ત્ર્યંબકેશ્વર મહાદેવઃ ગૌતમ ઋષિની મહાતપશ્ચર્યાનું તીર્થસ્મરણ

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ ભગવાન શિવને ખૂબ પ્રિય હોવાથી આ મહિનો ભગવાન શિવની ભક્તિનો મહિનો ગણાય છે. શિવ ભક્તો શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે. ત્યારે શ્રાવણ માસના આ પવિત્ર મહિનામાં આપણે આજે યાત્રા કરવી છે ત્ર્યંબકેશ્વર મહાદેવની. તો આવો દર્શન કરીએ ભગવાન ત્ર્યંબકેશ્વર મહાદેવના અને જાણીએ ભગવાન ત્ર્યંબકેશ્વરના મહાત્મ્ય વિશે…

ત્ર્યંબકેશ્વર મહાદેવના પ્રાગટ્યની કથા

મહારાષ્ટ્રના નાસિક શહેરથી ૨૮ કિમીના અંતરે આવેલું અને સહ્યાદ્રિ પર્વતમાળામાં બ્રહ્મગિરિ પર્વતની ગોદમાં આવેલું સ્થળ એટલે ત્ર્યંબકેશ્વર કે જ્યાં ત્રણ દેવો- બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એકસાથે વસે છે. નાસિકથી ત્ર્યંબકેશ્વરની મુસાફરી રોમાંચક અને આનંદ આપનારી છે. વાંકાચૂકા રસ્તા, નાની પર્વતમાળાના ઢોળાવો આંખો સમક્ષ અનોખું દ્રશ્ય રચે છે. ત્ર્યંબકેશ્વર, ગંગાજી અને ગોદાવરી એકબીજા સાથે દિવ્ય રીતે સંકળાયેલા છે.

પૌરાણિક કાળમાં આ વિસ્તારમાં આવેલા બ્રહ્મગિરિ પર્વતમાળામાં ગૌતમ ઋષિ અને તેમના પત્ની અહલ્યાજી અહીંયા વસવાટ કરતા હતાં. એક સમયે આ વિસ્તારમાં ઘણા લાંબા સમય સુધી વરસાદ ન પડતાં પશુ-પક્ષી, મનુષ્ય એમ સહુકોઈ આકુળવ્યાકુળ થઈ ગયાં. ઘણા પશુ-પક્ષીઓ આ સ્થાન છોડીને અન્ય જગ્યાએ જવા લાગ્યા. આનાથી દુઃખી થઈને ગૌતમ ઋષિએ વરુણ દેવને રીઝવવા માટે કઠોર તપ કર્યું. ગૌતમઋષિએ આ વિસ્તારમાં પાણી મળી રહે તેવું વરદાન માંગ્યું. વરુણદેવે તે વરદાન માન્ય રાખ્યું. વરુણદેવની આજ્ઞાથી ગૌતમ ઋષિએ પોતાના હાથોથી ઉંડો ખાડો ખોદ્યો. આ ખાડામાં દિવ્ય શક્તિથી પાણીનું આગમન થયું. વરુણદેવે ગૌતમ ઋષિને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારા પુણ્યના પ્રતાપથી આ સ્થળ અક્ષય જળવાયુ તીર્થ બનશે અને તમારા નામથી જ આ જાણીતું બનશે. યજ્ઞ, હવન, તપ, દાન, શ્રદ્ધા અને દેવપૂજા માટે આ સ્થળ ઘણું જ ફળદાયી બનશે. આ વરદાનથી આ સ્થળે પાણીની કોઈ જ અછત ન રહી.

ત્યાર બાદ લાંબા સમયની વાત છે. એકવાર ગૌતમ ઋષિના શિષ્યો આ ખાડામાંથી પાણી લેવા જાય છે. આ જ સમયે બીજા ઋષિઓની પત્નીઓ પણ આ સ્થળે પાણી ભરવા માટે આવે છે અને પહેલાં પાણી લેવાની જીદ પકડે છે. આથી ગૌતમ ઋષિના શિષ્યો ઋષિપત્ની અહલ્યાને બોલાવીને પહેલાં પાણી લેવાની વ્યવસ્થા કરાવી આપે છે. આથી અન્યઋષિના પત્નીઓને પોતાનું અપમાન થયું હોવાનું લાગે છે અને આ વાત તેઓ ઋષિઓને કહે છે. આ વાત સાંભળતા જ ઋષિઓ ક્રોધિત થઈને ગૌતમઋષિની સામે અપમાનનો બદલો લેવા માટે વિઘ્નહર્તા ગજાનન ગણપતિ મહારાજનું તપ કરે છે.

ઋષિઓની આકરી તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિઘ્નહર્તા ગણેશજી પ્રગટ થઈને તેમને વરદાન માંગવાનું કહે છે. આ ઋષિઓ ગૌતમઋષિનું અનિષ્ટ થાય અને તેમને અપમાનિત થઈને જવું પડે તેવું વરદાન માગે છે. ગણેશજી ગૌતમઋષિ માટે આવું વરદાન ન માંગવા સમજાવે છે અને જણાવે છે કે ગૌતમ ઋષિ એક પરોપકારી મહાત્મા છે. આમ છતાં, ઋષિઓ પોતાની જીદ પર અડગ રહેતાં આખરે ગણેશજીને તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરવો પડે છે.

ગણેશજીએ આપેલા વરદાનની અસરો ગૌતમઋષિ પર પડવાની શરુઆત થાય છે. ગૌતમઋષિના આંગણે એક દિવસ એક કમજોર અને માંદલી ગાય આવીને ઉભી રહે છે. ઋષિ આ ગાયને ખસેડવા માટે સળગતું લાકડું મારે છે અને તરત જ ગાયનું અવસાન થાય છે. આ વાતની ખબર પડતાં જ અન્ય ઋષિઓ એકત્ર થઈ ગયા અને ગૌહત્યાનું પાપ ગૌતમ ઋષિના માથે નાંખ્યું અને અપમાનિત વચનો પણ સંભળાવ્યાં. આ સ્થળને શુદ્ધ રાખવા અને ગૌ-હત્યાના પાપથી બચવા માટે ઋષિઓએ ગૌતમઋષિને આ સ્થળેથી ચાલ્યા જવા માટે જણાવ્યું. આવું થતાં દુઃખી હ્યદયે ગૌતમ ઋષિ આ સ્થળ છોડીને ચાલ્યાં ગયાં.

આ ઋષિઓએ ગૌતમઋષિને ઉપાય પણ સૂચવ્યો, કે જો તમારે ગૌહત્યાના પાપમાંથી મુક્ત થવું હોય તો પોતાના તપોબળથી ગંગાજીને આ સ્થળે લાવીને તેમાં સ્નાન કરવું અને કોટિ સંખ્યામાં પાર્થિવ લિંગો બનાવીને ભગવાન ભોળાનાથની પૂજા કરવી. ગૌતમ ઋષિએ આ ઋષિઓએ સૂચવ્યા અનુસાર તપસ્યા કરી. આથી ભગવાન શિવ ગૌતમ ઋષિ સમક્ષ પ્રગટ થયાં. ભગવાન મહાદેવે ગૌતમ ઋષિને જણાવ્યું કે તેઓ એક શુદ્ધ મહાત્મા છે. અને તેમણે કોઈ જ પાપ કર્યું નથી. ગૌતમ ઋષિ સાથે અન્યાય થયો છે અને તેઓ નિષ્કલંક છે તેમ પણ ભગવાન ભોળાનાથે જણાવ્યું.

ગૌતમ ઋષિના કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન મહાદેવે વરદાન માગવા જણાવ્યું. આથી સમસ્ત સંસારને લાભ થાય માટે ગૌતમઋષfએ ભગવાન ભોળાનાથ પાસે માતા ગંગાનું અહીંયા અવતરણ કરાવવાનું અને ગંગાજીના જળ દ્વારા પોતાને ગૌહત્યાના પાપમાંથી મુક્ત કરવાની પ્રાર્થના કરી. ગંગાજીએ અવતરણ કરીને ગૌતમ ઋષિને પવિત્ર કર્યા. પરંતુ ફરીવાર સ્વર્ગમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી ભગવાન મહાદેવે ગંગાજીને કળિયુગ સુધી પૃથ્વી પર જ રહેવા જણાવ્યું. ગંગાજીએ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે તેઓ પણ આ સમય દરમિયાન માતા પાર્વતીજી સાથે પૃથ્વી પર જ વસવાટ કરે. આથી જગતના કલ્યાણ માટે ભગવાન મહાદેવે ગંગાજીની આ વાતને સ્વીકારી. અને પ્રગટ થયાં ત્ર્યંબકેશ્વર મહાદેવ.

જ્યોર્તિલિંગની વિશેષતા

અહીં શિવલિંગ પર અરધા એટલે કે શાળુંકા નથી, જે જગ્યા પર ઓખલી જેવો ખાડો દેખાય છે. આ ખાડામાં અંગૂઠાના આકારના ત્રણ લિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના લિંગ એટલે કે ત્ર્યંબકેશ્વર મહાદેવ બિરાજમાન છે, જેમાંથી મુખ્યત્વે ભગવાન શિવજીના લિંગને વિશેષ અભિષેક કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે ગર્ભગૃહમાં જઈને જ્યોર્તિલિંગ પર અભિષેક કરી શક્તાં નથી. સામાન્ય શિરસ્તો એવો છે કે સ્નાન કરીને ધોતી પહેરીને આવનાર શ્રદ્ધાળુઓને જ ગર્ભગૃહમાં અભિષેક માટે પ્રવેશ આપવામાં આવે છે.

મંદિરમાં પૂજા

શ્રી ત્ર્યંબકેશ્વર મંદિરમાં દિવસમાં ત્રણ વાર પૂજા થાય છે, જેમાં સવારે ૭.૦૦ થી ૯.૦૦ કલાક દરમિયાન, બપોરે ૧.૦૦ કલાકે અને સાંજે ૭.૦૦ થી ૯.૦૦ કલાક દરમિયાન પૂજા-વિધિ થાય છે. રાત્રે શયનઆરતી કરવામાં આવે છે. આ ઉપરાંત દર સોમવારે ભગવાન ત્ર્યંબકેશ્વરનાં પાંચ મુખની છાપ ધરાવતા ત્ર્યંબકેશ્વરના મહોરને લઈને બપોરે ૩.૩૦ થી ૫.૩૦ કલાક દરમિયાન પાલખી નીકળે છે અને બાજુમાં કુશાવ્રત તીર્થમાં જાય છે, જ્યાં અભિષેક કરવામાં આવે છે અને પાલખી મંદિરમાં પરત આવે છે. દર વર્ષે શિવરાત્રિ, કાર્તિક પૂર્ણિમા અને દશેરાના દિવસે આ પાલખીમાં ભગવાન ત્ર્યંબકેશ્વરના સુવર્ણ મહોરાને બેસાડવામાં આવે છે.

પેશવાઓએ ભગવાન ત્ર્યંબકેશ્વરને અર્પણ કરેલો સુવર્ણ મુગટ દર સોમવારે બપોરે ૪.૩૦ કલાકે દર્શનાર્થીઓને બતાવવા માટે ટ્રસ્ટની ઓફિસમાં મૂકવામાં આવે છે.

પૂજા-વિધિ કેવી રીતે થાય છે?

મંદિરના ગર્ભગૃહમાં પૂજા-વિધિ કરવા માટે પુરુષોએ ધોતી પહેરીને પ્રવેશવું પડે છે. મંદિરમાં ઉપલબ્ધ પુરોહિતો શ્રદ્ધાળુઓની શક્તિ પ્રમાણે પૂજા-વિધિ મંદિરના સભામંડપમાં બેસીને કરાવતા હોય છે, જેમાં રુદ્રાભિષેકનો સંકલ્પ, રુદ્રાભિષેક સહિતની પૂજા-વિધીનો સમાવેશ થાય છે. આ માટે રૂ.51 થી લઈને શ્રદ્ધાળુઓ પોતાની આર્થિક શક્તિ પ્રમાણે દક્ષિણા પૂજા-વિધિ માટે આપી શકે છે. યાત્રાળુઓને ધસારાને ધ્યાનમાં રાખીને કેટલાક સમયથી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.

શ્રી કુશાવ્રત તીર્થ અને સિંહસ્થ કુંભમેળો

બ્રહ્મગિરિ પર્વતમાળામાંથી ઊતરીને ગોદાવરી નદી કુશાવ્રત તીર્થમાં મળી જાય છે. શ્રી કુશાવ્રત તીર્થમાં સ્નાન કરવાથી મોક્ષ મળે તેવી માન્યતા છે. આથી શ્રી ત્ર્યંબકેશ્વરમાં દર્શને આવતા ઘણા શ્રદ્ધાળુઓ કુશાવ્રત ડૂબકી લગાવવાનું કે પાણી માથે ચડાવવાનું ચૂકતા નથી.

કુશાવ્રત તીર્થના હાલના માળખાને ઈ.સ. ૧૬૯૦-૯૧માં શ્રી રાવજી બાલાસાહેબે તૈયાર કરાવ્યું હતું. તે જમાનામાં આ સ્થળના બાંધકામનો ખર્ચ રૂ. આઠ લાખ જેટલો થયો હતો. કુશાવ્રત તીર્થના ચારેય ખૂણે મંદિરના ઘુમ્મટ જેવો આકાર છે. અન્નાસાહેબ વિચુરકરે સુવર્ણનો એક ઘુમ્મટ પણ અર્પણ કર્યો હતો. ૨૧ ફૂટની ઊંડાઈ ધરાવતો આ કુંડ પગથિયાં પાસે છીછરો છે. સ્નાન કર્યા બાદ કપડાં બદલવાની પણ વ્યવસ્થા પણ ત્યાં ઉપ્લબ્ધ છે. સિંહસ્થ કુંભમેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ કુશાવ્રત તીર્થમાં ડૂબકી લગાવવા આવે છે.

નારાયણબલિ-કાળસર્પયોગ પૂજા

ત્ર્યંબકેશ્વર તીર્થક્ષેત્રમાં શ્રી નારાયણબલિ અને કાળસર્પયોગ પૂજાવિધિ કરાવવા ઘણા લોકો આવે છે. પિતૃઓને શ્રાદ્ધ માટે આ સ્થળ આદર્શ હોવાનું માનવામાં આવે છે. ત્ર્યંબકેશ્વર તીર્થ ક્ષેત્રમાં ગૌતમી ગોદાવરીને અહલ્યા નામની એક નાની નદી આવીને મળે છે. આ સંગમસ્થળ પર નાગનારાયણ-નાગનારાયણબલ અથવા નારાયણબલિ નામની ખાસ વિધિ કરવા ઘણા લોકો આવે છે. આ માટે એવું કહેવાય છે કે પિતૃદોષને કારણે કેટલાક લોકોને સંતાનપ્રાપ્તિ થતી નથી. આથી સંતાનપ્રાપ્તિ માટે આ વિધિ કરાવવામાં આવે છે.

કેવી રીતે જવું?

અમદાવાદથી નાસિક કે ત્ર્યંબકેશ્વર જવા માટે સીધો  રેલવે માર્ગ ઉપલબ્ધ નથી. આથી, યાત્રાળુએ સડકમાર્ગે જ જવું પડે. અમદાવાદથી વાયા સૂરત, સાપુતારા, નાસિક થઈને  ત્ર્યંબકેશ્વર જઈ શકાય. અમદાવાદથી સુરતનું અંતર ૨૨૦ કિમી,  સુરતથી સાપુતારાનું અંતર ૨૦૦ કિમી, સાપુતારાથી નાસિકનું  અંતર ૭૭ કિમી અને નાસિકથી ત્ર્યંબકેશ્વર વચ્ચેનું અંતર ૨૮ કિમી  છે. આમ, અમદાવાદથી ત્ર્યંબકેશ્વર વચ્ચેનું ૫૨૫ કિમીનું અંતર કાપતાં ૧૦ થી ૧૧ કલાક થાય છે.

ઘણા યાત્રાળુઓ નાસિક-શીરડી-ત્ર્યંબકેશ્વરની યાત્રા એકસાથે કરે છે. નાસિક અને શિરડી વચ્ચેનું અંતર ૧૦૫ કિમી છે.  શિરડી માટે જોકે અમદાવાદથી રેલવેમાર્ગ છે. અમદાવાદથી સપ્તાહમાં એક દિવસ ઉપડતી બેંગ્લોર એક્સપ્રેસમાં કોપરગાંવ ઊતરવું પડે છે. કોપરગાંવથી શિરડીનું અંતર ૧૫ કિમી છે અને પૂરતી માત્રામાં વાહનવ્યવહાર પણ ઉપલબ્ધ છે. અમદાવાદથી નાસિકની ટ્રાવેલ્સની બસો દરરોજ ઊપડે છે. આ ઉપરાંત, સૂરતથી પણ મહારાષ્ટ્ર રાજયની એસટી બસો નાસિક જાય છે. નાસિકથી ઘણાં વાહનો ત્ર્યંબકેશ્વર જવા માટે ઉપલબ્ધ છે.

હાર્દિક વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]