ચાલો આપણે કહીએ કે બાળક માતા સાથે સૂઈ જાય છે. તે માતાના શરીરના આરામને જાણે છે. જેમ-જેમ તે મોટું થાય છે તેમ તમે બાળકને અલગથી રાખવા માંગો છો જે બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. અચાનક જો તમે તેને કોઈ અલગ પલંગ પર મૂકી દો, તો તે અસ્વસ્થતા અનુભવે છે. તેથી આપણે તેને પકડી રાખવા માટે એક ઢીંગલી આપીએ છીએ એને તે આરામદાયક લાગે છે. જેમ જેમ તે બાળક મોટું થાય છે, આ ઢીંગલી જે તેના માટે ખૂબ કિંમતી હતી તે જાતે જ અલગ થઈ જાય છે; તમારે તેને કહેવાની જરૂર નથી કે ઢીંગલીથી છૂટકારો મેળવ. પરંતુ જો તે બાળક ને જ્યારે તે ઢીંગલીની જરૂર હોય ત્યારે છીનવી લો, તો તમે બાળકના માનસ પર ખૂબ ઊંડા અર્થમાં નુકસાન પહોંચાડશો.
એ જ રીતે, અત્યારે કેટલાક લોકોને છબીની જરૂર છે. મૂર્તિ એ એક છબી છે જે તમે બનાવેલી છે, જે તમને લાગે છે કે ભગવાનની મૂર્તિ છે. જો તમારે કોઈનો હાથ પકડવાની અને ચાલવાની જરૂર હોય, તો તે કરો. જ્યાં સુધી તમે સમજો છો કે કોઈક દિવસ તમારે આમાંથી મુક્ત થવું પડશે, ત્યાં સુધી કોઈ સમસ્યા નથી. પરંતુ જો તમને લાગે કે આ ભગવાન છે, તો તમે મુશ્કેલીમાં છો. તમે ભગવાનની છબી બનાવો છો કારણ કે તમે તેની સાથે સંબંધ રાખવા માંગો છો. જ્યાં સુધી તમને તેની જરૂર હોય ત્યાં સુધી તમે તેનો ઉપયોગ કરો; પરંતુ તેનો ઉદ્દેશ તેમાંથી આગળ વધવાનો છે.
મૂર્તિ નિર્માણ એ એક વિજ્ઞાન છે જેના દ્વારા તમે ઉર્જાને એક વિશિષ્ટ રીતે પ્રગટ કરો છો જેથી તમારા જીવનની ગુણવત્તામાં વધારો થઈ શકે. જો તમે તેને આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો આપણે આજે જાણીએ છીએ કે બધુ એક જ ઉર્જા છે, પરંતુ વિશ્વમાં બધું એક સરખું નથી. તેથી આ સમાન ઉર્જા પ્રાણી જેવી હોઇ શકે છે અથવા દિવ્ય રીતે કાર્ય કરી શકે છે. મૂર્તિ નિર્માણનું એક આખું વિજ્ઞાન છે જ્યાં ચોક્કસ સામગ્રી સાથેનું એક ચોક્કસ સ્વરૂપ ચોક્કસ રીતે બનાવવામાં અને ચોકકસ રીતે તેને ઉર્જાન્વિત કરવામાં આવે છે. તેમને સંપૂર્ણ રીતે જુદી જુદી શક્યતાઓ બનાવવા માટે વિવિધ મૂર્તિઓ વિવિધ રીતે બનાવવામાં આવે છે.
ભારતમાં પ્રાચીન મંદિરો પૂજા માટે બનાવવામાં આવ્યાં ન હતા. મંદિર નિર્માણ એ ખૂબ ઊંડૂ વિજ્ઞાન છે. ભારતીય પરંપરામાં, કોઈએ તમને કહ્યું ન હતું કે જો તમે કોઈ મંદિરમાં જાઓ તો તમારે પૂજા કરવી જોઈએ અને કંઈક માંગવું જોઈએ. તેઓએ તમને કહ્યું કે જો તમે મંદિરમાં જાઓ છો, તો તમારે થોડી વાર બેસીને આવવું જોઇએ કારણ કે ત્યાં ઉર્જા ક્ષેત્ર છે જે બનાવવામાં આવ્યું છે. સવારે તમે દુનિયામાં જાવ અને તમારા વ્યવસાયમાં લાગી જાઓ તે પહેલાં, તમે પહેલું કામ થોડા સમય માટે મંદિરમાં બેસો. જીવનના સકારાત્મક કંપનો સાથે પોતાને રિચાર્જ કરવાની આ એક રીત છે જેથી તમે વિશ્વમાં એક અલગ પરિપ્રેક્ષ્ય સાથે જાઓ.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.