હ્રદયમાં પડેલી છબિ!

ઈ.સ. 1959ના જૂન માસમાં હું એ સમયે જૂનાગઢ જિલ્લાના અને હાલ અમરેલી જિલ્લામાં આવેલા ઊના શહેરની પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકે જોડાયો હતો. માત્ર છ મહિના નોકરી કરી ડિસેમ્બર માસમાં પોસ્ટઓફિસની નોકરી છોડી દીધી હતી. આ છ માસ દરમિયાન પોસ્ટઓફિસના મારા કામમાં તો ક્યારેય ભલીવાર ન આવ્યો તે ન જ આવ્યો. પરંતુ આ છ મહિના દરમિયાન મને ઘણા મિત્રો – નગર પંચાયતના પ્રમુખ રસિકચંદ્ર આચાર્ય (ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી)થી માંડી બાલમંદિરના આચાર્ય નવીનભાઈ જોશી સહિત ઘણા મિત્રો મળ્યા. આ છ મહિના દરમિયાન ઊનામાં નાટ્યપ્રવૃત્તિ પણ કરી. ડિસેમ્બર, 1959માં ઊના છોડ્યા પછી તરત જ ફેબ્રુઆરી 1960માં એક લગ્ન નિમિત્તે ઊના જવાનું થયું, ને સૌ મિત્રોને ફરી મળવાનું થયું. આ બીજી મુલાકાતે મને રજનીકુમાર મેળવી આપ્યા.

રજનીકુમાર સાથે મારી 65 વર્ષની અતૂટ મૈત્રી રહી. આ લાંબા સમયપટમાં અમે એકબીજાના સુખ-દુઃખના સાથી બની રહ્યા.

રજનીકુમાર પંડ્યા ગુજરાતી ટૂંકી વાર્તામાં જે કેટલાંક માઈલસ્ટોન જેવાં લેખકો છે તેમાં એક મહત્વનું નામ છે. સાતમા દાયકામાં ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા અને કવિતામાં ઝબ્બર પરિવર્તન આવ્યું. એક બાજુ પરંપરા સાથે સાવ છેડો ફાડીને તદ્દન નવા-નોખાં પ્રકારની વાર્તાઓ-કથાવસ્તુને સાવ ઓગાળી નાખીને લખાતી વાર્તાઓનો યુગ શરૂ થયો. તો બીજી બાજુ પરંપરાગત વાર્તાઓ પણ વિપુલ પ્રમાણમાં લખાતી. આ બંન્ને પ્રકારના સર્જકો વચ્ચે એવાં કેટલાંક સર્જકોનો ઉદય થયો જેમણે પરંપરા સાથે છેડો ફાડ્યા વગર જૂની વાર્તાઓથી સાવ અલગ પડીને વાર્તાઓ સર્જી! આ પ્રકારના તેજસ્વી સર્જકોમાં એક નામ રજનીકુમાર પંડ્યા. “ખલેલ”, “ચંદ્રદાહ” – જેવાં એમના વાર્તા સંગ્રહોમાંથી પસાર થનારને આ વાતની ખાત્રી થશે. એ જ રીતે એમણે “કુંતી” જેવી બે ભાગમાં પથરાયેલી નવલકથા કે “પુષ્પદાહ” જેવી પૂર્ણપણે સત્ય ઘટનાત્મક નવલકથાઓ આપી. “પરભવના પિતરાઈ” જેવી ચરિત્ર-નવલકથા પણ આપી. આ નવલકથાની પ્રસ્તાવના દર્શકે બહુ ઉમળકાથી લખી છે.

“ઝબકાર”ના છ ભાગ રજનીકુમાર પંડ્યાનું અનન્ય અર્પણ છે! મૂળે વર્તમાનપત્રોની કલમરૂપે લખાયેલા આ ચરિત્ર નિબંધો અનેક રીતે વિશિષ્ટ છે. કાળની ગર્તમાં ખોવાઈ ગયેલાં કેટલાંક પાત્રોને એ ફરી તખ્તા ઉપર લઈ આવ્યા. “ઝબકાર”ના ચરિત્ર્ય નિબંધો રજનીકુમારની સહજસિદ્ધ વાર્તાકલાનો ભરપૂર લાભ મળ્યો છે. સર્જનાત્મક ભાષાના કારણે આ ચરિત્ર્યો એકદમ રસપ્રદ બન્યા છે. આવાં કેટલાંક ચરિત્ર્ય-નિબંધો વાંચીને દર્શકે રજનીકુમાર પંડ્યાને લખેલું કે તમારા લેખો વાંચીને થાય છે કે આજે પણ દુનિયામાં કેટલી બધી સારપ છે, દુનિયામાં કેટલાં બધાં સારા માણસો છે.

રજનીકુમારની સર્જક્તાનું એક મજબૂત પાસું લગભગ અજાણ્યું રહી જવા પામ્યું છે. આ પાસું તે એમની હાસ્યકાર તરીકેની પ્રતિભા. “શબ્દઠેઠ્ઠા” તીરછી નજર હાસ્ય બિલોરી, વગેરે બિલોરી શ્રેણીના પુસ્તકો રજનીકુમારની હાસ્યકાર તરીકેની પ્રતિભા દર્શાવનારા પુસ્તકો છે. ગુજરાતી ભાષામાં હાસ્ય-વાર્તાઓ ઓછી લખાઈ છે- લખાય છે. હાસ્ય વાર્તાઓના જૂજ સંગ્રહો થયા છે. અગાઉ લખાયેલી હાસ્યવાર્તાઓથી રજનીકુમનારની વાર્તાઓ તદ્દન અલગ પડે છે. અગાઉની વાર્તાઓમાં એવું લાગે કે એમાં હાસ્યસિદ્ધ થાય છે એના પ્રમાણમાં વાર્તાનું સ્વરૂપ સિદ્ધ થતું નથી. અથવા એમ કહેવાય છે કે સ્વરૂપ સિદ્ધ કરવા પ્રત્યે લેખકોનું એટલું ધ્યાન નહોતું. જ્યારે રજનીકુમારની હાસ્યવાર્તાઓમાં “હાસ્ય” સાધન તરીકે આવે છે અને સર્જકનું લક્ષ્ય સ્વરૂપ સિદ્ધ કરવા તરફ હોય છે.

રજનીકુમારના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર વખતે સ્મશાને જવા હું નીકળ્યો ત્યારે હસિત મહેતાનો ફોન આવ્યો કે અગ્નિદાહની વિધી કરવાની છે, તમને પહોંચતા કેટલીવાર લાગશે? રજનીકુમારના પાર્થિવદેહના અંતિમ દર્શન કરવાની ઈચ્છા તો ખૂબ હતી. પરંતુ ત્યાં પહોંચવામાં વીસ—પચ્ચીસ મિનિટ નીકળી જાય તેમ હતી. ઘણા બધાંનો આટલો બધો સમય મારી રાહ જોવામાં જાય તે મને ઉચિત ન લાગ્યું અને પછી મનોમન બોલ્યો રજનીકુમારની હ્રદયમાં પડેલી છબિ તો આ જીવન એવીને એવી રહેવાની છે!

(રતિલાલ બોરીસાગર)

(લેખક સુપ્રસિદ્ધ હાસ્યલેખક છે. રજનીકુમાર પંડ્યા સાથે એમનો દાયકાઓ જૂનો સંબંધ. અહીં રજનીકુમારને શ્રધ્ધાંજલિ આપવા તેમણે ચિત્રલેખા.કોમ માટે વિશેષ આ લેખ લખ્યો છે.)