જ્યોતિર્લિંગ અને તીર્થધામનો અનોખો સંગમઃ રામેશ્વરમ

શિવલિંગ ભગવાન શંકરનું એવું મંગલમયરૂપ છે, જેના પર અભિષેક કરવાથી મનુષ્યોના કરોડો જન્મનાં પાપ નષ્ટ થઈ જાય છે. પુરાણોમાં શિવલિંગ પર વિવિધ વસ્તુના અભિષેક તથા ફૂલોથી પૂજન કરવાનું મહત્ત્વ જણાવાયું છે. શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર વિવિધ વસ્તુઓનો અભિષેક કરવાથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે તથા સંકટમાંથી પણ તેને મુક્તિ મળે છે.

હિન્દૂઓના પવિત્ર માસ એવા શ્રાવણ મહિનામાં દેવાના દેવ મહાદેવને શ્રદ્ધાપૂર્ણ રીતે પૂજવામાં આવે છે. કહેવાય છે કે, મહાદેવ એ આદી દેવ છે તે અજનમ્યા અનંત છે. તેમના વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. તો ચાલો આ શ્રાવણ મહિનામાં જાણીએ શિવજીના 12 જ્યોતિર્લિંગો માંથી એક રામેશ્વરમ જ્યોતિર્લિંગ વિશે…

રામેશ્વરમ જ્યોતિર્લિંગ તામિલનાડુના રામનાથપુર જિલ્લામાં આવેલું છે. આ તીર્થ હિંદુઓના મહત્વના તીર્થધામોમાંનું એક છે. ચારધામની યાત્રામાં એક ધામ રામેશ્વરમ છે. એને રામનાથસ્વામી મંદિર પણ કહેવામાં આવે છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. રામેશ્વર મંદિર એક તરફ હિંદ મહાસાગર ને બીજી બાજુ બંગાળની ખાડી હોવાથી આ સ્થળનું સૌદર્ય પણ આકર્ષક છે. બે સમુદ્રની વચ્ચે આવેલા રામેશ્વરમનું સૌંદર્ય કેવું હશે એની કલ્પના જ માત્ર રોમાંચિત કરી મૂકે એવી છે.

રામેશ્વરના મુખ્ય મંદિરનું આખું નામ અરુલમિગુ રામનાથસ્વામી મંદિર છે, જે ટુંકમાં રામનાથસ્વામી મંદિર તરીકે ઓળખાય છે. 12મી સદીમાં બંધાયેલા આ મંદિરમાં અનેક વખત સુધારા વધારા કરવામાં આવ્યાં. અંદાજે 50 હજારની વસ્તી ધરાવતા રામેશ્વરમ ગામ માટે રામનાથસ્વામી મંદિર જીવનનિર્વાહનો મુખ્ય સ્ત્રોત છે, જેમાં માછીમારો અપવાદ છે.

 

અત્યંત પૌરાણિક આ મંદિરની ઈ.સ. 1414માં પુનઃરચના કરવામાં આવી હતી. રામેશ્વરમ મંદિરની અંદર ૧૨૧૨ પિલર આવેલા છે. તેમ જ મંદિરનો વિસ્તાર પણ ખાસ્સો એવો મોટો છે. એક અંદાજ પ્રમાણે મંદિરનો વિસ્તાર પંદર એકર છે. રામેશ્વરમ મંદિરની અંદર બાવીસ કુંડ છે, જેમાં પવિત્ર પાણી છે. એમાં સ્નાન કર્યા બાદ શિવલિંગનાં દર્શન કરવાં અત્યંત શુભ માનવામાં આવે છે. આ શિવલિંગ સાથે જોડાયેલી માન્યતા એવી છે કે જે પણ વ્યક્તિ ગંગાજળથી આ શિવલિંગને અભિષેક કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

રામનાથસ્વામી મંદિરમાં પૂજા અને દર્શનનો સમય

રામનાથસ્વામી મંદિરમાં દિવસમાં કુલ 6 વાર પૂજા થાય છે. મંદિર સવારે 5 વાગ્યે ખુલ્લે છે, શરૂઆતમાં પલ્લિઆરાઈ દીપઆરાધના કરવામાં આવે છે. સવારે 5.10 વાગ્યે સ્ફટિકલિંગ દીપઆરાધના કરવામાં આવે છે. સવારે 5.45 કલાકે થિરુવરંતલ દીપઆરાધના, સવારે 7 કલાકે વિલાપૂજા, સવારે 10 કલાકે કળશાંતિ પૂજા, બપોરે 12 કલાકે ઉચીકલા પૂજા, સાંજે 6 કલાકે સાયારત્ય પૂજા, રાત્રિના 8.30 કલાકે અર્થજમા પૂજા અને રાત્રિના 8.45 કલાકે પલ્લિઆરાઈ પૂજા થાય છે. મંદિર રાત્રે 9 વાગ્યે બંધ થાય છે. બપોરે 1થી 3 દરમિયાન મંદિરનો ગર્ભગૃહ બંધ રહે છે.

 શું છે મંદિર પાછળનો ઈતિહાસ અને પૌરાણિક કથા

આ જ્યોતિર્લિંગના વિષે એવી માન્યતા છે કે, આ જ્યોતિર્લિંગની સ્થાપના સ્વયં હનુમાન પ્રિય ભગવાન શ્રીરામે કરી હતી. ભગવાન રામ દ્વારા સ્થાપિત કરવાના કારણે આ જ્યોતિર્લિંગને ભગવાન રામનું નામ રામેશ્વરમ આપવામાં આવ્યું છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગ સ્થાપિત કરવાનો સબંધ પૌરાણિક ઘટનાથી બતાવેલો છે. જેમાં, ભગવાન શ્રી રામે પોતાની પત્ની દેવી સીતાને રાક્ષસરાજ રાવણની કેદથી મુક્ત કરવા માટે જે સમયે લંકા પર ચડાઈ કરી હતી , એ સમયે યુદ્ધ કરવાના પહેલાં શ્રી વિજયનો આશીર્વાદ મેળવવા માટે આ સ્થાન પર રેતથી શિવલિંગ બનાવી ભગવાન શિવની પૂજા કરી હતી. એ સમયથી આ જ્યોતિર્લિંગ હંમેશાં માટે અહીં સ્થાપિત થઇ ગયું.

મંદિરના બાવીસ કુંડમાંથી સૌથી પવિત્ર કુંડ અગ્નિર્તીથમ કુંડ છે, જેમાં યજ્ઞ કરવા પૂર્વે રામે અહીં સ્નાન કર્યું હતું. આ મંદિર દાયકાઓ અગાઉ માત્ર ચાર દીવાલો અને છતની સાથે ઊભું હતું, પરંતુ બારમી સદી બાદ આ મંદિરનું વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું હતું. ભારતમાં જેટલાં પણ મંદિરો આવેલાં છે એના કરતાં સૌથી લાંબો કૉરિડોર આ મંદિર ધરાવે છે.

આ ઉપરાંત અહીં બે શિવલિંગ છે, એક હનુમાનજીએ સ્થાપેલું અને બીજું સીતામાતાએ સ્થાપેલું. એની પાછળ એક પૌરાણિક વાર્તા છે, જેના પ્રમાણે રામ ભગવાને હનુમાનને વરદાન આપ્યું હતું કે પ્રથમ હનુમાન દ્વારા લાવવામાં આવેલા શિવલિંગનાં દર્શન કર્યા બાદ જ સીતામાતા દ્વારા સ્થાપિત કરવામાં આવેલા શિવલિંગની પૂજા થશે. એ પરંપરા આજે પણ ચાલી આવે છે. રામેશ્વરમમાં હનુમાન મંદિર છે, જ્યાં તરતો પથ્થર આજે પણ દર્શન માટે રાખવામાં આવેલો છે. આ સિવાય પણ અહીં ઘણાં મંદિરો આવેલાં છે જે દરેક અલગ-અલગ ઇતિહાસ ધરાવે છે.

શિવપુરાણ પ્રમાણે અહીં શ્રીરામએ લંકા પર ચડાઈ કરતાં પહેલા એક પથ્થરના પુલનું નિર્માણ કરાવ્યું હતું, જેના પર ચાલીને વાનરસેના લંકા પહોંચી હતી. ત્યારબાદ શ્રીરામે વિભિષણની વિંનતી બાદ ધનુષકોટિ નામના સ્થળે આ સેતુ તોડી નાંખ્યો હતો. આજે પણ જોવાથી રામસેતુનો કેટલોક ભાગ જોઈ શકાય છે.

રામસેતુની વાત કરીએ તો આ સેતુ ધનુષકોડીથી લઈને શ્રીલંકામાં આવેલા મન્નાર ટાપુ સુધીના ૩૦ કિલોમીટરના વિસ્તારમાં બાંધવામાં આવેલો છે. આ ૩૦ કિલોમીટરના પાણીનો વિસ્તાર અગાઉ છીછરો હતો. અહીંના પાણીનું ઊંડાણ ત્રણથી ત્રીસ ફીટનું હતું. તેમ જ વચ્ચે-વચ્ચે થોડી રેતાળ જમીન પણ હતી. એથી પહેલાં લોકો ચાલીને આ અંતર કાપી શકતા હતા, પરંતુ ૧૪મી સદીમાં આવેલા વિનાશક પૂરના લીધે આ પુલ પાણીની અંદર જતો રહ્યો છે. પરંતુ હજીયે અવકાશમાંથી લેવાતી તસવીરમાં આ પુલ દેખાય છે. જોકે વિદેશીઓ આ બ્રિજને ઍડમ બ્રિજ તરીકે ઓળખાવે છે. રામસેતુનો ઉલ્લેખ રામાયણ ગ્રંથ ઉપરાંત અનેક શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. આ પુલના લીધે આ સ્થાન પરથી વહાણો પસાર થઈ શકતાં નથી, એથી એને તોડી પાડવા માટે પણ ઘણા લોકોએ સૂચવ્યું હતું.

કેવી છે અહીંની કલાકારી

દક્ષિણ ભારતના મંદિરો તેની સ્થાપત્યકળા અને બાંધણી માટે વિખ્યાત છે. તેમાં પણ રામેશ્વરમનું રામનાથસ્વામી મંદિર તો ભારતીય નિર્માણ કલા અને શિલ્પકલાનું એક સુંદર નમૂનો છે. રામનાથસ્વામી મંદિરનું પૂર્વીય ગોપુરમ્ 173 ફૂટ ઊંચું છે. મદિરની અંદર ઘણા બધા વિશાળ થાંભલાઓ છે, જે દેખાવે તો એક જેવા લાગે છે પરંતુ, નજીક જઈને ઝીણવટપૂર્વક જોઈએ તો ખબર પડશે કે દરેક થાંભલામાં જુદીજુદી કારીગરી જેવા મળશે. આ કારીગરી, વાસ્તુકલા, શિલ્પશૈલીઓ વગેરે શૈવવાદ અને વૈણ્વવાદથી પ્રભાવિત છે.

આ ઉપરાંત, રામેશ્વરમમાં આવેલો ટીવીનો ટાવર દેશમાંનો સૌથી ઊંચો ટાવર છે. આ ટાવર ૩૨૩ મીટર ઊંચો છે. રામેશ્વરમ શહેર આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું હોમટાઉન પણ છે, જ્યાં તેમનું ઘર અને સ્કૂલ આવેલી છે જે તમને ધનુષકોડી જતાં રસ્તામાં જોવા મળશે. વિમાન માર્ગે આવવામાં મદુરાઈનું એરપોર્ટ સૌથી નજીક પડે છે તો ટ્રેન માર્ગ માટે પણ મદુરાઈ રેલવે સ્ટેશન જ સૌથી નજીક છે. વાયા ચેન્નઈ થઈને આવવા માગતા પ્રવાસીઓ ચેન્નઈથી મંડપમ રેલવે સર્વિસનો ઉપયોગ કરી શકે છે જે રામેશ્વરમની એકદમ નજીક છે.

સ્વામી વિવેકાનંદ ઈ.સ 1887માં રામેશ્વરમની મુલાકાતે આવ્યા હતાં. પ્રેમમાં જ ધર્મ સમાયેલો છે. શુદ્ધ અને સાચા મનથી કરેલા પ્રેમનો મહત્વનો છે. માનવી મન અને તનથી શુદ્ધ હોય તે જરૂરી છે. અન્યથા તે કોઈપણ તીર્થધામની યાત્રા કરે તેનો કોઈ જ મતલબ નથી. આ વાક્યો સ્વામી વિવેકાનંદે આ સ્થળની યાત્રા બાદ શ્રદ્ધાળુઓને સંબોધતા કહ્યાં હતાં. સ્વામી વિવેકાનંદ આ સ્થળથી ઘણા જ અભિભૂત થયા હતાં. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એસ. રાધાકૃષ્ણને રામેશ્વરમ મંદિરને અદભુત સ્થાપત્યકળા અને પરંપરાની પ્રેરણાના સમન્વય તરીકે ઓળખાવ્યું છે.

અહેવાલ: પરેશ ચૌહાણ