85 વર્ષની ઉંમરે 250-300 ગીતો સહેલાઈથી મોઢે ગાઈ શકે અને હર્મોનીઅમ પર વગાડી શકે તેવાં સંગીત-પ્રેમી સુશીલાબહેન મોદીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે:
સુશીલાબહેનનો જન્મ રૂદેલમાં (બોરસદ પાસે), બાળપણ ધંધુકામાં, શાળાનો અભ્યાસ અમદાવાદમાં, જયહિન્દ હાઇસ્કુલ અને દિવાન બલુભાઈ હાઈસ્કૂલમાં, સ્વામિનારાયણ કોલેજમાંથી બીએ કર્યું. લગ્નના 11 વર્ષ પછી બીએડ (સંસ્કૃત) કર્યું! ત્રણ બહેન, બે ભાઈનું મધ્યમવર્ગનું કુટુંબ. પિતાને મણીનગરમાં કરિયાણાની દુકાન. પતિ બેંકમાં કામ કરતા. તેઓ સુશીલાબહેનને દરેક કામમાં સપોર્ટ કરે. બીએડ કર્યા પછી સુશીલાબહેને સંઘવી હાઇસ્કુલમાં 25 વર્ષ શિક્ષિકા(હિન્દી-ગુજરાતી) તરીકે નોકરી કરી. બાળકોને બહુ મજા આવતી અને તેમને પણ બહુ મજા આવતી.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
છેલ્લાં ચારેક વર્ષથી દીકરીને ઘેર રહે છે. સવારે સાડા-સાતે ઊઠે, ચા-પાણી કરી બગીચામાં દોઢ-એક કલાક કુદરતની મજા માણે! હિંચકા પર બેસી કૃષ્ણ-ભક્તિ કરે. થોડો આરામ કરે. દીકરીને ઘેર તો શું કામ હોય? 80 વર્ષની ઉંમર સુધી જાતે રસોઈ અને કામકાજ કરતાં. ઘણો સમય સંગીત-ભજનમાં જાય, વાંચન કરે. બપોરે થોડીવાર ચિત્રો દોરે, પેઇન્ટિંગ કરે. ફિઝિયોથેરેપીસ્ટ સાથે કસરત કરે, કલાક ચાલે. રાતના કુટુંબનાં સભ્યો સાથે જમે, ટીવી જુએ, વાતો કરે, પછી સુઈ જાય.
શોખના વિષયો :
શાસ્ત્રીય-સંગીત ગમે, કુદરતી ભેટ છે! બધાં ભાઈ-બહેનો સંગીતમાં હોંશિયાર! ભક્તિ-સંગીત વારસગત છે. ભાઈ-બહેનો મળે તો ભક્તિ-સંગીતની વાતો કરે! ચિત્રનો શોખ હતો એટલે 65 વર્ષે ઓઇલપેઇન્ટિંગ શીખ્યાં! નવરા બેસે નહીં! ભરત-ગુંથણ-સિલાઈ કરે, પોતાનાં કપડાં સીવે. યુવાન પૌત્ર-પૌત્રી માટે પણ ભરત-ગુંથણની નવીન વસ્તુઓ બનાવે! ફરવાનું ગમે, રોજ સાંજે બહાર જતાં, પણ કોરોનામાં પતિના અવસાન પછી બહાર ફરવાનું ઓછું થયું છે. વિદેશોમાં ફર્યાં છે(અમેરિકા, થાઈલેન્ડ, સિંગાપુર, દુબઈ, નેપાલ). ભારતમાં ચારધામ, કાશ્મીર, નૈનીતાલ, રાજસ્થાન વગેરે અનેક સ્થળોએ ફર્યાં છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સરસ! આનંદમાં અને સાહજીકતાથી રહે છે. કાન, હાથ, આંખો, બધું સારું છે! એક પગનું ઓપરેશન બે વાર કરવું પડ્યું છે. ત્રણેક વર્ષ પહેલાં બ્રેસ્ટ-કેન્સર થયું હતું પણ વિલ-પાવર સ્ટ્રોંગ એટલે સરસ રીતે બહાર નીકળી ગયાં. યોગ-કસરત વગેરે કંઈ કરતાં નથી. એમને માટે તો સંગીત એ જ મનન, ધ્યાન અને સાધના!
યાદગાર પ્રસંગ:
સંઘવી-સ્કૂલમાં 25 વર્ષ કામ કર્યું છે, 12 બહેનોનો કર્મચારી-વર્ગ હતો, બધાંને એકબીજા સાથે સરસ ફાવે. બધાંનાં ઘરેણાં-સાડીઓ એકબીજા પ્રેમથી પહેરે. સાથે મળીને ગરબા કરતાં. એકવાર નવરાત્રીમાં ક્લાસ-ગરબાની હરીફાઈ રાખી. તેમનો પાંચમા ધોરણનો ગરબો સાતમા ધોરણના ગરબાને ટપી ગયો! તેમણે ખુશ થઈને બધાંને આઈસ્ક્રીમ ખવડાવ્યું. અમેરિકાના ઘણા પ્રસંગો યાદગાર છે, ત્યાં પણ ઘણા આનંદથી રહ્યાં છે.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં પૌત્ર-પૌત્રી સાથે રહીને ઘણું બધું શીખી ગયાં છે. આઇપેડ ઉપર સંગીત-રેકોર્ડિંગ જાતે કરે છે. facebook, ઇન્સ્ટા, whatsapp સારી રીતે વાપરી શકે છે. રાત્રે ક્યારેક ઊંઘ ઊડી જાય તો આઇપેડ લઈને બેસી જાય! ગીતો ગાય અને વગાડે. ગરબા ગવડાવવા ગમે, નવરાત્રીમાં વિજયનગરનાં ગરબામાં દર વર્ષે ઇનામ મેળવે! રાજપથ ક્લબમાં વાર્ષિક-ઉત્સવમાં ઉત્સાહથી ભાગ લે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેઓ ગાડામાં, ઘોડાગાડીમાં, સ્કૂટર પર, કારમાં અને વિમાનમાં પણ ફર્યાં છે! નાનાં હતાં ત્યારે બધું કામ જાતે કરતાં, પાણી લાવવાનું, કપડાં ધોવાના, કચરા-પોતા કરવાના, ગાર-લીંપણ કરવાનું…. હવે તો બધું કામ મશીનથી થાય છે! તેમણે જે કામ કર્યું છે તે આજની પેઢી ન કરી શકે. આજની યુવતીઓ જમવાનું પણ બનાવતી નથી! તેમના મત મુજબ તો હજુ ખરાબ સમય આવશે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમને એક દીકરો, એક દીકરી, બે પૌત્ર-પૌત્રી, એક પ્રપૌત્ર છે. રોજ બે કલાક પૌત્ર-પૌત્રી સાથે બેસે, ચોથી-પેઢીનો પ્રપૌત્ર હયાન સાથે રહે છે, એને સુશીલાદાદી સાથે બહુ ફાવે. અમેરિકામાં રહેતી પુત્રવધૂ વિએટનામની છે. સુશીલાબહેને તેને સહર્ષ સ્વીકારી લીધી છે. વિચારો બહુ પોઝિટિવ અને ફોરવર્ડ થીંકીંગ. અંધશાળામાં ભણાવવાં જતાં હતાં. શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું છે એટલે યુવાનો સાથે ફાવે, પણ હાલ ઘરનાં અને કુટુંબનાં યુવાનો સિવાય બીજાં યુવાનોના ખાસ ટચમાં નથી.
સંદેશો :
Be positive! Be a fighter! કામકાજ કરતા રહો, એક્ટિવ રહો, ભવિષ્યનો વિચાર કરવાનો નહીં અને ચિંતા પણ કરવાની નહીં.
“સંઘર્ષને તું સૂત્ર બનાવ, કર્મને તું મંત્ર બનાવ,
હારને તું ભૂલી બતાવ, લક્ષ્યને તું જીતી બતાવ!”