આસામ: પર્યટન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવા અને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર વિશ્વમાં 27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે વાત કરીએ આસામમાં આવેલા વિશ્વના સૌથી મોટા નેશનલ પાર્ક કાઝીરંગાની. આમ તો આસામ ચા માટે જાણીતું છે પરંતુ આજે વર્લ્ડ ટુરિઝમ ડેની ઉજવણી થાય છે ત્યારે કાઝીરંગાની એક મુલાકાત કરીએ.
સૌથી જૂનું ઉદ્યાન
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામના ગોલાઘાટ અને નાગાંવ ક્ષેત્રમાં સ્થિત છે. આસામનું સૌથી જૂનું ઉદ્યાન છે જે ઉત્તરમાં બ્રહ્મપુત્રા નદીના કિનારે અને દક્ષિણમાં કાર્બી આંગલોંગ હિલ્સના 430 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વભરમાં એક શિંગડાવાળા ગેંડા એટલે કે રાયનો માટે પ્રખ્યાત છે. આ જ કારણ છે કે યુનેસ્કોએ આ રાષ્ટ્રીય ઉદ્યાનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કર્યું છે. કાઝીરંગા વિશ્વના સૌથી શ્રેષ્ઠ અને પ્રખ્યાત પાર્કમાંનું એક છે. જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝન પત્ની મેરી કર્ઝન સાથે જયારે 1904માં કાઝીરંગા આવ્યા, ત્યારે એમણે અહીં બહુ ઓછી વસ્તી ધરાવતા એક શિંગડાવાળા રાયનો જોયા. આ લુપ્ત થતાં રાયનોની પ્રજાતિના રક્ષણ કરવા માટે તેમણે સ્થાનિક તંત્રને કહ્યું. ત્યાર પછી 1908માં આ સ્થળને પૂર્ણ રીતે આરક્ષિત અભયારણ્ય જાહેર કરાયું. 1950માં આનું નામ બદલીને કાઝીરંગા વન્યજીવ અભ્યારણ્ય કરાયું.
યુનેસ્કોએ આ પાર્કને વર્ષ 1985માં વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યું હતું. રાયનો ઉપરાંત વાઈલ્ડ બફેલો, સ્વેમ્પ ડિયર, હાથી અને વાઘ એમ કુલ પાંચ પ્રાણીઓ એક સાથે જોવા મળે એવું આ એકમાત્ર નેશનલ પાર્ક છે. જેના કારણે આ વિસ્તાર બિગ ફાઈવ તરીકે પણ જાણીતો છે. આ પાંચ ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ અહીં જોવા મળે છે. આ નેશનલ પાર્કમાં પ્રવાસીઓ જીપ સફારીની મજા માણી શકે છે.
આમ પણ જ્યાં પ્રકૃતિ હોય ત્યાં માનવ મન મંત્રમુગ્ધ થઈ જાય છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વભરના સ્થળાંતર કરનારા પક્ષીઓ અને ઘણી લુપ્તપ્રાય પ્રજાતિઓ માટે આશ્રયસ્થાન છે.
રાયનોની સંખ્યા સૌથી વધુ
વર્તમાન સમયની વાત કરીએ તો અહીં 2,613 રાયનો, 104 વાઘ, 1,089 હાથી અને 1,129 સ્વેમ્પ ડિયર તેમજ 1,937 વાઈલ્ડ બફેલોની વસ્તી છે.
ડિસેમ્બરમાં પ્રવાસીઓનો ધસારો
આ વિશે ચિત્રલેખા. કોમ સાથે વાત કરતા વન અધિકારી તરુણ ગોગી કહે છે કે, “જૂનથી ઓક્ટોબર મહિના દરમિયાન આ પાર્ક બંધ રહે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓનો ભારે ઘસારો રહે છે. રોજના અંદાજે ત્રણથી ચાર હજાર પ્રવાસીઓ અહીં આવે છે. ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં લોકો વધારે આવે છે. આ સમય દરમિયાન વિદેશી પ્રવાસીઓ પણ વધારે આવે છે.”
કાઝીરંગા પ્રવાસીઓ માટે પ્રથમ
છેલ્લા 16 વર્ષથી કાઝીરંગા નેશનલ પાર્કમાં ગાઈડની જોબ કરતા પિંકુ બોરા ચિત્રલેખા. કોમને રાયનો વિશે વાત કરતા કહે છે કે, “રાયનો દેખાવમાં ખૂબ શાંત લાગે છે પણ એ ખૂબ જ અગ્રેસિવ છે. આમ તો એ પ્રવાસીઓને ક્યારેય નુકશાન પહોંચાડતા નથી. પણ હા જો કોઈ અવાજ કરે તો એમને પસંદ ન પડે તો ક્યારેક જીપનો પીછો પણ કરે છે. જો કે એ સમયે અમે ધ્યાન રાખી ત્યાંથી ફટાફટ નીકળી જઈએ છીએ.”
આમ તો આપણા ગુજરાતમાં પણ અનેક પ્રવાસન સ્થળ છે. પરંતુ જો દેશની અને એમાં પણ આસામની વાત કરીએ તો કાઝીરંગા પ્રવાસીઓ માટે પ્રથમ પસંદગીનું સ્થાને છે.
હેતલ રાવ (આસામ)