ગરમીમાં લાભકારી કાકડી-કીવીનું શરબત

ગરમીના દિવસોનો ઉકડાટ થકવી નાખે છે શારીરિક તેમજ માનસિક રીતે પણ! ગરમી તેમજ લૂ ને લીધે ડાયેરિયા, વોમિટીંગની સમસ્યામાં તેમજ પાણી વધુ ના પીવાને કારણે ડીહાઈડ્રેશની સમસ્યા થઈ શકે છે.

ભારે ગરમીના દિવસોમાં થોડી થોડી વારે પાણી પીવાની સલાહ મળે છે. પરંતુ આખો દિવસ પાણી પીવાનું પણ ગમતું નથી. તેવામાં કોઈ હેલ્ધી ડ્રિન્ક મળે જે સ્વાદ સુધારવાની સાથે ગરમીની લૂ થી પણ બચાવે સાથે સાથે તાજગી પણ આપે!

કીવી અને કાકડીનું હેલ્ધી ડ્રિન્ક આવું જ એક સ્વાસ્થ્યવર્ધક પીણું છે. કાકડી અને કીવી સ્વાસ્થ્ય માટે બહુ જ લાભકારી છે. કાકડીમાં તો લગભગ 90 ટકા પાણી હોય છે. જે શરીરમાંની પાણીની અછત દૂર કરવામાં મદદરૂપ થાય છે.

કઈ રીતે બનાવશો આ સ્વાસ્થ્યવર્ધક પીણું –

સામગ્રીઃ

  • કીવી 2 નંગ
  • કાકડી 1 નંગ
  • આદુનો ટુકડો ½  ઈંચ
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ મીઠું
  • થોડા બરફના ટુકડા
  • પાણી 1 કપ અથવા જરૂર મુજબ

રીતઃ કાકડી તેમજ કીવીને છોલીને ધોઈને તેના ટુકડા કરી લો.  મિક્સીમાં પાણી તેમજ બરફના ટુકડાને બ્લેન્ડ કરી લો. ત્યારબાદ તેમાં ફળના ટુકડા, આદુને ઝીણું ખમણીને નાખીને તેને બ્લેન્ડ કરી લો.

ત્યારબાદ તેને ગરણીથી ગાળીને તેમાં કાળા મરી પાઉડર તેમજ સ્વાદ મુજબ મીઠું નાખીને પીવાના ઉપયોગમાં લો.

કાકડી શરીરને હાઈડ્રેટ રાખે છે. ત્યારે કીવીમાં વિટામીન સી, વિટામીન ઈ, પોટેશિયમ, ફોલેટ, કોપર, સોડિયમ, એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઈબર સારા પ્રમાણમાં મળી રહે છે. જે શરીરને અનેક રોગોથી બચાવે છે.