સકારાત્મક વિચારોનું સત્ય

લોકો પોતાના જીવનના ઊંડાણને ગુમાવી બેઠા છે, કારણકે તેઓ ફક્ત પોતાનું ધ્યાન તેમના માટે જે અનુકુળ છે, એ વાતને સકારાત્મક ગણી, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી અર્થહીન બની ગયા છે. તેમને દરેક વસ્તુઓ એકદમ ઝડપથી પ્રાપ્ત કરવી હોય છે. કોઈપણ વસ્તુ માટે અર્પણની ભાવનાનો અભાવ છે. ધારો કે કોઈને વૈજ્ઞાનિક બનવું છે. તો તેણે ઘણાં વર્ષો સુધી અભ્યાસ કરવો પડશે. કદાચ તે પોતાની પત્ની, કે બાળકો કે બીજું બધું ભૂલીને પોતાની જાતને સમર્પિત કરી દેશે. તો જ તેની માટે શક્યતાઓ ખુલશે, ભૌતિક સ્તર પર પણ આમ બને છે.

આવા સ્થિર કેન્દ્રિત ધ્યાનનો આધુનીક જગતમાં અભાવ છે, કારણકે આ પ્રકારનું શિક્ષણ ખુબ વ્યાપક છે: “ચિંતા કરશો નહીં, ખુશ રહો. બધું બરાબર છે. બસ મજા કરો” આ પ્રકારનું સુખ હંમેશા પડી ભાંગશે અને લોકો માનસિક રીતે બીમારીની સ્થિતિમાં મુકાશે. એક ખાસ લોકપ્રિય નિવેદન જે મને પશ્ચિમમાં ઘણું સંભાળવા મળે છે અને હવે તે ભારતમાં પણ પોતાની ઘણી પકડ જમાવી રહ્યું છે, તે એ છે, “ખુશ રહો અને વર્તમાન ક્ષણમાં જીવો.” કૃપા કરીને બીજી કોઈ ક્ષણમાં જીવીને મને બતાઓ. એમ પણ તમે આ ક્ષણમાં છો, તો તમે બીજે ક્યાં હોવાના છો? બધા લોકો આવું રટણ કરે છે કારણકે આ વિષે ઘણાં બધા પુસ્તકો લખાયેલા છે અને ઘણાં લોકો, કે જેમને કોઈજ અનુભવ કે સમજણ નથી તેઓ આવા અઢળક કાર્યક્રમો યોજે છે.

કર્મની કમાન (સ્પ્રિંગ)

જો તમે આવા લોકો જે હંમેશા “આનંદિત રહો”ની વાતો કરે છે તેમને જુઓ તો તેમની જીવનશૈલી પ્રમાણે થોડા વર્ષોમાં તેઓ હતાશ થઇ જશે. તમને આ વસ્તુ ઘણી ઊંડાણમાં પ્રહાર કરશે કારણકે તમારા કર્મનાં બંધારણ પ્રમાણે તમારી ઉર્જા જુદી જુદી શક્યતાઓ માટે ફાળવેલી છે. તે તમારી પીડા, તમારા દુઃખ, તમારી ખુશી, તમારા પ્રેમ, તેમ ઘણી રીતે વહેંચાયેલી છે, જેને પ્રારબ્ધ કહેવાય છે. તે માત્ર તમારા મનમાં નથી. કર્મ એ માહિતીનો સંગ્રહ અથવા ડેટા છે. તમારી ઉર્જા આ માહિતી સંગ્રહના પ્રમાણે કાર્ય કરી રહી છે. પ્રારબ્ધ દબાવેલી કમાન કે સ્પ્રિંગ જેવું છે જેણે પોતાની અભિવ્યક્તિ શોધવી પડશે. જો તે પોતાને વ્યકત નહીં કરી શકે અને તમે તેને વ્યકત થવાની મંજુરી નહીં આપો તો તે કોઈ અલગ જ રીતે પ્રગટ થશે.

દરેક વસ્તુ જેવી છે તેને તે જ રીતે જોવી, એ ઘણું અનિવાર્ય છે. તમે કોઈ વસ્તુ નામંજૂર ન કરો. જો દુઃખ આવે તો દુઃખ, ઉદાસી આવે તો ઉદાસી, ખુશી આવે તો ખુશી અને પરમાનંદ આવે તો પરમાનંદ, પણ એને મંજુર કરો. જયારે તમે આમ કરો છો તો તમે કોઈ વસ્તુને નકારતા કે તેને રોકવાનો પ્રયાસ નથી કરતા. આ સમયે બધું બની રહ્યું છે, પરંતુ તમે આ બધાથી મુક્ત છો.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.