દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.
——————————————————————————————————
અયોધ્યામાં અત્યારે પ્રચંડ ઉન્માદ છે. આ ઉન્માદ છે નવનિર્માણ પામી રહેલા રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટેનો. ગણતરીના દિવસોમાં એ ક્ષણ આવી પહોંચવાની છે. જો કે અહીં વાત છે એ ક્ષણ, જેને કારણે શક્ય બની એ ઘટનાની… બાબરી મસ્જિદ તૂટવાની ઘટના. રામમંદિરના સ્થાને વર્ષ 1528-29માં ઊભી થયેલી મસ્જિદના ત્રણ ગુંબજ એક પછી એક તોડી પાડવામાં આવ્યા એ દિવસે પણ અયોધ્યામાં આવો જ ઉન્માદ હતો.
રામલલ્લા ફરી એમના ઘરે બિરાજમાન થવાના છે ત્યારે ચાલો, સમગ્ર કાલખંડ ફેરવી નાખનારી છ ડિસેમ્બરની એ ઘટનાનું રિ-કૅપ લઈએ કૅલેન્ડરને 31 વર્ષ પાછળ ફેરવીને.
બાબરીધ્વંસનાં એ દૃશ્યો આજે પણ મારી આંખો સમક્ષ તરે છે. 1992 ની છ ડિસેમ્બરે સવારે 10:40 થી સાંજે પોણા છ સુધી હું અયોધ્યામાં જ હતો, જ્યારે કારસેવક જેવા દેખાતા લોકોએ બાબરી મસ્જિદના ત્રણ ગુંબજને જમીનદોસ્ત કરી દીધા હતા.
એ સવારે બાબરી મસ્જિદની આસપાસનો આખો વિસ્તાર ત્રણેક લાખ લોકોથી ઊભરાતો હતો. રામમંદિરના બાંધકામની સેવામાં પોતપોતાનું યોગદાન આપવા માટે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી ટ્રેન અને બસમાર્ગે લોકોનાં ધાડાં અયોધ્યા નગરીમાં ઊતરી આવ્યાં હતાં. નગરની શેરીઓમાં એ સૌ શાંતિપૂર્વક આગળ વધી રહ્યાં હતાં. કેટલાકે માથા પર કેસરી રંગની પટ્ટી બાંધી હતી, તો કેટલાક હાથમાં ધાર્મિક બૅનર, ત્રિશૂળ અને ભગવાન શ્રીરામના ફોટોગ્રાફ્સ સાથે જોવા મળ્યા હતા. લોકો ભજન ગાતા, આનંદની ચિચિયારી પાડતા, તાળીઓ પાડતા, ખુશખુશાલ થઈને જય શ્રીરામના નારા લગાવતા જતા હતા.
મેં એ આખો દિવસ સીતા કી રસોઈ તરીકે ઓળખાતા મંદિરની અગાસી પર વિતાવ્યો હતો. એ સ્થળ બાબરીના ઢાંચાથી થોડે જ દૂર હતું. ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાની સાથે હું ત્યાં ગયો હતો. સદ્નસીબે, ફરજ પરના કારસેવકો કેશુભાઈને ઓળખી ગયા હતા અને અમને રક્ષણ હેઠળ સીતા કી રસોઈ મંદિરની અગાસી પર લઈ ગયા હતા. મેં એક જગ્યા બરાબર પકડી લીધી હતી. અનેક વિદેશી પત્રકારો તથા તસવીરકારો પણ વિવાદાસ્પદ સ્થળે પહોંચ્યા હતા.
દિવસ પસાર થતો ગયો એમ અગાસી પર ઘણા મહાનુભાવો આવતા-જતા રહ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કે.એસ. સુદર્શન, ભાજપના લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનો એમાં સમાવેશ હતો. પ્રતીકાત્મક કારસેવા ધીમી ગતિએ શરૂ થઈ હતી. કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ જમીનના એકેય ભાગનો ઉપયોગ કરવાની પરવાનગી આપી નહોતી. બપોરે બારેક વાગ્યા સુધી રાજકીય નેતાઓનાં ટૂંકાં ભાષણ ચાલ્યાં હતાં. એની વચ્ચે ભક્તિગીત પણ ગવાઈ રહ્યાં હતાં.
વાતાવરણમાં તંગદિલીનો અમને અનુભવ થતો હતો અને કંઈક નવાજૂની થવાની અપેક્ષા પણ જાગી હતી, પરંતુ નીચે કંઈ નક્કર બનતું જણાતું નહોતું. મંચ પર આચાર્ય ધર્મેન્દ્ર ભાષણ કરી રહ્યા હતા. બાદમાં ઉમા ભારતી પણ લોકોને સંબોધવા આવ્યાં હતાં.
એ પછી અચાનક ધમાલ શરૂ થઈ. નીચે ભેગા થયેલા લોકોના ટોળાએ બાબરી મસ્જિદની ફરતે બાંધવામાં આવેલી વાડને હલાવવાનું શરૂ કરી દીધું હતું. એમ કરતાં વાડ તૂટી ગઈ. યુવાનો કોઈનું પણ કંઈ પણ સાંભળવાના મૂડમાં નહોતા. તરત જ એમણે નાકાબંધી તોડી નાખી અને વિવાદાસ્પદ સ્થળ તરફ આગળ ધસવાનું શરૂ કર્યું. એમાંના ઘણા દીવાલ પર ચડવા માંડ્યા. જોતજોતાંમાં બે જણ મસ્જિદના એક ગુંબજ પર ચડી ગયા અને એની પર ભગવો ઝંડો લગાવી દીધો. એ સાથે જય શ્રીરામના ગગનભેદી નારા ગુંજી ઊઠ્યા. એને કારણે નીચે એકત્ર થયેલા લોકોને પાનો ચઢ્યો અને અમે નજરોનજર જોયું એમ બીજા ડઝનબંધ યુવકો મસ્જિદના બે ગુંબજ પર ચડવા લાગ્યા…
વાતાવરણમાં એકદમ ઉન્માદ હતો. ટોળાએ જ્યારે રક્ષણાત્મક વાડ તોડવાનો પહેલી વાર પ્રયાસ કર્યો ત્યારે ત્યાં ફરજ બજાવતા કેટલાક પોલીસજવાન એમની લાઠી સાથે ત્યાં દોડી ગયા હતા, પણ પછી અમે સ્પષ્ટ જોયું કે પોલીસ મોટી સંખ્યામાં હાજર હોવા છતાં એમણે ટોળાને વિખેરવા માટે કોઈ પ્રયાસ કર્યો નહોતો.
મારી બાજુમાં ઊભેલા એક જણે મને કહ્યું: ‘એવું લાગે છે કે હિંદુઓ એમના પવિત્ર એવા રામમંદિરને તોડીને એની જગ્યાએ મસ્જિદ બાંધનારા મોગલ બાદશાહ બાબરના સૈનિકોની સદીઓ જૂની હીણ હરકતનો આજે બદલો લઈને જ રહેશે.’ અને ખરેખર એવું જ બન્યું. એ પછીના એક કલાકમાં ગુંબજોની સાફસફાઈ થઈ ગઈ!
ગુંબજો પર ચડેલા લોકો ખુશખુશાલ દેખાતા હતા તો નીચે એકત્ર લોકો હર્ષનાદો કરતા હતા. અમારે તો હજી ઘણું બધું જોવાનું બાકી હતું. ટોળું વિવાદાસ્પદ માળખાને જમીનદોસ્ત કરવાના મૂડમાં આવી ગયું હતું. કેટલાક લોકો તો લોખંડના સળિયાઓ સાથે અંદર ઘૂસી ગયા હતા.
સીતા કી રસોઈમાં હાજર ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ પરેશાન જણાયા હતા અને કારસેવકોને નીચે ઊતરી જવા સમજાવી રહ્યા હતા. બપોરે લગભગ અઢી વાગ્યે અમને એક મોટો ધબાકો સંભળાયો અને એ પછી ટોળાના હર્ષનાદ સંભળાયા. એ અવાજ પહેલો ગુંબજ જમીનદોસ્ત થવાનો હતો. અગાસી મહાનુભાવોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. અરે, એમાં ઘણા પોલીસ અધિકારીઓ પણ હતા. એક અધિકારી સાથે વાત કરી તો એમણે કહ્યું: ‘અમને કડક સૂચના આપવામાં આવી છે કે કોઈનો જાન જોખમમાં ન લાગે ત્યાં સુધી દરમિયાનગીરી કરવી નહીં.’
એ પછી અનેક કારસેવકો એમના હાથમાં બાબરીનો કાટમાળ, પથ્થરના મોટા સ્લેબ લઈને જતા દેખાયા. બપોરે ૩:૪૦ વાગ્યાની આસપાસ ઔર એક ગુંબજ જમીનદોસ્ત થવાનો મોટો ધડાકો સંભળાયો. એવામાં એક સાધુ દોડીને અમારી અગાસી પર આવ્યા. એમણે સફેદ રંગની શાલમાં કોઈક ચીજ વીંટાળીને રાખી હતી. કોઈક કીમતી ખજાનો લઈને આવ્યા હોય એવું જણાયું હતું. એમણે શાલ ઉઘાડી… અંદર શું હતું જાણો છો? સ્વયં શ્રીરામલલ્લાની કાળા રંગની મૂર્તિ! એ સાધુએ ખૂબ જ દીર્ઘદૃષ્ટિ વાપરીને ગુંબજ જમીનદોસ્ત થાય એ પહેલાં મૂર્તિને બચાવી લીધી હતી. મૂર્તિ જોવા માટે પડાપડી થઈ હતી. ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ગણતરીની પળોમાં જ એ સાધુને રામલલ્લાની મૂર્તિ સહિત સુરક્ષિત રીતે ત્યાંથી લઈ જવામાં આવ્યા. સાંજે ૪:૩૦ વાગ્યે ત્રીજો ગુંબજ જમીનદોસ્ત થયો.
રામજન્મભૂમિના શહેરમાં આનંદ છવાઈ ગયો. જાણે સદીઓ પછી અન્યાયનો અંત આવ્યો હતો. સદીઓ સુધી ચૂપ રહ્યા બાદ આખરે હિંદુઓએ ઈસ્લામી આક્રમણકારોના કૃત્યને જડબાતોડ જવાબ આપ્યો હતો. કારસેવકો ગર્વની લાગણી અનુભવતા હતા.
બાબરી મસ્જિદના ત્રણેય ગુંબજના ધબાય નમ: વિશે ત્યાં હાજર લોકોના પ્રત્યાઘાત મારા માનસપટ પર અંકિત થઈ ગયા છે. આચાર્ય ધર્મેન્દ્રની આંખોમાંથી હર્ષનાં આંસુ વહેતાં હતાં. બીજાઓ તાળી પાડીને આનંદ વ્યક્ત કરતા હતા, પણ બધું સંયમમાં હતું. હા, રાજકારણીઓના ચહેરા ફિક્કા પડી ગયા હતા. એમાંના કેટલાક આ વિધ્વંસનાં સંભવિત પરિણામો વિશે બોલતા હતા તો કેટલાક એવી અફવા ફેલાવતા હતા કે કેન્દ્ર સરકાર ધારશે તો બાબરીના ગુંબજ ફરી બંધાવી દેશે. સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં ઉત્તર પ્રદેશમાં કલ્યાણસિંહના નેતૃત્વવાળી ભાજપ સરકારને બરતરફ કરીને રાજ્યમાં ગવર્નરનું શાસન લાગુ કરી દેવામાં આવ્યું હતું.
સાંજ પડી ચૂકી હતી. ઠંડી પણ ઘણી હતી. કારસેવકો રામજન્મભૂમિ સ્થળેથી રવાના થવા લાગ્યા હતા. અમે અગાસી પરથી નીચે ઊતર્યા અને કારમાં બેસી ત્યાંથી નીકળ્યા. જો કે એ વખતે જે જોયાં એ દૃશ્યો લાંબો સમય આંખ સામે જ રહેવાનાં હતાં. ખાસ તો ગુંબજો વગરની થઈ ગયેલી બાબરી મસ્જિદની દીવાલો. કારસેવકોના ટોળાએ બે દીવાલ તોડી નાખી હતી, પણ બાકીની જેમની તેમ હતી.
અયોધ્યાથી ફૈઝાબાદ તરફ જતા રસ્તે અમે કેટલાક ટેમ્પો સળગતા જોયા. તો સાથોસાથ ફટાકડા ફૂટતા પણ જોયા. લખનઉ પહોંચ્યા ત્યારે ત્યાં ઘણા વિસ્તારોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. રાતે ૧૦ વાગ્યે લખનઉમાં અમે અમારી નાનકડી હોટેલ પર પહોંચ્યા ત્યારે વડા પ્રધાન નરસિંહ રાવને ટીવી પર બોલતા સાંભળ્યા. એમણે બાબરીવિધ્વંસને શરમજનક કૃત્ય તરીકે વખોડી મસ્જિદ ફરી બાંધવાનું વચન આપ્યું હતું.
બાબરીધ્વંસના ૬૦ કલાક સુધી અયોધ્યાના સમાચારો પર સંપૂર્ણ બ્લૅકઆઉટ રહ્યો હતો, પણ એ પછી પહેલી તસવીર જોવા મળી હતી રામલલ્લાના કામચલાઉ તંબુમંદિરની. એ જ જગ્યાએ, જ્યાં પહેલાં બાબરી મસ્જિદ હતી! આ તે કેવો ચમત્કાર? મસ્જિદની પેલી વિશાળ દીવાલોનું શું થયું? એ કોણે તોડી? અને તોડી પાડવામાં આવેલી મસ્જિદના કાટમાળનું શું થયું? આટલા ટૂંકા સમયમાં એ કોણે અને કેવી રીતે દૂર કર્યો? વિશ્ર્વ હિંદુ પરિષદ કદાચ એનું શ્રેય લેવાનું પસંદ કરે, પણ એટલું મોટું કામ કરવાનું એના કાર્યકરો માટે શક્ય નહોતું, કારણ કે મસ્જિદનો આખરી ગુંબજ તોડી પડાયો એના બે કલાક બાદ એ કાર્યકરોને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા. સરકારે જ એમને રેલવેસ્ટેશને પહોંચવા માટે બસોની વ્યવસ્થા કરી હતી. મસ્જિદની જાડી દીવાલો તોડવી એ કોઈ સામાન્ય માનવીનું કામ નહોતું. એ કામ માટે તો વ્યાવસાયિકોને જ રોકવામાં આવ્યા હશે.
છ ડિસેમ્બરે સાંજે 5:45 વાગ્યા સુધી ઉત્તર પ્રદેશમાં કલ્યાણસિંહની ભાજપ સરકાર સત્તા પર હતી. એની બરતરફી બાદ ગવર્નર જ રાજ્યના વહીવટી તંત્રના એકમાત્ર વડા હતા. વડા પ્રધાન નરસિંહ રાવે છેક રાતે ૧૦ વાગ્યે મસ્જિદ ફરી બાંધી આપવાની જાહેરાત કરી હતી. તો શું ગવર્નરે વડા પ્રધાનની ઈચ્છાની વિરુદ્ધનું કામ કર્યું હતું? જો એમણે એમ કર્યું હોય તો એમની સામે કે ઉત્તર પ્રદેશના કોઈ અધિકારી સામે કોઈ પગલું કેમ ભરાયું નહીં?
નવાઈની વાત એ છે કે જે સરકારે વિવાદાસ્પદ સ્થળે કારસેવાની મનાઈ ફરમાવી હતી એ હવે પોતાના જ શાસન હેઠળ વિવાદાસ્પદ સ્થળે મંદિરનિર્માણની સાક્ષી બનવા તૈયાર હતી. અહીં એક કાયદાનો ઉલ્લેખ કરવાનું જરૂરી છે. પૂજાસ્થળ (વિશેષ જોગવાઈ) કાયદો, ૧૯૯૧ નરસિંહ રાવે વડા પ્રધાન તરીકે સત્તાનાં સૂત્રો સંભાળ્યાના એક મહિનામાં જ (જુલાઈમાં) પાસ કરાવ્યો હતો. દેખીતી રીતે જ સરકારનો હેતુ કોઈ પણ ધાર્મિક સ્થળના ધાર્મિક સ્વરૂપની જાળવણી કરવાને લગતો હતો.
આ કાયદો ૧૯૪૭ની ૧૫ ઓગસ્ટે અસ્તિત્વમાં રહેલા કોઈ પણ ધાર્મિક સ્થળના ધાર્મિક સ્વરૂપની જાળવણી કરવા તેમ જ સંબંધિત અને પ્રાસંગિક બાબતોની સંભાળને લગતો છે. એનો હેતુ કોઈ પણ ધાર્મિક સ્થળના ફેરફારને રોકવાનો હતો. અચંબિત કરનારી બાબત એ છે કે કાયદાની કલમ-૩ અન્વયે રામજન્મભૂમિને આ કાયદામાંથી બાકાત રખાઈ હતી. તો શું અપવાદ સાથેનો આ કાયદો કોઈ પૂર્વનિયોજિત હેતુથી ઘડવામાં આવ્યો હતો?
અહીં એ ભૂલવું ન જોઈએ કે શાહબાનો કેસમાં ધબડકો થયા બાદ તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ હિંદુઓની લાગણી જીતવાનું નક્કી કર્યું હતું. શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટાવી દઈને મુસ્લિમોનું તુષ્ટિકરણ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીને સમજાઈ ગયું હતું કે એમણે હિંદુઓને નારાજ કર્યા છે. પોતાના રાજકીય સલાહકાર અરુણ નેહરુની સલાહ અનુસાર રાજીવ ગાંધીએ બાબરી મસ્જિદ-રામમંદિર સ્થળનાં તાળાં ખોલાવી દીધાં અને એ સ્થળે હિંદુઓ માટે પૂજા કે શિલાન્યાસ કરવાનો માર્ગ મોકળો કર્યો હતો.
– તો શું બાબરીવિધ્વંસનાં બી એ વખતે રોપાઈ ગયાં હતાં એમ કહી શકાય? બાબરીવિધ્વંસ ઘટના અંગે ભાજપે તાત્કાલિક પ્રત્યાઘાત આપ્યા નહોતા. બાબરી તૂટ્યા પછી લાલકૃષ્ણ અડવાણીએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે આ એમના જીવનનો સૌથી કાળો દિવસ છે. એમના એ નિવેદનથી પક્ષના ઘણા લોકો નારાજ થયા હતા. સમજી શકાય કે ભાજપ કારોબારીએ અડવાણીના નિવેદન વિશે ટિપ્પણી કરવાનું ટાળી દીધું. એક પત્રકારે અટલ બિહારી વાજપેયીને વળી એમ પૂછ્યું કે મસ્જિદવિધ્વંસના વિરોધમાં શું તમે ભાજપ છોડી જશો? ત્યારે વાજપેયીએ એમના જવાબમાં માત્ર એક જૂના હિંદી ફિલ્મી ગીતની કડી ઉચ્ચારી હતી: જાયેં તો જાયેં કહાં?
બાબરીધ્વંસની ઘટના વિશે એટલું કહીશ કે ભારતના રાજકારણમાં એ એક મોટો વળાંક સાબિત થઈ. એની સાથે જ નેહરુવાદી વિચારસરણીનું પતન થયું અને રાષ્ટ્રવાદનો ઉદય થયો.
– પ્રફુલ ગોરડિયા (નવી દિલ્હી)
નવી દિલ્હીસ્થિત લેખક પ્રફુલ ગોરડિયા ભારતીય જનતા પક્ષના ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. એક સમયે એ ભાજપની થિન્ક ટૅન્કના સભ્ય પણ હતા. પ્રસ્તુત લેખ ‘ફ્લાય મી ટુ ધ મૂન’ એ નામે એમણે લખેલાં સંસ્મરણોમાં અયોધ્યા પરના પ્રકરણમાંથી સાભાર લીધો છે.