ભારતભરના વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો એ આપણી આગવી ઓળખ છે. દરેક રાજ્યોમાં સ્થાનિક પ્રજાની સંસ્કૃતિ અને રીતરીવાજ પ્રમાણે અલગ અલગ તહેવારો અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, પણ દિવાળી એક એવો તહેવાર છે, જે સમગ્ર દેશમાં એકસાથે ઉજવાય છે. અલબત્ત, દિવાળીનો આ તહેવાર પણ દેશના વિવિધ પ્રાંતમાં અલગ-અલગ રીતે ઉજવાતો હોય છે પરંતુ કેટલીક પરંપરાઓ જે વર્ષોથી ચાલી આવી રહી છે અને આજે પણ ચાલી રહી છે એમાં ઘણી સમાનતા પણ છે.કેવીક છે આ બધી પરંપરાઓ? કઇ પરંપરા આજે પણ જળવાઇ છે અને કઇ પરંપરાઓ સમયની સાથે ભૂંસાતી જાય છે એ વિશે આ દિવાળીએ વાત કરવાની મજા આવશે.
તો, આવો વાત કરીએ આવી જ કેટલીક વિસરાતી જતી પરંપરાઓ વિશે…
બેસતા વર્ષે કકળાટ કાઢવો
દિવાળી અને બેસતા વર્ષે વહેલા સવારે ઉઠી સૌ પહેલા ઘરની સ્ત્રીઓ કકળાટ કે અળસ કાઢવા માટે જાય છે. એ પછી જ ઘરના બીજા બધા કામ કરે છે. બાદમાં બેસતા વર્ષનાં દિવસે આંગણું સાફ કરીને તેમાં રંગોળી પૂરવામાં આવે અને આંગણામાં દીપ પ્રગટાવવામાં આવે. આ બંને દિવાળીનાં ઉત્સવનો અહેમ હિસ્સો છે. જો કે આજના સમયમાં રંગોળી પૂરવાની, દીપ પ્રગટાવવાની પરંપરા તો છે. પરંતુ સવારે વહેલાં ઉઠીને કકળાટ કાઢવા જવાની પરંપરા વિસરાય ગઈ છે.
ઉંબરે સબરસ મૂકવો
બેસતાં વર્ષની સવારે ચાર વાગ્યે ઉઠીને નાના બાળકો દરેકના ઘરે સબરસ એટલે કે આખું મીઠું મૂકવા જતા. શહેરોમાં મીઠું વેચનાર લોકો બેસતા વર્ષની વહેલી સવારે દરેકના ઘરે સબરસ મૂકીને સામે શુકનમાં પૈસા લેવા જતા. સબરસની આ પ્રથાને નવા વર્ષનાં શુકન તરીકે ઓળખવામાં આવે છે. જેનો અર્થ એ કે આખું વર્ષ તમારું ઘર ધન – ધાન્યમયી, તંદુરસ્તી વાળું રહે એવી શુભકામના. સબરસની આ પ્રથા આજે ગામડાઓમાં સચવાયેલી છે. પરંતુ શહેરોમાં તે વિસરાતી જઈ રહી છે.મેર-મરાયુની પ્રથા
દિવાળીના દિવસે સાંજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેર મેરાયુની પ્રથા પ્રચલિત હતી, જેને લોકો કાગ માગડી કે ગાગ માગડી પણ કહેતા હતા. મેર મેરયુ એ શેરડીનાં સાઠામાંથી બનાવામાં આવે. શેરડીના ચાર ચીરા પાડવામાં આવે. એના પર નારિયેળની કાચલી મૂકવામાં આવે. આ કાચલીમાં કપાસનાં રૂની હાથે બનાવેલી જાડી વાટ તેલમાં બોળવામાં આવે. ફરતે સફેદ કાપડ વીંટળી, તેનાં પર છાણનું લીંપણ કરવામાં આવે. મેર મેરયુની જ્યોત પ્રગટે, ત્યારે મશાલ જેવી દેખાય. દિવાળીના દિવસે સાંજ પડે અને અંધારું થાય ત્યારે તેમાં તેલ પૂરી વાટ સળગાવી લોકોના ઘરે ઘરે ફરીને, સાથે મેર મેરૈયા તેલ પુરાવો, આજ દિવાળી કાલ દિવાળી, તેલ પૂરાવે તેને તેર દીકરા વગેરેનો સાદ પાડવામાં આવતો હતો. આમ લોકો તેલ પુરાવી દીવાને અજવાળે-અજવાળે રાતના અંધારામાં ગામમાં ફરતા. છેલ્લે ગામના પાદરે જઈ રેતમાં લાકડી રોપ્યા બાદ બાળકો આનંદ સાથે ફટાકડા ફોડતા.
દેવ દર્શનની પરંપરા
પહેલાં લોકો બેસતા વર્ષના દિવસે પરોઢિયે ઉઠી, તૈયાર થઈ નવા કપડાં પહેરીને કુળદેવીના મંદિરે દર્શન કરીને જ દિવસની શરૂઆત કરતા હતા. ત્યારબાદ વડીલોને પગે લાગતા અને આશિર્વાદ લેતા હતા. પહેલાંના સમયે બેસતા વર્ષે કુળદેવીના દર્શન કરવા અથવા તો મંદિરે જવું ફરજિયાત હતું. હવે આ પરંપરા પણ ધીમે-ધીમે વિસરાઈ રહી છે.
વર્ષનો વરતારો કાઢવાની પ્રથા
પહેલાંના સમયમાં લોકો નવા વર્ષના દિવસે બ્રાહ્મણને બોલાવતા હતા અને તેમની પાસે આવનારા વર્ષ વિશેની માહિતી જાણતા, જેમાં નવા વર્ષમાં વેપાર ધંધા કેવા રહેશે, ખેતી અને વરસાદ કેવો રહેશે વગેરે જાણતા હતા. આ પ્રથાને વર્ષનો વરતારો કહેવામાં આવતો હતો. પરંતુ આ પ્રથા પણ હવે વિસરાઈ રહી છે.
(રાધિકા રાઓલ-અમદાવાદ)