દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.
——————————————————————————————————ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા રામલલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા માટે સોળે શણગાર સજી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર પણ આ મહોત્સવમાં ભાગ લેવા થનગની રહ્યું છે. સોનામાં સુગંધ ભળે એવું રૂડું આયોજન એ થયું છે કે અયોધ્યાના આ મહોત્સવમાં ભાવિકોને જલારામની જગ્યાનો પ્રસાદ આરોગવા મળશે.
દેશભરની નજર અત્યારે અયોધ્યા નગરી પર છે. રામલલ્લાનો મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીએ ભવ્ય રીતે ઊજવાશે. અયોધ્યામાં યોજાનારા આ મહોત્સવ સાથે સૌરાષ્ટ્રને ગૌરવ અપાવે એવું કાર્ય પ્રસિદ્ધ વીરપુરના સંત જલારામની જગ્યા દ્વારા થઈ રહ્યું છે. ભગવાન શ્રીરામને મંદિરમાં બન્ને સમય રાજભોગ થાળ ધરવાના યજમાન એવા વીરપુર મંદિરને બે દિવસના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દર્શન માટે આવનારા ભાવિકોને પ્રસાદ આપવાનો અવસર પણ મળી રહ્યો છે અને એનો ઉમંગ વીરપુર મંદિર પરિવાર અને હજારો-લાખો ભક્તોમાં પ્રસર્યો છે.
દેશભરમાં અનેક મોટાં અને સમૃદ્ધ મંદિરો છે, પરંતુ અયોધ્યાના રામમંદિર તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવિકોને પ્રસાદ આપવા વીરપુર જલારામની જગ્યાને આમંત્રણ અપાયું છે. જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો એ જેમનો જીવનમંત્ર રહ્યો એવા સૌરાષ્ટ્રના વીરપુરના સંત શિરોમણિ જલારામ બાપાની જગ્યામાં છેલ્લાં 200 વર્ષ કરતાં વધુ સમયથી બપોરે અને સાંજે ભાવિકોને એક પણ રૂપિયો લીધા વિના ભોજન આપવામાં આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વીરપુર મંદિરમાં પૈસા કે કોઈ અન્ય સ્વરૂપમાં કોઈ પાસેથી દાન સુદ્ધાં સ્વીકારવામાં આવતું નથી.
આજથી ત્રણ વર્ષ પહેલાં અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનિર્માણની જાહેરાત થઈ ત્યારે જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામ બાપાએ અયોધ્યામાં રામમંદિરના ટ્રસ્ટીઓ સાથે વાત કરી. એ વખતે નક્કી થયું કે અયોધ્યા નગરી સાથે લાખો-કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે ત્યારે આ નગરમાં નવનિર્માણ પામી રહેલા મંદિરમાં શ્રીરામલલ્લાને સવાર-સાંજ થાળ ધરાવવામાં આવશે, એના આજીવન યજમાન વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે. એ સમયથી જ એટલે કે ત્રણ વર્ષથી વીરપુર મંદિર દ્વારા જ અયોધ્યાના રામમંદિરમાં રાજભોગ થાળ ધરાવવામાં આવે છે.
અયોધ્યામાં સેવાનું વધુ એક કાર્ય વીરપુર મંદિરને સોંપવામાં આવ્યું છે. વીરપુર જગ્યાના ગાદીપતિએ આગામી બાવીસ જાન્યુઆરીએ યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવનારા ભાવિકોને જલારામ બાપાની જગ્યા તરફથી પ્રસાદ આપવાની વિનંતીને રામમંદિર ટ્રસ્ટે સ્વીકારતાં બાવીસ અને 23 જાન્યુઆરી એ બે દિવસ એક લાખથી વધુ ભાવિકોને મગસનો પ્રસાદ આપવામાં આવશે.
જલારામ બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદ્રાણી કહે છે: ‘વીરપુરથી 50 થી 60 સ્વંયસેવકોની ટીમ 2 જાન્યુઆરીના રોજ અયોધ્યા જવા રવાના થશે. ત્યાં મગસનો પ્રસાદ બનાવીને બાવીસ અને 23 જાન્યુઆરીએ રામમંદિર પરિસરમાં ખાસ ડ્રેસ કોડમાં સ્વયંસેવકો ભાવિકોને પ્રસાદનું વિતરણ કરશે. અયોધ્યામાં મગસના પ્રસાદના વિતરણની વ્યવસ્થાથી વીરપુર જગ્યા જેવો જ ભાવિકોને અહેસાસ થશે.’
——————————————————————————————————
શ્રીરામની ચરણપાદુકાનું પૂજન
અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વખતે શ્રીરામની ચરણપાદુકા પધરાવવામાં આવશે. એક કિલો સોનું અને સાત કિલો ચાંદીમાંથી આ ખાસ ચરણપાદુકા તૈયાર કરવામાં આવી છે હૈદરાબાદમાં, જેને પૂજારીઓ દ્વારા રામેશ્ર્વરથી થોડા દિવસ અગાઉ અમદાવાદ અને ત્યાંથી રાજકોટ લાવવામાં આવી. રાજકોટમાં રઘુવંશી મહિલા અગ્રણી કાશ્મીરાબહેન નથવાણીના નિવાસસ્થાને એનું પૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં અન્ય કેટલાક રામભક્તોને ત્યાં પણ ભાવથી ચરણપાદુકા લઈ જઈને એ પરિવારના સભ્યોએ એનું પૂજન કર્યું.
રાજકોટ બાદ શ્રીરામની ચરણપાદુકાને સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ દ્વારકા મંદિરે લઈ જવામાં આવી. ત્યાં મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યા બાદ એનું પ્રસ્થાન થયું સોમનાથ મંદિર તરફ. એક ખાસ વાહનમાં પૂજારીઓ સાથે આ ચરણપાદુકાને બદરી-કેદાર સહિતનાં દેશભરનાં પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્રોમાં લઈ જવામાં આવી રહી છે અને ૧૯ જાન્યુઆરીએ એ પવિત્ર નગરી અયોધ્યા ખાતે પહોંચશે.
અહેવાલ: દેવેન્દ્ર જાની (રાજકોટ)
તસવીર: નીશુ કાચા