દરખાસ્તનો ગૂગલ અત્યારે સામનો કરી રહ્યું છે. ફેસબુક અને ટ્વિટર પણ આવા સંભવિત દંડનો સામનો કરી રહ્યા છે. જો ગૂગલ ૨૦ સંદેશાઓ ડિલિટ ન કરે તો તેની એક આખા વર્ષની આવક ગુમાવવી પડે. અને આ વાત આવકની છે, નફાની નથી. ૧૦૦ સંદેશાઓ ડિલિટ ન કરે તો પાંચ વર્ષની આવક ગઈ સમજો.
આથી ગૂગલને બચાવવા આલ્ફાબેટ નામની પિતૃ કંપની બનાવાઈ પરંતુ યુરોપની સરકારો ગૂગલનો પીછો એમ સરળતાથી છોડે તેમ નથી.