કાશ્મીરના મેદાની વિસ્તારોમાં ભારે હિમવર્ષા, લાહૌલ-સ્પીતિમાં નદી જામી

નવી દિલ્હી: લાંબા સમય સુધી રાહ જોવડાવ્ય પછી, કાશ્મીરના મેદાની વિસ્તારોમાં ગુરુવારે સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. જેના પરિણામે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને દિલ્હી જેવા ઉત્તરીય રાજ્યોમાં ઠંડીનો અનુભવ થયો હતો, જ્યારે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વરસાદ થયો હતો. જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં હિમવર્ષા થઈ નથી. જ્યારે શોપિયાં, પુલવામા અને બારામુલ્લાના મેદાનો તેમજ અનંતનાગ, બડગામ અને બાંદીપોરાના ઉપરના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હતી. ગુલમર્ગ, સોનમર્ગ, તંગમાર્ગ, ગુરેઝ અને ઝોજિલા પાસ જેવા પ્રવાસન સ્થળો સહિત ખીણના ઉપરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી.

શ્રીનગર-લેહ હાઈવે બંધ
અધિકારીઓના જણાવ્યાનુસાર ઝોજિલા પાસ પર બરફ જમા થવાને કારણે શ્રીનગર-લેહ હાઈવે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે બાંદીપોરા-ગુરેઝ રોડ અને મુગલ રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. દિલ્હીમાં ગુરુવારે છેલ્લા ત્રણ વર્ષમાં ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જ્યારે તાપમાનનો પારો 4.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. આયાનગર અને પુસા સહિત દિલ્હીના વિવિધ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળી હતી. જ્યાં તાપમાન અનુક્રમે 3.8 અને 3.2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું.

લાહૌલ-સ્પીતિનો તાબો સૌથી ઠંડો હતો
હિમાચલ પ્રદેશમાં લાહૌલના ગોંડલા અને સ્પીતિમાં છેલ્લા 24 કલાકમાં હિમવર્ષા થઈ છે. ઉપરના વિસ્તારોમાં ઠંડીનું મોજું યથાવત છે. બુધવારે રાત્રે લાહૌલ-સ્પીતિમાં તાબો સૌથી ઠંડું સ્થળ હતું. જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લાહૌલ-સ્પીતિમાં કીલોંગ ઉદયપુર રોડ પાસે હિમવર્ષાને કારણે એક નદી થીજી ગઈ. શિમલા હવામાન કેન્દ્રે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે.

રાજસ્થાનમાં તીવ્ર ઠંડીએ તબાહી મચાવી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં તીવ્ર ઠંડી ચાલુ છે અને સીકર જિલ્લાના ફતેહપુર શહેરમાં સૌથી ઓછું રાત્રિનું તાપમાન 0.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બુધવારે રાત્રે સીકર શહેરમાં પારો એક ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. જ્યારે ચુરુ અને કરૌલીમાં લઘુત્તમ તાપમાન 2.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં તીવ્ર ઠંડીની આગાહી કરી છે.

હરિયાણાના હિસારમાં ગુરુવારે તાપમાન ઘટીને 1.6 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું, જ્યારે રાજ્ય અને પડોશી પંજાબમાં ઘણી જગ્યાએ ઠંડી ચાલુ રહી હતી. હરિયાણા અને પંજાબની સંયુક્ત રાજધાની ચંદીગઢમાં પણ રાત્રે ઠંડી પડી હતી અને તાપમાન 4.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.દક્ષિણ રાજ્યોમાં વરસાદ

બીજી તરફ દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં વરસાદ પડ્યો હતો. ગુરુવારે તમિલનાડુના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે સત્તાવાળાઓએ ચેન્નાઈ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરી હતી. બેંગલુરુ અને કર્ણાટકના દક્ષિણ આંતરિક ભાગો અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગુરુવારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. IMDએ જણાવ્યું કે આગામી 24 કલાક દરમિયાન, બેંગલુરુ શહેર અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે.