અ મારી ટેકનોલોજી ટીમ તરફથી મેસેજ આવ્યો, `આપણે આગામી મહિનાની એક તારીખે પ્લેટફોર્મ બદલી રહ્યાં છીએ,’ `વર્ક ચૅટ’ પરથી `ટીમ્સ’ પર શિફ્ટ થઈ રહ્યાં છીએ. બધા ટેસ્ટ્સ પાર પડ્યા છે, ટેસ્ટિંગ થઈ ગયું છે. આ નવું પ્લેટફોર્મ તમને વધુ ફાયદાકારક છે. તે તમારી કાર્યક્ષમતા વધારશે, નિર્ણય વહેલા લેવાશે અને એકંદરે ઓર્ગેનાઈઝેશનને તેનો લાભ થશે.’ બે વર્ષ પૂર્વેની આ વાત છે. વીણા વર્લ્ડ તે સમયે યુવાન, એકદમ યંગ ઓર્ગેનાઈઝેશન હતી એમ કહી શકાય. એટલે કે, હું અને સુધીર બે જ ઓલ્ડ સ્કૂલવાળા સિનિયર સિટીઝન્સ. તેમાં મારો ટેકનોલોજી પ્રત્યે પ્રેમ લગભગ નહિવત હતો. મારો આ સંબંધ જોઈને ઓર્ગેનાઈઝેશને મને `કોસ્ટ કંટ્રોલ’ને નામે લેપટોપ પણઆપ્યું નહીં. ટીમ મને ચીડાવતી, `આજકાલ દુનિયાનાં એકમાત્ર CEO લેપટોપ વાપરતાં નથી.’ વારુ, અમુક વીક પોઈન્ટ્સ હોય છે. મારું કામ પેપર, પેન, આઈપેડ, ફોન પર ચાલતું હોય તો મારે બોજ શા માટે લેવો જોઈએ. ગેજેટ્સની જંજાળ અમસ્તા જ વધારવી નહીં જોઈએ એવો મારો મત છે. `કામો અટકતા નથી ને? ‘આ મારો પ્રશ્ન છે. અમારી જનરલ મેનેજર શિલ્પા મોરે કહે છે, `યે ફોન હી કાફી હૈ.’
છેલ્લાં બાર વર્ષમાં આવી એક-બે વાર ટેકનોલોજી બદલવાની બાબત બની હતી અને સિસ્ટમ્સ અથવા પ્રોસેસીસ બદલવી તે કાયમ ચાલુ જ હોય છે, તેનાથી હવે અમે બધાં ટેવાઈ ગયાં છીએ. `ચેન્જ ઈઝ ધ ઓન્લી કોન્સ્ટન્ટ થિંગ’ એ ક્યારેય નહીં તેટલી તત્પરતાથી આત્મસાત કરવાનો આ જ સમય છે. આથી એવરીબડી ઈઝ યુઝ્ડ ટુ ઈટ. છતાં `હે ભગવાન, હજુ માંડ `વર્ક ચેટ’ પર હાથ અને માથું જામ્યું ત્યાં નવું ચેન્જ? એવું લાગ્યું. `હવે ફરી બધું અથથી ઈતિ સુધી શીખવું પડશે.’ઉપરથી બતાવતી નહીં હોવા છતાં કોઈ પણ ચેન્જ સામે મનથી થોડો વિરોધ અથવા તે બાબતમાં ઉદાસીનતા હોય જ છે. `બધું બરાબર ચાલી રહ્યું છે ને, અન્ય કામો ઓછાં છે કે?’ ઓફિસના વાતાવરણમાંવિચાર દબાયેલા સ્વરૂપમાં પ્રસરતો હોય છે. જો કે એક-એક કરીને ટીમ મેમ્બર્સ આવનારા નવા પરિવર્તનને અપનાવે છે, તેમાં હથોટી મેળવે છે અને આગળ આવનારાં પરિવર્તન સુધી બધું હેમખેમ ચાલતું રહે છે. જો કે હું ટેકનોલોજીઝનાં પરિવર્તનથી મૂંઝાઈ જાઉં છું. પેટમાં ફાળ પડે છે.
બે વર્ષ પૂર્વે પણ `વર્ક ચેટ’ પરથી `ટીમ્સ’ પર શિફ્ટ થતી હતી ત્યારે એવું જ થયું. જો કે તે સમયે મેં `બર્ન ધ બોટ્સ’ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ઉંમર પ્રમાણે થોડું શાણપણ આવ્યું હતું એવું લાગે છે. જે દિવસે આ પ્લેટફોર્મ ચેન્જ થવાનું હતું તે દિવસે સવારે મેં મારા આઈપેડ પરથી `વર્ક ચેટ’નો આભાર માનતાં કહ્યું, સારી રીતે સાથ આપવા માટે, અમારાં કામો આસાન બનાવવા માટે મનમાંને મનમાં નમસ્કાર કર્યા. આ પ્રવાસ અટકાવવો પડ્યો તે માટે `સૉરી’ પણ કહ્યું અને ભારે મન સાથે `વર્ક ચેટ’ ડિલીટ કર્યું. આ પછી મારી લડત `ટીમ્સ` શીખવા માટે શરૂ થઈ અને આશ્ચર્યની વાત એ છે કે બે દિવસમાં મેં `ટીમ્સ’ શીખી લીધું. જેટલું મેં વિચાર્યું હતું તેટલું મુશ્કેલ નહોતું. `વર્ક ચેટ’ની કુશન રાખી નહીં, `ટીમ્સ’ શીખ્યા વિના કોઈ વિકલ્પ બચ્યો નહીં ત્યારે સામે આવેલા તે સંકટનો સામનો હું સારી રીતે કરી શકી અને જીત મેળવી. `ટીમ્સ’ વિશે મનમાં જે ડર હતો તે નહિવત થયો અને હું સંપૂર્ણ તણાવમુક્ત બની ગઈ. `બર્ન ધ બોટ્સ’ ટેક્નિક અથવાઆ એક વ્યવસ્થાપન શાસ્ત્ર બે હજાર વર્ષ પૂર્વે પહેલી વાર રોમન ડિક્ટેટર, રિફોર્મર અને વોર સ્ટ્રેટેજિસ્ટ જુલિયસ સીઝરે વાપર્યું હતું એવું કહેવાય છે.
જુલિયસ સીઝર જે સમયે ઈંગ્લેન્ડ પર સવારી કરવા માટે ગયો હતો તે સમયે તેના બધાં સૈનિકો લાંબું અંતર કાપીને થાક્યા હતા, સર્વત્ર થોડી ઉદાસીનતા ફેલાઈ હતી. ઈંગ્લેન્ડના શક્તિશાળી સૈનિકોનો સામનો કરવાનું અશક્ય છે એવા ભયથી બધા ગ્રસ્ત હતા અને પાછા રોમ જઈએ એવો વિચાર બધાના મનમાં ઘૂમરાતો હતો. જ્યાં સુધી બોટ સામે દેખાતી હતી ત્યાં સુધી પાછા જવાનો અથવા રિટ્રીટનો વિચાર આવતો રહેશે, પરંતુ જો બોટ જ નષ્ટ કરવામાં આવે તો વિકલ્પ બચશે નહીં અને સૈનિકો બહુ હિંમતથી `કરો યા મરો’ કહીને જીવ હથેળીમાં રાખીને લડાઈ કરીને જીત પ્રાપ્ત કરશે એવો વિચાર કરીને તેણે બોટોને આગ ચાંપી. આ સ્ટ્રેટેજીથી તેમને ઝાઝી સફળતા મળી નહીં. અમુક ઈતિહાસકારોના મતે તો આ દંતકથા છે, તેણે બોટોને આગ ચાંપી જ નહોતી. `બર્ન ધ શિપ્સ’ વધુ એક પંદરમા સોળમા દાયકાની ઘટના છે. હેર્નાન કોર્તેસ સ્પેનિશ સામ્રાજ્યનો એક સોલ્જર, એક્સપ્લોરર અને એડવેન્ચરર હતો, જેણે મેક્સિકો દેશના એઝટેક સામ્રાજ્ય પર જીત મેળવીઅને મેક્સિકોને સ્પેનના અમલ હેઠળ લાવી દીધું. જો કે આ જીત તેને આસાનીથી મળી નહોતી. તે માટે બે વર્ષ લડત આપવી પડી હતી. પહેલી વાર 1519માં જ્યારે તે એઝટેક સામ્રાજ્ય ધરાવતા મેક્સિકોની ભૂમિ પર ઊતર્યો ત્યારે તેની પાસે ફક્ત છસ્સો સૈનિક હતા. સ્પેનથી મેક્સિકો સુધી તે બોટથી આવ્યા હતા. આ લગભગ દસ હજાર કિલોમીટરનો પ્રવાસ કરીને તેઓ રીતસર થાકી ગયા હતા. આવી સ્થિતિમાં તેઓ મેક્સિકો સાથે કઈ રીતે લડશે અને પછી તેમના મનમાં પાછા જવાનો વિચાર આવ્યો ત્યારે શિપ્સ જો બાળી નાખવામાં આવે તો પાછા જવાનો માર્ગ બંધ થશે અને લડ્યા વિના વિકલ્પ જ રહેશે નહીં એવો વિચાર કરીને હેર્નાન કોર્તેસે ખરેખર શિપ્સ બાળી નાખી. તેની સ્ટ્રેટેજી કામ આવી. તેમણે બે વર્ષમાં એઝટેક સામ્રાજ્યને શરણે આવવાની ફરજ પાડી. 1521માં સ્પેનનો ઝંડો મેક્સિકો પર ફરકાવ્યો. તે સમયથી આજ સુધી આ `બર્ન ધ શિપ્સ’ વોર સ્ટ્રેટેજી સર્વત્ર વપરાય છે. વિકલ્પ જ રાખવાનો નહીં. પછી તે પરિવર્તન સર્જાય છે.
નાનપણમાં ગામ જતાં ત્યારે પિતાજી કૂવામાં સ્વિમિંગ શીખવવા લઈ જતા. પાણીમાં ભૂસકો કઈ રીતે મારવાનો એ `ટુ બી ઓર નોટ ટુ બી’ની સ્થિતિમાં રહેતાં ત્યારે પિતાજી સીધા કૂવામાં ધકેલી દેતા હતા. આ પછી જીવવા- મરવાની લડત શરૂ થતી, હાથ-પગ હલાવ્યા વિના વિકલ્પ જ બચ્યો નહીં હોય અને પછી તરવાનું શરૂ થયું. આપણાં માતા- પિતા અથવા શિક્ષક આ રીતે જ હેર્નાન કોર્તેસ જેવા આપણને અનેક ઠેકાણે ધકેલી દે છે. તે સમયે તમને ગુસ્સો આવે છે પણ તેમાંથી દૂરદ્રષ્ટિ સમજવા માટે આપણને ઘણાં વર્ષ લાગે છે. `તને લડતાં આવડવું જોઈએ’ આ એક જ એજન્ડા તેમનો હોય છે. `વિકલ્પ નહીં હોય’ એ અત્યંત ઉપયોગી બાબત મને લાગે છે. કોવિડકાળમાં અમારી બાબતમાં આવું જ થયું હતું. જો કે થોડું અલગ રીતે. કોવિડ સિચ્યુએશન અમારા ટુરીઝમ માટે ભયંકર યાતનાદાયક નીવડી. અમને પહેલો ફટકો પડ્યો અને તેમાંથી બહાર આવનાર અમે, ટુરીઝમ ઈન્ડસ્ટ્રી સૌથી છેલ્લી હતી. અઢી વર્ષ બધાએ અમને તેમના જીવનમાંથી બાદબાકી કરી નાખ્યા હતા. કશું જ કરવા માટે નહોતું અને આગળ પણ આપણું કશું થઈ શકશે એવી આશા પણ ખતમ થઈ હતી. તે અઢી વર્ષમાં અનેકોએ આ ઈન્ડસ્ટ્રીને રામ-રામ કર્યા, અલગ-અલગ બિઝનેસ શરૂ કર્યા. અમે જો કે કશું નહીં કર્યું, એટલે કે, એક વિશ્વાસ હતો કે અમારી ટુરીઝમ ઈન્ડસ્ટ્રી ફરી શરૂ થશે પરંતુ અમે બીજું કશું શરૂ કર્યું નહીં, કારણ કે અમને બીજું કશું કરવાનું આવડતું જ નથી. તેથી હવે અમારા વર્તમાનમાં કે ભવિષ્યમાં અમે ટુરીઝમમાં રહેલા પાસે બીજો વિકલ્પ નથી તે સિદ્ધ થઈ ગયું છે અથવા અમને કોવિડને લીધે તે સમજાઈ ગયું છે. આથી હવે જે કાંઈ કરવાનું છે તે ટુરીઝમમાં કરો, સારું કરો, ફોકસ્ડ રહો એ અમને કોવિડકાળે આપેલો સંદેશ છે. અમે તે આચરણમાં લાવી રહ્યાં છીએ. પેન્ડેમિક પછી ઓફિસીસ શરૂ થઈ, લગભગ બે વર્ષે કોર્પોરેટ ઓફિસ ખોલી, ધીમે-ધીમે પાટે ચઢતાં હતાં, તે સમયે લીધેલી પહેલી `મેનેજર્સ મીટ’ અને `ટુર મેનેજર્સ મીટ’ મને આજે પણ યાદ છે. તે સમયે અમે આજ કહેતાં હતાં, `ભગવાને આપણને જીવિત રાખ્યાં છે તો આ જીવનમાં કશુંક સારું કરીએ, કોવિડકાળમાં ઘરે બેસવાથી આપણને બરોબર સમજાઈ ગયું છે કે આપણે ટુરીઝમ માટે જ જન્મ્યાં છીએ. તે સિવાય આપણને બીજું કશું આવડતું નથી તો પછી ટુરીઝમમાં આપણા અસ્તિત્વનું સોનું શા માટે નહીં કરવું જોઈએ? અને આપણી પાસે ટુરીઝમ સિવાય કોઈવિકલ્પ નથી. આથી આપણે દરેકે પ્રત્યેક ક્ષણનું ચીઝ કરવું જોઈએ.
તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હોય, ટુર મેનેજર હોય કે મેનેજમેન્ટ, લેટ્સ ડુ અવર બેસ્ટેસ્ટ બેસ્ટ.આપણે સર્વિસ ઈન્ડસ્ટ્રીઝમાં છીએ,પર્યટકોએ મનથી સેવા આપવી એ જ આપણું કામ છે. તેમના પ્રત્યે ક્નસર્ન હોવું મહત્ત્વનું છે. પરિસ્થિતિના આંચકાને આપણે એકત્ર મળીને ઝીલીએ, પરંતુ આપણાથી ભૂલ નહીં થાય તેનું ધ્યાન રાખીએ. કોવિડે કરાવેલા ભાનથી અમે ટેવાઈ ગયાં છીએ એવું મને લાગે છે, કારણ કે દરેક ટીમ મેમ્બર દરરોજ કાંઈક સારું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હજુ પરફેક્ટ સર્વિસની બાબતમાં બહુ લાંબી મજલ મારવાની હોવા છતાં સુધારણા થઈ રહી છે. પરફેકશન એ જર્ની છે, તેને ડેસ્ટિનેશન નથી. આથી ભૂલ થઈ તો તુરંત સુધારવાની, ફરી તે જ ભૂલ નહીં થાય તેથી બોર્ડર્સ સીલ કરવાની એ કામ સતત ચાલુ છે. `વી આર ઓન ધ રાઈટ ટ્રેક’ માં સમાધાન છે. બાકી પ્રયાસોની પરાકાષ્ઠા તો દરેકે કરવી જ પડે છે. એકંદરે `વિકલ્પ નહીં હોવો’ એ જ `વીણા વર્લ્ડ’ ની સફળતાનો (એટલે કે, અમુક નાની-મોટી સફળતાઆજ સુધી મેળવી છે તેનો) મંત્ર છે એવું હું આત્મવિશ્વાસથી કહી શકું છું. નો ઑપ્શન ઈઝ ધ બેસ્ટ ઑપ્શન!
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)
