નોટ આઉટ @ 93 યશોમતીબહેન મહેતા

કુટુંબના ચારેય પુરુષો(પતિ અને ૩ પુત્રો) ભારતીય સેનામાં સક્રિય, પણ ઘરમાં હકુમત ચાલે યશોમતીબહેનની! ફોજી-પતિ અને ત્રણ-ત્રણ  ફોજી-દીકરાઓને ઉત્સાહસભર પ્રેરણા આપતાં યશોમતીબહેનની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

મધ્યપ્રદેશના નાનકડા ગામ કુરવાઈમાં જન્મ. તેમના નાના નવાબ-સાહેબના ડોક્ટર હતા. યશોમતીબહેન દોઢ-મહિનાના થાય ત્યાં તો તેમણે ટીબીમાં પિતાને ખોયા! સમાજનો  વ્યવહાર અને સાવકી-માતાનો દુર્વ્યવહાર જોઈ વિધવા-માતાને સમજાઈ ગયું કે સ્ત્રીનું સ્થાન રસોડામાં જ હોય અને જો આગળ વધવું હોય તો આત્મ-નિર્ભર થવું પડે. નાનાએ સાગરમાં કેમ્બ્રિજ સુધી ભણાવ્યું અને ત્યારબાદ નર્સિંગનો કોર્સ કરાવ્યો. માતાએ સુરતમાં પારસી-હોસ્પિટલમાં નોકરી લીધી અને ઘણું કામ કર્યું. યશોમતીબહેનનું બાળપણ હોસ્પિટલના ક્વોટર્સમાં વીત્યું. સુરતની આઈપી-મિશન સ્કૂલમાંથી મેટ્રિક કર્યું, એમટીબી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને પછી એલએલબી કર્યું. આંતર-કોલેજ-ડ્રામા હરીફાઈમાં તેમનો પરિચય તેમના ભાવિ-પતિ નીતિન મહેતા સાથે થયો અને પ્રેમલગ્ન કર્યાં!

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

સવારે વહેલા પાંચ-સાડા પાંચે ઊઠે, કોફી પીએ, અગરબત્તી કરે. દીવો કરતાં નથી. પૂજા-પાઠમાં માનતાં નથી. “ઈશ્વર ચારે-તરફ છે, ભગવાન પશુ-પક્ષી-વનસ્પતિ બધાંમાં છે, તેને મનુષ્યનું રૂપ આપી પૂજા કરવી જોઈએ નહીં.” રેડિયોમાં/ટ્રાન્ઝિસ્ટરમાં ભજનો સાંભળવા બહુ ગમે. વહેલી સવારથી તેમના ટ્રાન્સિસ્ટરમાં ભજનો વાગવાના શરૂ થઈ જાય! સમાચાર પણ સાંભળે. બાળકો ભણતા હતા ત્યારે તો તેમના ટિફિન, દફતર વગેરે તૈયાર કરવા પડે, પણ હવે સવારમાં આરામ છે. પહેલા ચાલવા જતાં અને રસોઈ પણ જાતે કરતાં, હવે ટિફિન આવે છે. જમ્યાં પછી છાપા વાંચે, ટીવી જુએ. ગાર્ડનિંગનો શોખ છે, છોડમાં રણછોડ જુએ છે!

શોખના વિષયો :  

સંગીતનો શોખ, ગરબા-ભજન-ગઝલ બહુ ગમે, દાદી જ્યાં જાય ત્યાં ટ્રાન્ઝિસ્ટર જોડે લેતાં જાય. પૌત્ર કહે “આ તારું બચ્ચું લાગે છે!” સુંદર રંગોળી કરે! રસોઈનો ઘણો શોખ. ખાના-ખજાના ટીવી-શો રેગ્યુલર જુએ, રિપીટ-શો પણ જુએ! ટીવી ઉપર CRIME PETROL/CID જોવા ગમે. વાંચનનો શોખ હતો, હવે આંખો સાથ આપતી નથી.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

ભગવાનની મહેરબાનીથી તબિયત એકદમ સારી છે. “સંયમ અને નિયમ” જરૂરી. ખાવામાં સંયમ અને જીવનમાં નિયમ હોય તો તબિયત સારી રહે. SIMPLE LIVING AND HIGH THINKINGમાં માને છે.

 યાદગાર પ્રસંગ: 

લગ્ન થોડી મોટી-ઉંમરે કર્યા, તે પણ આર્મીમેન સાથે! લોકોને નવાઈ થતી. તેમનો જવાબ:  મારાં માતા 16 વર્ષે પરણ્યાં અને તે પણ સિવિલિયન સાથે, તોય પતિનું સુખ ક્યાં પામ્યાં? જોકે આર્મી-મેનની માતા/પત્ની તરીકે હિંમત તો રાખવી જ પડે. હજી યાદ છે: એકવાર અડધી રાતે ફોન આવ્યો: “તમારો દીકરો ઈમ્પોર્ટન્ટ મિશન પર જાય છે અને મહિના સુધી તમે તેમનો અવાજ નહીં સાંભળી શકો!”

આર્મીના  પોસ્ટિંગ વખતે Army Wives Welfare Association(AWWA)માં તેઓ સક્રિય રહેતાં, મનોરંજન-પ્રોગ્રામો કરાવવાની જવાબદારી માથે લેતાં. નોન-ગુજરાતી-બહેનો પાસે સરસ ગરબા કરાવતાં, રેજીમેન્ટલ ગીત ઉપર ગરબા કરાવ્યાં છે! રંગોળી કરતાં. ગુજરાતી-સંસ્કૃતિને લોકપ્રિય બનાવવાના પ્રયત્નો કરતાં.

ક્યારેક મેલી-વિદ્યાના અને અગોચર-વિશ્વના અનુભવો થયા છે. ફિરોજપુરમાં સાવ અજાણી જગ્યાએ પોસ્ટિંગ હતું, પતિને રાતની ડ્યુટી હતી. એકરાતે ડ્યુટી પરથી પાછા આવી નાહીધોઈને તેઓ સુઈ ગયા પછી ઘર ઉપર કોઈ પથ્થર ફેકતું હોય તેવું લાગ્યું. બીજા દિવસે સવારે ઊઠીને આડોશી-પાડોશીઓએ જણાવ્યું: આર્મી-ક્વાર્ટર્સ  બન્યા છે તે જગ્યાએ બીજા-વિશ્વયુદ્ધમાં ઘણા લોકો શહીદ થઈ ગયા હતા અને ઘણીવાર આવા અનુભવ થાય છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

માત્ર સંગીત માટે તેઓ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, બાકી તેમને લાગે છે કે માણસ એકવાર મોબાઇલ હાથમાં લે એટલે તેમાં ખૂંચી જાય છે અને સમય બગાડે છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

બધો જ ફેર છે! માણસ પોતે બદલાઈ ગયો છે, તેનું વર્તન, તેના વિચાર, તેનો પહેરવેશ, ખાવા-પીવાની રીત-ભાત બધું જ બદલાઈ ગયું છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

યુવાનો અને બાળકો સાથે કામ કરવાનું બહુ ગમે! એકવાર ઇએમઇનું બાળમંદિર બંધ કરવાનો વખત આવ્યો હતો. યશોમતીબહેને ઉત્સાહભેર બાળમંદિર ચાલુ રખાવવા માટે 14 વર્ષ કામ કર્યું! નાસિકમાં આર્મીના બાળમંદિરમાં કામ કર્યું. તેમની ભણાવવાની રીત એકદમ નવીન અને રચનાત્મક હતી. આલ્ફાબેટ શીખવવા તેઓ એબીસીડીથી શરૂ કરવાને  બદલે પોતાની રીતે વચ્ચેથી શરૂ કરતા!

 સંદેશો : 

લશ્કરમાં જોડાતા ડરો છો તો તે ડર છોડો! ઈશ્વરમાં વિશ્વાસ રાખો,  તેને મંજૂર હશે તે જ થશે!