ગેઇમ ડેવલપમેન્ટ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી કઈ રીતે બનાવશો?

કોરોના કમઠાણથી વિડીયો ગેઇમ સેક્ટરને બુસ્ટર-ડૉઝ મળી ગયો છે.  ગેઈમ ડેવલપરની કારકિર્દી અપનાવનારને આવનારા વર્ષો દરમિયાન શું ફાયદાઓ થવાની  સંભાવના છે અને આ ક્ષેત્રે ઘરેબેઠા જ પા-પા પગલી કેવી રીતે માંડી શકાય તેની ટૂંક માહિતી સાથે chitralekha.com આજે વાચકો માટે હાજર છે……

————————————————————–

વિડીયો ગેઇમ્સ દ્વારા ઘરમાં “ક્વોરેન્ટાઇન” રહીને પણ મનોરંજન મેળવી શકાતું હોવાથી કોરોનાની આંધી ગેઇમીંગ સેક્ટર માટે સારા દિવસો લઈને આવી છે. કોરોનાનો એકપણ કેસ નહોતો ત્યારનાં આંકડા એવું દર્શાવતા હતાં કે ૨૦૨૩ની સાલ સુધીમાં ભારતમાં ગેઈમ-પ્રેમીઓની સંખ્યા ૬૨ કરોડ જેવી હશે અને આ કારણે ગેઇમ ડેવલપર્સ ખૂબ કમાશે. પરંતુ કોરોનાનાં કારણે ૧૦ એપ્રિલ ૨૦૨૦નાં સર્વેનો ચોંકાવનારો આંકડો હવે એ આવ્યો છે કે આટલા ગેઇમર્સ તો અત્યારે જ થઇ ગયા છે. કોરોના વાઇરસ દુનિયામાંથી ક્યારે વિદાય લેશે તે ભલે નક્કી નથી, પણ જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળી પડવાની ટેવ “સોશિયલ ડિસ્ટન્સીગ” ખાતર હવે વિદાય લેશે તે નક્કી છે. અને એટલે જ ૨૦૨૩ સુધીમાં ગેઇમીંગ સેક્ટર દ્વારા દેશને ૧૨૦૦૦ કરોડની આવકનો જે અંદાજ હતો તે હવે બમણાથી પણ વધવાની ગણતરી મૂકાઈ રહી છે.

તમે સાયન્સ, આર્ટ્સ, કોમર્સ….. કે બીજી કોઈપણ બ્રાન્ચમાં ભણ્યા હો, ગેઇમ ડેવલપમેન્ટની દુનિયામાં તમારી માટે એક સરખી તકો છે. વિટંબણા એ છે કે આપણાં દેશમાં વિડીયો ગેઇમને લગતી કારકિર્દીમાં પોતાનો સંતાનો ઝંપલાવે તેની માતા-પિતાને સૂગ છે. પરંતુ આ સૂગ ઉતારી નાખવાનો સમય હવે આવી ગયો છે. ગેઇમ ડેવલપમેન્ટ માટે ખૂબ એક્સપર્ટ પ્રોગ્રામર બનવું પડે છે તેવું માનવું પણ હવે ભૂલ ભરેલું છે. ફટાફટ ગેઇમ બનાવી શકાય તેવા ઘણાં બધા ટુલ્સ અને એપ્લિકેશન હવે ઇન્ટરનેટ ઉપર આસાનીથી મળી રહે છે. તેનો ઉપયોગ શીખવા તમારે કોઈ લાંબાગાળાનાં ફુલટાઇમ કોર્સ કરવા પડે તેવી શક્યતા પણ ઓછી છે.

ગેઇમીંગ જયારે એડિક્શનનું સ્વરૂપ પકડી લે ત્યારે તેના ફાયદા કરતા ગેરફાયદા વધી જાય છે, તે કોઈ નવી વાત નથી. પણ, વિડીયો ગેઇમ રમવાથી ફાયદા થાય તેવા કોઈ વૈજ્ઞાનિક પુરાવાઓ ખરા? હા…. છે ને. યુનિવર્સીટી ઓફ જિનિવાના મહિલા પ્રોફેસર ડૉ. ડેપની બેવર્લીએ કરેલા રિસર્ચ દરમિયાન જાણવા મળેલું કે ગેઇમ રમવાથી ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિઓ તો વધે જ છે, પણ સંજોગો મુજબ ઝડપની અગત્યતા, વ્યૂહરચના, સમીક્ષા કરવાની શક્તિ અને સૂઝબૂઝનું પ્રમાણ પણ વધે છે. આ જ રીતે સાન ફ્રાન્સિસ્કોની યુનિવર્સીટી ઓફ કેલીફોર્નિયાના પ્રોફેસર ડૉ. એડમ ગેઝલીએ પણ ગેઇમ રમવાથી કઈ-કઈ ક્ષમતાઓ વધે છે તે ચકાસવાનું રિસર્ચ હાથ ધરેલું. આ માટે પોતાની ટીમનાં સહયોગથી NeuroRacer નામની એક ગેઇમ તેમણે ડેવલપ કરેલી. નિષ્કર્ષ એવો નીકળ્યો કે ઉમરને આધિન ઓછી થઇ જતી સાવધાની,  યાદશક્તિ અને મલ્ટી-ટાસ્કીંગની ક્ષમતા આ ગેઇમ રમનારાઓમાં સારીએવી વધી ગઈ. એટલું જ નહીં, વ્યક્તિત્વને સક્રિય રાખતા મગજનાં હિસ્સામાં એવા ફેરફારો નોંધાયા કે જેનાથી પરીક્ષણમાં ભાગ લેનારાઓની તર્કબુદ્ધિ અને સંયમ ક્ષમતાઓમાં પણ વધારો જોવા મળ્યો.

રીસર્ચ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે સળંગ ૧૨ અઠવાડિયા સુધી, પ્રત્યેક અઠવાડિયામાં ૪ થી ૫ દિવસ માટે અને દૈનિક ધોરણે ૩૦ મિનિટ સુધી એકદમ શિસ્તબદ્ધ રીતે ગેઇમ રમવામાં આવે તો તેનાથી માનસિક શક્તિઓ વધે છે. આ હકીકતને મહત્વ આપીને તમારે એ ધ્યાન રાખવું પડશે કે તમારી બનાવેલી વિડીયો ગેઇમ ૩૦-૩૦ મિનિટોના સ્લોટમાં વહેંચાયેલી હોવી જોઈએ અને આ ૩૦ મિનિટ જેવા ટૂંકા સમયમાં જ તે માનવમગજને વિશ્રામ અને આનંદ આપી શકતી હોવી જોઈએ. તમારી ગેઇમનાં ચાહકો પોતાની માનસિક શક્તિઓના વિકાસ માટેની સ્વિકૃત ગણાતી વાંચન, લેખન અને લોકોને મળવા-હળવાની પ્રવૃત્તિઓ છોડીને ગેઇમ રમવા બેસતા હોવાથી તમારી ગેઇમ તેમના વિકાસમાં મોટો ફાળો આપી શકે તેવી થીમ ઉપર બનેલી જ હોવી જોઈએ તે એક જવાબદાર ડેવલપર તરીકે તમારે યાદ રાખવું પડશે.

વિશેષજ્ઞો કહી રહ્યા છે કે કોવિડ-૧૯નાં કહેરની અસર લાંબાગાળા સુધી રહેવાની છે. આ કારણે “સેલ્ફ આઇસોલેશન” જીવનશૈલીનું સ્વરૂપ પકડી લે તેવી ધારણા વ્યક્ત થઇ રહી છે. જો તમને ખરેખર જ આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની ઈચ્છા હોય તો નીચેની માહિતીનો અભ્યાસ કર્યા બાદ તાત્કાલિક જ મહેનત શરુ કરો, કારણકે શક્ય છે કે ગેઇમીંગનો આવો ફળદ્રુપ દસકો ફરી ન પણ આવે.

તો આવો જાણીએક્યાંથી શરૂઆત કરીશું:

તમારા મનપસંદ વિષયને લગતી કઈ સ્કીલ ગેઇમ મારફતે પ્લેયરને રમતા-રમતા જ તમે  શીખડાવી શકશો તેનું મનોમંથન શરુ કરો. આ પછી; અત્યારની આ પ્રકારની કેટલીક પોપ્યુલર ગેઇમ્સ રમીને તેનું પૃથ:કરણ પણ કરો. પસંદ કરેલી આવી ગેઇમ્સની વેબસાઈટ અથવા બ્લોગની મુલાકાત લો. ત્યાંથી જે કંઈ તલસ્પર્શી માહિતી મળે તે ડાઉનલોડ કરી તેનો વિગતવાર અભ્યાસ કરો, જેથી તમને આ બાબતની થોડી વધુ ઊંડી માહિતી મળી રહેશે.

ગેઇમ ડેવલપમેન્ટ માટે કઈ-કઈ એપ્લિકેશન ઉપયોગી છે:

અગાઉ એવી પરિસ્થતિ હતી કે જો તમે C#, C++, Objective-C, Java and JavaScript, Visual Studio in .NET, Flash, HTML5 પૈકી કોઈ લેન્ગવેજ જાણતા હો તો જ ગેઇમ ડેવલપમેન્ટ ક્ષેત્ર તમારી માટે યોગ્ય ગણાતું. પરંતુ હવે એ દિવસો પૂરા થઇ ગયા છે અને આ ક્ષેત્ર દરેક “ક્રિએટિવ માઈન્ડ” ધરાવનારાઓ માટે ખુલ્લું થઇ ગયું છે.

કારણ કે, તમે ફટાફટ અને એકદમ આસાનીથી ગેઇમ બનાવી શકો તે માટે Unity, Gdevelop, Indie Game Maker,  Buildbox, DeltaEngine, MonoGame,  NeoAxis Engine, GameMaker, Construct 2, GameSalad, CRYENGINE, Godot Engine, Unreal Engine જેવા ઘણાં પ્લેટફોર્મ હવે ઉપલબ્ધ છે. જરૂર લાગે તો આવા પ્લેટફોર્મનાં ટૂંકાગાળાનાં કોઈ ઓનલાઇન કોર્સમાં પણ તમે જોડાઈ શકો છો.

મજાની વાત એ છે કે આમાંથી મોટાભાગનાં પ્લેટફોર્મનો ગેઇમ્સ ઉપરાંત એનિમેશન, સિમ્યુલેશન અને વર્ચ્યુઅલ રિયાલિટી સુસંગત કન્ટેન્ટ બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય છે. જે તમને એક્સ્ટ્રા ઈન્ક્મ ઉભી કરવામાં પણ મદદરૂપ થશે.

ગેઇમનાં પ્રથમ પ્રોજેક્ટની રૂપરેખા શું રાખીશું:

વિડીયો ગેઇમીંગને સમયનો બગાડો ગણીને તેના વિરોધ કરનારા માતા-પિતા અને વડીલોને તમારી તરફેણમાં કરવાની તક અહીંથી શરુ થાય છે. પહેલી ગેઇમ એવી બનાવવાનું આયોજન કરો કે તે પોતાનાં વ્યક્તિગત જીવનમાં ગેઇમરને કંઈક  શીખવી જાય અથવા તેમની નબળાઈઓ ઉપર કાબુ મેળવવામાં તેમને મદદ કરે. ટૂંકમાં તમારી પ્રથમ ગેઇમનો હેતુ “લર્ન વિથ ફન” જ રાખવો જોઈએ.

આ માટે તમારા વિષયને કેન્દ્રમાં રાખીને કોઈ સારી સ્ટોરી અને થીમ પકડી લો અને નીચેનાં  ટેબલમાં દર્શાવેલા મુદ્દાઓમાં આપેલા વિકલ્પો પૈકી તમારી પસંદગી શું છે તે નક્કી કરી લો:

ગેઇમનો પ્રકાર: 

એક્શન, એડવેન્ચર, આર્કેડ, બોર્ડ, કાર્ડ, પઝલ, રેસિંગ, રોલ પ્લેયિંગ, સ્પોર્ટ્સ, સ્ટ્રેટેજી, ટ્રીવીયા, વર્ડ, કેઝ્યુઅલ કે અન્ય.

ફિચર: 

2D કે 3D, એનિમેશન, સિમ્યુલેશન, એક જ પ્લેયર રમી શકે, એકથી વધુ પ્લેયર રમી શકે. 

સાઉન્ડ: 

તમે પસંદ કરેલા પ્લેટફોર્મ દ્વારા રેડી-ટુ -યુઝ મળે તે, જાતે તૈયાર કરીશું, Audiokinetic અને Steinberg જેવી કંપનીઓનાં રેડી-ટુ-યુઝ સાઉન્ડ સોલ્યુશન્સ ખરીદશું. 

OS:  

માઈક્રોસોફ્ટ વિન્ડૉઝ, મેકબુક, લીનક્સ, એન્ડ્રોઇડ, આઈ ફોન/આઈ પેડ, પ્લે-સ્ટેશન, એક્સ-બોક્સ, નિન્ટેન્ડો, વેબ બૅઈઝડ, ફેસબુક બૅઈઝડ કે ક્રોસ પ્લેટફોર્મ.

અત્યાર સુધીમાં જે ગેઇમ્સ ખુબ જ સફળ રહી હોય તેમની 95 ટકા ગેઇમ્સ મોબાઈલ પ્લેટફોર્મની છે તે અત્રે ખાસ ખ્યાલમાં રાખવું જોઈએ.

ઈનપુટ આઉટપુટ ડિવાઈસ:  

કી-બોર્ડ, માઉસ, જોય-સ્ટીક, ગેઈમીંગ વ્હીલ, ગેઈમીંગ કંટ્રોલર.સ્ક્રીન, AR/VR ડિવાઈસીઝ.

હોસ્ટિંગ: 

ડિવાઇસમાં ઇન્સ્ટોલ થશે, ઇન્ટરનેટ ચાલુ રાખીને જ રમી શકાશે, હાઈબ્રીડ. 

વેચાણ કિંમત: 

ફ્રી, એકવારનું પેમેન્ટ, માસિક પેમેન્ટ, વાર્ષિક પેમેન્ટ, In-App પરચેઝ, ઈનબિલ્ટ જાહેરાતો દ્વારા આવક.

ઉપર પ્રમાણેનાં મુદ્દાઓ એકવાર નક્કી કર્યા પછી તેને વળગી રહો જેથી તમારો પહેલો પ્રોજેક્ટ ટૂંકા સમયમાં ફિનિશ થાય.

તૈયાર થઇ ગયેલી ગેઇમ ક્યા માધ્યમથી માર્કેટમાં લૉન્ચ કરશો:

ગેઇમની અનેક ઓનલાઇન “બજાર” ભરાય છે તે જાણીને તમને નવાઈ લાગશે!!!! ગેઇમ રમવાનાં શોખીનો આ ઓનલાઇન બજારોની વેબસાઈટમાં વારંવાર ડોકિયું કરીને નવી કઈ ગેઈમ આવી કે નહી તે વારંવાર જોતા રહેતા હોય છે. એટલે પોતાની વેબસાઈટ દ્વારા ગેઇમને માર્કેટમાં મૂકવા કરતાં આ વિકલ્પ તમારી માટે વધુ સસ્તો અને સરળ રહે છે અને તાબડતોબ જ દેશ-વિદેશનાં ગેઇમર્સની નજરમાં તમે આવી જતા હોવાથી વેચાણમાં ઝડપથી વધારો થઇ શકે છે.

આવી કેટલીક વેબસાઈટ આ પ્રકારે છે: https://www.steampowered.com/https://www.gamersgate.com/https://itch.io/https://www.greenmangaming.com/https://www.gog.com/https://www.origin.com, અને https://www.humblebundle.com/. જે પણ અનુકૂળ પડે તે વેબસાઈટમાં એકાઉન્ટ ખોલીને તમારી ગેઇમ વેચાણ અર્થે મૂકી શકો છો.

ગેઇમ ડેવલપરની કારકિર્દીને કઈ રીતે આગળ વધારશો:

તમે આ ક્ષેત્રે બિઝનેસ કરવા માગતા હો તો તકો નાની-સૂની નથી. જુદા-જુદા પ્રકારની નાની-નાની ગેઇમ્સ બનાવવાનો એકવાર જાત-અનુભવ મળી જાય પછી તમે મોટા પ્રોજેક્ટ હાથ ઉપર લઇ શકો છો. જેના માટે તમારે એક ગેઇમ ડેવલપમેન્ટ ટીમનું ગઠન કરવું પડશે. આવી ટીમમાં મુવી અથવા નાટક પ્રકારની સ્ટોરી લખી શકે તેવા લેખક, સંવાદ લેખક, મનોવૈજ્ઞાનિક, કોસ્ચ્યુમ ડિઝાઈનર, સાઉન્ડ – ગ્રાફિક્સ – એનિમેશન જેવા વિઝ્યુઅલ આર્ટ્સમાં પારંગત મિત્રોને આમંત્રણ આપી શકો છો. ટીમનાં તમામ સભ્યોની મહેનત સારી હશે તો ટૂંકા સમયમાં જ ગેઇમની શ્રેષ્ઠ કન્ટેન્ટ તૈયાર કરી શકશો.

પરંતુ જો જોબની ઈચ્છા હોય તો વૈશ્વિકસ્તરે અવ્વલ કહેવાતી UbiSoft, Zynga, Electronic Arts, Disney, Playdom, Sony, Digital Chocolate, Nvidia,  Microsoftનાં ગેઇમ ડેવલપમેન્ટ સેન્ટર આપણાં દેશમાં છે જ,  તેમાં સારી તક મેળવી શકો છો. ગેઇમ ડેવલપમેન્ટમાં જોરદાર કાઠું કાઢ્યું છે તેવી Octro, Nazara Technologies, Dream11, 99Games, CreatioSoft, 2Pi Interactive Pvt. Ltd, Moonfrog Labs, Octane Tech, Games2Win, Dhruva Interactive જેવી અન્ય બીજી ૨૭૫થી પણ વધુ  હાઈ-સ્કેલની ભારતસ્થિત કંપનીઓમાં પણ તમને તક મળી શકે છે.

www.payscale.com નામની વેબસાઈટમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે ગેઇમ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા પ્રોગ્રામિંગ એક્ઝિક્યુટિવની ઇન્ડિયામાં સેલેરી પાંચેક લાખ આસપાસ તો હોય જ છે. પૂરતા અનુભવ પછી મોટી ગેઇમીંગ કંપનીઓ અમેરિકન ડૉલરમાં છ આંકડાં સુધીનું પેકેજ પણ આપતી હોય છે.

તો……… કરો કંકુના!!

(પુનીત આચાર્ય-સોમપુરા)