નામ પુષ્પાબેન પણ એટલાં આનંદી કે બધાં એમને આનંદીબહેનના નામથી ઓળખે! જીવનમાં વર્ષો નહીં પણ વર્ષોમાં જીવન ઉમેરવામાં સફળ એવાં ભરૂચનાં જીવંત, સક્રિય મહિલા-કાર્યકર શતાયુ સુશ્રી પુષ્પાબેનની વાત સંભાળીએ એમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સરે :
મુંબઈના સુખી કુટુંબમાં જન્મ, બે ભાઈઓ, ત્રણ બહેનોમાં તેઓ સૌથી મોટાં. મા-બાપનો ભરપૂર પ્રેમ મળ્યો. શાળામાં વ્યાયામ, રમતો, સંગીત, નાટક જેવી અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. ૧૮ વર્ષની ઉંમરે કારનું લાયસન્સ મેળવ્યું (હજી ૧૦૦ વર્ષે પણ કામ લાગે છે)! નાનપણથી વાંચનનો શોખ. માતાપિતાએ ઘરમાં જ વાંચનાલય વસાવી આપ્યું!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
નિવૃત્તિ ક્યારેય લીધી જ નથી! ૧૯૪૨ની ક્રાંતિની ચળવળમાં ભાગ લીધો. વિનોબાજીના ભૂદાન પ્રવાસમાં જોડાયાં. આત્મ-નિર્ભર થઈ કુંવારા રહેવાનો આદર્શ અપનાવ્યો. લોકોપયોગી જીવન જીવ્યાં. મેડમ મોન્ટેસરી પાસેથી શિક્ષણ લઈ મુંબઈની શાળામાં આચાર્યની જવાબદારી સંભાળી. સેવાદળમાં સક્રિય રહી અનેક મહિલાઓને તાલીમ આપી.
ભરૂચને કર્મભૂમિ બનાવી વિવિધ સામાજિક અને મહિલા-પ્રવૃત્તિઓ શરૂ કરી. ભરૂચની કોઈપણ સામાજિક પ્રવૃત્તિ એવી નહીં હોય જેમાં પુષ્પાબહેન સંકળાયેલાં ના હોય! અમદાવાદ, આણંદ અને વડોદરામાં રાસ-ગરબા હરીફાઈનું સફળ આયોજન કર્યું. ભરૂચ જીલ્લામાં ૧૦૦ બાળમંદિરો તથા આંગણવાડી શરૂ કરાવ્યાં. બહેનોમાં સામાજિક જાગૃતિ લાવી રોજગારી અપાવી. સંસ્કાર-ભારતી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે લગભગ ૫૦૦૦ વિદ્યાર્થીઓના શિક્ષણની જવાબદારી તેમની મુખ્ય પ્રવૃત્તિ. સમાજ કલ્યાણ બોર્ડમાં સભ્ય-સચિવ, ઈનર વ્હીલ ક્લબમાં પ્રમુખ, મહિલા સુરક્ષા સમિતિના સભ્ય, મહિલા કાનૂની સહાય કેન્દ્રના સભ્ય તથા બાળ-કલ્યાણ સંઘના પ્રમુખ હતાં. અંધજનોના તથા મૂક-બધિર બાળકોના વિકાસ માટે સદાય સક્રિય. મંદબુદ્ધિના બાળકોના શિક્ષણ/ઉદ્યોગ તાલીમ કેન્દ્રો સ્થાપ્યાં. શારીરિક વિકલાંગો માટે જીવનસાથી મેળો રચ્યો. મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી અને મહિલા કો-ઓપરેટીવ નાગરિક બેંક સ્થાપી. સિનિયર સિટીઝન ગ્રુપમાં સદા કાર્યરત. ૧૦૦ વર્ષની ઉંમરે યુવાનોને શરમાવે તેવી તાજગી અને પ્રવૃત્તિ!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો ? :
સવારે ૬.૩૦ વાગે ઊઠી પાણી સાથે હળદર લે, પછી યોગાસન, ૮.૩૦ વાગે કોફી-બિસ્કીટનો નાસ્તો અને ૯.૩૦થી કામકાજ શરુ! બપોરે જમીને ૩.૦૦ વાગે આરામ કરે, છાપાં વાંચે અને સાંજે વળી સામાજિક કામોમાં વ્યસ્ત. કોઈ મોટી બીમારી આવી નથી પણ આંખો હવે હેરાન કરે છે. ક્યારેક યુરીન ઇન્ફેકશનની તકલીફ થાય છે. કોરોના પણ મહેમાન બની ગયો!
યાદગાર પ્રસંગ :
ફરવાનો શોખ. તેઓ આખું ભારત ફરી વળ્યાં છે. આફ્રિકા, યુરોપ, અમેરિકા, કેનેડા, સિંગાપોરનો પ્રવાસ કર્યો છે. દસેક વર્ષ પહેલાં દુબઈ જવાની ઈચ્છા થઈ, ટિકિટ કરાવી, બધી તૈયારી કરી પણ વિઝા મળે નહીં. ટ્રાવેલ-એજન્ટે બહુ પ્રયત્નો કર્યા પણ પત્તો લાગ્યો નહીં. ટ્રાવેલ-એજન્ટે જાતે જવાબદારી લીધી કે હવે તો તમને દુબઈનો પ્રવાસ કરવીને જ રહીશ! તેમણે પુષ્પાબહેનને બિઝનેસ પાર્ટનર બનાવી દુબઈનો વિઝા મેળવ્યો અને પુષ્પાબહેનને માનભેર દુબઈનો પ્રવાસ કરાવ્યો!
આજની પેઢી સાથે સંકળાયેલા છો? :
હા, મારું તો બધું કામકાજ આજની પેઢી સાથે જ છે! તેમનામાં કુટુંબ-ભાવના ઓછી થતી દેખાય છે. મને મારા ૭૫ કુટુંબીઓની હુંફ મળે છે પણ આજના યુવાનોને કુટુંબની કીંમત નથી.
શું ફેર પડ્યો લાગે છે ત્યારમાં અને અત્યારમાં ? :
આભ-જમીનનો ફેર છે! અમને કેટલી સ્વતંત્રતા હતી! સમાજમાં કોઈ બીક નહીં. માબાપ જે કરવું હોય તે કરવા દે. આપણા નિર્ણયની જવાબદારી આપણી! ખાદી પહેરવાનો અને લગ્ન ન કરવાનો નિર્ણય પણ મારી જવાબદારી પર માન્ય રાખ્યો! ગાંધીજી અને વિનોબાજીએ મારું ઘડતર કર્યું. આજે વાતાવરણ બગડી ગયું છે. માબાપ અને શિક્ષકોને આદર-માન મળતાં નથી. શાળામાં એકાદ જ બાળક ઉદ્ધત હોય તો સો બાળકોને બગાડે છે. માબાપ નવરાત્રીમાં ગરબા કરવા ન જવા દે તો છોકરીઓ આપઘાત કરે! સાયકલ ન અપાવે તો છોકરો ઘેરથી ભાગી જાય!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો? તેના ફાયદા/ગેરફાયદા:
મારે તો હાથ નીચે ઘણા માણસો હોય એટલે નવી ટેકનોલોજીનો ઉપયોગ બહુ કર્યો નથી. ટેકનોલોજીના ફાયદા/ગેરફાયદા તો વાપરનારના હાથ પર છે. ઓનલાઈન એજ્યુકેશનને લીધે વિદ્યાર્થીઓને આ રમકડું આપવું તો પડે! અત્યારે આનંદ માટે કોઈ ઓપ્શન નથી એટલે રમકડાના ઉપયોગને સ્થાને દૂરુપયોગ થાય છે.
સંદેશો :
આનંદથી જીવો, પોતાની જવાબદારીઓ સમજીને જીવો. ગમતું કામ કરવું. ન ગમતું કામ માથે આવી પડે તો તેને ગમતું કરવું! કોઈના કામમાં વચ્ચે ન આવવું. નડતરરૂપ થવા કરતાં વચ્ચેથી ખસી જાવ.